Sunday, May 29, 2016

પીઝઝા ના એ આઠ ટુકડા..........

પીઝઝા ના એ આઠ ટુકડા..........


ઘણા સમય પહેલા હિન્દી માં વાંચેલી એક પોસ્ટ આપની સમક્ષ અહી રજુ કરું છુ. સારી લાગે તો અચૂક શેર કરજો

પત્ની એ કહ્યું – આજે ધોવા માટે વધારે કપડા નહિ કાઢતા કામવાળી બે દિવસ નહિ આવે...
પતિ: કેમ???

પત્ની: ગણપતી ના તહેવાર માટે તે તેની દીકરી ના છોકરાઓ ને મળવા જવાની છે. અને હા ગણપતિ ના તહેવાર માં તેને 500 રૂપિયા આપું બોનસ??
પતિ: કેમ?? હમણાં દિવાળી આવે જ છે ને ત્યારે આપશું

પત્ની: અરે ગરીબ છે બિચારી, દીકરી ને મળવા જાય છે તો તેને પણ સારું લાગશે અને આ મોંઘવારી માં આટલા પૈસા થી એ શું તહેવાર ઉજવશે?
પતિ: તું પણ જરૂર થી વધારે દયાળુ થઇ જા છો

પત્ની: ના ચિંતા નહિ કરો આજે આપણે પીઝઝા ખાવા જવાનો પ્રોગ્રામ હતો એ હું કેન્સલ કરી નાખું છુ. વાંસી પાવ ના એ 8 ટુકડા માં ખાલી ખોટા 500 રૂપિયા ઉડી જશે.
પતિ: વાહ...અમારા મોઢા માંથી પીઝઝા છીનવી ને બાઈ ની થાળી માં???


ત્રણ દિવસ પછી કચરું કાઢતી કામવાળી ને સાહેબે એ પૂછ્યું.
પતિ:કેમ રહી રજા?
કામવાળી: બહુ સારી રહી સાહેબ...દીદી એ 500 રૂપિયા આપ્યા હતા ને...તહેવાર નું બોનસ
પતિ: તો જઈ આવી જમાઈ ને ત્યાં?? મળી લીધું દીકરી અને છોકરાઓ ને
કામવાળી: હા સાહેબ મજા આવી, બે દિવસ માં 500 રૂપિયા ખર્ચી નાખ્યા
પતિ: એમ?? શું કર્યું 500 રૂપિયા નું???

કામવાળી: 
દીકરી ના છોકરા માટે ૧૫૦ રૂપિયા નો શર્ટ લીધો, 
બેબી માટે 40 રૂપિયા ની ઢીંગલી, 
દીકરી ને 50 રૂપિયા આપ્યા મીઠાઈ ના, 
50 રૂપિયા નો મંદિર માં પ્રસાદ ચઢાવ્યો, 
60 રૂપિયા તો આવવા જવા નું ભાડું થયું, 
25 રૂપિયા ની બંગડી દીકરી ને આપી, 
50 રૂપિયા નો બેલ્ટ જમાઈ ને આપ્યો 
અને વધેલા 75 રૂપિયા દીકરી ના છોકરાઓ ને આપ્યા બુક અને પેન્સિલ લેવા માટે કચરા પોતા કરતી વખતે પુરેપુરો હિસાબ એના મોઢે હતો!!!

પતિ: 500 રૂપિયા માં આટલું બધું????
મન માં જ વિચાર આવવા લાગ્યા....
તેની સામે 8 ટુકડા કરેલા પીઝઝા ફરી રહ્યા હતા અને દરેક ટુકડો જાણે ઝેર લાગી રહ્યો હતો...

પોતાના એ એક પીઝઝા ના ખર્ચ ની બરાબરી તે કામવાળી બાઈ ના તહેવાર ના ખર્ચ સાથે કરી રહ્યો હતો. 
‪#‎પહેલો‬ ટુકડો છોકરા ની શર્ટ નો, 
‪#‎બીજો‬ ટુકડો દીકરી ની મીઠાઈ નો, 
‪#‎ત્રીજો‬ મંદિર માં પ્રસાદ નો, 
‪#‎ચોથો‬ ભાડા નો, 
‪#‎પાંચમો‬ ઢીંગલી નો, 
‪#‎છઠ્ઠો‬ બંગડી નો, 
‪#‎સાતમો‬ જમાઈ ના બેલ્ટ નો 
અને ‪#‎આઠમો‬ બુક-પેન્સિલ નો.

આજ સુધી તેણે હમેશા પીઝઝા ની એક બાજુ જ જોઈ હતી ક્યારેય પણ પીઝઝા પાછળ થી કેવો દેખાય છે એ જોવાનો પ્રયત્ન નહોતો કર્યો.પરંતુ આજે આ કામવાળી બાઈ એ પીઝઝા ની બીજી બાજુ દેખાડી હતી...પીઝઝા ના એ આઠ ટુકડા આજે તેને જીવન નો અર્થ સમજાવી ગયા હતા.“જીવન માટે ખર્ચ” કે “ખર્ચ માટે જીવન” એને એક ઝાટકે સમજાય ગયું હતું.

Friday, May 27, 2016

રાષ્ટ્રપતિ શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણન


" સર, આપનું જ્ઞાન અગાધ છે. અહીં હિન્દુસ્તાનમાં આપની કોઈ જ કદર નહિ થાય. આપના જેટલું જ્ઞાન ધરાવતી વ્યક્તિ યુરોપમાં તો ખુબ જ આદર અને પ્રસિદ્ધિ પામે. આપ અહીં નકામા સમય વેડફી રહ્યા છો.", એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ કોલેજકાળના પોતાના પ્રાધ્યાપકની પ્રશંશા કરતા કહ્યું. એ ભૂતપૂર્વ વિદ્યાર્થી અત્યારે ખુબ મોટો આઈ.સી.એસ. અમલદાર બની ગયો હતો.

"ભાઈ, આપણા હિન્દુસ્તાનમાં શાની ખોટ છે? મને પરદેશનો બિલકુલ મોહ નથી.", પ્રાધ્યાપકે વળતા કહ્યું.

"આપને ભલે મોહ ના હોય, પણ આપશ્રીની પ્રગતિમાં રસ મારા જેવા આપના ભૂતપૂર્વ વિદ્યાર્થીને તો હોય જ ને ! કેમ્બ્રિજ કે ઓક્સફર્ડની ડિગ્રી લઈને અહીં આવશો એટલે તમારા માનપાન અત્યારે છે એના કરતા અનેક ગણા વધી જશે."

આ વાત અંગ્રેજોનું હિન્દુસ્તાન પર શાસન ચાલતું હતું એ સમયની છે. ત્યારે વિદેશનું આકર્ષણ ખુબ હતું. એ પ્રાધ્યાપકે ખુમારીપૂર્વક જવાબ આપતા કહ્યું: " ભાઈ, મેં અહીં હિન્દુસ્તાનમાં જ રહીને વિદ્યાભ્યાસ કર્યો છે. જે કઈ જ્ઞાન ની તમે પ્રશંશા કરો છો એ મને આ દેશે જ આપ્યું છે. મારા પર મારા દેશનું ઋણ છે, એ કઈ કેમ્બ્રિજ કરતા લગીરેય ઉતરતો નથી. હું ઇંગ્લેન્ડ જઈશ તો ત્યાંના વિદ્યાર્થીઓને ભણાવવા માટે જ નહિ કે ભણવા માટે....!!"

આ પછી 1927માં આ તથાકથિત યુનિવર્સીટી તરફથી એમને " અપ્ટન લેક્ચર સિરીઝ " માટે સામેથી આમંત્રણ મળ્યું...! આ તેજસ્વી પ્રાધ્યાપક એટલે ભારત ના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણન.

Friday, May 20, 2016

" દીકરી "

એક પિતાએ એની લાડક્વાયી દીકરીની સગાઇ કરી. છોકરો ખુબ સારો અને સઁસ્કારી હતો એટલે છોકરીનાં પિતા ખૂબ ખુશ હતા. વેવાઈ પણ માણસાઈ વાળા હતા એટલે છોકરીના પિતાને માથા પરથી મોટો બોજો ઉતારી ગયો હોય એવી હળવાશ અનુભવતા હતા.

એકદિવસ છોકરીના સાસરિયાં વાળાએ  વેવાઈને જમવા માટે તેડાવ્યા. તબિયત સારી ના હોવા છતાં છોકરીના પિતા એમના નવા વેવાઈના મહેમાન બન્યા. દીકરીના સાસરિયામાં એમને આદર સાથે આવકાર આપવામાં આવ્યો. વેવાઈ માટે ચા આવી. ડાયાબિટીસ હોવાથી ડોક્ટરે ખુબ સાવચેતી રાખવાનું કહેલું અને ખંડવાલી ચા પીવાથી મનાઈ કરેલી પણ નવા સંબંધીને ખોટું ના લાગે એટલે ચા લઈ લીધી. ચાની પહેલી ચૂસકી મારી તો બિલકુલ ઘર જેવી જ ચા હતી. ખાંડ વગરની અને ઈલાયચી નાંખેલી. છોકરીના પિતાને થયું મારા ટેસ્ટની આ લોકોને કેમ ખબર હશે ?

બપોરે જમવા બેઠા ત્યારે પણ બધી જ રસોઈ ડોકટરે જેવી સલાહ આપી હતી તે મુજબની જ હતી. બપોરની આરામની વ્યવસ્થા,  ઉઠીને તુરંત વરિયાળીનું પાણી બધી જ વ્યવસ્થા ઘર જેવી જ હતી.  છોકરીના પિતાને સમજાતું નહોતું કે નવા વેવાઈને આ બધી ખબર કેમ પડી? જયારે એમણે દીકરીના સાસરિયામાંથી વિદાય લીધી ત્યારે પૂછ્યા વગર ના રહી શક્યા કે મારે શું ખાવાનું છે ? શું પીવાનું છે ? મને કેવો ટેસ્ટ પસંદ છે ? આ બધી ખબર તમને કેમ પડી ?

દીકરીના સાસુએ કહ્યું , " કાલે સાંજે જ તમારી દીકરીનો મારા પર ફોન આવી ગયો હતો. એણે મને કહ્યું કે મારા પપ્પા એના સ્વભાવ પ્રમાણે કઈ બોલશે નહી પણ એની તબિયતને ધ્યાને લેતા કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમે મારા પપ્પાને સાચવજો." બાપની આંખ ભીની થઇ ગઈ.

છોકરીના પિતા ઘરે આવ્યો એટલે ડ્રોઈંગરૂમમાં રાખેલા સ્વર્ગવાસી માતાના ફોટા પરથી હાર ઉતારીને નીચે મૂકી દીધો. એના પત્નીએ પૂછ્યું," કેમ બાના ફોટા પરથી હાર ઉતારી લીધો." આંખમાં આંસુ સાથે પતિએ એની પત્નીને કહ્યું, " મને આજે ખબર પડી કે  મારુ ધ્યાન રાખનારી મારી માં ગઈ જ નથી. આ જ ઘરમાં હવે એ દીકરીના રુપે રહે છે."

મિત્રો, જેના ઘરમાં દીકરી હોય એને બે માનો પ્રેમ મળે છે એક જન્મદાત્રી મા અને બીજી દીકરીમાં રહીને બાપને જીવની જેમ સાચવતી મા. દીકરી એ માત્ર દીકરી જ નહી બાપની મા પણ હોય છે...!!!

"બા"

એક પરિવારમાં પતિ, પત્નિ અને તેના બે સંતાનો એમ બધા મળીને કુલ ચાર સભ્યો હતા. એક દિવસ સાંજે જમ્યા પછી પતિ-પત્નિ મકાનની છત પર બેસીને વાતો કરી રહ્યા હતા. પતિએ કહ્યુ, " ગઇકાલે બાનો મારા મોબાઇલ પર કોલ આવેલો. બા બહુ દુ:ખી લાગતા હતા. મોટાભાઇ અને ભાભી હવે બાનું બરોબર ધ્યાન રાખતા નથી...."

હજુ તો પતિ આગળ કંઇ બોલે એ પહેલા જ પત્નિએ વચ્ચેથી વાત કાપતા કહ્યુ, " મોટાભાઇ કે ભાભી બાનું ધ્યાન ન રાખતા હોય તો એમાં આપણે શું કરવાનું ? " પતિએ હળવેથી કહ્યુ, " હું વિચારું છું કે બાને આપણા ઘરે લઇ આવું. આ ઉંમરે આવી રીતે હેરાન થાય એ સારુ ન લાગે. હું જીવતો હોઉ અને બાને તકલીફ પડે એ કેમ ચાલે ? "

પત્નિએ જરા ઉંચા અવાજે કહ્યુ, " તમને બાની તકલીફનો વિચાર છે અને મારી તકલીફનો કોઇ વિચાર નથી આવતો ? બા આવશે એટલે મારુ કામ વધી જશે, મારી સ્વતંત્રતા છીનવાઇ જશે, મારે એમની સેવામાં રહેવું પડશે એ બધુ મને ન પોસાય માટે મહેરબાની કરીને આજ પછી આવી વાત કરતા જ નહી. તમને બહુ એવુ લાગતું હોય તો બા પાસે આંટો મારી આવજો પણ બા મારા આ ઘરમાં ના જોઇએ."

બીજા દિવસે પત્નિ કોઇ કામ માટે બહાર ગઇ એટલે પતિ બાને એમના ઘરે તેડી લાવ્યો. નીચેના રૂમમાં બા માટે રહેવાની વ્યવસ્થા કરી. પત્નિ જ્યારે બહારથી ઘરે આવી ત્યારે એમણે નીચેના રૂમનો કેટલોક સામાન બહારના હોલમાં પડેલો જોયો. એમણે પતિને પુછ્યુ, " આ સામાન રૂમમાંથી કેમ બહાર કાઢ્યો ? " પતિએ દબાતા અવાજે કહ્યુ, " મારાથી ન રહેવાયુ એટલે હું બાને તેડી લાવ્યો છું અને નીચેના રૂમમાં બાનો સામાન મુક્યો છે એટલે વધારાનો સામાન બહાર કાઢ્યો."

પતિની વાત સાંભળતા જ પત્નિનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. એ એમના પતિ પર રીતસરની તાડુકી " મને તમારી મા આ ઘરમાં એક દિવસ પણ ન જોઇએ. મહેરબાની કરીને એમને પાછા મુકી આવો નહીતર હું મારા પિયર મારી બા પાસે ચાલી જઇશ."

નીચેના રૂમમાંથી અવાજ આવ્યો, " બેટા, તારે મારી પાસે આવવાની જરૂર નથી હું પોતે જ અહીંયા આવી ગઇ છું. જમાઇ એના બાને નહી તારી બાને લાવ્યા છે કારણકે એના ભાઇ-ભાભી નહી તારા ભાઇ-ભાભી તારી બાને હેરાન કરતા હતા." પોતાની માનો અવાજ સાંભળીને પત્નિનો ગુસ્સો એક ક્ષણમાં અદ્રશ્ય થઇ ગયો. દોડતી રૂમમાં ગઇ અને દરવાજો ખોલ્યો. પોતાની માને નજર સામે જોતા જ રડતા રડતા એ એમની માને વળગી પડી.

પતિએ પત્નિ કહ્યુ, " તું તારી માને આટલો પ્રેમ કરે છે તો પછી મને મારી માને પ્રેમ કરવાનો કોઇ અધિકાર નથી ? "
દરેક સ્ત્રી પોતાના માતા-પિતાને જેટલો પ્રેમ કરે છે એટલો જ પ્રેમ જો એમના સાસુ સસરાને કરી શકે તો કોઇ દિકરા એના મા-બાપથી જુદા ન રહે. દિકરી તરીકે તમારા માતા-પિતાને તમારા ભાઇ અને ભાભી સાચવે એવું ઇચ્છો છો તો પછી વહુ તરીકે સાસુ-સસરાને સાચવવામાં શું તકલીફ પડે છે ?

સ્ટોરી નું મોરલ સમજાય તો શેર કરજો !!

Sunday, May 15, 2016

મોબાઈલ અને જીવનનું સામ્ય!


એક યુવાન જીવનથી ખુબ કંટાળેલો હતો. સુખ સુવિધાના તમામ સાધનો હોવા છતા પણ નિરાશા અને હતાશા એને સતત પરેશાન કરી રહી હતી.ફેસબુક પર હજારો ફ્રેન્ડસ હોવા છતા એને એકલતા કોરી ખાતી હતી. એકદિવસ એ કોઇ વિદ્વાન માણસને મળવા ગયો અને પોતાના જીવનની બધા પ્રશ્નો આ વિદ્વાન માણસ પાસે રજુ કરીને નિરાશા-હતાશાને દુર કરવાનો ઉપાય બતાવવા માટે વિનંતી કરી.


વિદ્વાન માણસે કહ્યુ, " ભાઇ તારી સમસ્યાઓનો ઉકેલ તારી પોતાની પાસે જ છે અને તું ઉપાય જાણવા માટે ભટકી રહ્યો છે." પેલા યુવાને વિદ્વાનને પ્રશ્ન કર્યો , " એ વળી કેવી રીતે ?" વિદ્વાને કહ્યુ , " તમે મોબાઇલનો ઉપયોગ કરો છો કે નહી?" સામે તુરંત જ જવાબ મળ્યો , " અરે મોબાઇલ વગર કેવી રીતે જીવી શકાય ! હું એક નહી ત્રણ-ત્રણ મોબાઇલ રાખુ છું"


વિદ્વાને વાતને આગળ વધારતા કહ્યુ , " આ તમારા મોબાઇલમાં કોઇના મેસેજ આવે તો પછી તમે શું કરો ? એ બધા જ મેસેજને સાચવીને રાખો ખરા?" યુવાને કહ્યુ, " ના મહારાજ, બધા મેસેજ સાચવીને રાખીએ તો મોબાઇલ કામ કરતો બંધ થઇ જાય અને આમ પણ બધા જ મેસેજ કંઇ કામના નથી હોતા. અમુક તો સાવ ફાલતુ હોય એને તો વાંચ્યા વગર જ ડીલીટ કરી નાંખું. જો સારા મેસેજ હોય તો મિત્રોને ફોરવર્ડ કરુ અને કેટલાક મેસેજ તો ખુબ જ સારા હોય તો એને સાચવીને રાખુ અને નવરાશના સમયે એને વાંચુ"

હવે પેલા વિદ્વાન માણસે યુવાનનો હાથ પકડીને કહ્યુ , " ભાઇ આ મેસેજની જેમ આપણા જીવનમાં પણ રોજ-બરોજ અનેક ઘટનાઓ બનતી રહે છે. જે ઘટનાઓ સાવ ફાલતુ હોય એને તુંરત જ ડીલીટ કરી દેવી. જે ઘટના સારી હોય એ આપણા પુરતી મર્યાદીત ન રાખતા મિત્રો વચ્ચે વહેંચવી અને કેટલીક ઘટનાઓ એવી હોય કે જેને હદયના ઉંડા ખૂણે સાચવીને રાખી મુકવી અને નવરાશના સમયે એ ઘટનાઓને વાગોળવી."

મિત્રો, આપણે બધા મોબાઇલનો ઉપયોગ કરીએ જ છીએ.મોબાઇલમાં આવતા ફાલતુ મેસેજને તુંરત જ ડીલીટ કરી નાંખનારા આપણે બધા જીવનની ફાલતુ ઘટનાઓને કેમ સેવ કરીને રાખીએ છીએ? અને જે સેવ કરવા જેવી ઘટનાઓ છે એને ડીલીટ કરી નાંખીએ છીએ. કોઇ બાળકે આપેલુ સ્મિત ભૂલાઇ જાય છે અને કોઇએ આપેલા અપશબ્દો જીંદગીભર યાદ રહે છે.

જૂલિયો ઇગ્લેસિયસનું દ્રઢ મનોબળ

જૂલિયો ઇગ્લેસિયસ (જન્મ: 23-09-1943)

સ્પેનની રાજધાની મેડ્રીડમાં તા. 23મી સપ્ટેમ્બર 1943ના રોજ જન્મેલો એક બાળક નાનપણથી ફુટબોલના ખેલાડી બનવાનું સપનું જોતો હતો.જ્યારથી સમજતો થયો ત્યારથી એણે પોતાની જાતને ફુટબોલ માટે સમર્પિત કરી. સ્પેનને પણ આ છોકરામાં ફુટબોલની રાષ્ટ્રીય ટીમ માટેનો એક શ્રેષ્ઠ ખેલાડી દેખાતો હતો.


કિશોરાવસ્થામાં જ એણે સ્પેનની ફુટબોલ ટીમમાં સ્થાન મેળવી લીધુ અને થોડા સમયમાં એ સ્પેનનો નંબર - 1 ગોલકીપર પણ બની ગયો. 1963ના વર્ષમાં મિત્રો સાથે બહાર ફરવા માટે ગયેલા આ યુવાનની કારનો અકસ્માત થયો અને એની કમરનો નીચેનો ભાગ કામ કરતો બંધ થઇ ગયો.


બે વર્ષ સુધી તે ચાલી શકે એવી સ્થિતીમાં પણ નહોતો. 18 મહીના સુધી તો પથારીવશ રહ્યો. આ સમયગાળા દરમ્યાન શરુઆતમાં એ ખુબ નિરાશ થઇ ગયો. પોતાના સપનાને રોળાતુ જોઇને એ ખુબ દુ:ખી થયો. તેની સેવામાં રહેલી નર્સે ઉદાસ યુવાનના જીવનમાં નવા રંગો પુરવા માટે એક ગીટાર ભેટમાં આપી. આખો દિવસ પથારીમાં બેસીને કંટાળેલા આ યુવાને ગીટાર વગાડવાનું શરુ કર્યુ.

ધીમે ધીમે ગીટાર વગાડવામાં એ નિપૂણ બની ગયો. હવે તો એ ગીતો પણ લખવા લાગ્યો. પોતે જ લખે , પોતે જ વગાડે અને પોતે જ ગાય. 1968માં સ્પેનમાં આયોજીત એક સંગિત સ્પર્ધામાં એણે લખેલ અને ગાયેલ ગીત " Life goes on the same " લોકોને ખુબ પસંદ પડ્યુ અને એ સ્પર્ધામાં એણે પ્રથમ ઇનામ જીત્યુ.

આ યુવાને હવે પોતાની બધી જ શક્તિઓ લેખન અને ગાયનના ક્ષેત્રે કેન્દ્રિત કરી જેના પરિણામે આજે એ વિશ્વના શ્રેષ્ઠ ગાયકોમાંનો એક ગાયક ગણાય છે. એણે ગાયેલા ગીતોના 30 કરોડથી વધુ આલ્બમ્સ વેંચાઇ ચુક્યા છે. જૂલિયો ઇગ્લેસિયસ કાર અકસ્માત બાદ ક્યારેય ફુટબોલ નથી રમી શક્યો પણ હતાશાને ખંખેરીને ફરીથી ઉભો થયો અને સંગિતનો બેતાજ બાદશાહ બની ગયો.

જીવનમાં મનગમતા ક્ષેત્રમાં આગળ વધવાની તક ન મળે તો જે ક્ષેત્રમાં જવુ પડે તે ક્ષેત્રને મનગમતુ કરીને જાતને સમર્પિત કરીએ તો આપણે પણ જૂલિયો ઇગ્લેસિયસ જ છીએ.

ગણગણી લે એ જે સહજ આપે,
રોજ ક્યાંથી એ જુદી તરજ આપે ?
- સંજુ વાળા

સાચી સમજ



એક કોલેજીયન છોકરી એની બહેનપણીઓ સાથે પીકનીક પર જઇ રહી હતી. છોકરીના પિતાએ પીકનીક પર જઇ રહેલી દીકરીને કહ્યુ, " બેટા, રાત્રે સમયસર પાછી આવી જજે." છોકરીને પપ્પાની આ વાત સહેજ ખટકી એટલે એણે એના પપ્પાને કહ્યુ, " પપ્પા, હું ક્યાંય પણ બહાર જાવ ત્યારે જાત-જાતની સુચનાઓ મને જ કેમ આપવામાં આવે છે ? ભાઇ જ્યારે બહાર જાય ત્યારે એને તો કોઇ સુચના આપવામાં નથી આવતી ! "

પિતાએ દિકરીના માથા પર હાથ ફેરવીને કહ્યુ, " બેટા, તારી મનોવેદના હું સમજુ છું, તું પણ મારી વેદનાને સમજવા માટેનો પ્રયાસ કર. " પિતા દિકરીનો હાથ પકડીને શેરીમાં લાવ્યા. જીઇબી વાળાનું કંઇક કામ ચાલતું હતું એટલે લોખંડની ઘણી વસ્તુઓ ત્યાં કેટલાક દિવસથી પડી હતી. પિતાએ દિકરીને આ વસ્તુઓ બતાવીને કહ્યુ, " બેટા, તને ખબર છે આ વસ્તુઓ ઘણા દિવસથી બહાર એમ જ પડી છે." છોકરીએ તુરંત જ જવાબ આપ્યો, " હા પપ્પા મને ખબર છે. "


પિતાએ દિકરીને કહ્યુ, " બેટા, આ જીઇબી વાળા લોખંડને એમ જ મુકીને જતા રહ્યા છે એના પર જો ખરોચ પડે તો ? " દિકરીએ હસતા હસતા કહ્યુ, " અરે પપ્પા, લોખંડ પર ખરોચ પડે તો એનાથી એના મૂલ્યમાં કોઇ મોટો ફેરફાર ન થઇ જાય." પિતાએ કહ્યુ, " બેટા, કોઇ ઝવેરી પાસે અત્યંત કિમતી હીરો હોય તો એ હીરાને આ લોખંડની જેમ રેઢો મુકી શકાય ? " છોકરીએ ના પાડી એટલે પિતાએ એમ ન કરવાનું કારણ પુછ્યુ.

દિકરીએ જવાબ આપતા કહ્યુ, " પપ્પા, હિરાના મૂલ્યને ધ્યાનમાં લઇને એની સલામતીની બધી જ વ્યવસ્થા કરવી જોઇએ. જો હીરામાં નાની ખરોચ આવે તો પણ એના મૂલ્યમાં બહુ મોટો ઘટાડો થાય. માટે લોખંડને રેઢુ મુકો એમ હીરાને રેઢો ન મુકી શકાય."

પિતાએ દિકરીને વહાલ કરતા કહ્યુ, " બેટા, તું મારો કિંમતી હીરો છે. તારા પર જરા સરખી પણ ખરોચ આવે તો તારુ અને આપણા પરિવારનું મૂલ્ય ઘટી જાય. બેટા હીરાની સલામતીની પુરી વ્યવસ્થા કરવાની હોય તો મારે મારા હીરાની સલામતીનો વિચાર નહી કરવાનો ? તારો ભાઇ લોખંડ છે એવું નથી પણ સમાજ દિકરી તરીકે તને તો હીરો જ સમજે છે.


મિત્રો, દિકરી એના બાપ અને પરિવાર માટે હીરા સમાન હોય છે અને એટલે જ બાપ અને પરિવાર દિકરીની સલામતીનો થોડો વધુ વિચાર કરે છે. સ્ત્રીસ્વાતંત્ર્ય બિલકૂલ ન છીનવાવુ જોઇએ પરંતું સ્વતંત્રતા , સ્વચ્છંદતા ન બની જાય એ જોવુ જોઇએ.

શિક્ષિકા હંસાબેન માઢક



એક શાળામાં શિક્ષકની વિદાયનો કાર્યક્રમ હતો. વર્ષો સુધી ગામડાની સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવીને વિદ્યાર્થીઓના વહાલા બહેન આજે વયમર્યાદાને કારણે નિવૃત થઇ રહ્યા હતા. શાળાના આચાર્ય, બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ કાર્યનિષ્ઠ શિક્ષકને વિદાય આપવા માટે શાળાના મેદાનમાં ભેગા થયા હતા.


નિવૃતિ લઇ રહેલા શિક્ષિકાની સેવાઓ યાદ કરીને બધા પ્રવચનો કરી રહ્યા હતા અને નિવૃતિ જીવન માટે શુભેચ્છાઓ આપી રહ્યા હતા. પ્રવચનો પુરા થયા એટલે શાળાના આચાર્ય તથા સૌ શિક્ષકોએ સાથે મળીને આ શિક્ષિકા બહેનને શાલ, શ્રીફળ અને સાકરનો પળો આપ્યો. કેટલાક શિક્ષકો એમના માટે ગીફ્ટ લાવ્યા હતા એ ગીફ્ટ પણ આપવામાં આવી.


સામે બેઠેલા વિદ્યાર્થીઓમાંથી એક છોકરી ઉભી થઇ અને શરમાતા શરમાતા બોલી, " મારે પણ મારા તરફથી બહેનને કંઇક આપવું છે ". આચાર્યએ એ છોકરીને આગળ બોલાવી અને કહ્યુ, " બેટા, તારે જે આપવુ હોય તે આપ." છોકરીએ પોતાના દફતરમાંથી એક નાનુ લંચબોકસ કાઢ્યુ અને પોતાના વહાલા બહેનને આપ્યુ. બધાને આશ્વર્ય થયુ કે આ છોકરી લંચબોક્ષમાં શું લાવી. શિક્ષિકાએ લંચબોક્સ ખોલ્યુ તો એમાં થોડી રોટલી અને ગોળ હતો. શિક્ષિકાએ છોકરીને પુછ્યુ, " બેટા, તું મારા માટે રોટલી અને ગોળ કેમ લાવી ? "

છોકરીએ આંખમાં આંસુ સાથે કહ્યુ, " બહેન, હવે તમે આ નિશાળ છોડીને દુર દુર તમારા ગામમાં જશો તમને ભૂખ લાગે તો તમે શું ખાશો ? એટલે હું તમારા માટે ખાવાનું લાવી છું. મારી મા તો મને નાની મુકીને જ મરી ગઇ હતી. હું નિશાળમાં ભણવા માટે આવી અને મને મારી મરી ગયેલી મા તમારા રૂપે પાછી મળી. એક મા પોતાની દિકરીનું ધ્યાન રાખે એમ તમે પણ મને દિકરી સમજીને મારુ ધ્યાન રાખ્યુ છે એટલે હવે મારી પણ ફરજ છે કે હું મારી માનું ધ્યાન રાખુ. આજે માત્ર મારા શિક્ષિકા જ નહી મારી માની પણ વિદાય છે. હું ફરીથી મા વગરની થઇ જઇશ."

નાની છોકરીની વાતો સાંભળીને બધાની આંખો ભીની થઇ ગઇ. એક બીજા શિક્ષિકા બહેને આ દિકરીને ઉપાડી લીધી અને કહ્યુ, " બેટા હવે અમે તારી મા બનીને તારુ ધ્યાન રાખીશું"

આ કોઇ વાર્તા નથી. ધારી પંથકના એક ગામની આ સત્ય ઘટના છે. આ શિક્ષિકાનું નામ છે હંસાબેન માઢક.

મિત્રો, માત્ર કરવા ખાતર કામ કરવું અને દિલ દઇને કામ કરવું આ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે. આપણને સોંપાયેલ કામ નિષ્ઠાપૂર્વક કરીએ ત્યારે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કેટલાય લોકોની બહુ મોટી સેવા પણ થતી હોય છે અને એ સેવાની યોગ્ય નોંધ પણ લેવાતી હોય છે

આત્મબળ અને પડકાર



એક રાજાને વિવિધ પ્રકારના પક્ષીઓ પાળવાનો શોખ હતો. એકવખત રાજા કોઇ બીજા રાજ્યની મુલાકાતે ગયા અને ત્યાંથી બે સરસ મજાના બાજ પક્ષી એમની સાથે લાવ્યા. બંને પક્ષી દેખાવમાં ખુબ સુંદર હતા. રાજાએ એ બંનેને તાલીમ આપીને બીજા બાજ પક્ષી કરતા જુદા પાડવાનું નક્કી કર્યુ.

પક્ષીઓને તાલીમ આપવા માટે રાજાએ એક ખાસ માણસની નિમણૂંક કરી. બંને બાજ પક્ષીઓને તાલીમ આપવાની એ નિષ્ણાંતે શરુઆત કરી. દિવસો પસાર થવા લાગ્યા. એક પક્ષી ખુબ સરસ રીતે આકાશમાં ઉડતું હતુ. ઉડતી વખતે જાતજાતના કરતબ પણ કરતુ હતુ જ્યારે બીજુ પક્ષી તો માત્ર ઝાડની ડાળી પર બેસી રહે.

તાલીમ આપનારાએ રાજા પાસે આવીને બધી વાત કરી. રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે જે કોઇ વ્યક્તિ પક્ષીને ઉડતુ કરી દેશે તેને 100 સોનામહોરનું ઇનામ આપવામાં આવશે. ઘણા નિષ્ણાંતો આવ્યા. જાત જાતની તરકીબો અજમાવી પણ પક્ષી ઉડવાનું નામ જ ન લે. બધાએ કંટાળીને પ્રયાસો છોડી દીધા.

એકદિવસ એક સાવ સામાન્ય જેવો દેખાતો ખેડુત રાજાને મળવા આવ્યો અને પક્ષીને ઉડતુ કરવાની જવાબદારી સંભાળવાની તૈયારી બતાવી. રાજાએ કહ્યુ , " ભાઇ , આ ક્ષેત્રના મોટા મોટા નિષ્ણાંતો પણ આ કામ કરી શક્યા નથી મને લાગે છે કે તું તારો અને મારો બંને નો સમય બગાડે છે. " ખેડુતે કહ્યુ , " મહારાજા , મને એક તક તો આપો. " રાજાએ ખેડુતની વાત માન્ય રાખી.

થોડા દિવસમાં પેલુ પક્ષી ખુબ સારી રીતે ઉડવા લાગ્યુ. રાજા સહીત બધાને આશ્વર્ય થયુ કે પેલા ખેડુતે એવું તે શું કર્યુ કે માત્ર થોડા દિવસમાં જ પક્ષીએ ઉડવાની શરુઆત કરી દીધી. કારણ જાણવા માટે રાજાએ ખેડુતને દરબારમાં બોલાવ્યો.તમામ દરબારીઓ પણ પક્ષીના ઉડવાનું રહ્સ્ય જાણવા માટે આતુર હતા.

ખેડુતે સ્પષ્ટતા કરતા કહ્યુ , " મહારાજ , પક્ષીને ઉડતુ કરવા મેં કોઇ વિશેષ પ્રયત્ન નથી કર્યા. પક્ષી સતત એક ડાળ પર બેસી રહેતુ આથી એ ડાળ સાથે એને વળગણ થઇ ગયુ હતુ. મેં એ ડાળ જ કપાવી નાંખી જે ડાળ પર એ બેસી રહેતું. હવે એની પાસે ઉડવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહોતો. "

આપણે પણ કમ્ફર્ટ ઝોનમાં રહેવા ટેવાયેલા હોવાને કારણે જ ઉડી શકતા નથી. ક્ષમતાઓ તો આપણામાં પણ એ બાજ પક્ષી જેવી જ છે પણ કોઇ નાના-મોટા સહારે બેઠા છીએ અને એટલે જ ઉડી શકતા નથી. તમે સમાજમાં એવા કેટલાય લોકોને જોયા હશે કે એની સહારારુપી ડાળી કપાવાની સાથે જ સફળતાના આકાશમાં મસ્તીથી ઉડતા હોય છે

દુઃખ:- એક ઈશ્વરીય સંકેત




એક ભાઇને બોર ખુબ ભાવે. માણસોને કેરી ભાવે પણ આ ભાઇને બોર કેરી કરતા પણ વધુ સ્વાદિષ્ટ લાગે. બોર જોઇને એ પોતાની જાતને રોકી જ ન શકે. એકદિવસ આ ભાઇ એના એક મિત્રની વાડીએ ગયા. મિત્રની વાડીમાં બોરડી પણ વાવેલી અને ખુબ સારા બોર આવેલા. પેલા ભાઇ તો સીધા જ બોરડી પાસે પહોંચી ગયા અને જાણે કે સાત જન્મના ભૂખ્યા હોય એમ બોર પર તુટી પડ્યા.

ઉતાવળે- ઉતાવળે બોર ખાવામાં બોરનો ઠળીયો અંદર જતો રહ્યો. ઠળીયો જો પેટમાં ઉતરી ગયો હોત તો તો બીજો કોઇ વાંચો નહોતો પરંતું એ અન્નનળીમાં ક્યાંક ફસાઇ ગયો. ઠળીયો ન તો બહાર આવે કે ન તો અંદર જાય. પેલા ભાઇ બરોબરની તકલીફમાં મુકાયા. આંખમાંથી આંસુ ચાલ્યા જાય અને કંઇ બોલી પણ ન શકાય. થોડીવાર પહેલાની મજા હવે સજામાં ફેરવાઇ ગઇ.

મિત્રની પરિસ્થિતી જોઇને ખેતરના માલીક એમના મિત્રને પોતાની ગાડીમાં લઇને હોસ્પીટલ પહોંચ્યા. ડોકટર દ્વારા તપાસ કરવામાં આવી પણ ઠળીયો ક્યાં સલવાયો છે તેની કંઇ ખબર પડતી નહોતી. ઠળીયાનું સ્થાન જાણવા માટે રેડીયોલોજીસ્ટ ડોકટરની સેવા લેવાનું નક્કી કરવામાં આવ્યુ અને દર્દીને રેડીયોલોજીસ્ટને ત્યાં રીફર કરવામાં આવ્યા.

રેડીયોલોજીસ્ટ ડોકટરે તમામ પ્રકારના ટેસ્ટ કર્યા અને ઠળીયા ક્યાં અટવાયો છે એ શોધી કાઢ્યુ. તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યુ અને ઠળીયો બહાર કાઢવામાં આવ્યો. એક નાનો ઠળીયો ગળામાં ફસાવાથી ભોગ બનનાર માણસને દિવસે તારા દેખાઇ ગયા અને એણે આવુ દુ:ખ આપવા માટે ભગવાનને ખુબ સંભળાવ્યુ.

અન્નનળીમાં ફસાયેલ ઠળીયો તો બહાર નીકળી ગયો પણ રેડીયોલોજીસ્ટ દ્વારા કરવામાં આવેલી તપાસમાં એક બીજી ગંભીર વાત બહાર આવી. તંદુરસ્ત દેખાતા આ ભાઇને કેન્સર પણ હતું. હજુ કેન્સર બીજા સ્ટેજ પર હતું એટલે એની યોગ્ય સારવાર ચાલુ કરી દીધી અને અમુક સમય પછી એ કેન્સર મુક્ત થઇ ગયા. જો આ ભાઇના ગળામાં ઠળીયો ન ફસાયો હોત તો એને કેન્સરની ખબર જ ન પડત અને કદાચ એ ભાઇ લાંબુ જીવી પણ ન શકત.


મિત્રો, જીવનમાં આવતા પ્રશ્નો અને દુ:ખો માત્ર અને માત્ર આપણને તકલીફ આપવા જ નથી આવતા ઘણીવખત આવા દુ:ખો કંઇક નવી ભેટ આપવા કે જીવનમાં નવો પાઠ શીખવવા પણ આવે છે. આપણે માત્ર આવી પડેલા દુ:ખને યાદ કરીને રડ્યા કરીએ છીએ પણ નાનકડા દુ:ખના બદલામાં ભવિષ્યમાં આવનારા કોઇ મોટુ દુ:ખ દુર થઇ ગયુ છે એની ખબર જ નથી. પ્રશ્નો અને પડકારો નુકસાનકારક જ નહી લાભદાયી પણ હોય છે.

નમે એ સૌને ગમે!


સાગરને મળી રહેલી નદી આજે ખૂબ પ્રસન્ન હતી.સાગરે નદીને પ્રસન્નતાનું કારણ પૂછ્યું.નદી કહે, ‘કેટલાંય વરસોથી વચ્ચે રહેલો એક પર્વત તને જલદી મળવામાં મને અંતરાય કરતો હતો. એ પર્વતને મેં વર્ષો પછી આજે તોડી નાખ્યો ! ચારેય બાજુ હું જાહેરાત કરતી આવી છું કે મારા રસ્તામાં જે કોઈ પણ અવરોધ કરશે તેના આ પર્વત જેવા હાલ-બેહાલ થઈ જશે.’


સાગર હસ્યો અને બોલ્યો , 'એક કામ કરીશ ? આ એક બાજુ નેતરની સોટીઓ ઊગી છે તેમાંથી બે-ચાર સોટીની મારે જરૂર છે, લાવી આપીશ ?’

નદી તો ઊપડી નેતરની સોટી લેવા.

ભારે જોશથી નેતર પર આક્રમણ કર્યું પણ નદી જેવી નેતર પર કૂદી કે તરત જ નેતરે પોતાની કાયા નમાવી દીધી. નદીનું પાણી રવાના થતાં નેતર વળી પાછું ઊભું થઈ ગયું. આ જોઈને નદી વધુ ગુસ્સે થઈ ગઈ. બમણા જોશથી નેતર પર કૂદી પણ પરિણામ એનું એ જ ! આખો દિવસ નદીનાં આક્રમણો ચાલુ રહ્યાં. નેતર ન તૂટ્યું ! હારી-થાકીને નદી સાગર પાસે આવી.

સાગરે પૂછ્યું , ‘કેમ બહેન ! નેતર ક્યાં ?’

નદી બોલી , ‘ન લાવી શકી. મને ખબર નથી પડતી કે આમ કેમ થયું ? પર્વતને હું તોડી શકી પણ આ નેતરને મૂળમાંથી હચમચાવી પણ ન શકી !’

‘જો, આ રહ્યું તેનું કારણ ! પર્વતને તું તોડી શકી; કારણ કે તેઅક્કડ હતો અને નેતરને તું તોડી ન શકી; કારણ કે તે નમી ગયું હતું !

મિત્રો ..." આ દુનિયામાં પર્વતની જેમ અક્કડ રહેનારાઓનાં પાણી ઉતારવાં સહેલાં છે; પરંતુ નેતરની જેમ સ્વયં નમી જનારાનાં પાણી ઉતારવાં સહેલાં નથી !"

કેરોલી ટાકસ


કેરોલી ટાકસ (૨૧.૦૧.૧૯૧૦ - ૦૫.૦૧.૧૯૭૬)


હંગેરીયન આર્મીમાં કેરોલી ટાકસ નામનો એક યુવાન ફરજ બજાવતો હતો. આ યુવાન પ્રીસ્ટલ શુટીંગમાં માસ્ટર હતો. એને તાકેલું નીશાન ક્યારેય ખાલી ન જાય. 1940ની સાલમાં રમાનારી વિશ્વ ઓલમ્પિકમાં પ્રીસ્ટલ શુટીંગમાં ભાગ લેવા માટે એ ક્વોલીફાઇ થયો. કેરોલી ખુબ ખુશ હતો કારણકે આવનારી ઓલમ્પિકમાં પ્રિસ્ટલ શુટીંગમાં એ ગોલ્ડમેડલ જીતશે જ એવો એમને પુરો વિશ્વાસ હતો. 

1938ની સાલમાં એના જીવનમાં એક દુર્ઘટના બની. 28 વર્ષનો કેરોલી એક ગંભીર અકસ્માતનો ભોગ બન્યો. એક ખામીવાળો હેન્ડગ્રેનેડ કેરોલીના હાથમાં જ ફુટ્યો અને એના જમણા હાથના ફુરચા ઉડી ગયા. બધાને એવુ લાગ્યુ કે કેરોલી હવે સાવ પડી ભાંગશે કારણકે પ્રિસ્ટલ શુટીંગની એની આવડત પર હવે પાણીઢોળ થઇ ગયુ હતું. જે હાથથી એ નીશાન તાકતો તે હાથ જ હવે એની પાસે નહોતો. 


કોઇપણ માણસ પડી ભાંગે એવી સ્થિતીમાં કેરોલીએ મનને મજબુત કરીને પોતાની પાસે શું નથી એનો વિચાર કરવાને બદલે શું છે એના પર ધ્યાન કેન્દ્રીત કર્યુ. જમણા હાથને બદલે એણે ડાબા હાથથી નીશાન તાકવાની શરુઆત કરી. 1939માં જ્યારે નેશનલ ચેમ્પીયનશીપનું આયોજન થયુ ત્યારે આ ચેમ્પિયનશીપ સ્પર્ધામાં કેરોલીને પણ આવેલો જોઇને તેના હરીફોને આશ્વર્ય થયુ. હરીફો એવુ માનતા હતા કે હવે કેરોલી આવી સ્પર્ધાઓથી કાયમ માટે દુર રહેશે. કેરોલી આ સ્પર્ધા જોવા આવ્યો છે એવુ માનનારા જ્યારે કેરોલી પાસે આવ્યા અને આવી સ્થિતીમાં પણ સ્પર્ધા જોવા આવવા બદલ અભિનંદન આપ્યા ત્યારે કેરોલીએ કહ્યુ, “ હું જોવા માટે નહી તમારો હરીફ બનીને સ્પર્ધામાં ભાગ લેવા માટે આવ્યો છું” આ સ્પર્ધામાં કેરોલીએ ભાગ લીધો, ડાબા હાથથી નીશાન તાકીને પણ એણે નેશનલ ચેમ્પીયનશીપ જીતી લીધી. 

હવે કેરોલીનું ધ્યાન આવતા વર્ષે આવનારી વિશ્વ ઓલમ્પિક પર હતું. એમણે જોરશોરથી તૈયારીઓ શરુ કરી પણ ભગવાન જાણે કે એની કસોટી કરતા હોય એમ બીજા વિશ્વયુધ્ધને કારણે 1940ની વિશ્વ ઓલમ્પિક કેન્સલ થઇ. હતાશ થયા વગર કેરોલીએ 1944ની વિશ્વ ઓલમ્પિકમાં ગોલ્ડમેડલ મેળવવાનું નક્કી કર્યુ. કુદરત પણ જાણે કે એમની કડક કસોટી કરતી હોય એમ વિશ્વયુધ્ધ લંબાયુ અને 1944ની વિશ્વ ઓલમ્પિક પણ રદ થઇ. 

હવે કેરોલીએ 1948ની વિશ્વ ઓલમ્પિક પર ધ્યાન કેન્દ્રીત કર્યુ. 1948ની ઓલમ્પિક વખતે કેરોલીની ઉંમર 38 વર્ષની હતી અને એના હરીફો યુવાન હતા આમ છતા ડાબા હાથે શુટીંગ કરીને એણે 1948ની ઓલમ્પિકમાં ગોલ્ડમેડલ મેળવ્યો અને સપનું સાકાર કર્યુ. 1952ની વિશ્વ ઓલમ્પિકમાં 42 વર્ષની ઉંમરે એણે પ્રિસ્ટલ શુટીંગમાં બે ગોલ્ડમેડલ મેળવ્યા અને દુનિયાને પોતાની અડગ આત્મશ્રધ્ધાનો પરિચય કરાવ્યો. 

મિત્રો, જીવનમાં બનતી એકાદી નાની એવી દુર્ઘટનાથી વ્યથીત થઇને આપણે હથીયારો હેઠા મુકી દઇએ છીએ ત્યારે કેરોલી આપણને સૌને હીંમત હાર્યા વગર લક્ષ સિધ્ધી તરફ આગળ વધવાની પ્રેરણા આપે છે.

સિંધુ તાઈ


સિંધુતાઈ (૧૪.૦૯.૪૮)

મહારાષ્ટ્રના વર્ધા જીલ્લામાં પીંપરી નામનું એક ગામ છે. આ ગામમાં એક સામાન્ય પરિવારમાં એક દિકરીનો જન્મ થયો. છોકરીને ભણવાની ખુબ ઇચ્છા પરંતું પરિવારની નબળી આર્થિક પરીસ્થિતીને કારણે માત્ર 4 ધોરણ સુધીનો અભ્યાસ જ કર્યો. હજુ તો 10 વર્ષની ઉંમર થઇ ત્યાં તેના લગ્ન કરી દેવામાં આવ્યા અને તે પણ ઉંમરમાં તેના કરતા 20 વર્ષ મોટા પુરુષ સાથે. 10 વર્ષની આ છોકરીએ પોતાનું નસીબ સમજીને 30 વર્ષના પતિને સ્વિકારી લીધો અને પિયરમાંથી સાસરીયે પ્રસ્થાન કર્યુ.


આ છોકરી 20 વર્ષની થઇ અને એના જીવનમાં સુખનો સુરજ ઉગ્યો. ભગવાને એની કુખમાં સંતાનનું સુખ રોપ્યુ. જેમ જેમ મહીના ચઢવા લાગ્યા તેમ તેમ આ યુવતીના ચહેરા પરનું તેજ વધવા લાગ્યુ. 9મો મહીનો પુરો થવા આવ્યો હવે બાળકના જન્મની ઘડીઓ ગણાતી હતી અને તે સમયે એના પતિએ તેણીને ઘરની બહાર કાઢી મુકી. કોઇ જાતના વાંક વગર આ ગર્ભવતી મહિલાને ઉપાડીને ઘરની બહાર ફેંકી દેવામાં આવી. ચાલી શકવાની કોઇ ક્ષમતા નહોતી એટલે ઘરના ફળીયામાં જ ઢોરને બાંધવાની જગ્યા સુધી એ માંડ પહોંચી શકી અને ત્યાં એક બાળકીને એણે જન્મ આપ્યો.


મદદ માટે આજુ બાજુમાં કોઇ જ નહોતું. બાળકની નાળ કાપવા માટે બાજુમાં પડેલા ધારદાર પથ્થરનો ઉપયોગ કર્યો અને તાજી જન્મેલી બાળકીને પોતાની સાથે લઇને આ યુવતી આવી હાલતમાં અમુક કીલોમીટર ચાલીને એના પિતાના ઘરે પહોંચી. પિતાના ઘરે પણ દિકરીને આવી હાલત હોવા છતા કોઇ અગમ્ય કારણસર સહારો ના મળ્યો. યુવતીને હવે આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો પણ માત્ર થોડી જ ક્ષણોમાં એણે આ નબળા વિચારને મનમાંથી હાંકી કાઢ્યો.

પોતાની અને દિકરીની ભૂખ ભાંગવા માટે એણે રેલ્વે સ્ટેશન પર ભીખ માંગવાની શરુઆત કરી. ભીખમાંગવાની આ પ્રવૃતી ચાલુ કર્યા પછી એના ધ્યાન પર આવ્યુ કે બીજા કેટલાય અનાથ બાળકો માતા-પિતાનું છત્ર ગુમાવવાના કારણે ભીખ માંગવાનું કામ કરે છે અને નરકથી પણ બદતર જીવન જીવે છે. એકલતા અને સમાજમાંથી તિરસ્કૃત થવાની પીડા આ યુવતીએ ખુદ અનુભવી હતી એટલે એણે આવા અનાથ બાળકો માટે કંઇક કામ કરવાની પ્રેરણા થઇ. એણે આવા અનાથ બાળકોને દતક લેવાનું ચાલુ કર્યુ. પરિવારથી તિરસ્કૃત આ યુવતીએ ભીખ માંગીને બચાવેલી રકમમાંથી આ બાળકોના અભ્યાસ માટેની વ્યવસ્થા કરી. જે બાળકો ભીખ માંગતા હતા તે હવે ભણવા લાગ્યા. ધીમે ધીમે બાળકોની સંખ્યા વધતી ગઇ અને આ યુવતીનો પરિવાર મોટો થતો ગયો.

આજે આ યુવતીને બધા “ સિન્ધુતાઇ “ તરીકે ઓળખે છે. એમની ઉંમર 68 વર્ષની છે. આજે પણ એ અનાથ બાળકોને દતક લઇને એમના ભણવાની વ્યવસ્થા કરે છે. કોઇ પાસેથી કોઇ પ્રકારની મદદ લીધા વગર 1400થી વધુ બાળકોને મા બનીને સાચવે છે. એમના કેટલાય દિકરા-દિકરીઓ આજે ડોકટર, એન્જીનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે સરકારી અમલદારો બની ગયા છે. સિન્ધુતાઇ માત્ર બાળકોને દતક લેવાનું જ કામ નથી કરતા પરંતું તેના અભ્યાસની બધી જ વ્યવસ્થા કરે છે. ઉંમર લાયક થાય ત્યારે દિકરા-દિકરીને પરણાવે છે. આજે સુન્ધુતાઇને 207 જમાઇ છે અને 36 પુત્રવધુઓ છે. તમામ અનાથ બાળકોને સાચવવા માટે હવે સિન્ધુતાઇ પ્રવચનો આપે છે અને એમાંથી જે કંઇ આવક થાય એ આવકમાંથી એમના દિકરા-દિકરીઓ માટે રહેવા-જમવા-ભણવાની બધી વ્યવસ્થા કરે છે.

કરોડોના કૌભાંડ કરનારા હરામીઓ મીડીયાની નજરમાં બહુ આવે છે. છાપાઓમાં એના નામની હેડલાઇન હોય છે અને ટીવી ન્યુઝ ચેનલમાં બ્રેકીંગ ન્યુઝમાં વારંવાર એની વાતો થાય છે. આપણને કોઇને સુન્ધુતાઇ જેવી સંઘર્ષ કરનારી અને અદભૂત સેવા કરનારી સ્ત્રીની ખબર જ નથી.


સો સો સલામ આ સાક્ષાત સેવામૂર્તિને...........

સંત એકનાથ

સંત એકનાથ (૧૫૩૩-૧૫૯૯)

જનાર્દન સ્વામીના ઘણા શિષ્યો પૈકીના એક સંત એકનાથ હતા. ગુરુજીએ દરેક શિષ્યોને કંઇકને કંઇક જવાબદારી સોંપી હતી. સંત એકનાથને હિસાબ-કિતાબનું કામ સોંપવામાં આવેલુ. ગુરુ આદેશથી મળેલી સેવા સંત એકનાથ દિલ લગાવીને કરતા હતા.

એકદિવસ સાંજે સંત એકનાથ હિસાબ કરવા બેઠા પણ હિસાબમાં એક પાઇની ભૂલ આવતી હતી. ખુબ પ્રયાસ કરવા છતા પણ ભૂલ મળતી નહોતી. જમવાનો સમય થયો તો એકનાથજી જમવા માટે પણ ન ગયા. ભૂલ શોધવામાં સવાર પડવા આવી પણ ભૂલ મળતી નહોતી.

વહેલી સવારે ગુરુ જનાર્દન સ્વામીની આંખો ખુલી તો એમણે જોયુ કે બાજુના ઓરડામાં દિવો બળે છે. આટલી વહેલી સવારે કોણે દીવો કર્યો હશે એ જોવા માટે જનાર્દન સ્વામી બાજુના ઓરડામાં ગયા. સંત એકનાથ એકચિતે હિસાબ મેળવી રહ્યા હતા. ગુરુજી ઉભા છે એની એને જાણ પણ નહોતી. જનાર્દન સ્વામી સમજી ગયા કે એકનાથ હિસાબમાં કંઇક ગોટે ચડ્યા છે અને આજે આખી રાત આ હિસાબમેળમાં જ કાઢી છે.


સંત એકનાથને બરાબર એ જ સમયે ભૂલ મળી ગઇ અને એ નાચી ઉઠ્યા. ચોપડો અને કલમ નીચે મુકીને એ નાચવા લાગ્યા. તાળી વગાડતા જાય અને નાચતા જાય. જનાર્દન સ્વામીએ અતિ આનંદનું કારણ પુછ્યુ એટલે એકનાથજીએ કહ્યુ, " ગુરુદેવ આજે હિસાબમાં એક પાઇની ભૂલ આવતી હતી તે ભૂલ શોધવા માટે સાંજનો બેઠો છું ખુબ મહેનત કરી ત્યારે અત્યારે ભૂલ મળી એટલે ખુબ આનંદ થયો."

જનાર્દન સ્વામીએ કહ્યુ, " તને ખાલી એક પાઇની ભૂલ મળી તો પણ કેટલો આનંદ થયો. બસ આવી જ રીતે માણસ પણ એમના જીવનમાં થતી ભૂલોને શોધીને સુધારી શકે તો એને કેવો આનંદ મળે ? "

મિત્રો, ભૂલોને શોધીને સુધારવાનો આનંદ પણ લેવા જેવો છે.

કાનજી રવજી


નાના એવા શહેરના મુખ્ય રસ્તા પરથી બેફામ ઝડપે પસાર થતી એક અમીરની મોટરગાડીને પાછળથી એને આંબી ગયેલા મોટર સાયકલ-સવાર પોલીસે ઊભી રખાવી. હાંકનાર સન્નારીના નામઠામ એણે પોતાની ડાયરીમાં નોંધવા માંડ્યા એટલે બાનુ જરા ગરમ થઈને બોલ્યાં : ‘તમે વધારે કંઈ લખો એ પહેલાં એટલું જાણી લેજો કે આ ગામના નગરપતિ મારા મિત્ર છે.

એક પણ શબ્દ બોલ્યા વિના પોલીસે નોંધ ટપકાવવાની ચાલુ રાખી. ‘અહીંના પોલીસ ઉપરી પણ મને સારી રીતે ઓળખે છે.’ સન્નારીએ આગળ ચલાવ્યું. એમના મિજાજનો પારો ચડતો જતો હતો. તે છતાં પોલીસે તો ડાયરીમાં લખવાનું ચાલુ રાખ્યું. ‘ભલા આદમી હું તમારા મેજીસ્ટ્રેટને અને અહીંના ધારાસભ્યને પણ સારી રીતે ઓળખું છું.’

નોંઘ પૂરી કરી ડાયરી બંધ કરતા પોલીસે અંતે મધુરતાથી પૂછ્યું, ‘હવે કહો જોઈએ તમે કાનજી રવજીને પણ ઓળખો છો ?’


‘ના !’ બાનુએ કબૂલ કરતાં અચરજ બતાવ્યું. ‘ત્યારે ખરી જરૂર તમારે એની ઓળખાણની હતી.’

પોતાની મોટરસાયકલ પર ચડતાં તેણે કહ્યું અને ઉમેર્યું, ‘હું કાનજી રવજી છું!!!'