Wednesday, June 13, 2018

થડ વિનાનું વડ


થડ વિનાનું વૃક્ષ/વડ (સત્યઘટના)
દુનિયાના તમામ 'થડ' માટેની અભિવ્યક્તિ 

આ શીર્ષક જોઈને ચોક્કસ નવાઈ તો લાગે જ કે થડ વગરનું તો કંઈ વડ/વૃક્ષ હોતું હશે? કલ્પના પણ કરવી અશક્ય છે. હા, આ થડ તો છે જે વૃક્ષ ને મજબૂતી બક્ષે છે. આ થડ જ છે જે વૃક્ષને એના જીવન દરમ્યાન આવતા તોફાનોને કઈ રીતે ખાળવા? એ શીખવે છે. એ જ તો એને લચીલું બનાવે છે. થડની મજબૂતાઈ પર જ તો વૃક્ષ ની જીવાદોરી ટકેલી હોય છે, કેમ ખરું ને?  પરંતુ મોટેભાગે આ પર્યાવરણમાં પણ થડને, એની ઉપયોગિતાને નજરઅંદાજ કરવામાં આવ્યું છે. વૃક્ષનો, પર્ણનો, પુષ્પોનો, લચકતી ડાળીઓનો, ફળોનો, એની ઘટાનો, તડકી-છાંયડીનો, પાનખરનો, વસંતનો વિગેરે તમામ પાસાઓનો મહિમા ગવાયો, પણ આ થડ તો સૌને ભુલાઈ જ ગયું....!!! આપણા ગુજરાતી સાહિત્યમાં પણ કૈક આવું જ જોવા મળ્યું છે, માતા અને કુટુંબનો મહિમા ખુબ ગવાયો, પુસ્તકો પણ ઘણાં ઉપલબ્ધ છે પણ એક પિતા જ નજરઅંદાજ થઇ ગયા. હવે, ધીમે ધીમે સાહિત્ય પણ સજાગ થયું છે. એકાદ-બે પુસ્તકો પણ ઉપલબ્ધ થયા છે. થડનો પણ મહિમા આલેખાય તો વૃક્ષના જીવનની એક અનન્ય પરિભાષા અનાવૃત્ત થાય.


હા આજે વાત અનાવૃત્ત કરવી છે એવા જ એક વૃક્ષની જેણે હજુ તો વિકસવાની ઉંમરે જ થડ ગુમાવી દીધું. એનું સર્વસ્વ કે જેના થકી એની હસ્તી હતી એજ આ દુનિયાને અલવિદા કહી ગયું. શું થયું આ વૃક્ષનું? એના પુષ્પ, પર્ણ, ફળ વિગેરે કઈ રીતે વિકસ્યા ? અને થડ વગરના આ વૃક્ષને દુનિયાની કેવી તો થાપટો વાગી? વાતાવરણની કેવી પ્રતિકૂળતા રહી? આ બધું જ મારે તમને કહેવું છે.

આ થડ છે એક પિતા!! અને વૃક્ષ એટલે એનું કુટુંબ! પિતા વગરનું કુટુંબ એક થડ વિનાનું વૃક્ષ હોય જાણે એમ જ મને લાગ્યા કરે. વધુ પ્રસ્તાવના ન કરતા આવો, જઈએ એક આવાંજ એક વૃક્ષની આપવીતી સાંભળવા જે આપણા સૌના જીવનમાં થડનો મહિમા ચોટદાર રીતે વર્ણવે છે:  

~~~~~~~~~~~~~~~~~~~
ઘણા વર્ષો પહેલાની વાત છે. જેમ આંખોમાં સપના લઈને પ્રત્યેક વ્યક્તિ પોતપોતાની મહેચ્છાઓ પુરી કરવા અત્યારે દોડી રહ્યો છે બસ એ જ રીતે એક યુવાન એ સમયે અમદાવાદમાં દોડી રહ્યો હતો. કુટુંબને અને સંતાનોને માનભેર ઘર અને સમાજ બંનેની છત મળી રહે એવું સુવ્યવસ્થિત આયોજન કર્યું હતું. વ્યવસાયે પ્રતિષ્ઠિત બેંકમાં કારકુનની નોકરી મળી હતી જે એ વખતના સમયમાં અદેખાઈ ભરી નોકરી ગણાતી અને એ સમયમાં દરેકને એવી જ નોકરી મેળવવાની ઝંખના રહેતી. 

એની મોજશોખ નામે એક જ આદત... વાંચનની !! દરરોજ ઘરથી લગભગ ચારેક કિલોમીટરના અંતરમાં આવેલી લાયબ્રેરીમાં ચાલીને જવાનું અને તમામ અખબારો, અર્થશાસ્ત્રના પુસ્તકો અને મેગેઝીનો વાંચીને જ પરત ફરવાનું. આ નિત્યક્રમ હતો. ઘરથી નોકરીનું સ્થળ એટલે કે બેન્ક પણ આશરે બે-અઢી કિલોમીટર ના અંતરે પણ ત્યાં પણ ચાલીને જ જવાનું. સ્વભાવ કરકસરિયો અને એટલોજ બોલકો પણ. સંતાનમાં બે દીકરા અને જોડિયા જેવા જ. એક વર્ષનો ફરક બંને ની ઉંમરમાં. અને બેઉ ભણવામાં હોશિયાર. નિશાળમાં બંને જણ પોતપોતાની કક્ષામાં પહેલા-બીજા નંબરે જ આવે. એમ કહી શકાય કે આ યુવાન અને  એના પત્નીએ પોતાના જીવનનો મોજશોખ કરવાનો ઉંમરનો એક મોટો ભાગ એમના સંતાનોને શિક્ષણ આપવા પાછળ અને ઘરના બેઉ છેડા ભેગા કરવામાં ઈન્વેસ્ટ કરી દીધો હતો. આ વાંચનની આદત જ સંતાનોને એ વારસામાં મળી.

ઘરમાં અર્થોપાર્જન કરનાર એક જ વ્યક્તિ એ યુવાન હતો. અત્યારના આ ફાસ્ટયુગ ની જેમ ઘરના પ્રત્યેક મેમ્બર એ સમયે નોકરી કરે જ એવું શક્ય નહોતું. પત્નીનું ભણતર મેટ્રિક પાસ પણ આવડત અને સૂઝબૂઝ કોઈ પણ અનુસ્નાતકને શરમાવે એવી !! આમ  જીવનના રસ્તા પર ગાડું એની મજલ કાપી રહ્યું હતું. 

પણ કહે છે ને માણસે ધાર્યું કંઈ હોય છે ને ઈશ્વરે વિચાર્યું કંઈ ઓર હોય છે. 44-45 વર્ષના જીવનના મધ્યાહ્ને આ યુવાન પહોંચ્યો હશે. અચાનક એક દિવસે સૂરજ એની દિવસની સફર ખેડવા ઉગ્યો તો ખરો પણ સંધ્યા સુધી પહોંચતા પહેલા જ ભર બપોરે અચાનક આથમી ગયો...!! હા, જગત આખું અવાચક થઇ ગયું. ને સાવ ન માનવામાં આવે એવી એક ઘટના એના અકલ્પનિય પરિણામો સહિત આ એક કુટુંબ પર આજીવન યાદ રહે એવો વજ્રાઘાત આપવા માટે તૈયાર ઉભી હતી.

બપોરનો સમય હતો. એ દિવસે જાહેર રજા હતી. સંતાનો રજા હોવાથી અને ફાયનલ પરીક્ષા આવતા અઠવાડિયે શરુ થવાની હોવાથી વારસામાં મળેલી આદત મુજબ જ લાયબ્રેરીમાં રીડિંગ હોલમાં વાંચવા બેઠા હતાં. ટિફિન જમીને તેઓ એમના મિત્રો સાથે એક વિષય ઉપર પરિચર્ચા કરી રહ્યા હતા ને ત્યાં જ એક પાડોશી બાળકોને અચાનક મળવા ત્યાં આવી ચડ્યો. બાળકોને એમને અહીં લાયબ્રેરીમાં આમ અચાનક જોઈને નવાઈ લાગી અને પૂછ્યું, તમે અહીં ક્યાંથી?? પાડોશીએ સ્વસ્થતા જાળવી કહ્યું, બાળકો આજે બસ આટલુંજ બાકીનું હવે ઘરે જઈને પછી વાંચજો. ઘરે પપ્પા તમને બોલાવી રહ્યા છે એમની તબિયત થોડી નાદુરસ્ત છે.

બંને બાળકો ઘરે પહોંચ્યા...બહાર 2-4 પાડોશીઓ ઉભા હતાં. અંદર એક પલંગ પર જ્યાં એમના પપ્પા આરામ ફરમાવતા ત્યાં જ સૂતા હતાં. પલંગ નીચે મમ્મી અને અન્ય કુટુંબીજનો આક્રંદ કરી રહ્યાં હતાં. બાળકોને હજુ તો કઈ ગતાગમ પડે એ પહેલાં તો ધ્રુજારી છૂટી ગઈ. હાથમાંથી શાળાના દફતર નીચે પડી ગયાં. અને એમના વ્હાલસોયા પપ્પાને બોલવા માટે વિનંતી અને પછી ચીસો પાડવા લાગ્યા. પણ થોડી જ વારમાં એમનું નિશ્ચેતન શરીર જોઈ બાળકો સઘળી વાત સમજી ગયા અને એમની મમ્મી ને ભેટીને ડૂસકાં ભરવા લાગ્યા. હા, એ યુવાન પપ્પાનું અચાનક હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. જેને નખમાંય રોગ નહોતો અને નિયમિત રીતે શારીરિક પરિશ્રમ કરતું શરીર હતું...અરે જે સતત એમના કાર્યક્ષેત્રે અને સમાજમાં બોલકો વ્યવહાર ધરાવતો ને હજુ સંતાનો સાથે માંડ થોડા વર્ષો ગાળી શક્યો હતો એ વ્યક્તિ, આમ સાવ આચનક યુવાન વયે આ દુન્યવી સફરને છોડી અણધારી વિદાય લેશે એ કોને ખબર હતી...!

પળવારમાં એક કુટુંબ પરથી માથેથી છત અને પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એનો અહેસાસ થઇ ગયો!! ખૂબ જ કઠિન છે આ પરિસ્થિતિ, જેના પર વીતી હશે એ ચોક્કસ સમજી શકશે આ વજ્રાઘાત સમી વેદના. પણ કહે છે ને મુશ્કેલી અને વિષમ પરિસ્થિતિ માણસને જીવતાં શીખવાડી દે છે. બાળકોના બાળમાનસ પર હવે આ દુનિયાના જીવંત કપરા અનુભવોની છાપ પડવાની શરૂઆત થઈ એક તુરંત ઘટેલા પ્રસંગથી.

તેઓના ઘરની જોડે જ એક નામાંકિત સર્જન તબીબ રહેતા. એમને બોલાવવા એક બાળક તાત્કાલિક દોડ્યો. શરૂમાં કહ્યું એમ જાહેર રજા હોવાથી ડોક્ટર ઘરે જ હતાં. બાળક રડતાં રડતા બોલ્યો, " સાહેબ, ચાલોને ઘરે જલ્દી! પપ્પાને કૈક થઈ ગયું છે, તેઓ બોલતા નથી, ચાલતા નથી. આપ જો ઝટ આવો ને કંઈક દવા તો કરી આપો...પ્લીઝ જલ્દી ચાલો સાહેબ!! " સાહેબને પહેલેથી વાતની ખબર પડી ગઈ હતી. તેમણે કહ્યું, " જુઓ હું અત્યારે આરામમાં છું અને આમેય એ કામ મારુ નથી! એમનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને તમે કોઈ જનરલ પ્રેક્ટિશનર કે ફિઝિશિયનને જઈને મળો. એ તમને સર્ટિફિકેટ લખી આપશે. હું મરણના સર્ટિફિકેટ લખતો નથી અને મારી ફી તમને નહીં પોષાય!!", આટલું કહી દરવાજો ધડામ કરતો બંધ!! છોકરાની રહી સહી આશા પર પણ પાણી ફરી વળ્યું. પરિસ્થિતિનો સ્વીકાર કરી રડતાં રડતાં બાળક પાછો ઘરે પહોંચ્યો. ફૂલ સમાં બાળકો જેઓની હસવા, રમવાની અને મોજ મસ્તી કરવાની ઉંમર હતી એ બાળકોએ એમના ખભે પિતાની નનામીનો ભાર ઊંચક્યો, અને એમના પાર્થિવ દેહને સજળ નયને અગ્નિદાહ પણ આપ્યો. આ સાથે જ શરૂ થઈ એમની નવી જિંદગી, એક અલગ જ ભવિષ્ય સાથે જે એમણે જોયેલા સપનાઓથી સાવ વિપરીત દિશામાં લઈ જવાની છે એ હવે તેઓને જાણ થવાની હતી!!

બીજા દિવસે ઘરના વડીલો એ બેઠકમાં પોતપોતાની ચિંતા પ્રગટ કરી. એકે કહ્યું, "સદગતનું કારજ-પાણી કરવું ક્યાં..અને એનો ખર્ચ? બાળકોની હાજરીમાં એ ભાઈ બોલતા અટકી ગયા. એમના પત્ની અને બાળકોને તો કંઈ જ ખબર નથી. મૃતકના બેંકની ડિટેઇલ, વિમાનું, પેંશન, એમના વ્યવસાયિક વ્યવહારો કઈ કરતા કઈ જ નથી ખબર. એક કામ કરો. આ ઘરને તાળું મારી બધાને ગામડે લઇ જાઓ. ત્યાં બધું પતાવી દઈએ અને ખર્ચ પણ બહુ ના થાય!"

વાતનો કળ આવી જતાં ને આટલું સાંભળતા જ બાળકોએ નાની ઉંમરમાં પહેલી વાર વડીલ સમક્ષ જીભ ઉપાડી, " પપ્પાનું કારજ-પાણી અહીં એમના ઘરે જ થશે. અને ધામધૂમથી થશે. કોઈ કસર રાખવાની નથી. અને હા, આપ સૌ સલાહ અને માર્ગદર્શન આપજો એ મુજબ બધું જ થશે. ખર્ચની ચિંતા કરશો નહિ." અને બીજા દિવસથી શું, તેઓના પપ્પાના મૃત્યુના દિવસથી એકેએક પાઈનો હિસાબ એમણે રાખ્યો. નનામી, દોણીથી માંડી બ્રહ્મભોજન અને સજ્યા સુધીનો બારીક હિસાબ તેઓએ એ ઉંમરે પાર પાડી દીધો. (આ લખાય છે ત્યારે એટલે કે આજે પણ એ હિસાબ એ બાળકો―આજના યુવાન પાસે એમના કબાટમાં મોજુદ છે) 

પછી વાત આવી સૂતકની!! પહેલાના એ વખતના સમયે, પતિની પાછળ વિધવા પત્નીએ માથાના તમામ વાળ કઢાવીને મુંડન કરાવવું પડતું અને જ્યાં સુધી નવા વાળ ન આવે ત્યાં સુધી એમને મહિનાઓ સુધી ઘરે ચાર દીવાલની વચ્ચે જ રહેવું પડતું. સૌ વડીલ સ્ત્રીઓ અને કેટલીક આ સંજોગોમાંથી પસાર થયેલી બેનોએ આ કરાવવાની સલાહ આપી!! બાળકો એ ઉગ્ર વિરોધ કર્યો. તેઓએ કહ્યું, "આજનો સમય જુઓ, મમ્મીની ઉંમર તો જુઓ!! હજુ પપ્પા પાછળ કેટલાય વ્યવહારિક અને આર્થિક બાબતોને લગતાં કામોમાં મમ્મીને બેંકોમાં, ઓફિસોમાં, કોર્પોરેશનમાં વિગેરે જગ્યાઓએ જવું પડશે! અને આ બધી રૂઢિઓથી પપ્પા પાછા તો નથી આવી જવાના ઊલટું એમને જ વધારે દુઃખ થશે કે મારી પાછળ મારુ કુટુંબ હેરાન થાય છે!! એટલે, આ વિધિ નહીં થાય. હા, અમે છીએ ને અમે કરાવશું જે કરવું હોય એ અમને કહો!!" વડીલોને એ સમયે ના ગમ્યું. કદાચ બાળકો વધુ પડતું બોલે છે એમ પણ લાગ્યું હોય. પણ આ પરિસ્થિતિનો આ જ ઉપાય યોગ્ય હતો.

આવી પરિસ્થિતિ આપણે નાટકો, રંગમંચ કે સિનેમામાં ભજવાતી જોઈએ છીએ પણ શું હકીકતમાં જમીન પર આવી જિંદગી જીવવી સરળ હોય છે? ઘરના મોભી, વડા કે અર્થોપાર્જન કરતી મુખ્ય વ્યક્તિ જ જ્યારે આવી અણધારી વિદાય લે ત્યારે શું ઘટનાક્રમ ઉભો થાય? આ વિચાર માત્ર  જ કંપારી છૂટી જાય એવો છે. આ બાળકોએ ભણવાની સાથે નાની ઉંમરમાં રોજિંદા ઘરખર્ચ, બેન્કિંગ, વ્યવસાયિક કામો, લાઈફ ઇન્સ્યોરન્સના કામો, મરણ પ્રમાણપત્ર ને અન્ય દસ્તાવેજી કામો અને હવેથી સામાજિક જવાબદારીઓ પણ ઉપાડવાની શરૂ કરી. જેટલું સરળ અહીં લખી નાખ્યું છે એટલું સરળ તો નથી હોતું આ બધું વાસ્તવિક જીવનમાં કરવું અને ખરેખર નહીં જ!! કેટલાય ધક્કાઓ, અપશબ્દો, સ્વમાનને ઠેસ પહોંચાડતી લોકચર્ચાઓ, સ્વજનોનું ઇરાદાપૂર્વકનું દુર્લક્ષ વિગેરે એક પછી એક ઘૂંટડાઓ પીવાતા ગયાં ને અનુભવનું સિંચન જીવનને મળવા લાગ્યું. કહે છે ને, "ઈશ્વર અને સમય ધારે તે કરે; મનુષ્ય અમથો ગુમાનમાં ફરે!"

"અમદાવાદનું આ ઘર હવે કોણ ચલાવશે? ક્યાંથી ગુજરાન ચાલશે? ઘરખર્ચ ને બબ્બે બાળકોનો અભ્યાસ...કોણ પૂરું પાડશે આ બધું? એક કામ કરો, આ બે છોકરાવને અને એની માને ગામડે લઇ જાઓ. ત્યાં કોઈ સરકારી શાળામાં અભ્યાસ માટે મૂકી દો તો કૈક મેળ પડે!"― ઘરનાં જ એક વડીલ કુટુંબીએ સલાહ આપી. છોકરાઓ અને એની મા સંજોગોને કળી ગયાં.  તેઓએ એક થઈને કહ્યું, "અમારી ચિંતા ન કરશો વડીલ, અમે આપ સૌમાંથી કોઈને બોજરૂપ નહીં બનીએ. આપ સૌએ આ કપરા સમયમાં અમને જે સાથ-સહકાર આપ્યો છે એ બદલ આભાર."

આ બોલવું અને અમદાવાદમાં કરવું એમાં આસમાન-જમીન જેટલું અંતર છે. કોઈપણ જાતના અર્થોપાર્જન વગર તો ઘર ચાલે કઇ રીતે? અને ચાલે તો બેઉ છોકરાઓને ભણાવા, ગણાવા, કામે લગાડવા, પરણાવવા અને કોઈ આકસ્મિક બીમારી કે ખર્ચો આવી પડે તો...?!! વિચાર જ રઘવાટ ઊભો કરી દે એવો છે!!

"આવા સંજોગોમાં પપ્પાની જગ્યાએ મમ્મીને નોકરી મળી શકે!" થોડા દિવસો બાદ જ્યાં એ યુવાન કામ કરતો હતો એ બેન્કમાંથી કો'ક શુભચિંતકે આવીને બેંકના નિયમો અંગે સમાચાર આપ્યાં. વાત પહોંચી બેંકમાં પણ એ યુવાન જેટલું ભણતર એની પત્નીનું નહોતું. એ તો માત્ર મેટ્રિક પાસ. ભલે વ્યવહારિક અને વ્યવસાયિક સૂઝબૂઝ અવ્વલ નંબરની, પણ એમ થોડી એ અમલદારો માનવાના હતા!! એટલે નિર્ણય એવો આવ્યો કે યુવાનની જગ્યાએ/પદ ઉપર તો નોકરી મળે નહીં પણ વર્ગ-4માં સફાઈ કામદાર તરીકે ભરતી થઈ શકે! આમ, અપમાનનો બીજો એક ઘૂંટડો પીવાનો થયો..એ પણ ઈશ્વરની ઈચ્છા હશે એમ માનીને પીધો. પણ સદગત યુવાનના મિત્રો અને અન્ય કર્મચારીઓ કે જેઓ યુવાનની જોડે સાથે જ બેંકમાં કામ કરતા હતા તેઓએ બેનને આ નોકરી સ્વીકારવાની બે હાથ જોડી ચોખ્ખી ના પાડી..."ભાભી, અમે તમારા હાથના રોટલા ખાધા છે, તમને અમે અહીં આ નોકરી કરતા નહીં જોઈ શકીએ! દુઃખના આ દિવસો તો જતાં રહેશે પણ અમે ખુદને માફ નહિ કરી શકીએ. અમે તમને વિનંતી કરીયે છીએ આ નોકરી ના સ્વીકારતા!!"

કુટુંબની એક માત્ર આજીવિકા રળવાની આ તક પર વૈચારિક દ્વન્દ્વ યુદ્ધ શરૂ થયું! ખૂબ મનોમંથન બાદ એ નોકરી ન સ્વીકારવાનું નક્કી થયું. અને જૂજ ફેમિલી પેંશન મળે એવું ગોઠવાયું. એ સ્ત્રીએ પેટે પાટા બાંધીને એના સંતાનોને ભણાવ્યાં, મેડિકલ કોલેજમાં એડમિશન અપાવ્યા. મોંઘાદાટ પુસ્તકો અને ભણતરની ફી બધુંજ એકલા હાથે કરકસર પૂર્વકની જિંદગી જીવી પાર પાડયું.  બાળકો પણ ભણવામાં હોશિયાર એટલે તનતોડ મહેનત કરી દરેક વર્ષે સારા માર્કે પ્રથમ પ્રયત્નમાં જ ઉત્તીર્ણ થયાં.

અહીં બીજો એક પ્રસંગ ખાસ ટાંકવા જેવો છે. બાળકો ઉત્તમ પરિણામ સાથે ધોરણ 12 પાસ કરી આગળ કઈ દિશામાં વધવું એની વિમાસણમાં હતા. ત્યારે વડીલ તરીકે પેલા પાડોસી સર્જન તબીબની સલાહ લેવા માટે ગયા હતાં. એ સર્જન તબીબે એમની પરિસ્થિતિ જોઈ બાળકોનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ તૂટી જાય એ રીતે કહ્યું, "તમારી સાત પેઢીમાં કોઈ ડોક્ટર બન્યું છે? જો હોય તો જ મેડિકલ લાઈન લેજો. નહિ તો તમારું કામ નથી. એમ કઈ મેડિકલમાં ભણી લેવાથી ડોક્ટર નથી બનાતું!!" આ બાજુ અન્ય એક પાડોસી એ ત્યાં સુધી સુર પુરાવ્યો, " હા બરાબર જ કહે છે એ ડોક્ટર, વળી પાછા તમે ગુજરાતી મીડીયમ વાળા!! મેડિકલમાં બધું અંગ્રેજી મીડીયમમાં જ ભણાવાનું આવે. તમે આ બધું નહિ કરી શકો. એટલે જોઈ વિચારીને સમજીને મેડીકલમાં જજો. પછી પસ્તાવાનું ન આવે !!"

પણ ઘરના બધા સભ્યોએ સાથે મળીને મેડિકલ લાઈનમાં આગળ વધવાનું જોખમ લેવાનું નક્કી કર્યું !!

બાળકોએ પણ મોજશોખને બાજુ પર મૂકી એમની તરુણાવસ્થા સમયાનુસાર અભાવમાંજ પસાર કરી. અને મેડિકલના દરેક વર્ષમાં પ્રથમ પ્રયત્ને ઉત્તમ માર્ક સાથે પાસ થયા.  મેડીકલમાં સાડા ચાર વર્ષ ભણ્યાં પછી સરકારી દવાખાનામાં ઇન્ટરનશીપ આવે. જેમાં તેઓને એ સર્વિસ બદલ સરકાર તરફથી થોડું મહેનતાણું મળે. એ સમયે 1500 રૂપિયા મહેનતાણું મળતું. આ બધું જ તેઓ ઘરે એમની માને સોંપી દેતા જેથી ઘરખર્ચમાં થોડો ટેકો રહે.

આમ કરતા હવે વધુ અભ્યાસ અર્થે આગળ ભણવાનું નક્કી થયું. કોઈકે કહ્યું MBBS થઈ ગયા બાળકો એટલે બસ, નોકરીએ મૂકી દ્યો. ક્યાં સુધી આમ ચાલશે? પણ ઊંચા વિચારો અને લાંબી નજર ધરાવતી એ બાળકોની માએ કહ્યું, "ના, હજુ ભણવું પડે. પોસ્ટગ્રેજ્યુએટ ડીગ્રી તો લેવી જ પડે. મને થોડી તકલીફ પડશે. પણ હવે થોડાક જ વર્ષો ભણવાનું છે ને. થઈ પડશે બધું. પહોંચી વળાશે!

એક બાળકે એનેસ્થેશિયા (ઇરાદાપૂર્વક એ  બાળકે સિલેક્ટ કરી કેમકે ઓછું ખર્ચ થાય પાછળથી પ્રેક્ટિસ કરવામાં અને ઇન્વેસ્ટમેન્ટ પણ ઓછું કરવું પડે, જયારે કે એને સર્જરીમાં એડમિશન મળતું હતું તોય ના લીધું!!!) અને પછી બીજા વર્ષે બીજા બાળકે સર્જરીમાં એડમિશન લીધું. એ કોઠો પણ સુખરૂપ પાર પડ્યો. આ બધું એમના પિતાજીના આશીર્વાદ અને "મા"ની  મહેનતનું જ પરિણામ હતું. બંને જણાએ હજુ વધુ આગળ ભણવાની તક હોવા છતાં ઘર અને કુટુંબ માટે હવે અર્થોપાર્જન કરવાની જવાબદારી માથે લીધી. એક બાળકે આગળ ગેસ્ટરોએન્ટરોલોજી (પેટ અને આંતરડા)ના વિષયમાં ઊંડો રસ લઈને એમાં આગળ ફેલોશીપ અને અનુભવ લઈને સર્જરીની પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે એની પાસે હતાં બેન્ક એકાઉન્ટમાં 2600 રૂપિયા―બેેેલેન્સની મહામૂલી મૂડી રૂપે અને બીજા બાળકે એનેસ્થેસિયામાં આગળ વધી હૃદયના ઓપરેશનોમાં અપાતા એનેસ્થેસિયામાં અનુભવ લઈ કાર્ડિયાક એનેસ્થેસિયા જેવી જટિલ બ્રાન્ચમાં કર્મભૂમિ બનાવી. ઈશ્વરની કૃપાથી અને સજ્જનો સાથેની મુલાકાત અને માર્ગદર્શનથી તેઓ માબાપના આશીર્વાદ લઇ આગળ ચાલ્યા. આજે બંને બાળકો સમાજમાં થોડુંઘણું નામ કાઢી પોતાની સ્વતંત્ર પ્રક્ટિસ કરી રહ્યા છે.  

વિધિની વિચિત્રતા જુઓ કે જે પાડોસી સર્જન વડીલે મરણ પ્રમાણપત્ર લખવા માટે ઘસીને ના પાડી દરવાજો બંધ કરી દીધો હતો એજ તબીબનું મરણ પ્રમાણપત્ર આમાંથી એક બાળકે લખ્યું!! જે પડોસીએ મેડિકલ લાઈનમાં પસ્તાવાનું ન આવે એમ કહ્યું એ જ પાડોશીનું પેટનું જટિલ ઓપરેશન આ બાળકે કરવાનું આવ્યું!! એક વાત આટલા અનુભવે આ બાળકોને સમજાઈ ગઈ કે ઉપરવાળાના દરબારમાં હા ક્યારેક દેર થાય છે પણ અંધેર ચોક્કસ નથી!!

આમાંથી એક બાળક અત્યારે તમે જે લેખને વાર્તા સમજી વાંચી રહ્યા છો, એ લેખ લખી રહ્યો છે. અને બીજો બાળક હાલ એક હોસ્પિટલમાં કાર્ડિયાક એનેસ્થેટિસ્ટ તરીકે  હૃદયના બાયપાસ ઓપરેશન કરાવી રહ્યો છે. અહીં આ વાત કોઈની સિમ્પથી/લાગણીઓ ભેગી કરવા માટે કે દિલસોજી વ્યકત કરવા માટે લખવામાં નથી આવી. પણ એક સ્ત્રી/પત્ની/મા/થડ વિનાના વડ જેવાં કુટુંબની વ્યથા, કપરા સંજોગોમાં ટકેલું મનોબળ, મહેનત પેઢી દરપેઢી યાદ રહે અને આવા અસંખ્ય કુટુંબોને પ્રેરણાબળ મળી રહે તે માટે લખવામાં આવી છે. 

મોટે ભાગે સંતાનને ત્યારે "પપ્પા" નું મૂલ્ય સમજાય છે જ્યારે એ પોતે પપ્પા બની ચુક્યો હોય છે. અને કઠોર હૃદયી લાગતા પપ્પા જીવનની અવિસ્મરણીય યાદો અને સલાહો આપતી તસ્વીર સ્વરૂપે દીવાલ પર ટીંગાઈ ગયા હોય છે!!


"પપ્પા" ભલે દિવસના અંતે ગણતરીની પળો માટે સંતાનનું મુખ જોઈ શકતા હશે, પણ એ હરહંમેશ પોતાના હસતા ખેલતા પરિવારને જોઈને પોતાની કઠીનાઈઓ-સંઘર્ષ ભૂલી જઇ પ્રભાતે નવા જોમ-જુસ્સા પૂરવા માટેનું આત્મબળ મેળવતો રહે છે!!

પપ્પા એ એક વડ રૂપી વૃક્ષનાં થડ સમો આધારસ્તંભ છે. આ થડ જિંદગી આખી વૃક્ષને ટેકો આપશે અને ક્યારેય હરફસુદ્ધાં નહિ ઉચ્ચારે! એના થકી જ વૃક્ષ આકાશને આંબવાની ઈચ્છા સેવે છે, એના થકી જ વૃક્ષને છેવટની ડાળ સુધી સિંચન મળે છે, એના થકી જ એ ડાળ, પર્ણ, પુષ્પ અને ફળો ખુશીથી ઝૂમે છે!! આ થડ વિનાનાં વૃક્ષ/વડની કોઈ કિંમત / દરકાર લેતું નથી અને વૃક્ષ પોતે પણ પરાવલંબી થઈ જાય છે!! એટલે આ થડની કિંમત સમજજો, અત્યારે એની હયાતીમાં જ એને વ્હાલ પણ કરજો!!

એટલે જ હું દરેક સંતાનને કહીશ, આ ઉપરથી કઠોર અને માંહેથી મીઠા, મધુરા, ઋજુ (નારિયેળ જેવા) પપ્પા ને પણ મમ્મી જેટલા જ ગમાડજો, વ્હાલ કરજો ! અને મમ્મી, બા જોડે એમને તોલવાની કદીય ભૂલ ન કરશો. પપ્પા કદાચ બોલી નહીં શકે એટલે તમે અત્યારે જ એમની હયાતીમાં એમને આ બળ પૂરું પાડજો. 

અહીં એ લખવું પણ અનિવાર્ય છે કે આ સંજોગોમાં કેટલાક સ્વજનોએ કરેલી મદદ અને સમયદાન માટે તથા મુશ્કેલ ઘડીમાં સાથે ઉભા રહી અને કઠિન નિર્ણયોમાં પણ સાથ આપી જોડે ઉભા રહેલા કુટુંબીજનો પર અમને અતૂટ શ્રદ્ધા અને માન છે અને રહેશે. એ બદલ અમે એમનો હૃદયપૂર્વક જેટલો આભાર માનીએ તેટલો પણ ઓછો પડશે...!!! કેટલાક આપ્તજનો અત્યારે આ વાંચી શકશે પરંતુ એમાંના કેટલાક આ વીતેલાં સમયમાં સ્વર્ગસ્થ નહિ પણ હૃદયસ્થ થઇ ગયા છે એમના પરિવારજનોને પણ યાદ રહે કે અમે એમને ભૂલી નથી ગયા અને આજીવન એમનું અમારા સૌ પર ઋણ રહેશે. 

આ સાથે આજે ૧૫.૦૬.૨૦૨૩➖ ૨૩મી પુણ્યતિથિએ એ હસમુખા, ઉદ્યમશીલ યુવાન પિતાને યાદ કરી એમના આશીર્વાદ અને દિશાસૂચન સદૈવ અમારી સાથે રહે અને એ દિવ્ય આત્મા જ્યાં પણ રહે ત્યાં નિશ્ચિન્ત બની પરમ શાંતિનો અનુભવ કરે એ જ શુભ પ્રાર્થના!!


(જન્મ: ૨૭.૦૧.૧૯૫૪  પુણ્યતિથિ: ૧૫.૦૬.૨૦૦૦)

અને છેલ્લે, એમની જ યાદમાં લખેલાં શબ્દો ટાંકી આ વાતને વિરામ આપું છું:

ચોધાર આંસુએ મારો આતમ ભેરુ રોયો છે,
એક સૂરજને બપોરે આથમતો મેં જોયો છે!

માન્યું છે જીવન હારજીત સમો એક ખેલ,
હતો પર્વત અડગ, ધૂળ થતો મેં જોયો છે!

ઠંડી છાયા અર્પે કવચ સરીખો પ્રભાવ ઘણો
ફરતો માથે હાથ સાવ ઓચિંતો મેં ખોયો છે!

પ્રભુને પ્રિય ઘણાં પણ, તું જ વ્હાલસોયો છે,
ઊંચકી જનાજો ખભે, ભાર તારો મેં જોયો છે!

હતી શરમ તારી બે આંખોની, જે ઢળી ત્યારે
નિજ સ્વજનને નજરો ફેરવતો મેં જોયો છે!

પડી ફાટ છે અંતરે, એક ભરોસો તારો છે,
ભરશે થિંગડું 'નિજ' લૈ આપ્યો તે જે સોયો છે!

🌷ડો. કાર્તિક શાહ🌷
〰️〰️〰️〰️〰️〰️
(સત્યઘટના પર આધારિત લેખ સંપૂર્ણ)

3 comments:

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...