Sunday, May 15, 2016

આત્મબળ અને પડકાર



એક રાજાને વિવિધ પ્રકારના પક્ષીઓ પાળવાનો શોખ હતો. એકવખત રાજા કોઇ બીજા રાજ્યની મુલાકાતે ગયા અને ત્યાંથી બે સરસ મજાના બાજ પક્ષી એમની સાથે લાવ્યા. બંને પક્ષી દેખાવમાં ખુબ સુંદર હતા. રાજાએ એ બંનેને તાલીમ આપીને બીજા બાજ પક્ષી કરતા જુદા પાડવાનું નક્કી કર્યુ.

પક્ષીઓને તાલીમ આપવા માટે રાજાએ એક ખાસ માણસની નિમણૂંક કરી. બંને બાજ પક્ષીઓને તાલીમ આપવાની એ નિષ્ણાંતે શરુઆત કરી. દિવસો પસાર થવા લાગ્યા. એક પક્ષી ખુબ સરસ રીતે આકાશમાં ઉડતું હતુ. ઉડતી વખતે જાતજાતના કરતબ પણ કરતુ હતુ જ્યારે બીજુ પક્ષી તો માત્ર ઝાડની ડાળી પર બેસી રહે.

તાલીમ આપનારાએ રાજા પાસે આવીને બધી વાત કરી. રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે જે કોઇ વ્યક્તિ પક્ષીને ઉડતુ કરી દેશે તેને 100 સોનામહોરનું ઇનામ આપવામાં આવશે. ઘણા નિષ્ણાંતો આવ્યા. જાત જાતની તરકીબો અજમાવી પણ પક્ષી ઉડવાનું નામ જ ન લે. બધાએ કંટાળીને પ્રયાસો છોડી દીધા.

એકદિવસ એક સાવ સામાન્ય જેવો દેખાતો ખેડુત રાજાને મળવા આવ્યો અને પક્ષીને ઉડતુ કરવાની જવાબદારી સંભાળવાની તૈયારી બતાવી. રાજાએ કહ્યુ , " ભાઇ , આ ક્ષેત્રના મોટા મોટા નિષ્ણાંતો પણ આ કામ કરી શક્યા નથી મને લાગે છે કે તું તારો અને મારો બંને નો સમય બગાડે છે. " ખેડુતે કહ્યુ , " મહારાજા , મને એક તક તો આપો. " રાજાએ ખેડુતની વાત માન્ય રાખી.

થોડા દિવસમાં પેલુ પક્ષી ખુબ સારી રીતે ઉડવા લાગ્યુ. રાજા સહીત બધાને આશ્વર્ય થયુ કે પેલા ખેડુતે એવું તે શું કર્યુ કે માત્ર થોડા દિવસમાં જ પક્ષીએ ઉડવાની શરુઆત કરી દીધી. કારણ જાણવા માટે રાજાએ ખેડુતને દરબારમાં બોલાવ્યો.તમામ દરબારીઓ પણ પક્ષીના ઉડવાનું રહ્સ્ય જાણવા માટે આતુર હતા.

ખેડુતે સ્પષ્ટતા કરતા કહ્યુ , " મહારાજ , પક્ષીને ઉડતુ કરવા મેં કોઇ વિશેષ પ્રયત્ન નથી કર્યા. પક્ષી સતત એક ડાળ પર બેસી રહેતુ આથી એ ડાળ સાથે એને વળગણ થઇ ગયુ હતુ. મેં એ ડાળ જ કપાવી નાંખી જે ડાળ પર એ બેસી રહેતું. હવે એની પાસે ઉડવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહોતો. "

આપણે પણ કમ્ફર્ટ ઝોનમાં રહેવા ટેવાયેલા હોવાને કારણે જ ઉડી શકતા નથી. ક્ષમતાઓ તો આપણામાં પણ એ બાજ પક્ષી જેવી જ છે પણ કોઇ નાના-મોટા સહારે બેઠા છીએ અને એટલે જ ઉડી શકતા નથી. તમે સમાજમાં એવા કેટલાય લોકોને જોયા હશે કે એની સહારારુપી ડાળી કપાવાની સાથે જ સફળતાના આકાશમાં મસ્તીથી ઉડતા હોય છે

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...