Sunday, May 15, 2016

કેરોલી ટાકસ


કેરોલી ટાકસ (૨૧.૦૧.૧૯૧૦ - ૦૫.૦૧.૧૯૭૬)


હંગેરીયન આર્મીમાં કેરોલી ટાકસ નામનો એક યુવાન ફરજ બજાવતો હતો. આ યુવાન પ્રીસ્ટલ શુટીંગમાં માસ્ટર હતો. એને તાકેલું નીશાન ક્યારેય ખાલી ન જાય. 1940ની સાલમાં રમાનારી વિશ્વ ઓલમ્પિકમાં પ્રીસ્ટલ શુટીંગમાં ભાગ લેવા માટે એ ક્વોલીફાઇ થયો. કેરોલી ખુબ ખુશ હતો કારણકે આવનારી ઓલમ્પિકમાં પ્રિસ્ટલ શુટીંગમાં એ ગોલ્ડમેડલ જીતશે જ એવો એમને પુરો વિશ્વાસ હતો. 

1938ની સાલમાં એના જીવનમાં એક દુર્ઘટના બની. 28 વર્ષનો કેરોલી એક ગંભીર અકસ્માતનો ભોગ બન્યો. એક ખામીવાળો હેન્ડગ્રેનેડ કેરોલીના હાથમાં જ ફુટ્યો અને એના જમણા હાથના ફુરચા ઉડી ગયા. બધાને એવુ લાગ્યુ કે કેરોલી હવે સાવ પડી ભાંગશે કારણકે પ્રિસ્ટલ શુટીંગની એની આવડત પર હવે પાણીઢોળ થઇ ગયુ હતું. જે હાથથી એ નીશાન તાકતો તે હાથ જ હવે એની પાસે નહોતો. 


કોઇપણ માણસ પડી ભાંગે એવી સ્થિતીમાં કેરોલીએ મનને મજબુત કરીને પોતાની પાસે શું નથી એનો વિચાર કરવાને બદલે શું છે એના પર ધ્યાન કેન્દ્રીત કર્યુ. જમણા હાથને બદલે એણે ડાબા હાથથી નીશાન તાકવાની શરુઆત કરી. 1939માં જ્યારે નેશનલ ચેમ્પીયનશીપનું આયોજન થયુ ત્યારે આ ચેમ્પિયનશીપ સ્પર્ધામાં કેરોલીને પણ આવેલો જોઇને તેના હરીફોને આશ્વર્ય થયુ. હરીફો એવુ માનતા હતા કે હવે કેરોલી આવી સ્પર્ધાઓથી કાયમ માટે દુર રહેશે. કેરોલી આ સ્પર્ધા જોવા આવ્યો છે એવુ માનનારા જ્યારે કેરોલી પાસે આવ્યા અને આવી સ્થિતીમાં પણ સ્પર્ધા જોવા આવવા બદલ અભિનંદન આપ્યા ત્યારે કેરોલીએ કહ્યુ, “ હું જોવા માટે નહી તમારો હરીફ બનીને સ્પર્ધામાં ભાગ લેવા માટે આવ્યો છું” આ સ્પર્ધામાં કેરોલીએ ભાગ લીધો, ડાબા હાથથી નીશાન તાકીને પણ એણે નેશનલ ચેમ્પીયનશીપ જીતી લીધી. 

હવે કેરોલીનું ધ્યાન આવતા વર્ષે આવનારી વિશ્વ ઓલમ્પિક પર હતું. એમણે જોરશોરથી તૈયારીઓ શરુ કરી પણ ભગવાન જાણે કે એની કસોટી કરતા હોય એમ બીજા વિશ્વયુધ્ધને કારણે 1940ની વિશ્વ ઓલમ્પિક કેન્સલ થઇ. હતાશ થયા વગર કેરોલીએ 1944ની વિશ્વ ઓલમ્પિકમાં ગોલ્ડમેડલ મેળવવાનું નક્કી કર્યુ. કુદરત પણ જાણે કે એમની કડક કસોટી કરતી હોય એમ વિશ્વયુધ્ધ લંબાયુ અને 1944ની વિશ્વ ઓલમ્પિક પણ રદ થઇ. 

હવે કેરોલીએ 1948ની વિશ્વ ઓલમ્પિક પર ધ્યાન કેન્દ્રીત કર્યુ. 1948ની ઓલમ્પિક વખતે કેરોલીની ઉંમર 38 વર્ષની હતી અને એના હરીફો યુવાન હતા આમ છતા ડાબા હાથે શુટીંગ કરીને એણે 1948ની ઓલમ્પિકમાં ગોલ્ડમેડલ મેળવ્યો અને સપનું સાકાર કર્યુ. 1952ની વિશ્વ ઓલમ્પિકમાં 42 વર્ષની ઉંમરે એણે પ્રિસ્ટલ શુટીંગમાં બે ગોલ્ડમેડલ મેળવ્યા અને દુનિયાને પોતાની અડગ આત્મશ્રધ્ધાનો પરિચય કરાવ્યો. 

મિત્રો, જીવનમાં બનતી એકાદી નાની એવી દુર્ઘટનાથી વ્યથીત થઇને આપણે હથીયારો હેઠા મુકી દઇએ છીએ ત્યારે કેરોલી આપણને સૌને હીંમત હાર્યા વગર લક્ષ સિધ્ધી તરફ આગળ વધવાની પ્રેરણા આપે છે.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...