Sunday, May 15, 2016

ગાંધીજી



સેવાગ્રામમાં એક દિવસ સેવાદળના સ્વયંસેવકો ગાંધીજીને મળવા આવ્યા. ડ્રિલ અને કવાયતની તેમની સુંદર તૈયારી ગાંધીજીને દેખાડીને તેમના આશીર્વાદ લેવા હતા. ગાંધીજીએ કવાયત વગેરે જોઈ પોતાનો સંતોષ વ્યક્ત કર્યો. સંચાલકે બે શબ્દ કહેવાની ગાંધીજીને પ્રાથના કરી. સ્વયંસેવકો દૂર કતારમાં બેઠા હતા. ગાંધીજીએ કહ્યું : ‘મારા બે શબ્દ સાંભળવા હોય તો નજીક આવો.’

સૂચના સાંભળતાં જ બધા સ્વયંસેવકોનું ટોળું હૂડડડ કરતું ઊભું થયું અને ગાંધીજીની નજીક આવીને વ્યવસ્થિત રીતે ઊભું રહ્યું.

ગાંધીજીએ કહ્યું તમે લોકો તાલીમબદ્ધ છો. કતારમાં કેમ ચાલવું, કેમ દોડવું, એનો સુંદર પ્રયોગ હમણાં જ તમે દેખાડ્યો હતો. તમે લોકો જ્યાં બેઠા હતા ત્યાંથી મારી પાસે આવવામાં એ જ વિદ્યા કામે લગાડી હોત તો મને ખૂબ આનંદ થાત. કતારમાં રહીને ઊભા થઈ ઝડપથી ચાલતા મારી નજીક આવી અર્ધાવર્તુળમાં આગળના લોકો બેસી ગયા હોત અને પાછળવાળા ઊભા રહ્યા હોત, તો તમારી કવાયત કામમાં આવી હોત. કવાયત માત્ર દેખાડવા માટે નથી, રોજબરોજના જીવનને વ્યવસ્થિત કરવા માટે હોય છે. 

– કાકા કાલેલકર

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...