Tuesday, May 22, 2018

એવું ન થઈ શકે કે પતિઓને પણ પિયર હોય ?


▪એવું ન બને કે પતિઓને પણ પિયર હોય?▪
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
વેકેશન....શબ્દ માત્રથી જ છલકાતો ઉમંગ! આનંદ, મુક્ત થઈ ફરવાનો એહસાસ...! વેકેશન આવે એટલે સૌથી પહેલું શું યાદ આવે? જી, બાળકો માટે મામાનું ઘર અને પત્ની, દીકરી માટે એમનું પિયર!! 

મામાનું ઘર ભાણેજથી છલકાય, મોજ મસ્તી અને એય હૈયા હિલ્લોળા લેતા હોય તથા પત્ની/દીકરીઓ એમના પિયર રોકાવા જાય અને પોતાના બાળપણને વાગોળતી હોય એવું ચિત્ર તરત જ આપણી નજર સમક્ષ ઉપસી આવે, ખરું ને? 

પણ મારી ટૂંકી નજરથી અવલોકન કરતાં, ખબર નહીં કેમ આ વેકેશન મને કોઈની તરફદારી કરતું હોય એમ લાગ્યું!! આપણે વેકેશન ઉજવણીની આ સામાજિક પ્રણાલીમાં અને ખરું કહો તો આપણાં સાહિત્યમાં કોઈને ભૂલી તો નથી ગયાને? 

હા, આ વેકેશન એટલે વરસથી રાહ જોવાતો બાળકોનો આંનદ-પ્રમોદ કરવાનો ભણતરના બોજ વિનાનો સુખદ સમય!

હા, આ વેકેશન એટલે (ભલે કહેવાતું હોય કે આપણે ખૂબ મોર્ડન યુગમાં જીવી રહ્યા છીએ તો પણ) પત્ની-દીકરીઓ માટે સાસરિયામાં કામની પળોજણથી અને સાસુ-સસરાની આમન્યાથી મુક્ત થઈ પિયરમાં રિલેક્સ થવાનો સુખદ સમય!

હા, આ વેકેશન એટલે મામા-ભાણેજનો સંબંધ વધુ પ્રગાઢ અને મૈત્રીપૂર્ણ રીતે પાંગરવાનો સુખદ સમય!

હા, આ વેકેશન એટલે નાના-નાનીનો એમના પૌત્ર-પૌત્રી અને દીકરી સાથે ખુશનુમા પરોઢ ઉજવવાનો સુખદ સમય!

હા, વેકેશન એટલે આ જ બઘું! એવું જ મેં વાંચ્યું છે, સાંભળ્યું છે અને કહેવાતું આવ્યું છે!

આ સર્વેના ઉલ્લેખમાં આપણે ભૂલી ગયાં દાદા-દાદીને અને આ પતિદેવોને ! આ વેકેશન જ એવો સમય છે કે જેમાં આ લોકો ઘણુંખરું એકલતા સારે છે. કેમ પતિઓને વેકેશન ના હોય?  તેઓ આ સંદર્ભે વેકેશનમાં ક્યાં જાય? તેમને પણ ક્યારેક કામની પળોજણ અને કુટુંબની જવાબદારીનું પોટલું થોડું હળવું થાય અને ક્યાંક બાજુ પર મૂકી શકાય એવો સુખદ સમય ન મળી શકે? અહીં આપણે વેકેશનમાં ફરવાની વાત નથી કરતા...ત્યાં પણ એને જવાબદારીઓનું પોટલું તો ઊંચકવાનું જ છે! આપણે અહીં પત્નીના પિયર જેવી રિલેક્સ પળોની વાત કરીએ છીએ!

પતિઓને એવું પિયર ના મળી શકે? કે જ્યાં એ પણ વેકેશન ગાળવા જાય, કોઈ માથે હાથ ફેરવે અને ભલે ને મોડા ઉઠે કે કામકાજ ન કરે કોઈ ટોકવાવાળું ન હોય, કોઈ બોસ ન હોય, કોઈ નોકરી ન હોય, જ્યાં બેસીને એ પણ એનું બાળપણ તાજું કરી શકે!

દાદા અને/અથવા દાદીને કે જેઓને રોજ એમના પૌત્ર-પૌત્રીની અને પતિદેવોને એમના દીકરા-દીકરીઓની ચિચિયારીઓ, કીકીયારીઓ, મસ્તી સાંભળવા-જોવાની, એમની સાથે રમવાની આદત પડી ચુકી હોય છે એમની એકલતાનું શું? 

આપણે એવું માનીએ, સાંભળીયે અને વાંચીએ છીએ કે, વેકેશનમાં પત્નીઓ બાળકોને લઈ પિયર જાય એટલે પતિદેવોને જલસા પડી જાય...પણ ખરેખર તો ચિત્ર આનાથી એકદમ વિપરીત જ હોય છે. પત્ની-બાળકો વગરનું ઘર એને કરડવા દોડતું હોય એમ લાગે છે. તેઓની ગેરહાજરીમાં સર્જાયેલા શૂન્યાવકાશને વખોડતાં આ વેકેશન ક્યારે પતે એવું એ વિચારતો હોય છે!

રિસર્ચ પણ એમ કહે છે કે સ્ત્રીઓની સરખામણીમાં પુરુષ એકલતા એટલી ખેલદિલીથી જીરવી નથી શકતો!

અને એટલે જ બની શકે, કદાચ આ વેકેશન એમને ના ગમે!!

અને તેઓની આ વ્યથાનો ઉલ્લેખ ક્યાંય જોવા નથી મળતો. અને એટલે જ આ વેકેશન, મને કોઈની તરફદારી કરતું હોય એવું સ્પષ્ટપણે લાગે છે! જાણે એવું લાગે કે પિયરમાંથી જ આ વેકેશન શબ્દનો જન્મ થયો હોય!

▪એટલે જ હવે વિચાર આવે છે કે એવું ન થઈ શકે કે પતિઓને પણ પિયર હોય?▪

― ડો. કાર્તિક ડી. શાહ
➖➖➖➖➖➖➖

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...