Thursday, May 5, 2016

સંત તિરૂવલ્લુવર



સંત તિરૂવલ્લુવર

દક્ષિણ ભારત ના વિખ્યાત સંત તિરુવલ્લુવર કાપડ વણીને વેચવાનો ધંધો કરતા. કાપડ વેચવા માટે ફરતા એ સંત પુરુષના શાંત સ્વભાવની અને ભક્તિભાવની લોકો ખુબ પ્રશંશા કરતા. એક દિવસ એક તોફાની જુવાનને એમની ટીખળ કરવાનું મન થયું.

કાપડ વેચવા નીકળેલ સંતને ઉભા રાખીને તેણે એક સાડીનો ભાવ પૂછયો.

' બે રૂપિયા ', સંતે કહ્યું.

તરત જ પેલા યુવાને એક સાડી લઈને ફાડી નાખી અને એના બે ટુકડા કરીને પૂછ્યું, આમાંનો એક ટુકડો લેવો હોય તો શું ભાવ ?

'એક રૂપિયો ', સંતે તદ્દન શાંતિથી કહ્યું.

પેલા જુવાને તો એના પણ બે ટુકડા કરી નાખ્યા અને ફરી એમાના એક ટુકડાનો ભાવ પૂછ્યો. અને સંત તિરુવલ્લુવર એ શાંતિથી એનો પણ ભાવ કહ્યો.

એમ ને એમ પેલો સાડીને નાના નાના ટુકડાઓમાં ફાડતો રહ્યો અને પછી બોલ્યો,  ' પણ હવે આ નાના ટુકડા તો મારે કંઈ કામમાં નહિ આવે, હું લઈને પણ શું કરું??'

"બરાબર છે ભાઈ." તિરૂવલ્લુવર કશા જ હિચકીચાટ વિના બોલ્યા, "આ ટુકડા તારે કશા જ કામના નથી. પણ હું એને સાંધીને ફરી આખી સાડી બનાવી દઈશ. એનું પણ કોઈ લેનાર મળી જશે."

સંતનો એ જવાબ સાંભળીને પેલો જુવાન ખસિયાણો પડી ગયો અને બોલ્યો, " મહારાજ, આ ટુકડા તમને પણ કાંઈ કામમાં આવશે નહિ. મને માફ કરો. લ્યો, હું તમારી સાડીની કિંમત ચૂકવી દઉં છું..."

પણ સંત તિરૂવલ્લુવર એ પૈસા લેવાની ના પાડતાં કહ્યું, " જે વસ્તુ તને કશા જ કામ માં આવાની નથી તેના પૈસા હું તારી પાસેથી લઈને હું શું કરું ? અને મારા ભાઈ, તું શું એમ ધારે છે કે તારા આ બે રૂપિયા તે જે નુકસાન કર્યું છે એ ભરપાઈ કરી દેશે ?? આ કાપડ કઈ રીતે તૈયાર થયું છે, જાણે છે? રાતદિવસ ખેડૂતે મહેનત કરીને કપાસ ઉગાડ્યો હશે, એમાંથી રૂ તૈયાર થયું હશે, એને કેટલાય દિવસ મહેનત કરીને મારી પત્નીએ કાંત્યું અને મેં એને રંગ્યુ, વણયુ, અને એમાંથી આ સાડી તૈયાર થઇ. ભાઈ, આટલી મહેનત પછી બનેલી સાડી પાછળના શ્રમની સફળતા તો તે કોઈના પહેરવાના કામમાં લાગે તેમાં જ ગણાય. "

અને પછી જુવાનના માથે હાથ મૂકીને કહ્યું, " બેટા, આપણું જીવન પણ આપણે આ સાડીની જેમ જ અવિચારીપણે વેડફી નાખીએ છીએ. એક સાડી બગડે તો બીજી સાડી લાવી પણ શકાય, પણ જીવન બગડે તો બીજું ક્યાંથી લાવી શકાય ?"

નોંધ: "આ પ્રકારની એક ઘટના મારા જીવનના એક તબક્કામાં અનુભવેલી. ત્યારે આ પ્રસંગે મને થોડી વિવેકબુદ્ધિ પ્રદાન કરી હતી. જે માટે હું આ પ્રસંગનો આભારી છું."

સૌ. "આપણે માણસ".
રજૂઆત: કાર્તિક શાહ 

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...