Friday, May 18, 2018

કે. એલ. સાયગલ - ઉમદા વ્યક્તિત્વ


૧૯૫૭ - ૫૮ની સાલમાં અમદાવાદના રિગલ કે લાઇટહાઉસ સિનેમામાં “સાયગલકી અમર કહાની” નામનું કે.એલ.સાયગલનું bio-pic આવ્યું. ફિલ્મમાં જોયેલી સાયગલ સાહેબની જીવન યાત્રા કેવળ સંગીતના ઉત્સવ જેવી ન રહેતાં માનવતા અને કરૂણાના વહેણ જેવી હતી. ક્યારે ચિત્ર શરૂ થયું, ક્યારે સમાપ્ત થયું તેનો ખ્યાલ ન રહ્યો.. કેવળ અંતિમ ‘શૉટ’ બાદ ગાલ પર ભિનાશ અનુભવી ત્યારે સમજાયું ફિલ્મ પૂરી થઇ હતી. 

ફિલ્મનો એક પ્રસંગ માનસપટલ પર હંમેશ માટે અંકાઇ ગયો. આ પ્રસંગ હતો કલકત્તામાં તેમને પહેલ વહેલું કામ મળ્યું હતું તેનું -- કાપડની ફેરી કરી વેચાણ કરવાનું!! આ પ્રસંગ દિગ્દર્શકે ચિતર્યો હતો.


એક મજુરના માથે કાપડનો મોટો થેલો મૂકાવી કુંદનલાલ સહગલ - જે બદલાઇને સાયગલ થઇ ગયું -કલકત્તાની શ્રીમંત વ્યક્તિઓની હવેલીમાં જઇ કાપડ, સાડીઓ બતાવે અને વેચે. એક વાર તેઓ કોઇ ગૃહિણીને સાડીઓ બતાવી રહ્યા હતા. તેમની પાછળ તેમની દાસી તથા દાસીની પુત્રી ઉભાં હતા. દાસીની નાનકડી દિકરીને એક સાડી ગમી અને તે બોલી પડી, “મા, કોતો શુંદર શાડી! આમાકે ખૂબ ભાલો લાગે. કિનબે તો?” (કેટલી સુંદર સાડી છે! મને ખુબ ગમી. વેચાતી લઇશું કે?)

અરે જા, જા,” શેઠાણી તાડૂકી. “આ સાડી લેવાની તારી ક્યાં હેસિયત છે!

સાયગલે શેઠાણીને કહ્યું, “એની હેસિયત હોય કે ન હોય, પણ આપની આવી ઉમદા સાડી લેવાની લાયકાત નથી,” કહી, પેલી મોંઘી સાડી દાસી પુત્રીને આપી, થેલો ઉપાડાવી ત્યાંથી ચાલી નીકળ્યા. દુકાને પહોંચી શેઠને કહ્યું, “સાડીના પૈસા મારા પગારમાંથી કાપી લેજો !!

આ સાયગલ સાહેબ માનવતાના ઝરણાં જેવા હતાં અને આવા એક નહિ કેટલાય પ્રસંગો મોજુદ છે એમનાં, ધીરે ધીરે એક પછી એક શેર કરીશ. અને આવા ઉમદા વ્યક્તિત્વને લીધે જ પંજાબી હોવા છતાં કોલકાતાએ એમને પોતીકા માની લીધા હતાં....

વધુ પ્રસંગ લઈને ફરી મળીશું....

- સંકલન: કાર્તિક શાહ 

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...