Sunday, May 15, 2016

અવધૂતજી


મસ્તરામ, એકાંત સેવી અવધૂત પાસે જઈને રાજાએ માંગણી કરી કે, ‘આપ સમર્થ અને ચમત્કારી સંત છો. આપની પાસેથી મારે સ્વર્ગ અને નર્કના દરવાજાઓનું દર્શન કરવું છે.’


અવધૂતે આજીજીનો જવાબ વાળ્યો નહીં અને ચૂપચાપ બેસી રહ્યા.
આવી ઉપેક્ષાથી ગુસ્સે ભરાયેલો રાજા તેમની સામે આવીને ઊભો અને મોટેથી કહેવા લાગ્યો કે, ‘તમે ખરેખર સંત હો તો મને સ્વર્ગ અને નર્કના દરવાજાનાં દર્શન કરાવો.

અવધૂતે તુચ્છકારથી તેની સામે જોયું અને કહ્યું : ‘તું કોણ છો અને શા માટે આવ્યો છો ?’

રાજાએ માંડમાંડ ગુસ્સાને કાબૂમાં રાખ્યો અને કહે : ‘હું આ પ્રદેશનો રાજા છું.’

અવધૂતે હાંસી ઉડાવી. ‘તું રાજા છે ? તારા દીદાર તો કોઈ ભિખારી જેવા જણાય છે ! તારા જેવા રાજા હોય તો લોકોની હાલત ક્યાંથી સારી થઈ શકે ?’
રાજાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેણે તલવારની મૂઠ ઉપર હાથ મૂક્યો. અવધૂત હસવા લાગ્યા : ‘તારી પાસે તલવાર પણ છે ? આવા કટાયેલા હાથાથી તું લોકોને ડરાવતો રહે છે ?’ રાજાએ મ્યાનમાંથી ચમકતી તલવાર કાઢીને ઉગામી. સહેજ પણ થડકાર અનુભવ્યા વગર અવધૂત કહે : ‘રાજા, જુઓ આ નર્કનાં દ્વાર ખુલવા લાગ્યા !’ સંતના ઉપદેશથી અને તેનો આશય સમજાઈ ગયાથી રાજાએ તરત તલવાર ફેંકી દીધી અને સંતનાં ચરણ પકડી લીધા. ‘જુઓ રાજા ! હવે સ્વર્ગનાં દ્વાર ઉઘડી રહ્યાં છે !’ રાજા સમજ્યો. સ્વર્ગ અને નર્ક બંને આપણી કરણી અને મનોવૃત્તિનાં સ્વરૂપ છે. 

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...