Sunday, July 30, 2017

મુલ્લા નસીરુદ્દીન


➞ એક દિવસ કેટલાક વિદ્યાર્થીઓએ મુલ્લા નસરુદ્દીન પાસે જઈને પોતાના વિદ્યાલયમાં પધારવાની અને શિખામણના બે શબ્દો કહેવાની વિનંતી કરી. નસરુદ્દીને વિનંતી માન્ય રાખી અને પોતાના ગધેડા પર, પૂંછડી તરફ મોં રાખીને, સવારી કરીને વિદ્યાલય તરફ જવા રવાના થયા. વિદ્યાર્થીઓ તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા. આ વિચિત્ર સરઘસને જોઈને લોકો હસવા લાગ્યા. વિદ્યાર્થીઓ અકળાયા અને મુલ્લા પાસે જઈને કહેવા લાગ્યા :

મુલ્લાસાહેબ, આમ ઊંધા ગધેડે શા માટે બેઠા છો ? લોકો આપણા પર હસે છે !’

મુલ્લાએ કહ્યું : ‘તમે બીજા લોકો પર વધારે પડતું ધ્યાન આપો છો. જરા વિચાર કરો – તમે મારી આગળ ચાલો તો તમારી પીઠ મારા તરફ આવે એટલે મારું અપમાન થાય. હું પગે ચાલીને આવું તો યોગ્ય ન ગણાય. મારા ગધેડા ઉપર હું સીધા મોંએ બેસું અને તમે પાછળ ચાલો તો મારી પીઠ તમારા તરફ આવે તે પણ બરાબર ન ગણાય, એટલે તમારું અને મારું માન જાળવવાનો આ જ એકમાત્ર માર્ગ છે...!’

➞ મુલ્લા નસરુદ્દીન ભારે ચતુર હતા. જેવા સાથે તેવા થઈ છેતરનારને છેતરતા.

મુલ્લા નસરુદ્દીનના ગામમાં ત્રણ મૌલવી આવી ચડ્યા. ચોરામાં આવી મૌલવીઓએ કહ્યું, ‘અમે જે સવાલ કરીએ તેનો જવાબ તમારા ગામમાંથી કોઈ આપી નહીં શકે. કાં તો જવાબ આપો, નહીં તો અમને નજરાણું ધરો.’ ગામની આબરૂનો સવાલ હતો. ગામલોકોએ વિચાર્યું, મુલ્લાને બોલાવીએ. એ વિદ્વાન અને હોશિયાર છે, જરૂર જવાબ આપી શકશે.

મુલ્લા તો એમના ગધેડા પર બેસી હાથમાં ડંગોરો લઈ આવી પહોંચ્યા. પહેલા મૌલવીએ સવાલ પૂછ્યો, ‘પૃથ્વીનું મધ્યબિંદુ ક્યાં આવેલું છે ?’ મુલ્લાએ તરત ડંગોરો તેમના ગધેડાના પાછલા પગ પાસે પછાડ્યો ને કહ્યું, ‘અહીંયાં.’ મૌલવીએ પૂછ્યું, ‘એ તમે કેવી રીતે કહી શકો ?’ મુલ્લાએ જવાબ આપ્યો, ‘ગધેડાના પગથી પૃથ્વી માપવા માંડો. મધ્યબિંદુ જરાય આઘું-પાછું આવે તો તમારો જોડો ને મારું માથું.

પછી બીજા મૌલવીએ પૂછ્યું, ‘આકાશમાં તારા કેટલા છે ?’ મુલ્લાએ જવાબ આપ્યો, ‘મારા ગધેડાના શરીર પર જેટલા વાળ છે એટલા. માનવામાં ન આવતું હોય તો ગણી લો. એકે ઓછોવધતો થાય તો લાનત છે મને.’
છેલ્લે ત્રીજા મૌલવીએ પૂછ્યું, ‘મારી દાઢીમાં કેટલા વાળ છે ?’ મુલ્લાએ જવાબ આપ્યો, ‘મારા ગધેડાના પૂછડામાં છે એટલા..!! ખોટું લાગતું હોય તો એક વાળ તમારી દાઢીમાંથી ખેંચો ને એક વાળ ગધેડાના પૂછડામાંથી. બધા વાળ ખેંચી કાઢશો ત્યારે સંખ્યા બરાબર થઈ જશે. ન ઓછી ન વધારે.’

ત્રણે મૌલવીઓ દૂમ દબાવીને નાઠા.


➞ મુલ્લા નસરુદ્દીન સ્વભાવે આળસુ; ઘરમાં પડ્યા રહે, કામ કરવાનું નામ નહીં. બહારના કામો પણ તેમની બીબીએ કરવાં પડતાં. એક વાર બીબી ચિડાયાં ને કહ્યું, ‘જાવ, કરિયાણાની દુકાને જઈ પાંચ કિલો ચોખા લઈ આવો, નહીં તો રાતે ખીચડી નહીં મળે.’ હવે ખીચડી વિના તો કેમ ચાલે ? મુલ્લા થેલી લઈને ઊપડ્યા દાણાવાળાને ત્યાં.

મુલ્લાએ ચોખાનો ભાવ પૂછ્યુ. દાણાવાળાએ કહ્યું, ‘દસ રૂપિયે કિલો.’ મુલ્લાએ પાંચ કિલો ચોખા તોલી આપવા કહ્યું. દાણાવાળાને થયું કે મુલ્લા કદી માલ ખરીદવા આવતા નથી અને આમે મૂરખ છે તેથી થોડી ચાલાકી ચાલી જશે. તેણે તોલમાં પાંચ કિલોથી થોડા ઓછા ચોખા આપ્યા. મુલ્લાએ ફરિયાદ કરીઃ ‘કેમ પાંચ કિલોને બદલે ઓછા ચોખા આપો છો ?’ મુલ્લાની જાણીતી આળસને ધ્યાનમાં લઈ દાણાવાળાએ મુલ્લાની બનાવટ કરી, ‘થોડા ઓછા ચોખા આપું તો એટલું વજન તમારે ઓછું ઊંચકવું પડે ને ?’

મુલ્લાએ થેલી ઉપાડી ને ચોખાની કિંમતના રૂપિયા આપ્યા. રૂપિયા ગણીને દાણાવાળાએ કહ્યું, ‘મુલ્લા, આ તો ચાળીસ રૂપિયા જ છે. દસ રૂપિયા ઓછા કેમ આપ્યા ?’ ‘ગણવામાં તમને ઓછી મહેનત પડે ને એટલે.’ મુલ્લાએ જવાબ આપ્યો અને ચોખા ઉપાડી ચાલતા થયા.

શ્રી દિનકર જોશી

 ‘પુસ્તકનો પહેલો પ્રકાર એ પોથી. દાખલા તરીકે રામાયણ, મહાભારત; જેનું વાંચન પણ થાય અને પૂજન પણ થાય. બીજો પ્રકાર ગ્રંથ, જે કાલિદાસની રચના અને રવીન્દ્રનાથ ટાગોરનું સાહિત્ય. પુસ્તક એ ત્રીજો પ્રકાર જે મનુષ્યના માનસિક, આત્મિક, આધ્યાત્મિક લેવલને અપલિફ્ટ કરે. ચોથો પ્રકાર ચોપડી અને પાંચમો પ્રકાર હલીથો (માળિયામાં મુકાતો કચરા જેવો સામાન). લખાય છે તો બહુ જ, પણ શું વાંચવું એ વાચકે નક્કી કરવાનું અને લેખકને જણાવવાનું જેથી લખનાર પણ સજાગ રહે.’

અહીં આજે આ ઉપર્યુક્ત માર્મિક વિધાન કરનાર એક લેખકના જીવન-ઝંઝાવાતની એવી વાત હું રજૂ કરું છું- જે આવી બીજી અનેક વાતોમાંની માત્ર એક જ વાત છે. એ વાત છે લેખક દિનકર જોશીના જીવનની. એમના પોતાના શબ્દોમાં જ એમની એ સ્થિતિનું વર્ણન વાંચીએ : ‘દોઢ ફૂટ પહોળું અને સાડાપાંચ ફૂટ લાંબું એવું એક વિશિષ્ટ પ્રકારનું ટેબલ અને ટેબલ ઉપર એક બાળક ચત્તુંપાટ સૂતું છે. એના બંને પગ ટેબલના પાયા સાથે બાંધી દેવામાં આવ્યા છે અને છાતીથી કમર સુધીના ભાગમાં એક કપડું એવી રીતે વીંટાળી દેવામાં આવ્યું છે કે જેથી એનું શરીર ટેબલ સાથે બંધાઈ જાય અને એ હલન-ચલન કરી શકે નહીં. આ સિવાય દેહ ઉપર બીજું એકેય વસ્ત્ર નહીં. અધોવસ્ત્ર તરીકે માત્ર ચાદર ઓઢાડી રાખવાની. સ્ટ્રેપ્ટોમાઈસીન અને પેનીસીલીન આ બંને ઈન્જેકશનો રોજેરોજ ડૉક્ટર આવીને આપી જાય. સામેની ખુલ્લી બારીમાંથી જે આકાશ દેખાય એ નાનકડો ટુકડો આ બાળકનું બ્રહ્માંડ..!!!’

દસ-બાર વર્ષની ઉંમરે તો છોકરાઓ ખૂબ જ ચંચળ હોય છે. ઉંમર જ એવી છે કે હરવા-ફરવાની તો વાત જ ક્યાં છે, છોકરાંઓ તો આખો દિવસ ઊછળતાં-કૂદતાં જ હોય. પણ બાળક દિનકરને તો એ વયે પથારીમાં હલન-ચલન કરવાની પણ મનાઈ હતી. અને દિવસો કે મહિનાઓ નહીં પણ પથારીમાં પડ્યાપડ્યા બે-ત્રણ વર્ષ કાઢવાનાં હતાં. આવી પરિસ્થિતિ ઊભી થઈ હોય ત્યારે ઘરમાં સહુ પોતપોતાના રોજિંદા કામમાં વ્યસ્ત રહેતાં હોય એ બિલકુલ સ્વાભાવિક હતું. ભાઈ-બહેનો શાળાના અભ્યાસમાં વ્યસ્ત હોય, માતા ઘરકામમાં ડૂબેલાં હોય અને પિતા ઘરખર્ચની જવાબદારી નિભાવવા માટે નોકરીએ ગયા હોય. સંજોગવશાત એકલાઅટૂલા થઈ ગયેલા પથારીવશ બાળકને આપણે દુર્ભાગી સિવાય બીજું શું કહી શકીએ ? પરંતુ એ દુર્ભાગ્ય પાછળ ક્યાંક સૌભાગ્ય છુપાયેલું હતું. બીમારી અને એકાંતની એ પીડાએ જ કદાચ એમને વાચનનો શોખ લગાડ્યો – ભુખાળવા વાચક બનાવ્યા, નાની વયથી જ સાહિત્યસર્જક પણ બનાવ્યા.

ઘરમાં એક દૈનિક અખબાર આવે. ગાંધીજીનું સાપ્તાહિક ‘હરિજનબંધુ’ પણ આવે. મહિને એક વાર સામાયિક ‘રમકડું’ પણ ખાસ આ કિશોરને માટે મંગાવવામાં આવે. આ સિવાય કોઈક કુટુંબીજનને નવરાશ મળે ત્યારે થોડીક વાતો થાય, કોઈક પરિચિત જન મહેમાન બનીને આવે ત્યારે થોડાંક ખબરઅંતર પૂછે અને નવીન દવે (‘ઈમેજ’) બાલગોઠિયા તરીકે અવારનવાર ડોકિયું કરે ત્યારે વાતચીત દ્વારા શબ્દનો સથવારો સાંપડે. આ સિવાય મૌન, અફાટ મૌન. 

બંધ ઓરડાની બારીમાંથી આકાશનો જે ટુકડો દેખાય એ જ બ્રહ્માંડનું અનુસંધાન. એ ટુકડા વચ્ચેથી ક્યારેક ઊડતાં પંખીનું દશ્ય નજરે પડે ત્યારે કશુંક પામ્યાનો અદ્દભુત રોમાંચ થાય. એવામાં ઘરના માળિયાની સાફસૂફી કરતાં કોઈકના હાથમાં ગિરધરકૃત ‘રામાયણ’ની પૂર્વજોએ સાચવેલી એકાદ નકલ હાથમાં આવી ગઈ. આ નકલ કિશોરવયના દિનકરને આપતાં કહેવામાં આવ્યું : ‘લે, આમાં ચિત્રો છે, એ તું જોજે, ગમે તો વાંચજે, મજા આવશે.’

કિશોરે સાચેસાચ વાંચ્યું. સમજાયું ઓછું પણ એમાં આર્ટ પેપર ઉપર રામાયણનાં કથાનકો વિશે જે ચિત્રો છપાયાં હતાં એણે એની કલ્પનાશક્તિને અનહદ ઉશ્કેરી મૂકી. એને ‘રામાયણ’નાં પાત્રો વચ્ચે એકાકાર થતો જોઈને એક પડોશી વડીલે એના હાથમાં નાનાભાઈ ભટ્ટ રચિત ‘મહાભારતનાં પાત્રો’ મૂક્યાં. આ પાત્રોના વિશ્વે એની આંખ આગળ જાણે બ્રહ્માંડનાં દર્શન કરાવ્યાં. આ બ્રહ્માંડમાં તણખલાની જેમ ગડથોલિયાં ખાતા કિશોરને કેટકેટલી વાતો કોઈને કહેવાનું મન થઈ આવતું. ભાઈબંધ નવીન જ્યારે આવે ત્યારે થોડીક વાતો થાય અને પછી ઓરડામાં અંધારું કરીને દીવાલ ઉપર ફિલ્મોની નેગેટિવ ઉપર પ્રકાશ પાથરીને પ્રતિબિંબો ઉપસાવવાની રમતનો આરંભ થાય. એવામાં પડોશીની નવમા કે દશમા ધોરણમાં ભણતી એક કન્યાએ શાળામાં ઈતરવાચન તરીકે એના અભ્યાસક્રમમાં સ્થાન પામેલું એક પુસ્તક ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ની એક નકલ વાંચવા આપી. આ આત્મકથામાં બીજું કંઈ તો ન સમજાયું પણ એટલું સમજાઈ ગયું કે પોતાને જે કંઈ કહેવું હોય એ સાંભળનાર કોઈ ઉપસ્થિત ન હોય તો આત્મકથા લખી શકાય.

અને તેર વર્ષની ઉંમરે તો બાળ દિનકરે ચત્તાપાટ સૂતાંસૂતાં આત્મકથા લખવાનું શરૂ કર્યું. કશુંય સમજ્યા વિના આત્મકથા લખી કાઢી. 40 પાનાંની આખી નોટબૂક પેન્સિલથી લખાયેલા અક્ષરો વડે ઊભરાઈ ગઈ. સૂતાંસૂતાં જ છાતી ઉપર જૂના કૅલેન્ડરનું પૂઠું રાખ્યું અને એ પૂંઠા ઉપર પેલી નોટબૂક ડાબા હાથે સજ્જડ પકડી અને જમણા હાથે અક્ષરો ઉતારવા માંડ્યા…. જે ત્રણ જ દિવસમાં સમાપ્ત થઈ ગઈ. દિનકરભાઈ આજે પણ આ ઘટનાને યાદ કરીને પોતાની જાત ઉપર હસી લે છે. પરંતુ આ લખવાનો અનુભવ એમને લાભદાયી નીવડ્યો. 

‘રમકડું’ બાળમાસિકે બાળસર્જકો દ્વારા જ લખાયેલો અંક પ્રગટ કર્યો હતો અને એમાં જોશીએ ઐતિહાસિક નાટિકા લખી અને બીજું ઈનામ પ્રાપ્ત કર્યું. આમ લેખક બનવાની શરૂઆત થઈ ગઈ. એમના કુટુંબનો પરિચય કરાવતાં જોશી કહે છે, પિતાજી એમના ભાઈઓમાં સહુથી વધારે ભણેલા ગણાતા હતા. આ સહુથી વધુ ભણતર એટલે સાત ગુજરાતી ધોરણ સુધીનો અભ્યાસ. શિક્ષણનું પ્રમાણ બધા ભાઈઓમાં ઘણું ઓછું અને ગરીબીનું પ્રમાણ એટલું જ ઊંચું. એવું કહેવાય છે કે કેટલાક વડીલોને તો વીસ સુધીના આંકડા જ ગણતાં આવડતું હતું. વારસમાં મળેલી મિલકત એટલે ખેતીની જમીન. એ બાબતમાં તેઓ કહે છે કે જમીનનું વારસદારોમાં જો વિભાજન કરીએ તો વીસ-ત્રીસ ફૂટથી વધારે જમીન કોઈને મળે નહીં. આમ આ લેખકે બચપણથી જ નાણાભીડ જોયેલી અને પછી ભોગવેલી. તેમના પિતા મગનલાલ જોશીએ મુંબઈ શહેરમાં કમાવા જવા વતન છોડ્યું હતું. બહુ ટૂંકા પગારમાં મૂળજી જેઠા માર્કેટમાં એક કાપડના વેપારીને ત્યાં તેઓ કામ કરતા હતા.

દિનકર જોશીની શરૂઆતની જિંદગીમાં એમની સર્જનપ્રક્રિયા અને નાણાભીડ રેલવેના બે પાટાની જેમ સમાંતર ચાલતી રહી. તેઓ દસમા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે નાણાભીડ ભાંગવા બીજા ધોરણના એક વિદ્યાર્થીને ટ્યુશન આપવા જતા- પોતાના વિદ્યાર્થીને ભણાવવા એ ચડ્ડી પહેરીને જતા. આ ટ્યુશન પણ એમના વર્ગશિક્ષકે જ એમને રખાવી આપ્યું હતું. એ વખતના મૅટ્રિક (અગિયારમા ધોરણ)નું પરિણામ આવ્યા પહેલાં તો એમણે ભાવનગર કલેક્ટર ઑફિસમાં નોકરી કરવા માંડી હતી. ત્યાર પછી રેલવેમાં નોકરી કરી અને સ્ટેટ બૅન્ક ઑફ સૌરાષ્ટ્રની ચોટીલા શાખામાં પણ નોકરી કરી અને આખરે દેના બૅન્કમાં સ્થાયી થયા. આ બધું નાણાભીડે જ એમની પાસે કરાવ્યું હતું. નાણાભીડને કારણે એમણે એમ.એ. થવાનું માંડી વાળવું પડ્યું હતું. જો એ બેજવાબદાર વ્યક્તિ તરીકે વર્ત્યા હોત અને કુટુંબનાં સભ્યોની દરકાર ન કરી હોત તો કદાચ એમની ઈચ્છા મુજબ તેઓ એમ.એ. થઈને પ્રોફેસર થઈ શક્યા હોત. પણ કુટુંબની વત્સલ, લાગણીશીલ વ્યક્તિ તરીકે એવું વર્તન કરવાનું એમના માટે શક્ય નહોતું.

‘એક્સટર્નલ સ્ટુડન્ટ’ તરીકે એમણે બી.એ.ની પરીક્ષા નોકરી કરતાં કરતાં આપી અને છતાં આગળ અભ્યાસ કરી શક્યા નહીં એનો વસવસો પણ એમના મનમાં ખાસ્સો રહી ગયો છે. નાણાભીડને કારણે, શરૂઆતની જિંદગીમાં ઈચ્છા મુજબનાં પુસ્તકો વાંચવા માટેનો (વસાવવા માટેનો નહીં) ખર્ચ પણ તેમને પોસાતો નહોતો. પુસ્તકવાચનનો એમનો શોખ કેવો હતો અને એને પૂરો કરવા માટે એમણે શું-શું વેઠવું પડ્યું હતું એના ઘણા પ્રસંગો તેમણે આલેખ્યા છે, જે કોઈ પણ વાચકના દિલને સ્પર્શી જાય તેવા છે. એમનું જીવન અકસ્માતોથી ભરેલું છે. જેવી રીતે બીમારીની પીડાએ લેખક બનાવીને એમને પ્રસિદ્ધિ આપી, એવી જ રીતે એમની આર્થિક સંકડામણે એમને માનવતા આપી. દિલમાં દર્દ આપ્યું, મક્કમતા આપી, એમને વહેવાર-પુરુષ બનાવ્યા. એમની નોકરીઓ વિશે, ખાસ કરી દેના બૅન્કની એમની નોકરી વિશે લખવું જોઈએ પરંતુ એ હું છોડી દઉં છું, (39 વરસ સુધીની બૅંકિંગ કારકિર્દીના અનુભવોની દાસ્તાન એમના ‘મહાલક્ષ્મીના મંદિરમાં’ પુસ્તકમાં આલેખાઈ છે.) કારણ કે મૂળ વાત જીવનની વિટંબણાઓ પાર કરીને આગળ વધેલી વ્યક્તિની છે, એટલે વધારે લખવાનું જરૂરી નથી. અત્યાર સુધીમાં એમણે કદાચ 150થી પણ વધારે પુસ્તકો લખ્યા છે. અને 45 જેટલી નોવેલ છે. " જગત આ અકસ્માતનું " - તેમની પ્રથમ વાર્તા 'જનસત્તા'માં છપાઈ ત્યારે એના પ્રકાશનની ખબર તેમને ખૂમચાવાળાના પેકીંગ પરથી પડી!!

વિદ્યાર્થી હોય કે બીજાં કોઈ પણ યુવાનયુવતી હોય, એમણે એક વાત યાદ રાખવી જોઈએ : જે વ્યક્તિ પોતાના માર્ગમાં પડેલી, ખસેડી ન શકાય એવી મહાકાય શિલાનો ‘સ્ટેપિંગ સ્ટોન’ તરીકે – આગળ વધવાના પગથિયા તરીકે ઉપયોગ કરી શકે છે એ જ જીવનમાં આગળ વધી શકે છે અને કશુંક પ્રાપ્ત કરી શકે છે.

"બે પૂંઠાં વચ્ચે બાઇન્ડિંગ કરેલી દરેક પ્રિન્ટેડ મૅટર પુસ્તક ન કહેવાય. સાચું પુસ્તક એ જ જેને વાંચ્યા પછી વાચક જે સ્તર પર હોય એનાથી એક સોપાન ઊંચે ચડે." - દિનકર જોશી

સંકલન: કાર્તિક શાહ.

ડો. વિલિયમ એલ. એડગર અને કાર્ય કુશળતા


અમેરિકાના વિખ્યાત મનોચિકિત્સક ડૉ. વિલિયમ એલ. એડગરની પાસે ‘નર્વસ-બ્રેકડાઉન’થી પીડાતા શિકાગો શહેરમાં વ્યાપારી પેઢી ધરાવતા ધનપતિ સારવાર માટે આવ્યા. તેઓ ગભરાયેલા, મૂંઝાયેલા, ચિંતાથી ઘેરાયેલા અને પુષ્કળ ટેન્શન અનુભવતા હતા. 

એમણે આ મનોચિકિત્સકને પોતાની રામકહાણી કહેવાની શરૂ કરી, ત્યાં તો એડગર પર એક ફોન આવ્યો અને એડગરે એનો ત્વરિત ઉત્તર આપી દીધો. એ પ્રશ્નને કઈ રીતે ઊકેલવો એનું સીધેસીધું માર્ગદર્શન આપ્યું. એવામાં એક બીજો ફોન આવ્યો અને એણે એડગર સાથે ચર્ચા કરવાની વાત કરી, તો એડગરે પોતાનો નિરાંતનો સમય ફાળવી આપ્યો. પછી એડગર નિરાંતે ધનિક દર્દીની વ્યથાની કથા સાંભળવા લાગ્યા.

શિકાગોમાં વ્યાપારી પેઢી ધરાવતા સજ્જન એડગરની કાર્યપદ્ધતિ અત્યાર સુધી જોતા રહ્યા અને એમના મનમાં ચમકારો થયો. એમણે ડૉ. એડગરને કહ્યું, ‘મારે તમારા ટેબલનાં બધાં ખાનાં જોવા છે’ અને જોતાં ખ્યાલ આવ્યો કે એક માત્ર ‘સપ્લાય’ કરવાના ખાનાં સિવાય બીજાં બધાં ખાનાં ખાલી હતાં.

‘તમારા વ્યવસાયના બીજા કાગળો ક્યાં મૂક્યા છે ?’
‘સઘળું કામ પૂરું થઈ ગયું છે. જરૂરી કાગળો ફાઈલ થઈ ગયા છે.’
‘પણ જવાબ આપવાના પત્રો તો બાકી હશે ને ?’
એડગરે કહ્યું : ‘ના, હું કોઈપણ પત્રનો જવાબ તરત મારી સેક્રેટરીને લખાવી નાખું છું. કોઈ કાગળ બાકી રહેવા દેતો નથી.’


શિકાગોમાં વેપારી પેઢી ધરાવનાર ધનપતિ સમજી ગયો કે એની સૌથી મોટી ભૂલ હતી એ કોઈપણ કામનો ત્વરિત ઉત્તર કે ઉકેલ આપવાને બદલે એ કામને અદ્ધર લટકાવી દેતો હતો. આને પરિણામે કામો ભેગાં થતાં, કાગળો ભેગા થતાં અને પત્રો ભેગા થતાં અને આ અવ્યવસ્થા એ જ એના ટેન્શનનું કારણ બનતી હતી...!!!

રજુઆત:- કાર્તિક શાહ

ડો. ખખ્ખર


સુરેન્દ્રનગર જિલ્લાનો લખતર તાલુકો 45 ગામડાંનો બનેલો તાલુકો છે. વિઠ્ઠલગઢ ગામ તાલુકા મથકથી 25 કિલોમીટર દૂર છે. વિઠ્ઠલગઢ ગામ એટલે આજુબાજુનાં 8 થી 10 ગામોનું મુખ્ય મથક. આ વિઠ્ઠલગઢમાં મુખ્યત્વે કોળી, ભરવાડ, દલિતોની મુખ્ય વસ્તી. ઉપરાંત જૈન, પટેલ, ક્ષત્રિય, મુસલમાન, ખોજા, લુહાણા, વાળંદ વગેરેના વસવાટવાળું આ ગામ છે. ગામમાં 8 થી 10 નોકરિયાત પરિવારો વસવાટ કરતા હતા.


જિલ્લા પંચાયત સંચાલિત આયુર્વેદિક દવાખાનામાં ડૉક્ટર તરીકે ડૉ. રસિકલાલ હરજીવનદાસ ખખ્ખર છેલ્લાં 15 વર્ષથી ગામમાં વસવાટ કરીને, ગામને પોતીકું ગણીને સૌની સારવારનું કાર્ય કરી રહ્યા છે. ડૉ. ખખ્ખર કોડીનારના ગર્ભશ્રીમંત લોહાણા પરિવારનું સૌથી નાનું સંતાન. મોટા ત્રણ ભાઈઓ બાપ-દાદાનો વ્યવસાય સંભાળીને રાજકોટ શહેરના મધ્યમાં સારા, આલીશાન બંગલાઓમાં વસવાટ કરે. પરંતુ ડૉ. ખખ્ખરને ગરીબ, પછાત, અશિક્ષિત લોકોની વચ્ચે રહીને તેમના આરોગ્યની જાળવણીના કાર્ય સાથે પોતાની આજીવિકા રળવામાં આનંદ આવતો હતો.

15 મે, 1985ની બપોરે ડૉ. ખખ્ખર વામકુક્ષી પતાવીને દવાખાને જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં જ પોસ્ટમેન મુઝલખાન મલેક ડૉ. ખખ્ખરના નામનો તાર લઈને આવ્યો. ડૉ. ખખ્ખરનાં માતાના દુઃખદ અવસાનની જાણ કરતો તાર હતો. બરાબર આ જ સમયે વિઠ્ઠલગઢની બાજુના ખારી ગાગડ ગામના દલિત યુવાન કાનાભાઈ પોતાની પત્નીને સુવાવડ માટેની વેણ ઊપડી હોવાનું જણાવીને ડૉ. ખખ્ખરને સુવાવડ કરાવવા આવવા માટે બે હાથ જોડી દયામણે ચહેરે વિનવણી કરતા હતા. હાથમાં માતાના અવસાનની ખબર આપતો તાર છે અને પોતાની સન્મુખ ફરજ માટે વિનવણી કરતો દલિત યુવાન કાનાભાઈ સેનવા છે.

ડૉ. ખખ્ખર પળનોય વિલંબ કર્યા વિના કાનાભાઈ સેનવા સાથે પોતાની મોટરસાઈકલ લઈને ગયા અને સુવાવડનું કાર્ય સુખરૂપ પૂર્ણ કરીને, કાનાભાઈ સેનવાના પરિવારમાં પુત્રરત્નનો જન્મ કરાવી પોતાને ઘેર પાછા ફર્યા ને પરિવારજનોને માતુશ્રીના દુઃખદ અવસાનના સમાચાર જણાવીને રાજકોટ જવા સહપરિવાર રવાના થયા. ડૉ. ખખ્ખરનાં માતુશ્રીના અવસાન નિમિત્તે બેસણામાં વિઠ્ઠલગઢ અને આજુબાજુનાં 8 થી 10 ગામોના 150 જેટલા સદગૃહસ્થો આવ્યા ત્યારે તેમના મોટા ભાઈઓને નવાઈ લાગી કે એક સામાન્ય સરકારી દાકતરનાં માતુશ્રીના અવસાન નિમિત્તે બેસણામાં 150 કિલોમીટર દૂરથી ગામડાના માણસો આવે !

આજે માનવીની પૈસા પાછળની વધતી જતી ઘેલછા, આધુનિકીકરણ, વૈશ્વિકીકરણ, તકલાદી માનવીય સંબંધોની વચ્ચે ડૉ. ખખ્ખર જેવાઓ માનવતાની મશાલ પ્રજ્જ્વલિત રાખે છે. 

સત્યઘટના: સંકલન કાર્તિક શાહ

વિશ્વનાથન આનંદ

1986માં ચેસ ચેમ્પિયન વિશ્વનાથ આનંદ નેશનલ બી રમી રહ્યો હતો. બાળખેલાડી ભારતના વર્ષો જૂના ખેલાડી નાસીર અલી સામે રમી રહ્યો હતો. રમત આનંદ જીતી શકે તેમ હતું પરંતુ બાજી ડ્રો થઈ ગઈ. આનંદે એકદમ ગુસ્સામાં આવી મહોરા પાડી નાખ્યાં.

આ રમત એનાં મોમ જોઈ રહ્યાં હતાં. તેમણે આવી આનંદને એક ધબ્બો લગાવી દીધો અને કહ્યું, ‘તેમની માફી માગ. સારી ચેસ રમતા પહેલાં સારી રીતભાત શીખ.’ આનંદ હવે રડી પડ્યો. નાસીરસાહેબ એકદમ 


શાંત સ્વભાવના અને આદરણીય ખેલાડી. તેમણે આનંદનાં મોમને કહ્યું, ‘ધીમે ધીમે શીખશે. જ્યારે વધારે પડતા રમતમાં ડૂબી જઈએ ત્યારે જ આટલું દુઃખ થાય. એને જીતેલ બાજી ડ્રો જવાનું દુઃખ થયું. ખરેખર તે ઘણો આગળ વધશે.’ પરંતુ આનંદનાં મધર એવું માનતાં કે ખેલાડી મોટો હોય કે નાનો પરંતુ બીજી વ્યક્તિઓ પ્રત્યેનો આદરભાવ અને વર્તન તો સૌમ્ય જ હોવું જોઈએ. આ બાળપણના પાઠને લીધે તે હવે વર્તનમાં ઘણો જ સૌમ્ય છે. 
(‘ચેસની રસપ્રદ વાતો’ પુસ્તકમાંથી સાભાર.)

મેરી એન્ડરસન

૧૯.૦૨.૧૯૬૬ - ૧૭.૦૬.૧૯૫૩

વર્ષ 1903ના કોઈ મહિનાનો એક દિવસ, જ્યારે 1866માં જન્મેલ અને વ્યવસાયે એસ્ટેટ ડેવલપર અને પોતાની વિધવા મા સાથે અમેરિકાના અલ્બામામાં રહેતી મેરીને પોતાના વ્યવસાયના કામે ન્યૂયોર્ક જવાનું થયું. એ દિવસે વાતાવરણ થોડું ખરાબ હતું. બરફ પડવાની શરૂઆત થવામાં હતી, પરંતુ તેને ત્યાં પહોંચવું જરૂરી હતું. તેથી હવામાનની ફિકર કર્યા વગર મેરી ટ્રોલી કારમાં બેસી નીકળી પડી ન્યૂયોર્ક જવા માટે.

કાર થોડી આગળ ચાલી પછી અચાનક બરફ વરસવો શરૂ થયો અને ડ્રાઈવર થોડી થોડી વારે કાર ઊભી રાખી દેતો. જલદી પહોંચવાનું હતું અને મેરી વિલંબ થવાથી પરેશાન થતી હતી. થોડીવાર પછી ફરી જ્યારે ડ્રાઈવરે કાર ઊભી રાખી તો અકળાઈને મેરી પણ નીચે ઊતરી કે કારનો ડ્રાઈવર કેમ વારંવાર કાર ઊભી રાખી દે છે. તેણે જોયું કે ડ્રાઈવર કાર ઊભી રાખી આગળના કાચ પરથી હાથથી બરફ સાફ કરતો હતો. મેરીએ જોયું તો રસ્તે કેટલીયે કારના ડ્રાઈવર આ રીતે જ કાર ઊભી રાખી કાચ સાફ કરી આગળ વધતા હતા અને બીજી વાર આખો કાચ ખરડાઈ જાય તો ફરી કાર ઊભી રાખી કાચ સાફ કરતા હતા. આ જફાને કારણે પરેશાન મેરી ન્યૂયોર્ક સમયસર પહોંચી તો ના શકી, પરંતુ તેણે નક્કી કરી લીધું કે આ કાચ સાફ કરવાનું તો કંઈક કરવું પડે. જેથી કરીને કોઈને આટલી બધી પરેશાની ના ઊઠાવવી પડે. બાદમાં તેણે પોતે જ એક ચીપીયો ડિઝાઈન કર્યો, જેના પર રબ્બર લગાવેલ હતું અને ડ્રાઈવર અંદરથી તેને ફેરવી બહારનો કાચ સાફ કરી શકે.

આ સ્ત્રીનું નામ હતું ‘મેરી એન્ડરસન’ અને તેણે જે અત્યંત મહત્વની શોધ કરી એ હતી વાઈપરની. સફરમાં થોડી પરેશાની વેઠ્યા બાદ મેરીએ જે શોધ કરી એ હાલમાં એટલી જરૂરી થઈ ગઈ છે કે વાઈપર વગર વાહન ચલાવવાની કોઈ કલ્પના પણ ના કરી શકે. ક્યારેક કોઈનું પરેશાન થવું સમગ્ર માનવજાત માટે આશીર્વાદરૂપ બની જતું હોય છે. 

- કાર્તિક શાહ

સ્વાભિમાન


"કરીને વાત શું મળશે?, કર્યા બાદ શું મળશે?,
હશે કિસ્મત માં તે મળશે, કરી ફરિયાદ શું મળશે?"

અમદાવાદ નું સીટી ગોલ્ડ થીએટર. રવિવાર ની બપોર નો લગભગ સાડા ત્રણ વાગ્યા નો સમય. હુ મિત્રો સાથે ફિલ્મ જોઈ ને થીએટર ની બહાર નીકળતો હતો.

"યાર ! આ મુવી માં પણ પૈસા પડી ગયા." મારા એક મિત્ર એ આક્રોશ વ્યક્ત કર્યો.
"ખબર નહિ આ આજકાલ ના ડીરેકટરો ને શું થઇ ગયું છે?" મેં હળવી મજાક કરી.
"ભગવાન બચાવે આ ફિલ્મો ના ત્રાસ થી." મારો એક મિત્ર હસ્યો અને અમે સૌ હસી પડ્યા.

આ હળવી મજાક માં મારી નજર રસ્તા ની બાજુ માં પાર્ક કરેલા વાહનો પર પડી, અને હુ એકદમ ચોંકી ગયો. "અરે મારું બાઈક ક્યાં?" મેં કહ્યું.

"તેં ક્યાં મુક્યું હતું?" મારા એક મિત્ર એ ગભરાતા પૂછ્યું.અમે બધા મિત્રોએ આજુબાજુ શોધખોળ કરી પણ બાઈક ક્યાય દેખાતું ન હતું. રોડ ની બાજુ માં ખૂણા પર આવેલા ગલ્લા પર મેં પૂછ્યું તો ખબર પડી કે ટોઈંગ વાળા બાઈક લઇ ગયા છે. મેં મારા બધા મિત્રો ને રવાના કર્યા અને હુ થીએટર ની નજીક આવેલા ટ્રાફિક કંટ્રોલ પોઈન્ટ પર જઈ ચઢ્યો. ત્યાં ઉભેલા એક ટ્રાફિક પોલીસ ને મેં કહ્યું.
"સાહેબ ! મારું બાઈક છોડાવવાનું છે."

"શું નંબર છે બાઈક નો?" તેણે કહ્યું.મેં નંબર આપ્યો અને તે પોલીસમેન સીધો મારા બાઈક પાસે ગયો. હું પણ તેની પાછળ પાછળ ગયો.
"પચાસ રૂપિયા આપો." ટ્રાફિક પોલીસે કહ્યું. મેં પચાસ રૂપિયા દંડ પેટે આપ્યા. તે તેણે ખીસા માં મુક્યા અને પછી કહ્યું, "હવે પછી ધ્યાન રાખજો."

"પણ મને રસીદ તો આપો." મેં કહ્યું.મારા રસીદ માંગતા જ તે ગુસ્સા થી મારી સામે જોવા લાગ્યો. મેં જાણે આગ ના મુખ માં હાથ નાખ્યો હોય એમ મને અનુભૂતિ થવા લાગી.

"રસીદ જોઈતી હોય તો સો રૂપિયા દંડ થશે. આ તો તમારે રસીદ ના ફાડવી પડે એટલે પચાસ માં મેં પતાવી કાઢ્યું." તે મારી ઉપર ઉપકાર કરતો હોય તેમ બોલ્યો.
"તો પછી આ પચાસ રૂપિયા તમારા ખીસા માં જ જશે એમ ને !" હું મેં હાવભાવ ને રોકી ના શક્યો.
"હાસ્તો વળી." તે બેશરમ થઇ ને બોલ્યો.

હું તેના આ હરામ ના પૈસા ખાવાની તાલાવેલી જોઇને મારા ક્રોધ ને કાબુ માં ના રાખી શક્યો. મેં તેણે બીજા પચાસ રૂપિયા આપીને સો રૂપિયા ની રસીદ ફાડવા કહ્યું."મારે શું?" તેમ કહી ને તે મને રસીદ આપીને જતો રહ્યો. હું આપણા દેશ ની આ નાની નાની ગલીઓમાં ચાલતા બ્રષ્ટાચાર ને તાકી રહ્યો. ગાંધી ના આ દેશ માં કોઈ માણસ પચાસ રૂપિયા જેટલી નાની વસ્તુ માટે પોતાનું સ્વાભિમાન ખોવા તૈયાર થઇ જાય એ વાત મારા માનવામાં આવતી ન હતી. વિચારતો વિચારતો હું બાઈક પર બેઠો. કીક મારીને બાઈક સ્ટાર્ટ કર્યું ત્યાજ મારા કાને એક અવાજ અથડાયો.

"સાહેબ બુટ-પોલીશ કરી આપું?"

મેં પાછળ વળીને જોયું તો એક આઠેક વર્ષ નો છોકરો ફાટેલાં મેલાં કપડા અને હાથ માં એક નાની થેલી લઈને ઉભો હતો. તેની થેલી માં એક ગંદુ કપડું, એક બ્રશ અને બુટ ને પોલીશ કરવાની એક ડબ્બી હતી."ના." મેં જાણે પોલીસવાળા નો ગુસ્સો તેની પર ઉતારતો હોય તેમ જરા મોટેથી કહ્યું.
"સાહેબ સવાર નો ભૂખ્યો છુ. હું કઈક ખાઈ લઈશ." તેણે દયામણા ચેહરે મને કહ્યું.
"શું ખાઈશ બે ત્રણ રૂપિયા માં?" મેં કહ્યું.
"પાલ્લ્લેજી." તેણે તેની કાલી બોલી માં કહ્યું.

કોણ જાણે કેમ મેં તેના માટે આજુબાજુ નજર દોડાવી પણ ક્યાંય તેનું બિસ્કીટ નું પેકેટ મળે તેવી દુકાન ન હતી.ચારે બાજુ મોટા મોટા શોપિંગ સેન્ટરો અને ઓફિસો હતી.
"અહિયાં તારું પાર્લેજી નહિ મળે. બોલ બીજું શું ખાઇશ?" મેં ફરીથી પૂછ્યું.તે ગૂંચવાઈ ગયો. થોડી વાર પછી તે વિચારીને બોલ્યો. "સાહેબ ! હું વેફર ખાઇશ."

તે નાના છોકરા સાથે ના આ વાર્તાલાપ દરમ્યાન હું મારા ગુસ્સા ને ભૂલી ગયો હતો, મને તેનામાં ખરેખર સચ્ચાઈ દેખાઈ કે તે ભૂખ્યો હતો. "તું અહિયાં બેસ હું હમણાં આવું છુ." એમ કહીને હું થોડે આગળ જઈને વેફર નું પેકેટ લઇ આવ્યો અને પેકેટ તેને આપી તેની પાસે બેઠો.
"શું નામ છે તારું?" મેં સહજતા થી પૂછ્યું. "રવિ" તેણે હસતા ચેહરે કહ્યું.
"શાળા એ જાય છે કે નહિ?"
"ના સાહેબ." તે શરમ થી નીચું જોઈ ગયો. અને હું તેની પરિસ્થિતિ પામી ગયો. આવા નાના ભૂલકાઓ નું બચપણ ગરીબીમાં અને જવાની જિંદગી નો બોજ ઉપાડવામાં જ જાય છે. તે જિંદગી જીવતા નથી બલકે જિંદગી નામના બોજ ને ખેંચતા હોય છે.

"સવાર થી કેટલા રૂપિયા મળ્યા?" મેં તેણે ના પૂછવા નો સવાલ પૂછી કાઢ્યો. પણ તેણે નિર્દોષ ભાવે કહ્યું,"નવ રૂપિયા. આજે ત્રણ જ ઘરાક મળ્યા છે."
"કોઈ દિવસ ઓછા પૈસા મળે તો ઘરે માતા પિતા વઢે છે?"
"ના સાહેબ ! મારી મમ્મી તો ખુબજ સારી છે. તે બે ઘર માં વાસણ માંજવા જાય છે. અને બાપુજી મજુરીકામ કરવા જાય છે. તેઓ બંને મને ખુબજ વહાલ કરે છે."
હવે મને ધીમે ધીમે તેના વિષે જાણવામાં રસ પાડવા માંડ્યો. કોણ જાણે કેમ તેની સાથે એક સંબંધ હોય તેવી લાગણી હું અનુભવવા લાગ્યો.

"પણ તું આ નાની ઉંમરે બુટ પોલીશ કરવાનું કામ શા માટે કરે છે?" મેં તેના મન ને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો.

"સાહેબ ! હું મારા માતા પિતા ને મદદ કરવા માગું છુ." તેની આ વાત થી હું ચોંકી ગયો. આટલો નાનો છોકરો અને આટલી મોટી વાત? આજ કાલ ના નબીરાઓ તો બસ બાપ ની મિલકત ખાલી કેવીરીતે કરવી એજ વિચારતા હોય છે. આટલી ઉંમરે તેના માતા પિતાને મદદ કરવાની વૃત્તિ થી હું પ્રભાવિત થયો.

"જો શક્ય હોય તો શાળાએ જજે." આટલી શિખામણ આપી હું ઉભો થયો. હું જેવો મારા બાઈક તરફ વળ્યો કે તરતજ તેણે કહ્યું. "ઉભા રહો સાહેબ ! તમારા બુટ તો પોલીશ કરવાના રહી ગયા. લાવો પોલીશ કરી આપું."
"એની કોઈજ જરૂર નથી." મેં કહ્યું.
"તો પછી આ તમારું પેકેટ પાછુ લઇ લો." તે બોલ્યો.
"કેમ?"

"મેહનત વગર નું ખાવાનું કદી પચે નહિ એવું મારા પિતાએ મને શીખવાડ્યું છે સાહેબ ! અને હું કોઈના અહેસાન તળે દબાવા માંગતો નથી. તમે બુટ પોલીશ કરવો તોજ હું આ પેકેટ રાખીશ."

હું તેની સામે તાકી રહ્યો અને તેના હઠાગ્રહ સામે ઝુકી ગયો. મેં તેણે મારા બુટ પોલીશ કરવા આપ્યા. તે જ્યારે બુટ ને ચમકાવતો હતો ત્યારે પોતાની ભૂખ ને ભૂલી ગયો હતો. મારા બુટ પાછા આપીનેજ તેણે પેકેટ તોડ્યું. મેં મારો ફોન નંબર તેને આપ્યો અને કોઈ કામ હોય તો ફોન કરવા કહ્યું અને તે "સારું સાહેબ" કહીને ત્યાંથી જતો રહ્યો.

હું વિચારતો રહ્યો કે નાની નાની વાત માં લાંચ રુશ્વત લેતા આ કર્મચારીઓ અને આપણા દેશ માં ચાલતા આ ભ્રષ્ટાચાર વચ્ચે પણ રવિ જેવા ભૂલકાઓ મોજુદ છે કે જેમણે જીવન ની શરૂઆત જ સ્વાભિમાન ના પાયા હેઠળ ચણેલી છે. હરામ નું ખાવાનું તેમના જીવન માં નથી અને મેહનત કરીને પેટિયું રળતા તેમને સારીરીતે આવડે છે. ગમે તેવા મોટા લાભ માટે પણ પોતાનું સ્વાભિમાન વેચવા તૈયાર ના થાય તેવા લોકો આ ગાંધી ના દેશ માં હજીયે મોજુદ છે તે જોઇને હું ખુબ ખુશ થયો.

આજકાલ ના ડીરેકટરો ભલેને ફ્લોપ ફિલ્મો આપતા હોય પણ ઉપરવાળો એક એવો ડીરેક્ટર છે કે જેની ફિલ્મો હંમેશા સુપરહિટ જ હોય છે. હમણાં અઠવાડિયા પહેલાજ રવિ નો મારા પર ફોન આવ્યો હતો. તેને ભણવાનું શરૂ કર્યું છે તેવા સમાચાર તેણે આપ્યા. ભણવાની સાથે તે સાંજે બુટ-પોલીશ કરી પોતાના માબાપ ને મદદ પણ કરે છે. (સત્યઘટના બીજ : આકાશ પટેલ)

રજુઆત: કાર્તિક શાહ

Thursday, July 27, 2017

"સીસો"

ઇટાલીના અસીસી પ્રાંતમાં વસતા એક ધનિક વેપારીના પુત્ર સીસોનું મન દુનિયાના દુઃખો દ્રવી જતું હતું. બીજા બાળકો જ્યારે ખેલકૂદમાં આનંદ માણતા હોય, ત્યારે સીસોને બીજા લોકોની પીડા અને દુઃખને જોઇને વેદના થતી હતી. એનામાં દીન- દુખિયા પ્રત્યે એવી પ્રબળ કરુણા હતી કે એને જોઇને એમને મદદ કર્યા વિના રહી શકતો નહી.

એકવાર રસ્તા પર રક્તપિત્તગ્રસ્ત ભિખારીને ભીખ માગતો જોયો અને ધનવાન પિતાના પુત્ર સીસોએ એને થોડાં પૈસા આપ્યા. પરંતુ એ રક્તપિત્તની બિમારી ધરાવતો માનવી સીસો તરફ વેધક નજરે જોઇ રહ્યો.

સીસો એની આંખના ભાવો વાંચીને પારખી ગયો કે આને પૈસા કરતાં વધુ તો પ્રેમ અને સેવાસુશ્રૂષાની જરૃર છે. સીસો એની સેવામાં ડૂબી ગયો. એના ધનવાન પિતાએ એને કહ્યું કે, 'આપણો આટલો બહોળો વેપાર છે, તું વેપારમાં ધ્યાન આપ.'

ત્યારે સીસાએ એના પિતાને કહ્યું કે, 'મારે માટે કોઇ વેપાર હોય કે જીવન હોય તો તે ગરીબ અને બિમારની સેવા કરવાનું છે.' અને સીસોએ ગરીબોની સેવા કરવાનું લક્ષ્ય રાખ્યું. એ રક્તપિત્ત ધરાવતા લોકોની સેવા કરતો એટલું જ નહી, પરંતુ એમને અગાધ સ્નેહ આપીને
એમનામાં જીવવાની નવી તમન્ના પેદા કરતો હતો.

એકવાર એણે ચર્ચ બનાવવાનો વિચાર કર્યો અને એમાં માત્ર ગરીબ અને દુઃખી લોકોને જ સામેલ કર્યા. બધાએ ભેગા મળીને પથ્થર એકઠાં કર્યા. પણ સીસોના આ સેવાકાર્યની સુવાસ સઘળે પ્રસરી ગઇ અને એના મિત્રોએ સેવા અને નિર્માણ માટે એક સંગઠન 'ધ પુઅર બ્રધર્સ ઓફ અસીસી' શરૂ કર્યું. સમયની સાથે એ સંગઠનમાં વધુને વધુ લોકો જોડાતા ગયા અને થોડા સયમ બાદ એ સંગઠનનું નામ 'ફ્રાંસિસ્કોપ' રાખવામાં આવ્યું.

રક્તપિત્તની સેવા કરનાર સીસો માત્ર તેંતાલીસ વર્ષની વયે અવસાન પામ્યો, પરંતુ એનું સેવાભાવી લોકોનું આ સંગઠન આજે દીન દુખિયાઓનો સહારો બની રહ્યું છે અને સીસોને 'સેંટ ફ્રાન્સિસ ઓફ અસીસી'ના રૂપે સહુ યાદ કરે છે.

માઓ- ત્સે-તુંગ

માર્કસ અને લેનિનના સાચા વારસદાર અને પ્રજાસત્તાક ચીનના સ્થાપક માઓ- ત્સે-તુંગ બાળપણમાં દાદીમા સાથે રહેતા હતા. એમના દાદીમાને બગીચાનો ભારે શોખ, પરંતુ એકાએક બીમાર પડતાં એમણે બગીચાની સંભાળ લેવાનું કામ માઓને સોંપ્યું. એમણે માઓને કહ્યું, 'બેટા! આ બગીચાનાં વૃક્ષ-છોડ મારા પ્રાણ સમાન છે એટલે એમને તું ભારેજતનથી જાળવજે.' બાળક માઓએ વચન આપ્યું કે એ બગીચાનું સંપૂર્ણ ધ્યાન રાખશે. એ પછી થોડા સમય બાદ દાદીમા સ્વસ્થ થતાં બગીચામાં લટાર મારવા ગયા, તો એમને ઊંડો આઘાત લાગ્યો. એમણે જોયું કે ઘણાં વૃક્ષ અને છોડ સૂકાઇ ગયાં હતાં. બગીચો લગભગ ઉજ્જડ બની ગયો હતો.

દાદીમાએ માઓને પૂછ્યું કે તેં આપેલું વચન કેમ પાળ્યું નહીં, ત્યારે માઓએ કહ્યું, 'દાદીમા, હું રોજ આ પાંદડાઓને સંભાળી-સંભાળીને લૂછતો હતો અને એનાં મૂળિયાં પાસે નિયમિત રોટલીના ટુકડા નાખતો હતો, છતાં કોણ જાણે કેમ, એ બધાં સૂકાઇ ગયાં!'

દાદીમાએ કહ્યું, 'બેટા, પાંદડાં લૂછવાથી કે રોટીના ટુકડા નાખવાથી વૃક્ષ વધતું નથી. તારે તો વૃક્ષનાં મૂળમાં પાણી નાખવું જોઇએ. વૃક્ષ પાસે એટલી શક્તિ હોય છે કે એના મૂળએની આસપાસની ધરતીમાંથી જ પોતાનું ભોજન પ્રાપ્ત કરી લે છે, અને વધતા રહે છે.'

માઓ વિચારમાં પડી ગયો. એણે પૂછ્યું, 'દાદીમા, માણસનાં મૂળ ક્યાં હોય છે?' દાદીમાએ ઉત્તર આપ્યો, 'મનનાં સાહસ અને હાથના બળમાં આપણાં મૂળિયાં હોય છે. જો એને રોજ પોષણ મળે નહીં, તો આપણે તાકાતવાન બની શકીએ નહીં.'

માઓએ તે સમયે નક્કી કર્યું કે એ પોતાના મૂળિયાં મજબૂત કરશે અને સાથોસાથ એના સાથીઓને શક્તિશાળી બનાવશે. આ માઓ-ત્સે-તુંગે ચીનને બળવાન અને સમર્થ રાષ્ટ્ર તરીકે વિશ્વના નકશા પર સ્થાન અપાવ્યું.

આલ્બર્ટ આઈન્સ્ટાઈન


આલ્બર્ટ આઈન્સ્ટાઈનને સ્વિટ્ઝર્લેન્ડની પેટન્ટ ઓફિસમાં બર્ન ખાતે નમૂનાઓના નિરીક્ષક તરીકે નોકરી મળી. અહીં એણે વિવિધ પ્રકારની શોધખોળોની ચકાસણી કરવાની કામગીરી હતી. ચકાસણીના આવા કામને કારણે વૈજ્ઞાાનિક સંશોધનોના પરિણામોના પાયામાં રહેલા તત્ત્વો તારવવાની એની શક્તિ કેળવાઈ.


એ પેટન્ટ ઓફિસમાં નોકરી કરતો હતો, ત્યારે ૧૯૦૫માં ઝુરિચના પ્રસિદ્ધ સામયિક 'અનાદે દર ફિઝિક'માં પ્રગટ થયેલા આલ્બર્ટ આઈન્સ્ટાઈનના પાંચ લેખોએ દુનિયાનું એની તરફ ધ્યાન ખેંચ્યું અને સમય જતાં પેટન્ટ ઓફિસ છોડીને એ યુનિવર્સિટી શિક્ષણમાં જોડાયો. પહેલાં પ્રાગ અને ઝુરિચની યુનિવર્સિટીમાં અને પછી બર્લિનની વિલ્હેમ કૈઝર ઈન્સ્ટિટયૂટમાં એણે પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. પોતાનો મોભો વધતા આઈન્સ્ટાઈનને પોષાક બદલવો પડે તેમ હતો. તે હંમેશાં કરચલીવાળો શૂટ પહેરતો અને એના વાળ એના કપાળને ઢાંકી દેતા હતા. પ્રાધ્યાપક થયા પછી આમ કેમ ચાલે? પરંતુ સંશોધનમાં ડૂબેલા આઈન્સ્ટાઈનને માટે પોષાક કે સામાજિક મોભો સહેજે મહત્ત્વનો ન હતો. કોઈ રૂઢિ કે પરંપરા પ્રમાણે ચાલવાનું એને સહેજે મંજૂર નહોતું.

આઈન્સ્ટાઈને એની સહાધ્યાયિની મિલેવા મેરીક સાથે લગ્ન કર્યા હતા. અને મિલેવા મેરિકે એને કહ્યું કે હવે તમે પ્રાધ્યાપક બન્યા છો, સમાજમાં અને શિક્ષણજગતમાં માનભર્યો હોદ્દો ધરાવો છો, આથી તમારે જૂના સૂટને તિલાંજલિ આપીને નવો સૂટ સીવડાવવો જોઈએ.

મિલેવા વારંવાર આગ્રહપૂર્વક કહેતી, ત્યારે આઈન્સ્ટાઈન એક જ ઉત્તર આપતો, ''અરે, કોથળીમાં ભરેલી ચીજ કરતાં કોથળી વધારે મોંઘી હોય તો તે ભૂલ કહેવાય ને! મારી કામગીરીને મારો પોશાક કોઈ રીતે બહેતર બનાવશે નહીં....!!''

સૌથી સુંદર ફૂલ

કિશનગઢના રાજાના મુખ્ય સલાહકારનું અણધાર્યું અવસાન થયું. રાજાનામુખ્ય સલાહકાર સદૈવ પ્રજાહિતને જોનારા અને રાજાને સાચી સલાહ આપનારા હતા. પરિણામે પ્રજા ખૂબ સુખી હતી અને લોકો રાજ પ્રતિ વફાદાર હતા.

હવે રાજા સમક્ષ વિકટ પ્રશ્ન ઊભો થયો. રાજનું હિત ઇચ્છનારો અને પ્રજાનું કલ્યાણ ચાહનારો સલાહકાર મેળવવો ક્યાંથી ? આને માટે રાજાએ દિવસોના દિવસો સુધી વિચાર કર્યો અને છેવટે નક્કી કર્યું કે પોતાના દરબારમાંથી જ કોઈ યોગ્ય વ્યક્તિને શોધીને મુખ્ય સલાહકારના પદે નિયુક્ત કરવો. એક દિવસ રાજાએ ભરદરબારમાં સહુને પ્રશ્ન કર્યો,  'જગતમાં સૌથી વધુ સુંદર ફૂલ કયું કહેવાય ?'

રાજાના મુખ્યમંત્રીએ તત્કાળ કહ્યું, 'મહારાજ, ગુલાબનું ફૂલ સૌથી સુંદર કહેવાય. એ ફૂલોમાં મહારાજા છે. એનાં પર કવિઓએ કેટલાય કાવ્યો રચ્યાં છે. કોઈ માનસન્માન હોય કે કોઇનું અવસાન હોય, ત્યારે ગુલાબનો હાર પહેરાવવામાં આવે છે.'

રાજકવિએ કહ્યું, 'મહારાજ, જગતમાં શ્રેષ્ઠ ફૂલ તો કમળનું. એ કાદવમાં ખીલે છે, પણ એની શોભા અનુપમ ગણાય છે. કવિઓએ સુંદરતાના વર્ણન માટે હંમેશાં કમળની ઉપમા આપી છે. ખરું સૌંદર્ય શોધવું હોય તો કમળમાં મળે.'

આ સમયે એક ખુશામતખોર મંત્રીએ વિચાર્યું કે રાજાની મહેરબાની મેળવવી હોય તો ચંપાના ફૂલની વાત કરવી પડે. કારણ કે રાજાને એની સુગંધ અતિપ્રિય છે. આથી એણે કહ્યું, 'મહારાજ, ગુલાબ તો ઠીક, કમળની પણ શી વિસાત ? ચંપો એટલે ચંપો ! એની પાસેથી પસાર થાવ અને મનને સુગંધથી તરબતર કરી દે.'

રાજા મંત્રીનો હેતુ પામી ગયા. એમને આવા ખુશામતખોર સલાહકારની જરૃર નહોતી. રાજસભામાં કોઈએ મોગરાના ફૂલને સૌથી શ્રેષ્ઠ કહ્યું, તો કોઇએ રાતરાણીનો મહિમા કર્યો. દરબારના વૃદ્ધ અનુભવી મંત્રીએ કહ્યું, 'મહારાજ, જગતમાં સૌથી વધુ સુંદર ફૂલ તો કપાસનું ગણાય.'

આ સાંભળીને કેટલાક દરબારીઓ ખડખડાટ હસી પડયા. કોઇએ કહ્યું કે કેવી વાત ? કપાસ ન તો સુંદર છે કે ન તો સુગંધિત છે. એને સૌથી સુંદર ફૂલ કહેવું એ તો નરી બેવકૂફી કહેવાય. રાજાએ વૃદ્ધ દરબારીને પૂછ્યું, 'તમને કપાસનું ફૂલ કેમ સૌથી સુંદર લાગે છે ?'

વૃદ્ધ દરબારીએ કહ્યું, 'મહારાજ, આ ફૂલ એવું છે જે સહુને સમાન રીતે ઉપયોગમાં આવે છે. એમાંથી કપડાં બને છે અને એ વસ્ત્રો રાજા હોય કે રંક, અમીર હોય કે ગરીબ - સહુના તનને ઢાંકે છે. આથી સહુને ઉપયોગી ફૂલ તો કપાસનું.'

વૃદ્ધ મંત્રીનો ઉત્તર સાંભળીને રાજાએ વિચાર્યું કે આ એવો મંત્રી છે, જે પોતાનો નહીં પણ સહુનો વિચાર કરે છે. એમને આખા રાજ્યનું હિત જોનારા સલાહકારની શોધ હતી, તેથી આ વૃદ્ધ મંત્રીને એમણે મુખ્ય સલાહકાર તરીકે ઘોષિત કર્યો.

Tuesday, July 25, 2017

સંગીત માર્તંડ -- પંડિત જસરાજ

'સંગીત માર્તંડ' પંડિત જસરાજનાં જીવનની અછૂતી કથા 

એક સમય હતો જ્યારે યુવા જસરાજ માતાની દવા શોધવા માટે સાઉથ કોલકાતાથી સેન્ટ્રલ કોલકાતા પગપાળા જતા હતા! જાણીએ પદ્મ વિભૂષણ પંડિત જસરાજના જીવનના એ કિસ્સાઓ જેને આજે પણ વાગોળી તેઓ અનેક લોકોને પ્રેરણા પૂરી પાડે છે...

કોઈ પણ સફળતા પાછળ સંઘર્ષની એક લાંબી કથા છૂપાયેલી હોય છે. ક્યારેક ક્યારેક આ સંઘર્ષની ગાથાઓ લોકોને ખબર પડે છે પરંતુ ક્યારેક આ કથાઓ અને સંઘર્ષો સફળતાની ઝાકઝમાળમાં ઓઝલ થઈ જાય છે. માંડમાંડ આ પડળો પાછાં ઉખડે છે અને સંઘર્ષની વણસ્પર્શેલી કથાઓ સામે આવે છે. હિન્દુસ્તાનના સંગીત ઇતિહાસમાં લાંબા સમય સુધી ચમકતા રહેલા સૂર્ય સમાન 'સંગીત માર્તંડ' પંડિત જસરાજ આજે સંગીતનાં ક્ષેત્રે સૌથી વરિષ્ઠ કલાકાર તરીકેનું અસ્તિત્વ ધરાવે છે. આખા વર્ષ દરમિયાન તેઓ ભલે ગમે ત્યાં રહે પરંતુ નવેમ્બરના અંતિમ સપ્તાહમાં તેઓ હૈદરાબાદ ચોક્કસ આવે છે. અને જ્યારે તેઓ હૈદરાબાદ આવે છે ત્યારે સંઘર્ષની અનેક સ્મૃતિઓ તેમનાં માનસપટ ઉપર છવાઈ જાય છે.

હૈદરાબાદમાં આ સ્મૃતિઓને તાજી કરીને વાગોળવા માટેની એક જ જગ્યા છે. અને તે છે તેમના પિતાની સમાધિ, જ્યાં આગળ કલાકો સુધી બેસીને તેઓ તેમને મળેલી સંગીતની એ ભેટને યાદ કરે છે કે જે તેમને પિતા દ્વારા આપવામાં આવી હતી. ચાર-પાંચ વર્ષની ઉંમર કંઈ વધારે ન કહેવાય અને આ ઉંમરે પિતાની ચિર વિદાયનું દુઃખ એ જ વ્યક્તિ સમજી શકે કે જેના ઉપર તે વીતી હોય અને અહીંથી જ શરૂ થાય છે સંઘર્ષની એક લાંબી યાત્રા...પોતાની આ મોટી સફળતા પાછળ છૂપાયેલા તત્વો વિશે પંડિત જસરાજ સ્પષ્ટપણે સ્વીકારે છે કે તેમનો સંઘર્ષ હજી પણ ચાલુ જ છે. એટલું જ નહીં, તેઓ જીવનની દરેક પળને એક સંઘર્ષ જ માને છે.

આજે અમે તમને જે વાત કહેવા જઈ રહ્યા છીએ તે માતાની દવા શોધવા માટે કોલકાતાની ગલીઓમાં ભટકતા યુવા જસરાજની છે. તે દિવસોની યાદોને વાગોળતા પંડિત જસરાજ કહે છે, "હું પિતાની સેવા નહોતો કરી શક્યો, માતા મારી સાથે હતી પણ તેને કેન્સરે જકડી લીધી હતી. પચાસના દાયકામાં કેન્સર હોવું એટલે શું કહેવાય તેનો અંદાજ આજે કાઢવો મુશ્કેલ છે. ડૉક્ટરે લખી આપેલી દવાઓ લેવા માટે પગે ચાલતો સાઉથ કોલકાતાથી સેન્ટ્રલ કોલકાતા પહોંચ્યો. મોટાભાગની દવાઓની દુકાનોમાં તે દવાઓ જ નહોતી. અંતે એક દવાની દુકાનમાં દવાઓ મળી તો તે મોંઘી દવાઓ ખરીદવા માટે ખિસ્સામાં એટલા રૂપિયા નહોતા. જેટલા રૂપિયા હતા તે બધાં મેં દવાવાળાને આપી દીધા અને કહ્યું કે બાકીના પછી આપીશ. ત્યારે દવાના દુકાનદારે જવાબ આપ્યો કે દવાની દુકાને ક્યારેય ઉધારી જોઇ છે? પણ તે વખતે કોઈએ મારા ખભા ઉપર હાથ મૂક્યો અને દવાવાળાને કહ્યું કે જેટલા રૂપિયા હોય તેટલા લઈને તમામ દવાઓ આપી દો અને બાકીનાં રૂપિયા મારાં ખાતામાં લખી નાખજો... તેઓ દુકાનના માલિક હતા. ખબર નહીં કે મને કઈ રીતે ઓળખતા હતા...?"

પંડિત જસરાજ માને છે કે સંઘર્ષ, મહેનત, મજૂરી, રિયાઝ આ તમામ વસ્તુઓ જરૂરી છે પરંતુ તેની સાથે તમારા ઉપર ઉપરવાળાની મહેરબાની હોય તે પણ જરૂરી છે. સંઘર્ષમાં એ જ તમારો સાથ આપે છે. પંડિતજીએ અત્યાર સુધી હજારો લોકોને જમીનથી આકાશ સુધીનો માર્ગ ચીંધ્યો છે. તેમનાં પોતાનાં જીવનમાં પણ એવી અનેક કથાઓ છે કે જે બીજાને માર્ગ ચીંધી શકે છે.

અન્ય એક ઘટનાનો ઉલ્લેખ કરતાં પંડિતજી જણાવે છે, "માતા માટે દવાની વ્યવસ્થા તો થઈ ગઈ હતી પરંતુ ડૉક્ટરે જણાવ્યું હતું કે તેમને દિવસમાં બે વખત ઇન્જેક્શન આપવાં પડશે. તે વખતે ડૉક્ટરે એક વિઝિટના રૂ. 15 કહ્યા હતા. તે દિવસોમાં દિવસના રૂ. 30 મેળવવા ખૂબ જ કઠિન કામ હતું. પરંતુ માનો સવાલ હતો એટલે મેં હા પાડી દીધી. બીજે દિવસે ડોક્ટર જ્યારે જઈ રહ્યા હતા ત્યારે મેં તેમને કહ્યું કે આજે સાંજે 'ઑલ ઇન્ડિયા રેડિયો' સાંભળજો, હું ગાવાનો છું. તો તેમણે જણાવ્યું કે મને સંગીત સાંભળવાનો શોખ નથી અને હું મારી ભાણીને ત્યાં જમવા જવાનો છું. હું નિરાશ થઈ ગયો. પરંતુ જ્યારે બીજા દિવસે ડૉક્ટર સાહેબ આવ્યા તો તેમનો મૂડ એકદમ બદલાઈ ગયો હતો. તેમણે જણાવ્યું કે મેં તમારું ગીત સાંભળ્યું, તમને ખબર છે મેં મારી ભાણીને ત્યાં તમારું ગીત સાંભળ્યું. મારી ભાણીએ મને કહ્યું કે આ ગાયક કલાકાર પાસે પૈસાની કમી છે. તેમની એ ભાણી બીજું કોઈ નહીં પરંતુ ગીતા રૉય હતી જે પછી ગીતા દત્ત તરીકે પ્રખ્યાત થઈ. તે દિવસ પછી ડૉક્ટરે વિઝિટ ફી તરીકે માત્ર રૂ. 2 લેવાની શરૂઆત કરી દીધી. આમ, સંઘર્ષના દિવસોમાં કોઈને કોઈ મારી સાથે ચાલતું રહ્યું."

પંડિત જસરાજ માને છે કે સંઘર્ષને કારણે સફળતા મળે છે પરંતુ સફળતા બાદ મગજમાં રાઈ ન ભરાઇ જવી જોઇએ. જ્યારે માણસમાં અહંકાર આવે છે ત્યારે તેનું પતન થઈ જાય છે અને તેના સંઘર્ષનું મહત્વ પણ ઘટી જાય છે.
પંડિત જસરાજનાં બાળપણના કેટલાક દિવસો હૈદરાબાદની ગલીઓમાં વીત્યા છે. અહીંના ગૌલીગુડા ચમન અને નામપલ્લી જેવા કેટલાક મહોલ્લાઓ છે કે જ્યાં પંડિતજીનાં બાળપણની યાદો રહેલી છે. તેમને સ્કૂલના રસ્તે જતાં વચ્ચે આવતી એક હોટલ પણ યાદ છે કે જ્યાં ઊભા રહીને તેઓ બેગમ અખ્તરની ગઝલ 'દિવાના બનતા હૈ તો દિવાના બનાદે, વરના કહીં તકદીર તમાશા ન બના દે' સાંભળતા હતા. આ ગઝલે તેમની સ્કૂલ છોડાવી દીધી અને પછી તેઓ તબલાં વગાડવા લાગ્યા. વર્ષો બાદ લાહોરમાં તેમને મંચ ઉપર મુખ્ય આકર્ષણ ધરાવતા ગાયક બનવાની ઇચ્છા થઈ અને પછી ગાયક બનવા માટે પણ લાંબા સંઘર્ષનો દોર ચાલુ રહ્યો. પંડિતજી માને છે કે આ લાંબા જીવનમાંથી જો કોઈ પ્રેરણા લેવી હોય તો તે એ છે કે માણસે સતત કામ કરતાં રહેવું જોઇએ. ગાવાનો શોખ હોય તો શીખ્યા કરો અને સતત રિયાઝ કરતા રહો. અને પેલા ઉપરવાળાની મહેરબાનીની રાહ જુઓ.

Monday, July 24, 2017

લીયો ટોલ્સટોય


મહાત્મા લીયો ટોલ્સટોય એક વખત સાવ સાધારણ કપડા પહેરીને સ્ટેશન નાં પ્લેટફોર્મ પર લટાર મારતા (ફરતા)  હતા.  એક સ્ત્રીએ તેને  કુલી સમજી બેઠી અને બોલાવીને કહ્યું, “આ કાગળ લઇ અને સામેની હોટેલમાં મારા પતિ બેઠા છે તેને આપી આવો.  હું તને બે રૂબલ આપીશ.”

ટોલ્સટોય એ તે પત્ર પહોંચાડી આપ્યો અને તેણે બે રૂબલ હજુ હાથમાં લીધા હતા ત્યાં જ તેનો એક મિત્ર ત્યાં આવી પહોંચ્યો, તેણે ‘કાઉન્ટ’ કહી અને તેનું અભિવાદન કર્યું.  આ સાંભળી અને તે સ્ત્રીને ખૂબજ આશ્ચર્ય થયું અને તેણે તે અજાણી આવનાર વ્યક્તિને પૂછ્યું,  “આ કોણ છે ?”  ટોલ્સટોય નો પરિચય જાણી અને તે સ્ત્રી ખૂબજ લજ્જિત થઇ ગઈ અને તેણે તેની માફી માંગતા પોતાના રૂબલ પરત આપવા કહ્યું.

આ વાત પર ટોલ્સટોય એ હસતાં કહ્યું, “દેવીજી, માફી આપવી તે તો ઈશ્વર- પરમકૃપાળુ પરમાત્માનું કામ છે.  મેં કામ કરીને પૈસા લીધા છે.  મારી મહેનત ની કમાઈ કેમ કરી ને પરત / પાછી આપું ?”

વિનોબા ભાવે


નિંદક / ટીકાકાર ને પાસે રાખો …

વિનોબાભાવે પોતાના પત્રોને હંમેશાં સંભાળીને રાખતા હતા અને તે બધાનો તે યોગ્ય ઉત્તર પણ હંમેશાં આપતાં હતા.  એક દિવસ તેમની પાસે ગાંધીજી નો પટ આવ્યો,  તો તેમણે તે પત્રને વાંચી અને ફાડી નાખ્યો.  તેમની નજીકમાં જ કમલનયન બજાજ બેઠા હતા.  તેમને આ  જોઈને  આશ્ચર્ય થયું.  તે તેમની જિજ્ઞાસા ને દબાવી ન શક્યા અને તેમણે તે ફાટેલાં ટુકડાઓ ને સાથે રાખી જોડી ને વાંચ્યું તો તે પત્ર વિનોબાજી ની પ્રસંશાથી ભરેલો હતો.  તેમાં લખ્યું હતું – “તમારા જેવો મહાન –ઉચ્ચ આત્મા મેં ક્યાંય જોયો નથી.”

આશ્ચર્યચકિત થઇ બજાજજી એ પૂછ્યું, “તમે આ પત્ર ફાડી કેમ દીધો – નાખ્યો ?  સાચી વાત તો લખી છે તેમાં.  આ તો સંભાળી ને રાખવો જોઈએ.”  હસતાં હસતાં વિનોબાજી એ જવાબ આપ્યો, “આ પત્ર મારા માટે નકામો – બેકાર છે, તેથી મેં તેને ફાડી નાખ્યો.  પૂજ્ય બાપુએ પોતાની વિશાળ દ્રષ્ટિથી જે રીતે મને જોયો, આ પત્રમાં તે લખી આપ્યું છે,  પણ મારા દોષોની ક્યાં તેમને ખબર છે ?  મને તો આત્મ પ્રસંશા બિલકુલ પસંદ નથી.  કોઈ મારા દોષ – ભૂલ બતાવે, તો હું બરોબર તેનું ધ્યાન રાખીશ.”

પ્લેટો

ક્યાં  સુધી અભ્યાસ ચાલુ રાખવાનો ? – શીખવાનું ક્યાં સુધી ? …

પ્રસિદ્ધ યુનાની દાર્શનિક પ્લેટોને તેમના એક મિત્રએ એક દિવસ વાતો વાતોમાં પ્રશ્ન કર્યો, “ભાઈ, તમારી પાસે તો દુનિયાના મોટા મોટા વિદ્વાન કંઈ ને કંઈ શીખવા માટે આવતા જ રહે છે;  આમ છતાં એક વાત મારી સમજમાં નથી આવતી આપ સ્વયંમ આવાડા મોટાં દાર્શનિક અને વિદ્વાન હોવા છતાં બીજાની પાસે શીખવા માટે હંમેશાં તત્પર કેમ રહો છો ?  અને તે પણ ખૂબજ ઉત્સાહ અને ઉંમંગ સાથે.  જરા સમજાવો તો, તમારો આ શિક્ષા મેળવવાનો – શીખવાનો ક્રમ ક્યાં સુધી ચાલતો રહેશે ?”

તત્વજ્ઞાની પ્લેટોએ જવાબ આપ્યો, “જ્યાં સુધી બીજા પાસેથી  કાંઈ પણ શીખવા માટે જતાં મને શરમ નહીં આવે ત્યાં સુધી.”

નમ્રતા


એક વખત ચીની સંત ચાંગ-ચુઆંગ બીમાર પડ્યા, ત્યારે તેને જોવા માટે લાઓત્સે તેમની પાસે ગયા.  લાઓત્સેએ  પોતાને  કશોક ઉપદેશ દેવા  માટે તેમને વિનંતી કરી.  ચાંગ-ચુઆંગ એ પૂછ્યું, “જ્યારે  કોઈ પોતાના મૂળ ગામડે-ગામ  જાય છે, ત્યારે ગામના સીમાડે પહોંચે ત્યારે પોતાની ગાડીમાંથી કેમ નીચે ઉતરી જાય છે ?”  લાઓત્સેએ જવાબ આપ્યો, આ પ્રથા નો ઉદ્દેશ – હેતુ એ છે કે મનુષ્યએ પોતાનાં ઉદ્દ્ગ્મ -ઉદભવ (સ્થળ) ને ન ભૂલવું જોઈએ.”

ત્યાર બાદ ચાંગએ પોતાનું મોઢું ખોલી બતાવીને  પૂછ્યું, “શું મારા મોઢામાં દાંત છે ?”  “ના, નથી તો.” – લાઓત્સેએ જવાબ આપ્યો.  “અને જીભ ?”  – ચાંગ નો બીજો સવાલ/ પ્રશ્ન હતો.  “તે તો છે.”  –  લાઓત્સેએ કહ્યું, “આમ કેમ છે.  શું તેનું કારણ જણાવી શકો છો ?”  – ચાંગ નો હવે પછીનો સવાલ  – પ્રશ્ન હતો. – “મહોદય શ્રી, મારી સમજ મુજબ નમ્ર હોવાથી જીભ કાયમ છે, જ્યારે દાંત કડક હોવાથી તેનો નાશ થવા જવા પામેલ છે.”

“તમે સાચો જ જવાબ આપ્યો છે.  મનુષ્યએ વિનમ્ર રહેવામાં જ તેમનું  હિત – ભલાઈ છે.  મને વિશ્વાસ છે કે તમે જગતના બધા જ સિદ્ધાંતો ને સમજી લીધા છે અને તમને ઉપદ્દેશ આપવાની કોઈ જ આવશ્યકતા – જરૂરત નથી.” – ચાંગએ સંતોષભર્યા શબ્દોમાં કહ્યું.

Friday, July 21, 2017

મોટું હૃદય

એક અત્યંત પૈસાદાર પરિવારના એકના એક દિકરાના લગ્ન હતા. એકમાત્ર સંતાન હોવાથી દિકરાના માતા-પિતાએ ધામધૂમથી લગ્ન ઉજવવાનું નક્કી કરેલુ. લગ્નમાં સામેલ થનાર તમામ લોકોને કંઇક ભેટ આપવી એવુ નક્કી થયુ.

એકદિવસ પતિ-પત્નિ બંને સાથે બેસીને કોને કોને શું ભેટ આપવી ? એની ચર્ચા કરી રહ્યા હતા. લાંબી ચર્ચાના અંતે એવુ નક્કી થયુ કે લગ્નમાં આવનાર તમામ સ્ત્રીઓને એક સાડી અને તમામ પુરુષોને એક સુટ ભેટમાં આપવુ. મેનેજરને બોલાવીને આદેશ આપ્યો ” લગ્નમાં આવનાર મહેમાન માટે 500 સાડી અને 500 સુટના કાપડનો ઓર્ડર આપી દો. મારા લાડકા દિકરાના લગ્ન છે એટલે સાડી અને સુટ મોંઘામાં મોંઘા હોય એવા લેવાના છે એમા જરા પણ કંજૂસાઇ ન કરતા.”

મેનેજર જતા હતા એટલે શેઠાણીએ એને અટકાવીને કહ્યુ, ” તમે થોડી સાડી અને સુટ સસ્તા હોય એવા પણ લેજો.” શેઠે કહ્યુ, ” કેમ એવુ ? ” શેઠાણીએ કહ્યુ, ” ઘરના નોકરને જે ભેટ આપીશું એ બહુ મોંઘી આપવાની જરૂર નથી એમને તો સસ્તી આપીએ તો પણ ચાલે.

સાંજે સાડી અને સુટના કાપડની ખરીદી કરવા માટે મેનેજર શહેરના એક અત્યંત આધુનિક શોરૂમ પર પહોંચ્યા. આ શોરૂમ શહેરનો સૌથી મોંઘો શોરૂમ હતો.મેનેજર અંદર પ્રવેશ્યા કે એનું ધ્યાન 4-5 જાણીતા ચહેરા પર પડ્યુ. આ બધા લોકો ઘરના નોકર હતા.

મેનેજરને આશ્વર્ય થયુ કે નોકરો અહીંયા શું લેવા આવ્યા હશે ? એ તો એકબાજુ ઉભા ઉભા જોવા લાગ્યા. નોકરો સેલ્સમેનને કહી રહ્યા હતા, ” ભાઇ, અમારા શેઠના એકના એક દિકરાના લગ્ન છે. લગ્નપ્રસંગે અમારે એમને ભેટ આપવી છે. અમને આવા સામાન્ય કપડા ન બતાવો. તમારા શોરૂમમાં જે મોંઘામાં મોંઘા કપડા હોય એ બતાવો અમે બધાએ સાથે મળીને અમારા નાનાશેઠને ભેટ આપવા માટે અમારા પગારમાંથી ઘણી બચત કરી છે એટલે તમે ચિંતા ન કરતા.” નોકરોની વાતો સાંભળીને મેનેજરની આંખ ભીની થઇ ગઇ.

"મોટાની અલ્પતા જોઈ થાક્યો,
નાનાની મોટાઈ જોઇ જીવું છું." (ઉ.જોશી)

--કાર્તિક શાહ

વિશ્વની શ્રેષ્ઠ ડાન્સર, કોરીયોગ્રાફર --- ગિલીયન લિની


૧૩ વર્ષની ઉંમરની એક વિદ્યાર્થીનીથી શાળાના બધા શિક્ષકો કંટાળી ગયા હતા કારણ કે આ છોકરી વર્ગમાં પગ વાળીને બેસતી જ નહોતી. વર્ગમાં બેઠા બેઠા સતત પોતાના પગ હલાવ્યા કરે અને પાંચ મીનીટ ન થાય ત્યાં પોતાની જગ્યાએથી ઉભી થઇને વર્ગમાં આંટો મારે. શિક્ષકો ગમે તેવી સજા કરે તો પણ એની કોઇ અસર આ છોકરી પર થતી નહોતી.

છેલ્લા ઉપાય તરીકે આ છોકરીની મમ્મીને શાળાએ બોલાવવામાં આવી. શિક્ષકે એમને કહ્યુ કે ” આ છોકરી ભણવામાં બિલકુલ ધ્યાન નથી આપતી. એ શાંતીથી વર્ગમાં બેસી પણ શકતી નથી. આ છોકરીને અમે આ શાળામાં રાખી શકીએ તેમ નથી કારણકે એનામાં કંઇક ખામી હોય એવુ અમને લાગે છે તમે ખામીવાળા બાળકોને અભ્યાસ કરાવતી હોય એવી કોઇ શાળામાં એને પ્રવેશ અપાવો.”વાત સાંભળીને છોકરીની મમ્મી પડી ભાંગી.

પોતાની દિકરીના ભવિષ્યની ચિંતા માતાને સતાવી રહી હતી. દિકરીમાં શું ખામી છે એ તપાસવા માટે એણે એક મનોવૈજ્ઞાનિક ડોકટરની મુલાકાત લીધી. ડોકટરે નાની છોકરીની બધી વાતો ધ્યાનથી સાંભળી અને એનું નિરિક્ષણ કર્યુ. છોકરી શાંત બેસી રહેવાને બદલે એના પગ હલાવતી હતી અને વારે વારે ઉભી થતી હતી.

ડોકટરે એની ચેમ્બરમાં રહેલો રેડીયો ચાલુ કર્યો અને છોકરીને ડાન્સ કરવા માટે પ્રત્સાહિત કરી. થોડી જ વારમાં 13 વર્ષની ઉંમરની આ છોકરી કોઇપણ જાતની તાલીમ વગર અદભૂત ડાન્સ કરવા લાગી.

ડોકટરે છોકરીની માતાને કહ્યુ, ” તમે કોઇ ચિંતા ન કરો. તમારી દિકરી ખામીવાળી નહી પણ ખુબીવાળી છે. ભગવાને એનામાં નૃત્યકળા ઠાંસીઠાંસીને ભરી છે. આને તમે કોઇ સારી સંગીત અને નૃત્યની શાળામાં મોકલો. "

ડોકટરના આદેશ પ્રમાણે એ છોકરીને એક સારી નૃત્યશાળામાં મુકવામાં આવી અને યોગ્ય તાલીમના કારણે આ છોકરી ન કેવળ પોતાના શહેરમાં પરંતું સમગ્ર વિશ્વમાં પ્રસિધ્ધ બની ગઇ.

શિક્ષકોએ જેને ખામીવાળી છોકરી સમજીને શાળામાંથી કાઢી મુકેલી એ છોકરી એટલે વિશ્વની શ્રેષ્ઠ ડાન્સર, કોરીયોગ્રાફર, અભિનેત્રી અને ડાયરેકટર ગિલીયન લીની.

નોંધ: ઘણીવખત આપણે બાળકોની ખુબીઓને ખામીઓ સમજવાની ભૂલ કરતા હોઇએ છીએ. બાળકોના વર્તન પરથી એની ટેલેન્ટને સમજીએ અને બીજા બાળકો સાથે એની સરખામણી કરવાનું બંધ કરીએ.

રજુઆત: કાર્તિક શાહ

રાજા નાઈક --- મોટિવેશન જરૂરી છે ભલે કાલ્પનિક હોય!


દલિત જાતિમાં જન્મેલા અને રંકમાંથી રાય બનેલા રાજા નાઇકના જીવનની સફળતાની આ ગાથા ઘણી પ્રેરક છે.આજે ઘણાં વેપાર-ધંધા દ્વારા એમનું 60 કરોડથી વધારેનું ટર્નઓવર છે. પોતે દલિત છે અને દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ છે.

તેઓ અભાવગ્રસ્ત બાળકો માટે સ્કૂલ પણ ચલાવે છે.એમની સફળતા માટેની પ્રેરણા એમને 1978ની હિટ ફિલ્મ ‘ત્રિશૂલ’માં વિજયનું પાત્ર ભજવતા અમિતાભ બચ્ચનના સંવાદના આ શબ્દો ‘શાંતિ કન્સ્ટ્રક્શન- હું આ નામને આકાશમાં લખેલું જોવા માંગુ છું.” બન્યો હતો.

જીવનમાં સફળતા માટે કોઈ એક મોટિવેટર કે સફળતાની સીડી ચડેલા કોઈ પણ વ્યક્તિની વાર્તા- Sucees Story- ની જરૂર હોય છે, પછી એ વાસ્તવિક હોય કે આ ત્રિશુલ હિન્દી ફિલ્મના નાયક અમિતાભ બચ્ચન જેવી કોઈ એક ફિલ્મની કાલ્પનિક સ્ટોરી હોય.
સફળતા માટે મોટિવેશન જરૂરી, ભલે તે કાલ્પનિક હોય..

‘શાંતિ કન્સ્ટ્રક્શન- હું આ નામને આકાશમાં લખેલું જોવા માંગુ છું.”આ તો ઘણા જાણીતા સંવાદોમાંનો એક છે જે 1978ની હિટ ફિલ્મ ‘ત્રિશૂલ’માં વિજય બોલ્યો હતો. તે પાત્ર અમિતાભ બચ્ચને ભજવ્યું હતું. બે વર્ષ પછી ફિલ્મ ‘કભી-કભી’માં અમિતાભ બચ્ચનની પત્નીની ભૂમિકા ભજવનારા વહીદા રહેમાન ફિલ્મ ‘ત્રિશૂલ’માં તેમના મા બન્યાં હતા.
મોહમ્મદ અલીએ કહ્યું હતું, ‘સામે ઊભેલો પહાડ નહીં, જૂતામાં રહેલો કાંકરો ચઢાઇમાં થકવી નાંખે છે.’

આખી ફિલ્મમાં તેમની હાજરી જણાય છે, જોકે તે પાત્ર સ્ક્રિન પર ખૂબ ઓછું દેખાય છે. માતા શાંતિ પ્રત્યેના સમર્પણને કારણે જ વિજય ગરીબીમાંથી બહાર આવવા માંગે છે, ભલે તે માટે કોઇ પણ રસ્તો કેમ અપનાવવો ન પડે. તે શાંતિના નામે જ એક આખી કન્સ્ટ્રક્શન કંપની બનાવે છે.આપણામાંથી ઘણાં લોકો માટે બોક્સર મોહમ્મદ અલી પ્રેરણા હોઇ શકે છે, પણ રાજા નાઇક માટે તો વિજય જ પ્રેરણા બની ગયો હતો. ‘ત્રિશૂલ’નો સ્ક્રિન હીરો અને કંગાળ માણસ, જે માત્ર ત્રણ કલાકમાં રિયલ એસ્ટેટનો બાદશાહ બની જાય છે.

રાજાના દિમાગમાં જ્વાળામુખી સક્રિય કરવા માટે થિએટરના અંધારામાં વિતાવેલા ત્રણ કલાક પૂરતાં હતા. તેમણે જાતને વિશ્વાસ આપ્યો કે, સપનાઓને સાચાં કરી શકાય છે. તે પણ રિયલ એસ્ટેટનો બાદશાહ બનવા ઇચ્છતો હતો.આ આ વિશ્વાસને આધારે જ તે ત્યારના બોમ્બે અને આજના મુંબઇમાં જઇ પહોંચ્યો. અને પછી ભગ્ન હૃદયે હતાશ થઇને પાછો ફર્યો. પણ ફિલ્મમાં જેમ વિજય સતત પોતાના પિતાની વિરુદ્ધમાં યોજનાઓ ઘડતો રહે છે, તે પણ હંમેશાં તકની શોધમાં રહ્યો . 70ના દાયકાના છેલ્લાં વર્ષોમાં રાજાએ ભણવાનું છોડી દીધું. તે પહેલાં પ્રી-યુનિવર્સિટી કોર્સમાં હતો.

પોતાના મિત્ર દિપક સાથે પાર્ટનરશીપ કરી અને સડક પર શર્ટ વેચવાનો નિર્ણય કર્યો. બંનેએ 10 હજાર રૂપિયા એકઠાં કર્યાં અને તમિલનાડુના ત્રિપુર જવાનો નિર્ણય કર્યો. ત્રિપુર ખૂબ મોટું ગારમેન્ટ અને ટેક્સટાઇલ હબ હતું. જેવી ‘ત્રિશૂલ’માં વિજયની માતા હતી, તેવી જ રાજાની માતાને રાજા ખૂબ પ્રિય હતો. માતાએ તેને ધંધો જમાવવા માટે જે પણ તેની પાસે હતું, બધું આપી દીધું. માએ આ પૈસા જેમ ચકલી ઘાસ ભેગું કરે છે તેમ ભેગાં કર્યાં હતા.તેમણે 50 રૂપિયાના ભાવે શર્ટ ખરીદ્યા અને બેંગલુરુ લાવી 100 રૂપિયામાં વેચી દીધાં.

આમ તેઓને 100 ટકા નફો થયો. આ સફળતાથી ખુશ થઇ બંને મિત્રોએ નફાના પૈસાનું ફરી રોકાણ કર્યું. વેચાણ માટે અન્ય સામાન પણ લાવવા માંડ્યાં. તેઓ એક સ્થળેથી બીજા સ્થળે જતાં, જાણે તેમના પગમાં પૈડાં લાગેલાં હોય. આ માત્ર શરૂઆત હતી. તેમણે નક્કી કર્યું લીધું કે તેઓ જ્યાં સુધી પૈસાનો ભંડાર ભેગો નહીં કરી લે, નિરાંતનો શ્વાસ નહીં લે.ત્રણ વર્ષ પછી તેમણે સારો એવો ધંધો જમાવી લીધો અને તેમાં કોલ્હાપુરી ચપ્પલ અને અન્ય ફૂટવેર પણ ઉમેરી દીધાં.

પાર્ટનરથી છૂટાં પડ્યાં પછી રાજાએ ગરીબીને ધરમૂળથી ઉખેડી નાંખવાનો નિશ્ચય કરી લીધો અને આજે ઘણાં વેપાર-ધંધા દ્વારા તેનું 60 કરોડથી વધારેનું ટર્નઓવર છે. તેમાં એમસીએસ લોજિસ્ટિક્સ કંપની ઇન્ટરનેશનલ લોજિસ્ટિક્સ અને શિપિંગનું કામ કરે છે. અક્ષય એન્ટરપ્રાઇઝિસ પેકેજિંગ, જાલા બેવરેજિસ પેકેજ્ડ પાણી બનાવે છે, ‘પર્પલ હેઝ’ બેંગલુરુમાં બ્યૂટીસલૂન અને સ્પા ચલાવે છે. આ સિવાય ત્રણ પાર્ટનર સાથે ન્યુટ્રી પ્લાન્ટ છે. આ કંપની સેન્ટ્રલ ફૂડ ટેક્નોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટની સાથે એનર્જી બાર અને ચિયા રાઇસથી બનેલા ઓઇલ પ્રોડક્ટ લાવવાનું કામ કરે છે.

રાજા, જેઓ પોતે દલિત છે, તેઓ દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ છે. તેઓ અભાવગ્રસ્ત બાળકો માટે સ્કૂલ પણ ચલાવે છે.

ફંડા એ છે કે, સફળતા માટે તમારે મોટિવેટર અને વાર્તાની જરૂર હોય છે, ભલે તે વાસ્તવિક હોય કે કાલ્પનિક.

Thursday, July 20, 2017

જ્યોર્જ બર્નાડ શૉ અને એમના વ્યંગ - કટાક્ષ


એક આક્ષેપ સ્ત્રીઓ પર અવારનવાર કરવામાં આવે છે. સ્ત્રીઓના પેટમાં વાત ટકતી નથી. સ્ત્રીઓ કોઈ રહસ્ય છુપાવી શકતી નથી. આ બાબત તદ્દન ખોટી છે. સ્ત્રીઓ અમુક રહસ્ય જીવનભર છુપાવી શકે છે. ખાતરી ન થતી હોય તો..... વિચારીને જુઓ કે વર્ષો સુધી તેમની સાચી ઉંમર છુપાવવી એ કાંઈ સહેલી વાત નથી.

મેકઅપની સજાવટથી સજ્જ, સુંદર વસ્ત્રો પરિધાન કરેલ એક શ્રીમંત મહિલાએ જ્યોર્જ બર્નાર્ડ શૅાને પૂછ્યું, ‘મારી ઉંમર આપ કેટલી ધારો છો?’

શૉએ કહ્યું, ‘દાંત પરથી જો અનુમાન કરવામાં આવે તો તો આપની ઉંમર અઢાર વર્ષ જણાય છે. ભૂરા વાંકડિયા વાળ પરથી તો ઓગણીસ વર્ષ હોય એવું જણાય છે અને તમારી આ અદા પરથી ઉંમરનો અંદાજ લગાડવામાં આવે તો એમ માનીને ચૌદ વર્ષ જણાય છે.’

મહિલા બહુ ખુશ થઈ. શૉની પ્રશંસા કરતાં તેણે કહ્યું, ‘આપના અભિપ્રાય બદલ આભાર, પરંતુ આપને હું કેટલાં વર્ષની લાગું છું?’

બર્નાર્ડ શૉએ સ્પષ્ટતા કરતાં કહ્યું, ‘મેં તો ઉંમર જણાવી દીધી છે. છતાં આપ અઢાર, ઓગણીસ અને ચૌદનો સરવાળો કરી લ્યો.’

બર્નાર્ડ શૉ કટાક્ષ કરવા માટે જાણીતા હતા, પરંતુ ક્યારેક એમને પણ ઊભા વેતરી નાખે એવા કટાક્ષ સહી લેવા પડતા.



સ્ટ્રેટફર્ડ અપૉન એવોનમાં શેક્સપિયર દિવસની ઉજવણીમાં એવન નદીને કાંઠે રૉયલ શેક્સપિયર થિયેટરમાં શેક્સપિયરનું નાટક ભજવવાનું હતું. જગતના માંધાતાઓ આ સમારંભમાં ઉપસ્થિત હતા. શૉ પણ ત્યાં આવી પહોંચ્યા. શૉને જોઈ હાજર રહેલા સૌને ખૂબ આશ્ર્ચર્ય થયું, કારણ કે બર્નાર્ડ શૉએ વિલિયમ શેક્સપિયરની પણ કટુ આલોચના કરી હતી. શૉનું સ્વાગત કરવા આગળ આવેલા જી. કે. ચેસ્ટરને કટાક્ષ કર્યો, ‘આવો, મિ. શૉ આપ આવ્યા તે બહુ સારું કર્યું. મરેલા સિંહ કરતાં જીવતા ગધેડાની કિંમત વધારે હોય છે.

કટાક્ષ સાંભળી શૉ સમસમી ઊઠ્યા પણ પ્રસંગની મહત્તાનો સ્વીકાર કરી એક શબ્દ પણ બોલ્યા નહીં.

ખાસ નોંધ:
જ્યોર્જ બર્નાર્ડ શો એવા એક માત્ર સાહિત્યકાર છે કે જેમને ઓસ્કાર અને નોબેલ પ્રાઈઝ (૧૯૨૫) એમ બંને પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યા હોય.

--- કાર્તિક શાહ

અબ્રાહમ લિંકન


પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા પછી અબ્રાહમ લિંકનને એક સંસદસભ્યે કહ્યું, ‘મિ. લિંકન, એ ન ભૂલો, તમારા પિતાએ રિપેર કરેલા બૂટ હજી મારા ઘરમાં પડ્યા છે.’

અબ્રાહમ લિંકનના પિતા મોચીકામ કરતાં. તેમણે લિંકનની રેખાને ભૂંસવા પ્રયાસ કર્યો, લિંકને કહ્યું, ‘એ બૂટ રિપેર તો બરાબર થયા છેને? એમાં કોઈ ઊણપ, કોઈ ફરિયાદ તો નથીને? યાદ રાખો શ્રીમાન, મારા પિતા જેટલું સારું મોચીકામ શીખ્યા એટલો સારો હું પ્રેસિડન્ટ નહીં બની શકું. માનવીનું મૂલ્યાંકન તેણે કરેલાં નિષ્ઠાપૂર્વકના જીવનકાર્યોથી થાય છે, સ્થાનથી નહીં.
લિંકનનું વક્તવ્ય સાંભળી સૌ ચૂપ થઈ ગયા.

અમેરિકન હાસ્યલેખક માર્ક ટ્વેઇન


૧. અમેરિકન હાસ્યલેખક માર્ક ટ્વેઇને એકવખત તેમનાં એક પાડોશી પાસે તેની પાસે રહેલા સારા પુસ્તકો વાંચવા માટે માંગ્યા. પાડોશીએ કહ્યું, ‘હું કોઇને ઉછીનું આપતો નથી. તમારે વાંચવા જ હોય તો અહીં બેસીને વાંચી શકો છો.’

બીજા જ મહિને પેલો પાડોશી ટ્વેઇન પાસે ઘાસ કાપવાનું મશીન લેવા માટે આવ્યો. ટ્વેઇને કહ્યું, ‘હું કોઇને ઉછીનું આપતો નથી. તમારે ઘાસ કાપવું જ હોય તો અહીં મારા બગીચામાં તે વાપરી શકો છો.’!!!

💐💐💐💐----💐💐💐💐

૨. અમેરિકાના સુપ્રસિદ્ધ હાસ્યલેખક માર્ક ટ્વેઈન કાર્યક્રમ આપવા એક શહેરમાં આવી પહોંચ્યા. શહેરમાં પોતાના કાર્યક્રમનો પ્રચાર બરાબર થયો છે કે નહીં, તેની બારીક તપાસ તેમણે કરી, પરંતુ દીવાલો પર પોસ્ટર કે ચોપાનિયાં અથવા છાપામાં મોટી જાહેરાત આવું કાંઈ તેમના જોવામાં ન આવ્યું.

એક દુકાનદાર પાસે ઊભા રહી તેમણે તપાસ કરી, ‘આ શહેરમાં કોઈ મનોરંજન કાર્યક્રમ આજે છે?’ દુકાનદારે વિચારીને કહ્યું, ‘હા કોઈનો છે ખરો.’ માર્ક ટ્વેઈન કહે, ‘કોનો કાર્યક્રમ છે?’ દુકાનદાર કહે, ‘એ તો ખબર નથી.’ માર્ક ટ્વેઈન કહે, ‘તો પછી કાર્યક્રમની કેમ ખબર પડી?’ દુકાનદારે શાંતિથી કહ્યું, ‘આ તો અહીં ઈંડાં બહુ વેચાયાં છે એટલે અનુમાન કરું છું.’
માર્ક ટ્વેઈને તપાસ કરવાનું માંડી વાળ્યું...!!!

ગુગ્લીલ્મો માર્કોની

ગુગ્લીલ્મો માર્કોની

મહાન વૈજ્ઞાનિક અને સંશોધક માર્કોનીનો જન્મ 25/4/1874 ના રોજ ઇટાલીમાં થયો હતો. અભ્યાસ દરમિયાન જ તેજસ્વી વિદ્યાર્થી તરીકે તેમણે પોતાનું નામ રોશન કર્યું હતું. બાળપણથી જ તેમને વિદ્યુત સંશાધનોમાં અનોખો રસ હતો. ઘરમાં જ પુસ્તકાલય હોવાથી તેઓ સતત વાંચતા રહેતા. માર્કોની અને તેના ભાઇ બંનેએ મળીને વીજળીના તરંગો મોકલવાના પ્રયાસો કર્યા અને એક દિવસ સફળતા મળી. 

કોઇપણ જાતના તાર વગર અવાજ એક સ્થળેથી બીજે સ્થળેથી બીજે સ્થળે મોકલવાનું સંશોધન કર્યું. માર્કોનીના આ આવિષ્કારે વિશ્વને હલબલાવી નાખ્યું. ઇટાલીના સમ્રાટ અને સામ્રાજ્ઞીને પણ તેમનો પ્રયોગ જોવાની ઇચ્છા થઇ અને પ્રસન્ન થયાં. માર્કોનીને હવે પ્રથમ કરતા વધારે મદદ મળવા લાગી. કેનેડાની સરકારે માર્કોનીને આમંત્રણ આપી સંદેશા-વ્યવહારનું સેન્ટર ઊભું કર્યું. ત્યારબાદ તેમણે ‘અલ્ટ્રા શોર્ટ એન્ડ માઇલ વેવ્ઝ’ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું, જેની મદદથી રેડિયોની શોધ થઇ. 

માર્કોનીને ભૌતિક વિજ્ઞાનનો ‘નોબેલ પુરસ્કાર’ મળ્યો. ઇટાલિયન સરકારે એનું ભારે સન્માન કર્યું. ઇટાલીના રાજાએ તેને માટે વારસાગત ઉમરાવપદ પણ આપ્યું. સંદેશા-વ્યવહારમાં ક્રાંતિકારી શોધ કરી દુનિયાને ઉપયોગી થનાર માર્કોનીનું ઇ.સ.1937 માં 64 વર્ષની ઉંમરે અવસાન થયું. રેડિયોના પ્રચાર અને પ્રસારથી જ સમગ્ર વિશ્વને એક તાંતણે ગૂંથનાર અને ચમત્કાર સર્જનાર માર્કોની જ હતા.

આલ્બર્ટ આઈન્સ્ટાઈન

મહાન વૈજ્ઞાનિક અલ્બર્ટ આઈનસ્ટાઇન

E=MC²નું સૂત્ર આપી જગતભરમાં પ્રખ્યાત થનાર આલબર્ટ આઇન્સ્ટાઇનનો જન્મનો ૧૪ માર્ચ ૧૮૭૯નાં જર્મનીનાં ઉલ્મ ખાતે  થયો હતો. તે જન્મ્યાં ત્યારે તેમનું સિર ઘણું મોટું હતું. ૪ વર્ષ સુધી તો તેમણે બોલવાનું પણ શરૂ નહોતું કર્યું. એક દિવસ ૪ વર્ષની ઉમરે તે પોતાનાં માતા-પિતા સાથે રાત્રે જમવાં બેઠાં હતાં ત્યારે તેમણે ૪ વર્ષની ચુપ્પી તોડતા કહ્યું કે ‘સૂપ કેટલો ગરમ છે. આ સાંભળી માતા-પિતા ખૂશ થયાં પરંતુ આ સાફ અવાજ પર ચોંકી ગયા. તેમણે આઇન્સ્ટાઇનને પૂછ્યું કે હમણાં સુધી તું કેમ નહોતો બોલતો? તો આઇન્સ્ટાઇને કહ્યું કે ‘હમણાં સુધી તો બધું ઠીક હતું.’!!

આઇન્સ્ટાઇન ખુદ તો મજાકિયા હતાં; સાથે-સાથે તેમની આદતો પણ હસાવનાર હતી. તેઓ ક્યારેય મોજાં નહોતાં પહેરતાં કારણ કે તેમનાં મોજાંમાં છેદ થઈ જતાં હતાં. તેમનું એક કારણ એ પણ હતું કે તે માનતા હતાં કે એકથી કામ થઈ જતું હોય તો બે પહેરવાની શું જરૂર છે. કેટલીયે ફોર્મલ ડિનર પાર્ટીમાં મોજાં વગર જ ચાલ્યાં જતાં. ઓક્સફોર્ડમાં લેકચર દરમિયાન તે આમ જ ચાલ્યાં ગયાં; પરંતુ સ્ટુડન્ટનું ધ્યાન તેમનાં મોજાં કરતાં તેમનાં લાંબા વાળમાં હતું. તેમને ક્યારેય વાળ કપાવવું પસંદ ન હતું.

સ્કુલ લાઈફમાં આઇન્સ્ટાઇનનો સમાવેશ બેવકૂફ બાળકોમાં થતો હતો. ખાસ કરીને તેમને ટીચર બિલકુલ પસંદ નહોતાં; કારણ કે ગણિત અને વિજ્ઞાન સિવાયનાં દરેક વિષયમાં તે ફેલ થતાં. વધારામાં તેમની પર ટીચરની ડાંટની પણ કોઈ અસર થતી નહતી. કહેવાય છે કે બાળપણમાં તે ગણિતમાં પણ કમજોર હતાં ત્યારે ટીચરે તેમને ગણિત ભણાવવાની મનાઈ કરી દીધી. ત્યારથી તેમની માં એ તેમને ઘરે ભણાવવાનું શરુ કરી દીધું અને તેમને ગણિતમાં એટલી રુચિ જાગી કે તે મહાન ગણિતજ્ઞ બની ગયાં.

તેમનાં મૃત્યુ બાદ પેથોલોજિસ્ટ ડૉ. થોમસ સ્ટોલ્ટ્જ હાર્વે એ તેમનાં પરિવારની સહમતિ વગર જ તેમનાં દિમાગની ખોપડી કાઢી લીધી. હોસ્પિટલનાં લાખ કોશિશ કરવાં છતાંય તેમને પરત ન આપી અને ૨૦ સાલો સુધી આમ જ રહી. ૨૦ વર્ષ બાદ આઇન્સ્ટાઇનનાં પુત્રની અનુમતિ બાદ તેમણે ખોપડી પર અધ્યયન શરુ કરી દીધું. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમની ખોપડીનાં ૨૦૦ ટુકડા કરી થોમસે અલગ-અલગ વૈજ્ઞાનિકોને મોકલી દીધાં. આ માટે તેમને હોસ્પિટલમાંથી નિકાળી દેવામાં આવ્યાં; પરંતુ રિસર્ચ દરમિયાન જાણવા મળ્યું કે સાધારણ લોકોની તુલનામાં આઇન્સ્ટાઇનનાં દિમાગમાં એક અસાધારણ સેલ સંરચના હતી. આ કારણે આઇન્સ્ટાઇનનું દિમાગ ઘણું અસાધારણ વિચારતું હતું.