Friday, June 1, 2018

કોણ હતું આ ધૂન વગાડનાર એ માસ્ટરમાઇન્ડ...?



૧૯૫૮માં સલિલ ચૌધરી એક અત્યંત પ્રભાવશાળી સંગીતપ્રતિભાને તેમની સાથે કોલકાતાથી મુંબઈ લઈ આવ્યા. ત્યાં તેમણે બિમલ રોયની ફિલ્મ ‘મધુમતિ’ના બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં પોતાનાં વાધ્ય વગાડ્યાં. ત્યાર પછી વારો આવ્યો ‘સટ્ટા બાજાર’ ફિલ્મના ગીત ‘તુમ્હેં યાદ હોગા કભી હમ મિલે થે’નો. આનું રિહર્સલ કરતી વખતે એ વ્યક્તિએ સૂચન કર્યું કે આ ગીતમાં હેમંત કુમારના અવાજ સાથે સેક્સોફોન કમાલ કરી બતાવશે. તેમના આ સૂચનને લક્ષ્મીકાંતે તરત જ સ્વીકારી લીધું હતું. પરિણામ તમારી સામે જ છે.


આ યુવાન એ એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે અનિલ વિશ્વાસના આસિસ્ટન્ટ અને સેક્સોફોનવાદક રામ સિંહજીથી તેઓ ઘણા પ્રભાવિત હતા. જે રીતે તેઓ ગાયકના અવાજ પાછળ ધીમા સૂરે અલ્ટો સેક્સોફોન વગાડતા, એ ખરેખર રસપ્રદ હતું. તેમણે રામ સિંહજીની એ પરંપરાને આગળ વધારી.

તમને જણાવી દઉં કે સેક્સોફોન ત્રણ પ્રકારનાં હોય છે- અલ્ટો, સોપ્રાનો અને ટેનોર. અને આ પ્રતિભાશાળી વ્યક્તિ આ ત્રણે પ્રકારનાં સેક્સોફોન વગાડવામાં કુશળ હતા. ફિલ્મ ‘શોલે’ના શીર્ષક ધૂનમાં તેમણે વગાડેલા સોપ્રાનો સેક્સોફોનની કમાલ આજેય યાદ છે. તેઓએ સલિલ ચૌધરી, કલ્યાણજી આનંદજી, ઓપી નૈયર, શંકર જયકશિન, લક્ષ્મીકાંત પ્યારેલાલ, સચિન દેવ બર્મન અને રાહુલ દેવ બર્મન જેવા સંગીતકાર સાથે કામ કર્યું. જોકે, તેમની ઉમદા જોડી રાહુલ દેવ બર્મન સાથે બની. અગાઉ આપણે આ બેલડીની સુંદર ધૂનની વાત પણ કરી, પણ થોડું યાદ કરો તો ‘હમ કિસી સે કમ નહીં’નું પેલું ગીત ‘બચના એ હસીનો’નું શરૂઆતનું મ્યુઝિક કે પ્રીલ્યૂડ કેવું અદ્ભુત હતું! આખા ગીતમાં આ વ્યક્તિની જ ફૂંકવાદ્ય (વિન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ) વગાડવાની કમાલ હતી !! 

આ રીતે ફિલ્મ ‘કસમે વાદે’નું ગીત ‘ગુમસુમ કયોં હે સનમ’ પણ યાદ આવે છે. આ ગીતની શરૂઆત આશા ભોંસલેના આલાપથી જ જાય છે અને આ વ્યક્તિએ વગાડેલું સેક્સોફોન ક્યા સમયે એમાં ભળી જાય છે એ ખબર પણ પડતી નથી. ફિલ્મ ‘પ્રોફેસર’માં શંકર જયકશિન માટે ‘આવાજ દેકે હમેં તુમ બુલાઓ’ ગીતમાં સેક્સોફોનના તરંગો રૂંવાડાં ઊભાં કરી દે છે. શંકર જયકશિન માટે જ ફિલ્મ ‘આરજુ’નું ગીત ‘બેદર્દી બાલમા તુમકો’ના અંતરામાં એમણે એવું સેક્સોફોન વગાડ્યું કે એ મિસાલ બની ગઈ. સેક્સોફોનની આ તરંગો આ ગીતોને જાણે એક અવિસ્મરણીય દુનિયામાં લઈ જાય છે.


તેમણે વગાડેલું સેક્સોફોન વાદ્ય ક્યા સમયે ગીતમાં ભળી જતું તેની ખબર પણ ન પડતી... ગીતોની ધૂન એ હિન્દી ફિલ્મસંગીતની વિશિષ્ટતા છે. આપણે લોકો માત્ર ગીતોના શબ્દો જ નથી ગણગણતા, પણ શબ્દોની સાથે જે વાદ્યોની ધૂન હોય છે તેનું પણ ગીત સાથે રટણ કરતા હોઈએ છીએ. જોકે, અફસોસની વાત છે કે સામાન્ય લોકો જાણતા પણ નથી કે કેટલાંક જાણીતાં ગીતોમાં વગાડાતાં વાદ્યો આખરે કોણે વગાડ્યાં હશે? એ કલાકાર આજે ક્યાં છે? કઈ હાલતમાં જીવી રહ્યા છે? 

દેવ આનંદની ખૂબ જ યાદગાર ફિલ્મ ‘ગાઈડ’ની જ વાત કરીએ તો આ ફિલ્મનું ‘ગાતા રહે મેરા દિલ’ના અંતરામાં જે સેક્સોફોન વગાડવામાં આવ્યું છે તે યાદ છે! કે પછી ‘સટ્ટા બાજાર’નું ગીત ‘તુમ્હેં યાદ હોગા કભી હમ મિલે થે’ના અંતરામાં વગાડેલા સેક્સોફોનને યાદ કરો. જો આ પણ યાદ ન આવે તો ફિલ્મ ‘માયા’નું ‘જા ઉડ જા રે પંછી’ ગીતની શરૂઆતમાં જે વાંસળી વગાડવામાં આવે છે તેનો મીઠો અવાજ આજેય હૃદયને હચમચાવી મૂકે છે. આ ગીતના અંતરામાં વગાડેલું સેક્સોફોન તમે કેવી રીતે ભૂલી શકો? લતાજીના અવાજ સાથે ધીરે રહીને ગુંજતું સેક્સોફોન તમને એક સુંદર દુનિયામાં લઈ જાય છે. આ બધી જ ધૂનનું શ્રેય માત્ર એક જ કલાકારને ફાળે જાય છે.

એ કલાકાર એટલે ખૂબ જ જાણીતા સેક્સોફોન અને ઈંગ્લિશ ફ્લૂટ વાદક તેમજ એરેન્જર મનોહારી સિંહ. મનોહારી સિંહ હિન્દી ફિલ્મજગતમાં સેક્સોફોનના બેતાજ બાદશાહ ગણાતા.

મનોહારી દાદા રાહુલ દેવ બર્મનના મુખ્ય સહાયકમાંના એક હતા. બાસુ-મનોહારીની જોડી પંચમદાના મ્યુઝિક ગ્રૂપનો આધાર હતી. મનોહારી દાદા પંચમ માટે સેક્સોફોન અને ફ્લૂટ વગાડતા. ફિલ્મ ‘શોલે’નું ટાઈટલ મ્યુઝિક યાદ છે, જેમાં સેક્સોફોન છવાઈ જાય છે. એટલું જ નહીં, લગભગ મૃત્યુના એક અઠવાડિયા પહેલા મુંબઈમાં બોરીવલીમાં એક સંગીતસંધ્યામાં તેમણે આ વાધ્ય વગાડીને સૌને દીવાના કરી દીધા હતા.  શરૂઆતમાં તેઓ મેન્ડોલિન અને ‘કી-ફ્લૂટ’ જ વગાડતા હતા, પણ પછી તેમણે સેક્સોફોન વગાડવાનું શરૂ કર્યું.  મનોહારી દાદા  ૧૩ જુલાઈ, ૨૦૧૦ના રોજ આ દુનિયાને અલવિદા કરી ગયા..એમને યાદ કરીને શત શત નમન...!!

સંકલન: કાર્તિક શાહ

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...