Saturday, June 9, 2018

અક્ષરો, ભાષા, લિપિ નો જન્મ - વણઉક્લ્યુ રહસ્ય


પ્રાચીન કાળમાં, ઇજિપ્તની હાઇરોગ્લીફ્સ, મેસેપોટેમિયાની ચુનીફોર્મ, ચીનની લોગોગ્રામ કે વેલીની માટીની ટીકડીઓ પર લખેલી લિપિ વાપરીને, મનુષ્ય એક બીજાના સંપર્કમાં રહેતો હતો. પણ આ બધા પ્રકાર સામાન્ય જનસમુદાયને ઉપલબ્ધ ન હતા. પણ લગભગ ૪૦૦૦ વર્ષ પહેલાં, જયારે અક્ષરને ચિન્હને બદલે નાદ (ધ્વનિ, અક્ષરનાદ) અવાજ આપવામાં આવ્યો, ત્યારથી અક્ષરોએ એમનો ચમત્કાર બતાવવાનું શરૂ કર્યું.
અક્ષરો એ ભાષાનાં વસ્ત્રો છે, આભૂષણો છે. ભાષાએ વસ્ત્રો પહેરવાનું ક્યારે શરૂ કર્યું? એની તપાસ કરીએ. ખાસ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે આપણે અહીં મૂળાક્ષરો અને લિપિ વિષેના સંશોધનની ચર્ચા કરીએ છીએ. બોલીની ભાષા દરેક દેશમાં ઘણી પ્રાચીન છે. વેદ અને ઉપનિષદો તો હજારો વર્ષોથી બોલતા હતા, પણ એ લખવાની ક્રિયા ઘણી મોડી ચાલુ થઈ.
ચક્ર અને અગ્નિની શોધ જેટલી જ મહત્ત્વની શોધ મૂળાક્ષરોની છેઅક્ષરોને સહેલાઈથી તદ્દન જુદી ભાષામાં અપનાવી શકાય છે કારણ કે મૂળાક્ષરોનો મૂળ અવાજ બદલ્યા વગર, એ જ અવાજ અને અક્ષરને, નવી ભાષામાં થોડા ફેરફાર કરી અપનાવવાં સહેલાં છે. આઝરબેજાન, તર્કીમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન − આ ત્રણ દેશો, સેંકડો વર્ષથી અરબી લિપિ વાપરતા હતા, પણ ૧૯૪૦ પછી, સોવિયેટ યુનિયનના નિયંત્રણ હેઠળ સિરાલીક લિપિ વાપરવાનો કાયદો આવ્યો, અને હવે, સ્વાતંત્ર મળ્યા બાદ, રોમન લિપિના અક્ષરોમાં એ જ ભાષા હવે લખાય છે ! ત્રણે ય દેશો ભાષાને બદલ્યા વગર, ફક્ત લિપિ બદલી શક્યા, એ મૂળાક્ષારોની કમાલ છે.
ચીન દેશની લિપિને લોગોગ્રામ કહેવાય છે, જેમાં એક ચિન્હ એક અક્ષર નહીં, પણ એક શબ્દ છે. એટલે એક ચિન્હ ફક્ત એ શબ્દ માટે જ વાપરી શકાય. ચીની ભાષામાં સાદા દૈનંદિન વ્યવહાર માટે, ૬,૦૦૦ ચિન્હો કંઠસ્થ કરવા પડે છે. અને પ્રભુત્વ મેળવી વિદ્વાન બનવા માટે, ૩૦ થી ૪૦,૦૦૦ ચિન્હોને આત્મસાત્ કરવા પડે છે!!
જો ગુજરાતી ભાષાને ચીની લિપિમાં લખવી હોય, તો કેટલું અઘરું કામ થાય, એનો વિચાર કરીએ. આપણે ગુજરાતીમાં કમળનો “ક” બોલીને શીખીએ છીએ, પણ એને બદલે જો આપણે કલમના ચિત્રને જ “ક” કહીએ, તો એ "ક" લખવા માટે ચીની ભાષામાં કમળનું ચિત્ર દોરવું પડશે; અને એ ચિત્રથી ફક્ત "ક" જ લખી શકાશે. 

જયારે અક્ષરોમાંથી શબ્દો અને નવા અર્થો ઘણી સહેલાઈથી અને સરળતાથી બની શકે છે. બહુ થોડા અક્ષરો વાપરીને, અનેક શબ્દો, ઘણી સરળતાથી બનાવી શકાય છે.
અંગ્રેજી અક્ષરોથી સહેલાઈથી ગુજરાતી લખી શકાય - અક્ષરોના અવાજ-ધ્વનિ નો ઉપયોગ કરીને – gujarati lipi n avadati hoy to pan gujaratima lakhi shakay -
તો ચાલો, આપણે એ તપાસીએ કે ક્યારે, કઈ જગ્યાએ, કેવી રીતે અક્ષરોનો જન્મ થયો અને બોલવાનું શરૂ કર્યું ??

18મી અને 19મી સદીના પાશ્ચાત્ય સંશોધકોએ એવી ભ્રમપૂર્ણ ધારણા ફેલાવવાના પ્રયત્ન કર્યા કે ભારતના પ્રાચીન ઋષિઓ લિપિ એટલે કે લેખન કળાથી અજ્ઞાત હતા અને ઈસુ પહેલાના 300-400 વર્ષ પહેલાથી ભારતમાં વિકસિત થયેલી બ્રાહ્મી લિપિ અને અન્ય લિપીઓનું મૂળ ભારતની બહાર હતું. 

આ સંદર્ભમાં ડો. ઓરફરીડ અને મ્યુલરે પ્રતિપાદિત કર્યું કે ભારતને લેખન વિદ્યા ગ્રીક લોકો પાસેથી મળી હતી. સર વિલિયમ જોન્સે કહ્યું, ભારતીય બ્રાહ્મી લિપિ સેમેટિક લિપિમાંથી ઉત્પન્ન થઇ. પ્રો. બેંફરે તથા પ્રો. બેવરે એવું તથ્ય સ્થાપિત કરવા પ્રયત્ન કર્યા કે બ્રાહ્મી લિપિનું મૂળ ફોનેશિયન લિપિ છે. ડો. ડેવિડ ડીરીન્જરે અનુમાન લગાવ્યું કે અમેરિકન લિપિમાંથી બ્રાહ્મી લિપિ ઉત્પન્ન થઇ. મેક્સમુલરે સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ લખતી વખતે લિપિના વિકાસ અંગે પોતાનો એવો માટે દર્શાવ્યો કે લખવાની કળા ભારતમાં ઈસુથી 400 વર્ષ પૂર્વથી અસ્તિત્વમાં આવી. દુર્ભાગ્યે પાછળના સમયમાં ભારતીય વિદ્વાનોએ પણ પાશ્ચાત્ય સંશોધકોના સ્વરમાં સ્વર મેળવીને એ જ નિષ્કર્ષો પ્રતિપાદિત કર્યા. આ પુરી પ્રક્રિયામાં આપણા દેશની પરંપરા અને ગ્રંથોમાં લિપિના વિકાસની સાચી વાત જ જાણવાનો કોઈ પ્રયાસ ના થયો.

પ્રસિદ્ધ પુરાતત્વવેત્તા અને લિપિ વિશેષજ્ઞ એ. બી. વાલવલકર તથા લીપિકાર વાકણકરે પોતાના સંશોધનોથી એ સાબિત કર્યું કે ભારતીય લિપિનો ઉદગમ ભારતમાંથી જ થયો છે. આ તથ્યની પૂર્તિ અનેક પુરાતત્વીય સાક્ષીઓ અને અવશેષો પરથી પણ થાય છે. 

એક આદર્શ ધ્વન્યાત્મક લેખનની મર્યાદાઓનું વર્ણન એરિક ગિલ પોતાના ટાઇપોગ્રાફી વિષય પર લખેલ નિબંધમાં જણાવે છે કે કોઈ એક સમયે કોઈ અક્ષર કોઈ ધ્વનિનો પર્યાય રહ્યો હશે. પરંતુ રોમન લિપિના અધ્યયનથી અમુક અક્ષર હંમેશા અને દરેક જગ્યાએ અમુક ધ્વનિનો પર્યાય છે. આ તથ્ય ધ્યાનમાં આવ્યુ જ નહિ!! જેમકે દા.ત. Ough : આ ચાર અક્ષર સાત જુદી જુદી રીતે જુદા જુદા ધ્વનિથી ઉચ્ચારિત થાય છે.  ઓડ, અફ, ઑફ, આઉ, ઔ, ઉ, ઓ. આમ લખ્યા પછી તે પોતાના નિષ્કર્ષના સ્વરૂપમાં કહે છે કે  અભિપ્રાય છે કે " આપનો રોમન અક્ષર ધ્વનિના (ભાષાના) લેખન-મુદ્રણ બરાબર કરે છે એ એવું કહેવું મૂર્ખતાપૂર્ણ જ છે. "


બીજીબાજુ ભારતમાં ધ્વન્યાત્મક લેખન પરંપરા યુગોથી રહી છે તેના અનેક પ્રમાણો આપણા પ્રાચીન વેદો, શાસ્ત્રો અને પુરાતત્વ પુરાવાઓમાં મોજુદ છે. 

યજુ તૈત્તરીય સંહિતામાં એક કથા આવે છે કે દેવતાઓની સામે એક સમસ્યા હતી કે વાણી બોલાઈ ગયા પછી અદ્રશ્ય થઇ જાય છે. એથી આ નિરાકાર વાણીને સાકાર કેવી રીતે કરવી? એથી તેઓ ઇન્દ્ર પાસે ગયા અને કહ્યું, "વાંચવ્યા: કુર્વીત" અર્થાત વાણીને આકાર આપો!! ત્યારે ઇન્દ્રે કહ્યું કે મારે વાયુનો સહયોગ લેવો પડશે. દેવતાઓએ વાત માન્ય રાખી અને પછી ઇન્દ્રે વાણીને આકાર આપ્યો. આ આકાર એજ લેખન/લિપિ વિદ્યા કે કળા."ઇન્દ્ર વાયવ્યવ્યાકરણ" નામથી પ્રસિદ્ધ છે અને તેનું પ્રચલન દક્ષિણ ભારતમાં વધુ છે!

અર્થવવેદમાં પણ ગણક ઋષિ કરત દુક્તં " ગણપતિ અર્થવશીર્ષ " માં લેખનવિદ્યાનો ઉલ્લેખ છે. 

ધ્વનિસૂત્રો આપનારા દેવ ભગવાન શિવ હતા. ભિન્ન ભિન્ન વેદોની શાખાઓ, બોલનાર ના મૃત્યુના કારણે લુપ્ત થવા  લાગી.એથી તેને બચાવવા માટૅથી પ્રાર્થના સાંભળી ભગવાન શિવે પોતાના સ્વર્ગીક નૃત્યના અંતરાલમાં પોતાના ડમરુંને નવ અને પાંચ અર્થાત ચૌદ વાર વગાડ્યું જેનથી 14 ધ્વનિસૂત્ર ઉત્પન્ન થયા જે માહેશ્વર સૂત્ર તરીકે જાણીતા થયા.   

મહાભારતકાર વ્યાસ મુનિએ જયારે મહાભારત લખવાનો વિચાર કરી રહ્યા હતા ત્યારે તેમની સામે સમસ્યા હતી કે તેને એકધારું લખશે કોણ? ત્યારે તેમણે તેના સમાધાન માટે ગણેશજીનું સ્મરણ કર્યું અને ગણેશજી આવ્યા તો વ્યાસ મુનિએ કહ્યું, " આપ ભારત ગ્રંથના લેખક બનો." આનો અર્થ એ  જ કે ગણેશજી એ સમયના મૂર્ઘન્ય લીપિકાર હતા. 

પાણિનિએ  ઋગ્વેદ શિક્ષામાં વિવેચન કર્યું છે કે વાણી પોતાના ચાર ચરણોમાંથી ચોથા ચરણ વૈખરીમાં આવે છે. મનુષ્ય શરીરના પાંચ અંગોને સહારે ધ્વનિ ઉત્પન્ન કરે છે. 1. કંઠ્ય  2. તાલવ્ય 3. મૂર્ઘન્ય 4. દન્ત્ય 5. ઓષ્ઠવ 

આ ધ્વનિશાસ્ત્રના આધાર પર લિપિ વિકસિત થઇ. અને કાળના પ્રવાહમાં  લિપીઓ બદલાતી રહી. પણ એનો આધાર ધ્વનિ શાસ્ત્રનો મૂળભૂત સિદ્ધાંત રહ્યો. પુરાતત્વવિદ વાલવલકરે પ્રાચીન મુદ્રાઓમાં પ્રાપ્ત લિપિઓનો સઘન અભ્યાસ કરી પ્રમાણિત કર્યું કે મૂળ રૂપમાં માહેશ્વરી લિપિ હતી જે વૈદિક લિપિ રહી.  બ્રાહ્મી અને નાગરી  વિગેરે લિપીઓ વિકાસ પામી. "લિપિ વિધાતા ગણેશ' નામના એક આર્ટિકલ માં લેખક સાબિત કરે છે કે પ્રાચીનકાળથી જ લિપિ ભારતમાં અસ્તિત્વમાં હતી અને પૂર્ણતયા ધ્વનિશાસ્ત્ર પર જ નિર્ભર હતી. આ વાત વિશ્વની કોઈ પણ લિપિમાં દેખાતી નથી. 

આવો હવે અંગ્રજોનું વર્ઝન વાંચીયે: 
એક અગ્રેજી પુરાતત્વ નિષ્ણાત ઇજિપ્ત દેશના સાઈનાઈ રણમાં પ્રાચીન અવશેષોનો અભ્યાસ કરતા હતા, ત્યારે એમને એક પત્થરની શિલા નજરમાં આવી, જેના પર લીસોટા મારેલા હતા. ભાષાતજ્જ્ઞ ન હોવાને લીધે, એમણે શિલાના ફોટા લીધા અને એ વિભાગનું વર્ણન લખી, બધા દસ્તાવેજ સાથે, પથ્થરની શિલા લંડન મ્યુિઝયમને આપ્યા. શિલાનું કાર્બન ડેટિંગ કરવાથી ખબર પડી કે આ શિલા લગભગ ૪000 વર્ષ જૂની હતી.
ઘણાં વરસો બાદ, જ્યારે અમેરિકાની યેલ યુનિવર્સિટીના બે ભાષાતજ્જ્ઞ સંશોધકો લંડન મ્યુિઝયમ ગયા હતા, ત્યારે તેમણે આ બધા દસ્તાવેજો અને શિલા જોયાં. બાદ અમેરિકા આવીને ફોટા અને દસ્તાવેજોનો અભ્યાસ શરૂ કર્યો. વધુ સંશોધન કરતાં એમના ધ્યાનમાં આવ્યું કે જે લીસોટા જેવું દેખાય છે, તે દુનિયાના પહેલા ચાર મૂળાક્ષરો છે. એમણે યેલ યુનિવર્સીટી પાસેથી બે વર્ષની રજા લઈને ઇજિપ્ત દેશના સાઈનાઈ રણમાં જવાનું નક્કી કર્યું.
ઇજિપ્ત દેશના સાઈનાઈ રણમાં, ઇજિપ્તમાં ૪૫૦૦ વર્ષો પહેલાં સમ્રાટ ફેરોનું સામ્રાજ્ય હતું. અને બધા દસ્તાવેજોનું લખાણ હાઇરોગ્લીફ લિપિમાં થતું. આ લિપિને શીખવાનો અને લખવાનો અધિકાર ફક્ત પંડિતો અને ઉચ્ચ વર્ગના લોકોને જ હતો. દરેક અક્ષરને ચિત્ર દ્વારા ચિન્હ આપવામાં આવતું. અનેક ચિન્હો ભેગા કરવાથી શબ્દ અને વાક્યો બનતા. તે લખવાનું કામ બહુ અઘરું હતું. સામાન્ય પ્રજાને હાઈરોગ્લીફ લિપિ શીખવાની મનાઈ હતી. એટલે એક બીજા સાથે વહેવાર ફક્ત બોલીને જ થઈ શકતો.
આ સમસ્યાને લીધે, સામાન્ય નાગરિકોએ (સિમેટીક લોકો) મૂળાક્ષરોની શોધ કરી. અા દુનિયાની પહેલી બારાખડી હતી. જુદા જુદા પથ્થરોના લીસોટાઓનો અભ્યાસ કરતાં સંશોધકોને કુલ ૨૬ અક્ષરો મળ્યા. આ સંશોધનથી એ પણ સમજાયું કે આ ફક્ત લીસોટા ન હતા, પણ સંદેશ હતા. ઇજિપ્તનું લશ્કર આ રસ્તાનો ઉપયોગ કરતું, ત્યારે એક બીજાને સંદેશા આ રીતે લખવામાં આવતા.
આવી રીતે, ફક્ત આ ૨૬ અક્ષરોનો જ ઉપયોગ કરી, અક્ષરોની માત્ર જગ્યા બદલીને, નવા શબ્દો બનાવવાની કલ્પના અદ્દભુત જ ગણાય. દુનિયાના દરેક ખૂણામાં (ચીન, જાપાન અને કોરિયા સિવાય) આનો સ્વીકાર થવાનું કારણ એટલું જ કે આ અક્ષરોને કોઈ ચિન્હ નથી. વિશ્વના જુદા જુદા ભાગના લોકોએ, પોતાની ભાષાના અવાજ આપીને, આ લિપિને પોતાની ભાષા લખવા માટે શરૂઆત કરી.
આ શોધ કોઈ વિદ્વાન માણસે નહિ પણ, ઇ. પૂર્વ ૧૮૦૦માં, ઇજિપ્તના લશ્કરમાં કામ કરતા સૈનિકો અને અન્ય સામાન્ય પ્રજાજનોએ કરેલો છે. દુનિયાની આ પ્રથમ લેખિત બારાખડી હતી.
ઇતિહાસ જણાવે છે કે ઘણી વખત, સંશોધન અને શોધ, નિષ્ણાત વિદ્વાન નહિ પણ શોખ ખાતર અભ્યાસ કરનારા સામાન્ય નાગરિકો કરતા આવ્યા છે.
જરાક અાડ વાતે જોઈ, સંસ્કૃત ભાષાનો દાખલો લઈએ. ૧૮મી સદીમાં જજ તરીકે કલકત્તા આવેલા ડો. જોન્સે સંસ્કૃતનો અભ્યાસ કરી, વેદોનું ભાષાંતર અંગ્રેજીમાં કરી, આખી દુનિયાને ભારતનો પ્રાચીન ઇતિહાસ અને એની ભવ્યતા બતાવી આપી. અંગ્રેજો ભારતીયોને જંગલી, અભણ અને અસભ્ય ગણાતા હતા, પણ ભારતના પ્રાચીન ધર્મગ્રંથોનું વાચન કરીને એમને ખબર પડી કે પશ્ચિમના ઇતિહાસ જેટલો જ પ્રભાવશાળી ભારતનો પ્રાચીન ઇતિહાસ પણ છે. ગ્રીક, લેટિન, ઈરાની વગેરે ભાષાનો પણ એમને શોખ હતો. તેના પરથી એમના ધ્યાનમાં આવ્યું કે આ બધી ભાષાઓમાં ઘણા શબ્દોના અર્થમાં સામ્ય છે. એમણે જ ઇન્ડો-યુરોપિયન ભાષાનો સિદ્ધાંત સાબિત કર્યો. બીજું ઉદાહરણ એટલે ૧૮૩૭માં, ભારતમાં પુરાતત્વના નિષ્ણાત તરીકે ઇસ્ટ ઇન્ડિયા કંપની તરફથી પ્રીન્સેપ આવેલા. એમણે બ્રાહ્મી લિપિનો અભ્યાસ કરી, અક્ષરોને અર્થ આપ્યો.
વારુ, બારાખડી રૂપે અક્ષરોને ઉપયોગમાં લઈ, શબ્દ બનાવવાની શરૂઆત પણ આ જ સમયમાં થઈ. અક્ષરોને જુદી જુદી જગ્યાએ મુકીને, નવા શબ્દો બનાવી, શબ્દોને અર્થ આપવાની એક અદ્દભુત કલ્પના હતી. તે વખતના સોનેરી ત્રિકોણમાં (અત્યારનું ઇઝરાઈલ, સીરિયા, લેબેનાન, જોર્ડન વગેરે ભાગ - આ ભાગને સોનેરી ત્રિકોણ કહેવાનું કારણ કે આજના રણ પ્રદેશથી તદ્દન જુદો ઘટ્ટ જંગલવાળો આ પ્રદેશ એ વખતમાં હતો.) સિમેટીક લોકો પછી - ફોનીશિયન લોકો - જે બહુ સમૃદ્ધ વેપારી હતા, એમણે આ લિપિને પોતાની ભાષામાં અપનાવી. ત્યાર પછી, બીજા દેશના લોકોએ પણ, જે લોકો સમૃદ્ધ છે, એ જે લિપિ વાપરે છે, એ લિપિ ખરેખર ઘણી સારી હશે, એમ માની દરેક દેશે પોતપોતાની ભાષામાં આ લિપિ અપનાવી. હજારો વર્ષોમાં મૂળાક્ષરોના આકાર બદલાતા ગયા. કોઈ કોઈ દેશોએ પોતાની ભાષાના ઉચ્ચારો પ્રમાણે થોડા નવા અક્ષરો બારાખડીમાં ઉમેર્યા.
ફોનેશિયન લોકોના વંશજો આજે પણ લેબેનાનમાં રહે છે એ ડી.એન.એ. પરથી સિદ્ધ થયું છે.
આમાંથી જ જ્યુઈશ (યહૂદી) લોકોએ હિબ્રુ, ગ્રીક લોકોએ ગ્રીક, રોમન લોકોએ રોમન બારાખડી, અને અનેક સદીઓ પછી, આમાંથી જ આજની અગ્રેજી બારાખડી અને લિપિ બની. ભારત ખંડમાં બ્રાહ્મી લિપિ તૈયાર થઈ, જેમાંથી પાલી, દેવનાગરી, ગુજરાતી, વગેરે લિપિઓનો જન્મ થયો. આપણી ગુજરાતી લિપિ અને અંગ્રેજી લિપિ બંનેનું પિયર એક જ ગામમાં ઇજિપ્તમાં હશે, એવું કોઈના સ્વપ્ને પણ આવવું અશક્ય લાગે છે.
ભારતનું દુર્ભાગ્ય એ છે કે પ્રાચીન વેદકાલીન સંસ્કૃતિનું લેખિત સાહિત્યનું મૂળ લખાણ ઉપલબ્ધ નથી. આવું થવાના ઘણાં કારણો છે. વેદોને શ્રુતિ અને સ્મૃિત કહેવામાં આવે છે. વેદો લખાયા નથી, સંભળાયા છે. એને કંઠસ્થ કરવામાં આવ્યા અને એનું વારંવાર રટણ કરી, તેને કંઠસ્થ અને આત્મસાત કરવામાં આવ્યા. આનું કારણ કદાચ લખવા માટે લિપિનો અભાવ પણ હોઈ શકે.
બીજું કારણ એટલે બહુ જ થોડા ચિન્હો, જે કદાચ લિપિ હોઈ શકે, એવા મોહન-જો-દડો અને હડપ્પાના અવશેષોમાંથી મળ્યા છે. ઘણા વિદ્વાનોએ આ લિપિનો અનુવાદ કરવાનો પ્રયત્ન કર્યો, પણ તે અસફળ રહ્યો છે. આ સંસ્કૃતિ એક મોટું રહસ્ય છે. સમ્રાટ અશોકના શિલાલેખ પ્રાકૃત ભાષામાં, બ્રાહ્મી લિપિમાં જ લખાયા છે. સમ્રાટ અશોકે બુદ્ધ ધર્મ સ્વીકાર્યા પહેલાનું વેદિક કે હિંદુ ધર્મનું કોઈ પણ લખાણ ઉપલબ્ધ નથી, એ પણ એક મોટું રહસ્ય છે. ઈંદસ વેલીની લિપિમાંથી બ્રાહ્મી લિપિ બની હોય, એ શક્ય લાગતું નથી. કારણ કે એ લિપિમાં અને સમ્રાટ અશોકના શિલાલેખોની બ્રાહ્મી લિપિ વચ્ચે ૧૫૦૦ વર્ષનો સમય વીતેલો છે. મૂળાક્ષરો વિષે અત્યાર સુધી જે સંશોધન થયું છે એના પરથી એવું લાગે છે કે કદાચ ભારત ખંડમાં મૂળાક્ષરોથી લખવાની શરૂઆત લગભગ ઈ પૂર્વ ૪૦૦થી પ્રાકૃત ભાષામાં શરૂ થઈ.
સંસ્કૃત ભાષાનો વિરોધાભાસ એ છે કે સંસ્કૃત ભાષામાંથી બનેલી પ્રાકૃત ભાષાના લિખિત દસ્તાવેજો સંસ્કૃત ભાષામાં લખેલા દસ્તાવેજો કરતાં પહેલાં લખાયાં. આનું કારણ એ છે કે બ્રાહ્મી મૂળાક્ષરો જયારે ભારત સુધી પહોચ્યા, ત્યારે સંસ્કૃતનું સ્થાન પ્રાકૃત ભાષાએ લીધું હતું. બ્રાહ્મી લિપિ આવી તે પહેલાં ઇસ્વીસન પૂર્વે ૧૫૦૦થી વેદિક સંસ્કૃત ભાષા બોલાતી હતી, પણ લિપિના અભાવે કંઠસ્થ કરી બોલવાની પ્રણાલિકા ચાલુ થઈ.
વિચાર કરો, મિત્રો, કે જો ઈંડસ વેલીની લિપિ, જે ઇસ્વીસન પૂર્વ 3૦૦૦ વર્ષ જૂની છે, તેનો નાશ થયો ન હોત, અથવા ભારતમાં પણ લિપિની શરૂઆત જ્યુઈશ લોકોની હિબ્રુની જેમ ઇસ્વીસન પૂર્વ ૧૦૦૦થી થઈ હોત, તો ભારતનું કેટલું સુભાગ્ય હોત કે સંસ્કૃત ભાષાના બધા મહાગ્રંથો આજે આપણને સંસ્કૃત ભાષામાં ઉપલબ્ધ હોત. ધર્મના નામે કેટલા યુદ્ધો થયા છે, અને થતા રહે છે; પણ વિચાર કરો તો ખબર પડશે કે જ્યુઈશ લોકોની લિપિ હિબ્રુ, મુસ્લિમ લોકોના કુરાનની લિપિ અરબી કે ઉર્દૂ, ખ્રિસ્ટી લોકોના બાઈબલની લિપિ અરમૈક કે ભારતના ગ્રંથોની લિપિ બ્રાહ્મી, આ બધાનું મૂળ એક જ સેમેટિક મૂળાક્ષરો છે.
આ લેખ લખવામાં ડેવિડ સાક્સના પુસ્તક ‘Letter Perfect’નો, કેટલાક પ્રાચીન ગ્રંથો, વેબ જગત અને સુરેશ સોનીના 'ભારતમાં વિજ્ઞાનની ઉજ્જવળ પરંપરા' આધાર લીધેલો છે, અને ઉપરાંત, મેં મારું સ્વતંત્ર સંશોધન પણ કરેલું છે. 

--- ડો. કાર્તિક શાહ 

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...