Thursday, September 13, 2018

આ હતા એ આપણા ગુજરાતીના પ્રસિદ્ધ સાહિત્યકાર !


"સુખરૂ હોતા હૈ ઈન્સા આફ્તે સહને કે બાદ
રંગ લાતી હૈ હીના પથ્થર સે પીસને કે બાદ!"



(ડો. કાર્તિકની કલમેનાં 07.09.2018નાં ગતાંકથી ચાલુ.....)

બે વર્ષે પિતા અને બાર વર્ષે માતાને હમેંશ માટે ગુમાવી દેનાર, સદાય પોતાને 'એકલો' અનુભવતો બાળક ગટુ જીવનની કેવી કેવી વીટમ્બણાઓમાંથી પસાર થઈને જાતને ઘડે છે, એક સામાન્ય શ્રમજીવીમાંથી "શબ્દજીવી" કેવી રીતે બને છે, 
અ-શિક્ષિતોની દુનિયામાં રહી આપ-દીક્ષિત કેવી રીતે બને છે, અને શારીરિક યાતનાઓ સહીને જિંદગીરૂપી સંજીવનીની કેવી રીતે પ્રાપ્ત કરે છે એ આકૃતિને તાદૃશ કરવાનો આપ સૌ સમક્ષ હું માત્ર અને માત્ર પ્રયત્ન કરી રહ્યો છું. 

અત્યારે સુધી આપણે જોયું કે, માત્ર 6-7 વર્ષની ઉંમરે જે બાળક માવડિયો હતો એ એની માનો ખોળો છોડી, સાવ અજાણ્યા માણસની આંગળી પકડી અક્ષરજ્ઞાન પામવા નીકળી પડે છે. અને સંજોગોવશાત કુદરતના એક પછી એક વજ્રઘાત સહન કરી માત્ર આઠ ધોરણ સુધી ભણી શક્યા પછી જીવનની શાળામાં જાતને ઘડાવાનું શરુ કરે છે. 

કિશોરાવસ્થાથીજ આ મેં જે ઉપર ટાંક્યો છે એ શેર ગટુને બહુ ગમતો. અને વારે તહેવારે ચર્ચામાં એને જરૂરથી રજુ કરતો. ત્યાં સુધી કે જીવનના સફળ તબક્કામાં પાછળથી જયારે આકાશવાણી પર એમનો ઇન્ટરવ્યૂ પ્રસારિત થયો ત્યારે પણ એનો અનુવાદ કરીને બોલેલા કે, 'મારા સર્જનનો મુખ્ય સ્ત્રોત મારુ જીવન જ છે. બચપણથી માંડીને આજ ઘડી સુધી માનસિક કે શારીરિક રીતે જીવનમાં હું પીસાતો જ આવ્યો છું. બીજી બાજુ મહેંદીની જેમ જીવનનો રંગ પણ હું ધરતો જાઉં છું...!' અને પછી આ શેર ટાંકેલો.

આપણે જોયું કે 1930-33ના સમયગાળામાં અમદાવાદમાં ઓટલો મળી ચુક્યો હતો. ત્ત્યાંજ  એમને સમાચાર મળ્યા એમના મોટા ભાઈ ના અકાળે અવસાનનાં !! આ અવસાન પાછળ પણ આખો લેખ લખાઈ શકે એમ છે પણ એ પછી ક્યારેક! જે મોટાભાઈ એમને ભણાવવા માટે ખુબ ઉત્સુક હતાં અને ગટુને પણ મા પછી સૌથી વધુ લાગણી હતી એ માણસ પણ ઈશ્વરે એમની પાસેથી છીનવી લીધો. એમનું કારજ-પાણી કરવા ગયા ત્યાં વિધિએ બીજો એક ઝાટકો આપ્યો રેવા કરીને એમની ખાસ મિત્રના  મૃત્યુ નો....અને એમનું હૈયું કકળી ઉઠ્યું, " ભગવાને આ મોત શા માટે બનાવ્યું હશે? "

આમ એક પછી એક થાપટો ખાતા ખાતા 1936નું વર્ષ બેઠું. ભગવાન પણ કદાચ ગટુના સતત શ્રમભર્યા દિવસો જોઈને હવે થાક્યા હોવા જોઈએ. ગટુએ એમના જ એક મિત્ર પાસેથી પેલા બટુક - બાળગોઠિયા મિત્રનું સરનામું મેળવ્યું. મુંબઈનું એ સરનામું હતું. અને ત્યાં જવું ગટુ માટે અસંભવ હતું. એક પ્રસિદ્ધ કવિ ન્હાનાલાલના "ઉષા" નામે પુસ્તક ઉપર કાગળ રાખી ગટુ એ સમયે મુંબઈ કોલેજમાં પ્રોફેસર થઇ ચૂકેલા બટુકને મનોમન ઢાળ ઘૂંટી કવિતામાં પત્ર લખે છે: 

"મુંબઈ તણી સડકો ઉપર કંઈ મોજથી ફરતા હશો,
દરિયા તથા ડુંગર તણાં કંઈ કાવ્ય પણ કરતા હશો."

આ પત્રનો જવાબ આવવાની ભારોભાર અધીરાઈ સેવી. આઠ-દસ દિવસના અંતર ઉપર આશાનું લંગર નાખીને બેઠેલો આ ગટુ પાંચમા દિવસે ટપાલીએ આપેલા કવરને ધ્રુજતા હાથે ખોલે છે. 

શબ્દે શબ્દે બટુક ભૈબંધનો પ્રેમ ટપકતો હતો. મનમાં સંશય હતો કે આટ્લો મોટો પ્રોફેસર અને હવે તો એટલો જ મોટો સાહિત્યકાર એ આ સમાજના સાવ નીચલા ઠરે પડેલા માનવીનો એટલે કે ગટુનો મિત્ર હોય એવું કોઈ મને પણ ખરું? વળી પાછું ગટુની જિંદગી અને સાહિત્યને ક્યાંય સુધી ન્હાવા-નીચોવાનો સંબંધ સુદ્ધાં નહોતો!! 

બટુકે લખેલું કે એ નજીકના ભવિષ્યમાં જ અમદાવાદ આવશે અને ત્યારે તેને મળવાની તક પણ મળશે. અને લખ્યું પણ ખરું કે અમદાવાદમાં ટૂંકમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન મળવાનું છે ત્યાં હું આવીશ. એક દિવસ ગટુએ છાપામાં વાંચ્યું, " 01.11.1936ના રવિવારથી ત્રણ દિવસ સુધી અમદાવાદમાં ગાંધીજીના પ્રમુખપદે મળી રહેલું ગુજરાતી સાહિત્ય પરિષદનું બારમું અધિવેશન. " 

ગટુભાઈ પહોંચી ગયા. અધિવેશનના પહેલા દિવસે પ્રેમાભાઈ હોલના પગથિયાં પર અધીરાઈભર્યા ગટુને હોલમાંથી નીકળતા ગાંધીજીના દર્શન થયા. ચાર વાગ્યાની નોકરી હતી. અને સામે જ ભદ્રના ટાવરે ઘડિયાળનો કાંટો તો ક્યારનોય એને વટાવી ચુક્યો હતો. સભા વિખરાઈ, માણસોનો ધોધ વછૂટ્યો. અને ત્યાં તો ગટુની પારખું નજરે પેલા બટુકને પારખી લીધો.  

ખાદીનું ધોતિયું, શર્ટ, કોટ ને ટોપીમાં સજ્જ ખરેખર સુંદર લાગતા બટુક, અડખે પડખે બે ભાઈઓ સાથે વાતચીત કરતા કરતા આવતા હતા.  સામે હાથ જોડીને ગટુ ઉભો રહે છે. અંદર શર્ટ નાખીને ચડ્ડી પહેરેલા આ જુવાનને બટુક તરત ઓળખી જાય છે. ખભે હાથ મૂકીને વાતે ચડ્યા. હોલ નીચેની એક હોટેલમાં બેસવાનું સૂચવ્યું. બટુક અને તેમના મિત્રોની પાછળ આ ગટુ સાયકલ દોરતો દોરતો ગયો. નોકરી પાર ચડવાનું એક બાજુ મોડું થતું હતું. અને કામ તો મિત્રને મળીને હરખાવા પૂરતું જ હતું ને!! ચા આવતાની સાથે જ ગટગટાવી ગયા. નિરાંતે મળી શકાય કે કેમ? એવું પૂછ્યું. એના જવાબમાં બટુકે ગટુનાં હવે પછીના જીવનમાં વળાંક લાવી નાખતા બે જ શબ્દો કહ્યાં, 

" તમે લખો!! "
"શું લખું ?
" જે આવડે તે."
" તમે મુંબઈ રહો છો, મને ખરાખોટાની કેમ ખબર પડે? "
"આ રહ્યા તમારા માર્ગદર્શક, એમને દેખાડવાનું !!

ગટુએ એ માર્ગદર્શક સામે જોયું, મલકાતો ચેહરો હતો અને રવિવારના સવારના સમયે ફરી મળવાનું નક્કી પણ કર્યું. આ માર્ગદર્શકનો એમની સાથેનો ફોટો અહીં નીચે રજુ કરું છું...



( વાંચનારને ખબર પડે એ સારું, કે આ લખી રહ્યો છું એ હુંય આવી જ રીતે આ પ્રવાહમાં સરી પડ્યો છું. મને પણ આ બટુકની જેમ જ કોઈએ એક દિવસ કહ્યું કે "તમે લખો !!", મેં પણ આશ્ચર્ય સાથે જ કહેલું, " શું લખું ?" જવાબ પણ એ જ મળ્યો, " તમને જે આવડે છે એ જ લખો ! લોકોને ગમશે !!")

ગટુને આજ દિનસુધી લખવાનો વિચાર સુદ્ધાં નહોતો આવ્યો, વાંચન પણ મર્યાદિત. બટુકે લખવાનું કહ્યું એટલે વિચાર્યું કે બટુક જે લખે છે એ મુજબ જ પદ્ય-સાહિત્યમાં ઝંપલાવાનું હશે. અને પેલા માર્ગદર્શક પણ પોતાને લખતો કરવાની બાબતમાં ગંભીર જણાયા. 

ને પછી તો લંગડાને પાંખો મળી !! દર રવિવારની રાજાએ આ ઉત્સાહી જુવાન પંદર રૂપિયામાં રાખેલી સેકન્ડ હેન્ડ સાયકલ લઈને એલિસબ્રિજથી  મણિનગર ભણી ફટાકરી મૂકે અને પેલા માર્ગદર્શકને કાવ્ય રૂપી જોડકણાં  સંભળાવે. ધીમે ધીમે પોતાના સ્વરમાં રાગમાં ગાઈને સંભળાવે, પણ પેલા હિમગિરિ સરખા માર્ગદર્શકના ચેહરા પર રાજીપાનો એક અંશ પણ જોવા મળે નહિ!! એમનું મસ્તિષ્ક આનંદથી સહેજેય ડોલે નહિ. છેવટે ગટુ વાત પામી ગયો. કવિતા- પદ્યમાં માલ નથી. 

અને પૂછ્યું, " વાર્તા લખું ? " માર્ગદર્શકે દરવખતની જેમ પ્રોત્સાહન આપ્યું અને પહેલી જ વાર્તા જેવી સંભળાવી એ હિમગિરિ ડોલવા લાગ્યો!! રાજીપો છલકાયો. અને ગટુની પ્રથમ વાર્તા જ માર્ગદર્શકે એ વખતના પ્રખ્યાત અઠવાડિક સામાયિક "ફૂલછાબ" માં પ્રકાશિત કરવા માટે મોકલાવી. 

આ વાર્તા હતી, "શેઠની શારદા" !!

અને આ માર્ગદર્શક હતાં, કવિ "શ્રી સુન્દરમ"!!

અને પેલો બટુક કે જે પેલા ગટુના ઈશારે શાળામાં ચાલતો અને જેણે ગટુને એના જીવનની સાચી દિશા નિર્દેશ કરી એ હતા, કવિ "શ્રી ઉમાશંકર જોશી" !!

અને ગટુમાંથી હવે જેનો ઉદય થયો એ વાર્તાકાર અને આપણા ગુજરાતીના પ્રસિદ્ધ સાહિત્યકાર હતા એ હતા, શ્રી પન્નાલાલ પટેલ !! 

હવે, ખરી પરીક્ષા ચાલુ થઇ. એમના મિત્રોએ કહ્યું આ અઠવાડિક નહિ પણ કોઈ માસિકમાં અને એમાંય જયારે "પ્રસ્થાન"માં તમારી વાર્તા આવે તો જ તું સાચો વાર્તાકાર!! પન્નાલાલને ખબરેય નહોતી કે સાહિત્યની દુનિયામાં અઠવાડિક, પાક્ષિક-પખવાડિક કે માસિક જેવું ય કઈ હોય છે. નામો તો દૂરની વાત છે.  એટલે સુંદરમને જઈને પૂછ્યું, " આ પ્રસ્થાન એ બહુ અઘરું માસિક છે ?" 

રામનારાયણ પાઠક એનું સંકલન કરતા. એટલે સુન્દરમે હસીને પાઠકજીની વિદ્વતાના અને કડક પરીક્ષાના વખાણ કર્યા. પણ પન્નલાલનો ઉત્સાહભંગ થતો જોઈને એમની "કંકુ" વાર્તા સાથે એક ચિઠ્ઠી લખી એમને મળવા જવાનું કહ્યું. 

પણ એ વાર્તા છાપવાને બદલે પાઠકજીએ સુંદરમને વળતો જવાબ લખ્યો, "વાર્તા સારી છે, પણ આજકાલ વિષયની નિર્બળતા ઉપર ઝાઝા ભાગની વાર્તાઓ લખાય છે, એ ભાઈને કહેજો કે કોઈ બીજી હોય તો મોકલે !!" 

અને આ જ નકારાયેલી વાર્તા પરથી ગુજરાતી ભાષામાં એક બહુચર્ચિત અને પ્રખ્યાત ફિલ્મ બની "કંકુ" !! જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક માઈલસ્ટોન ગણાય છે !!

એ પછી માનવીની ભવાઈ પણ એમની જ એક વાર્તાનું ફિલ્મ રૂપાંતર છે. 

" કોઈ પણ બાબતની કદી બડાઈ ન કરશો, તમારા કાર્યને જ તમારા વતી બોલવા દો. " -- આવું પન્નલાલ પટેલ જ્ઞાનપીઠ પુરસ્કારના સ્વીકાર-પ્રવચનમાં બોલેલા. 

"એકલો" નામનું બિરુદ એમના દોસ્તો તરફથી  મેળવનાર એમની શરૂઆતની નવલકથાનું નામ પણ "એકલો" રાખે છે.... અને એકલોથી આરંભાયેલી જીવનના અફાટ ભરતી-મોજાનો સામનો કરવાની યાત્રા ઝાઝી વેદના સાથેની, થોડીક રંગીન જિંદગીની આ કથા એમની જ આત્મકથનાત્મક નવલકથા "જીંદગી-સંજીવની"માં આલેખાઈ છે.  જેમાંથી અસંખ્ય જીવોને પ્રેરણા મળી રહે એ હેતુ થી અહીં મારા શબ્દોમાં એને રજુ કરી છે. 

આશા છે કે આપને ગટુની આ જીવન-કથા વાંચવી ચોક્કસ ગમી હશે. આવતા શુક્રવારે આપણા જ એક કલાકાર-કસબીની નવી વાત લઈને મળીશું.....

---- ડો. કાર્તિક શાહ. 

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...