Monday, June 11, 2018

અવિનાશ વ્યાસ


બન્યું એવું કે...ઘણાં સમય પહેલાની વાત છે. એક છોકરો એની વિધવા માતાને મદદ કરવા માટે એક બાગમહેલમાં કામ કરતો. એના શેઠને નાની મોટી મદદ કરતો...વહીવટી કામોમાં પણ મદદ કરતો.

એના શેઠની પાસે ઘણાં લોકો બિલ અને ટેન્ડર પર સહીઓ કરાવા માટે મથતાં. પણ કોઈ શિફારીશ ન કરાવી શકતું. એવામાં એક ભાઈએ એ છોકરાને પકડ્યો. અને કહ્યું, "તું ઘણાં સમયથી શેઠને ત્યાં કામ કરે છે, વિશ્વાસુ છે. તારે ફક્ત મારા બિલો-ટેન્ડર શેઠ સહી કરવા આવે એ પહેલાં સૌથી ઉપર મૂકી દેવાના!! એટલે ઝટ સહી થઈ જાય અને મારું કામ થઈ જાય. આ માટે હું તને દસ રૂપિયા આપીશ." 

છોકરાએ કહ્યું, " ના મારે કઈ રૂપિયા નથી જોઈતા...." ભાઈએ કહ્યું, " અરે આ તો હું તને ભેટ સ્વરૂપે આપું છું. રાખજે. તારે ક્યાં કાંઈ કરવાનું છે !!"

આમ ને આમ ચાલ્યું. થોડા મહિનાઓ પેલા ભાઈને સહીઓ ફટાફટ થવા લાગી. અને છોકરાને નિયમિતપણે દસ રૂપિયા મળવા લાગ્યા. પણ એક વાર એવું બન્યું કે શેઠે ઉપર આવેલા બિલ પર સહી ના કરી!! પેલો ભાઈ અકળાયો. છોકરાને ધમકાવ્યો પણ ખરો કે આવું કેમ બન્યું?

છોકરાએ તરત કીધું, " મેં તો મારું કામ કર્યું જ હતું, પણ શેઠે સહી ના કરી તો હું શું કરું?"

પેલા ભાઈએ પણ ગુસ્સામાં એને ધમકી આપી, " હું તારી પોલ ઉઘાડી પાડી દઈશ. શેઠને જઈને હમણાં જ કહું છું કે આ છોકરો મારી પાસે કામ કઢાવા લાંચ માંગે છે!! "

છોકરો રડવા લાગ્યો. કહ્યું કે "ભાઈ આવું ન કરો. મેં તો તમે કીધું એમ જ તો કર્યું છે. મારી આજીવિકા છીનવાઈ જશે!!"

પણ પેલો ભાઈ ન માન્યો. જઈને શેઠને કહી દીધું. શેઠે છોકરાને બોલાવ્યો. અને કડક અવાજે સત્ય હકીકત પૂછી. છોકરાએ સાચેસાચ કહી દીધું. કે હા, મેં દસ રૂપિયા લીધા હતા. શેઠે પેલા ભાઈની સામે જ સાંભળ્યું ન સાંભળ્યું કરી ફરી પૂછ્યું, "શું કીધું તે છોકરા?" છોકરાને કંઇજ ખબર ન પડી. શેઠે ફરી કીધું " શું કીધું તે છોકરા?" શેઠ એની પરિસ્થિતિથી વાકેફ હતાં.

શેઠે ટહુકો કર્યો, " તે લાંચ નથી લીધી!! શું સમજ્યો. અને કોઈ જ ગુનો નથી કર્યો. જા હવે, કામે લાગી જા!!" પેલો ભાઈ જોઈ જ રહ્યો અને છોભીલો પડી ત્યાંથી ચૂપચાપ સરકી ગયો!!

ત્યાર બાદ એ છોકરાએ ક્યારેય અનીતિ કે અધર્મના પૈસાને હાથ નથી લગાડ્યો. અને પ્રામાણિકતાથી એને મનગમતા કામની સાધના કરીને સર્વોચ્ચ સ્થાને પહોંચ્યો. જેની તુલના આજદિન સુધી ગુજરાતમાં કોઈ સાથે થઈ શકે એમ નથી!!

એ શેઠ હતાં...શેઠ મથુરાદાસ અને પેલો છોકરો જે અવિસ્મરણીય હસ્તી બન્યો એ અવિનાશ વ્યાસ!!

--  ડો.કાર્તિક શાહ 

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...