Monday, June 11, 2018

અવિનાશ વ્યાસ

ચાલો આજે એક આડવાત: રોચક પ્રસંગ
▪ડો. કાર્તિક શાહ▪
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

લગભગ 1950 ના દશકની આસપાસની વાત છે. ગુરુશિષ્યની પરંપરા અનુસાર એક શિષ્ય પરમ ગુરુભક્ત હતો. તેઓ હમેંશા સાથે સંગીતની સાધના કરતા. શિષ્ય ગુરુજીના દિશા નિર્દેશ મુજબ ગાયન ગાતો અને એની સ્વર-સંગીત પર અદ્ભૂત પકડથી ગુરુજીની છાતી પણ ગજ ગજ ફૂલી જતી.

આમ આ કોમ્બિનેશન ઘણાં ઉચ્ચ સ્તરે પહોંચ્યું. ધીમે ધીમે કામ વધવા માંડ્યું. ફિલ્મી-બિનફિલ્મી ગીતો બનાવતા ગયા અને એકસાથે અઢળક ગીતોનો આવિષ્કાર થવા લાગ્યો. ગુરુને પણ આ શિષ્ય વગર ફાવતું નહીં.

એવામાં એક રેકોર્ડિંગ વખતે થયું એવું કે અચાનક એ શિષ્યને ગામથી માઠા સમાચાર મળ્યા. એના દાદાજીનું દુઃખદ અવસાન થયું હતું  અને એને તાત્કાલિક ત્યાં પહોંચવું એવું ઘરવાળાઓએ ફરમાન કર્યું. અહીં રેકોર્ડિંગ પડતું મૂકી શિષ્યે ગુરુને વિનંતી કરી કે મારે જવું પડશે. સાંજની પહેલી બસ છે. હું નીકળી જઈશ.

ગુરુજી થોડા ચિંતાગ્રસ્ત થયાં. કામ ખુબ જ હતું. ઘણાં ગીતો અને સ્વરાંકનો માટે આ શિષ્યની જરૂર હતી. પણ ઘરના આ મુશ્કેલ સમય માટે એણે ત્યાં જવું પડે એમ હતું એ સમજી ગયા.

એ વખતે શિષ્યની આર્થિક પરિસ્થિતિ થોડી ખરાબ હતી. અને પૈસાની જરૂર સ્વાભાવિક રીતે પડે જ એવો એ પ્રસંગ હતો. એટલે ગુરુજી પાસે એણે દરખાસ્ત મૂકી: ▪" મારે સાંજે નીકળવાનું તો છે પણ મારે 100 રૂપિયા જેવી રકમ પણ જોઇશે. કુટુંબને મદદ થઈ રહે એ માટે, જો આપ આપી શકો તો...."▪૧૦૦ રૂપિયા એ જમાનામાં શું મોટી વાત હતી. માતબર રકમ કહેવાતી. આટલી મોટી રકમ ગુરુજી પાસે એ શિષ્ય જ માંગી શકે.

ગુરુજી શાંત ચિત્તે બોલ્યા, " ▪જતી વખતે મને મળીને જજે અને લઇ જજે▪!!"

સાંજ પડી. પેલો શિષ્ય એના પોટલાં તૈયાર કરી ગુરુજી ને મળવા આવી ગયો. ગુરુજીએ તરત હાથમાં ૨૦૦ રૂપિયા મુક્યા અને કીધું, ▪લે રાખ બેટા, અને આ જ સમય છે કુટુંબને પડખે ઉભા રહેવાનો. જરાય પાછીપાની ન કરતો. અને પૈસાની ચિંતા ના કરીશ. બીજા જોઈએ તો પણ માંગી લે જે!! પણ કામ પતે એટલે ઝટ પાછો આવી જજે. તારા વગર અહીંનું કામ એક ડગલુંય આગળ નહીં હાલે!! તું આવીશ પછી જ આપણે રેકોર્ડિંગ ચાલુ કરીશું...▪

શિષ્ય તો આશ્ચર્યચકિત થઈ ગયો. 100 રૂપિયા જેટલી મોટી રકમ માંગતા કચવાટ થતો હતો ત્યાં ગુરુજી એ 200 રૂપિયા હાથમાં મૂકી દીધા...!

પેલો શિષ્ય નીકળ્યો. અને બહાર જ એને સ્ટુડિયોનો એક કર્મચારી મળ્યો. પોટલાં લઈને જતા જોઈ સ્વાભાવિક જ એણે પૂછ્યું અને વિગત જાણી. એ કર્મચારીએ કહ્યું, "▪ઓહો તો આપે ગુરુજી પાસે પૈસા મંગાવ્યા હતા? પણ સાચી વાત એ છે કે ગુરુજી પાસે પણ પૈસા નહોતા. તમને મદદ કરવા એમણે એમના બાયનોકયુલર અને કેમેરા આજે મને વેચવા આપ્યા હતા. મને નવાઈ લાગી કે એમની પ્રિય એવી આ ચીજો કેમ વેચે છે. પણ મને કંઈ કીધું નહીં. આ વેચી એમને 200 રૂપિયા ઉપજ્યા હતા.▪"

પેલો શિષ્ય ત્યાંજ રડી પડ્યો. અને એના પગ સ્થિર થઈ ગયા. શું ગુરુજીનો પ્રેમ?  નખશિખ વંદનીય વ્યક્તિત્વ!

 આજની તારીખમાં પણ આ શિષ્ય આ પ્રસંગ યાદ કરતા જ રડી પડે છે...એ મેં સ્વયંમ મારી આંખે જોયું છે!! 

આ શિષ્ય એ આપણાં પુરુષોત્તમ ઉપાધ્યાય અને પેલાં વંદનીય ગુરુજી એ બીજું કોઈ નહીં પણ શ્રી અવિનાશ વ્યાસ!!

― ડો. કાર્તિક શાહ

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...