Thursday, May 5, 2016

મહેનતની કિંમત


મહેનતની કિંમત

ઉઝબેકિસ્તાનમાં આવેલા બાલખાર ના કેટલાક કુંભારો તેમના ગધેડા અને ખચ્ચરોની પીઠ ઉપર પોઠોમાં માટીના વાસણો ભરી વેચવા માટે શહેરમાં જાવા નીકળ્યા, રસ્તામાં તેમને કેટલાક તોફાની જુવાનિયાઓ મળ્યા.

" ક્યાં જાઓ છો??" તોફાની યુવાનોએ પૂછ્યું.

"શહેરમાં માલ વેચવા." કુંભારો એ કહ્યું.

" શું કિંમત છે?"

"નાની ચીજોના વીસ કોપેક ને મોટી ચીજોના પાંચ."

"એમ કેમ?"

"નાની વસ્તુઓ બનાવવા વધુ મહેનત કરવી પડે છે."

જુવાનીયાઓએ પુરી કિંમત આપીને હતી એટલી બધી ચીજો કુંભારો પાસેથી ખરીદી લીધી.

"વાપરતા ખુશ થઇ જશો", કુંભારો એ કહ્યું. 'બધી વસ્તુઓ ટકાઉ છે. છોકરાના છોકરાઓય વાપરશે.'

કુંભારો તો વાસણો વેચીને પાછા ફર્યા,  અને થોડેદુર પહેલી ટેકરી આવી ત્યાં થાક ખાવા બેઠા. તેમની નજર સ્વાભાવિક રીતે જ પોતાના પાછળના માર્ગ ઉપર ગઈ. તેમણે જોયું તો પેલા વાસણ ખરીદનાર જુવાનીયાઓ બહુ જ વિચિત્ર લાગે એવી રમતમાં મશગુલ થઇ ગયા હતા. કોતરની કોર ઉપર વાસણ મૂકીને તેઓ વીસેક ડગલાં પાછળ જતા અને એક પછી એક વાસણનું નિશાન લઈને પથ્થર ફેંકતા. દરેક જુવાન જાણે વધુમાં વધુ વાસણ ફોડવાની સ્પર્ધા માં હતો.

કુંભારો તો જાણે કોઈનો અજ્ઞાત હુકમ થયો હોય એમ કશું બોલ્યા  કર્યા વગર સડક દઈને ઉભા થઇ ગયા. અને જુવાનિયાઓ તરફ દોડ્યા.

"મુર્ખાઓ, બંધ કરો", કુંભારો એ બુમ પાડી, "અમે સારામાં સારા વાસણો તમને વેચ્યા અને તમે આ શું કરો છો??"

આટલા બધા બુમ બરાડા શેના કરો છો?, જુવાનીયાઓએ કહ્યું, "તમે માલ વેચ્યો એની કિંમત અમે ચૂકવી દીધી છે. હવે આ વાસણ અમારા છે. એની જોડે તમારે શું લાગેવળગે? અમે વાસણ ઘેર લઇ જઈએ, રસ્તા પર ફેંકી દઈએ કે ફોડી નાખીએ, તમારે શું??

"ભાઈઓ, આ વાસણો સાથે અમારે ઘણું લાગે વળગે છે", કુંભારો એ લાગણીપૂર્વક કહ્યું, "વાસણો બનાવવા માટે પહેલા તો અમે માટી તૈયાર કરી. એમાં અમે અમારી ઘણી મહેનત રેડી. પછી અમે અમારા દિલ રેડીને માટીને ઘાટ આપ્યો. અમારી કારીગરી જોઇને  કોઈનું પણ મન રાજી થઇ જાય એવી ચીજો અમે બનાવી. અમારા મનમાં એમ કે આ વાસણો વાપરીને લોકો ખુશ થશે અને એમની જિંદગીમાં ખૂબસૂરતી ઉમેરાશે. અમે તમને અમારી ચીજો વેચી ત્યારે અમે ધારેલુંકે, સુરાહીઓમાંથી પીણાંઓની પ્યાલી ભરી ભરીને મહેમાનો સામે તમે ધરશો, માટલામાં પહાડી ઝરણાનુ ઠંડુ પાણી ભરશો, કુંડામાં રૂપાળા ફુલ ઉગાડશો. એના બદલે તમે તો બેશરમ થઈને વાસણોનાં ટુકડેટુકડા કરી નાખ્યા...! તમે અમારી મહેનત, અમારા સપનાના ભુક્કા બોલાવી દીધા."

એમ બોલીને બાકી બચેલ સલામત વાસણો ભેગા કરીને કુંભારો ચાલવા લાગ્યા !!

જે મહેનત કરે, કામમાં પોતાનું દિલ રેડે, અને એનું પરિણામ જોઈને સંતોષ અનુભવે, એવો કોઈ પણ માણસ કુંભારો ના ગુસ્સાની કદર કરી શકશે.....!!!

સૌ. "આપણે માણસ".
રજૂઆત: કાર્તિક શાહ 

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...