Saturday, May 19, 2018

કે. એલ. સાયગલ


કુંદનલાલ સાયગલનો જન્મ 1904ની 11 એપ્રિલે જમ્મુમાં થયો હતો અને 1947ની 18 જાન્યુઆરીએ જલંધરમાં એમનું નિધન થયું હતું. માત્ર 42 વર્ષના આયુષ્યમાં સાયગલે ગાયક અને અભિનેતા તરીકે ભારતભરમાં લોકપ્રિયતા હાંસલ કરી હતી.

સાયગલના માતા કેસરબાઈ ધાર્મિક ગીતોનાં ચાહક હતા. તેઓ પુત્ર કુંદનને અનેક ધાર્મિક કાર્યક્રમોમાં એમની સાથે લઈ જતાં હતાં, જ્યાં ભજન, કીર્તન ગવાતા હતાં. એમની પાસેથી જ બાળક કુંદનને સંગીત પ્રત્યે આકર્ષણ થયું હતું અને ગાવાનો શોખ જાગ્યો હતો.

જમ્મુથી સાયગલ યુવાન વયે કલકત્તા ગયા હતા અને ત્યાં ઘણી વાર મેહફિલ-એ-મુશાયરામાં ગાતા હતા. સાયગલના વખતમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગનું કેન્દ્ર કલકત્તા શહેર હતું, પણ બાદમાં મુંબઈ બન્યું હતું. 1930ના દાયકાના આરંભમાં શાસ્ત્રીય સંગીતકાર અને ફિલ્મ સંગીતકાર હરિશ્ચંદ્ર બાલી સાથે ઓળખાણ થતાં બાલીએ સાયગલને કલકત્તામાં ફિલ્મ સ્ટુડિયો ન્યૂ થિયેટર્સ સાથે એમને કોન્ટ્રાક્ટ કરાવી આપ્યો હતો, મહિને 200 રૂપિયાનો. એને પગલે સાયગલની મુલાકાત પંકજ મલિક, કે.સી. ડે, પહાડી સન્યાલ જેવા એ વખતના જાણીતા ગીતકાર-સંગીતકારો સાથે થઈ હતી.

સાયગલ અભિનેતા તરીકે જાણીતા થયા હતા. હિન્દી સિનેમાના એ વખતના પહેલા સુપરસ્ટાર કહેવાય છે. પંદર વર્ષની કારકિર્દીમાં સાયગલે 36 ફિલ્મોમાં અભિનય કર્યો હતો, જેમાં 28 હિન્દી, સાત બંગાળી અને એક તામિલ ફિલ્મ હતી. સાયગલની પહેલી હિન્દી ફિલ્મ હતી ‘મોહબ્બત કે આંસુ’, જે 1932માં રિલીઝ થઈ હતી.

1933માં, સાયગલે ‘પુરાણ ભગત’ ફિલ્મમાં ગાયેલા ચાર ભજન ઝડપથી આખા દેશમાં લોકપ્રિય થયા હતા.
સાયગલે કુલ 185 ગીતો ગાયા હતા, જેમાંના 142 ફિલ્મી ગીતો હતા અને 43 બિન-ફિલ્મી ગીતો હતા. ફિલ્મી ગીતોમાં 110 હિન્દી, 30 બંગાળી અને બે તામિલ હતા.

1930-50ના દાયકામાં સાયગલના સ્વરની લોકપ્રિયતા એટલી બધી હતી કે એ સમયે લોકપ્રિય રહેલા રેડિયો સીલોન પર 1947ના વર્ષ સુધી રોજ સવારે 7.55 વાગ્યે સાયગલનું ગીત વગાડવામાં આવતું હતું.

લતા મંગેશકર અને કિશોર કુમારે તો જાહેરમાં નિવેદન કરીને કહ્યું હતું કે તેઓ સાયગલને પોતાનાં સંગીત ગુરુ માને છે.

1946-47માં જિંદગીના આખરી દોરમાં તેઓ વધુપડતો શરાબ પીવાને કારણે થાકી જતા-તૂટી જતા. ઈન્જેક્શનો પણ એમને લેવા પડતા. ત્યારે એમના મગજમાં એક વાત ખરાબ રીતે ઘર કરી ગયેલી કે જ્યાં સુધી તેઓ પીશે નહીં ત્યાં સુધી સારી રીતે ગાઈ નહીં શકે. પરિણામે થયું એવું કે શાહજહાં ફિલ્મ માટે લખેલું મારું ગીત ગમ દિયે મુશ્તકિલ કિતના નાજુક હૈ દિલ ગાતી વખતે પહેલે દિવસે તેઓ શરાબ પીને આવ્યા ત્યારે બેસૂરા થઈ ગયા. જે ગાયકને દુનિયા સૂરોના બાદશાહ ગણતી એ જ ગાયક સૂરમાં ગાઈ નહોતા શકતા.

સંગીતકાર નૌશાદ સાહેબે ખૂબ જ આદરપૂર્વક નમ્રતાથી સાયગલ સાહેબને કહ્યું: ‘લાગે છે કે તમારી તબિયત નાદુરસ્ત છે. તેથી જ તમે બરાબર ગાઈ નથી શકતા. નહીંતર સાયગલ સૂરમાં ન ગાય એવું તે કદી બને. બહેતર છે કે કાલે તમારી તબિયત સારી થાય પછી જ આવો તો રેકોર્ડિંગ પતી જાય.’
બીજે દિવસે સાયગલ સાહેબ આવ્યા ત્યારે પહેલા દિવસ જેવી જ દશા હતી. ત્યાં સુધી હું એમને એકેય વાર મળ્યો નહોતો અને તેઓ મને જાણતા નહોતા તેથી ક્રોધાવેશમાં નૌશાદ સાહેબને એમણે પૂછ્યું, ‘કોણે ગીત લખ્યું છે?’

હું ત્યાં જ બેઠો હતો. બોલ્યો, ‘મેં જ લખ્યું છે જી.’
એમને મને પૂછ્યું, ‘તમને ખબર છે તમે શું લખ્યું છે?’
મેં તરત જ ટકોર કરી: ‘તમે ગાઈ નથી શકતા એમાં હું શું કરું, મારો શો કસૂર છે એમાં?’ સ્વાભાવિક છે મારા આવા જવાબથી એમને થોડું માઠું પણ લાગ્યું. પણ હું શું કરી શકું?

તેથી નૌશાદ સાહેબે ફરીથી નમ્રતાપૂર્વક કહ્યું કે બીજે દિવસે તેઓ પીધા વિના જ આવે. સાયગલ સાહેબ આનાકાની કરતા બોલ્યા, ‘નહીં નહીં એવું તો થઈ જ ન શકે.

નૌશાદ સાહેબે તોડ કાઢ્યો: ‘આપણે એમ કરીએ એકવાર વગર પીધે રેકોર્ડ કરીએ, બીજીવાર પીધા પછી રેકોર્ડ કરીએ.’ 

બીજે દિવસે વગર પીધે ગવડાવવામાં આવ્યું. એમણે લાજવાબ ગાયું. છતાં એમને સંતોષ ન થયો. એમણે તો પીને ફરીથી ગાવાની જીદ પકડી. સાયગલની જીદ સામે નમતું જોખવું જ પડે. પીને ગાયું ત્યારે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ ગયું. નૌશાદ સાહેબે બંને ગીત સંભળાવીને અભિપ્રાય પૂછ્યો ત્યારે સાયગલ સાહેબે કબૂલ કર્યું, ‘પહેલા વગર પીધે ગાયેલું એ જ ગીત બહેતર છે.


નૌશાદે વળતી ટકોર કરી: ‘તો કયા બેવકૂફે તમને કહ્યું કે પીધા પછી જ તમે બહેતર ગાઈ શકો છો’  ― આ બધું જ અક્ષરસ: મઝરૂહ સુલ્તાનપુરીએ એક ઇન્ટરવ્યૂમાં કહેલું !! 

એમનું આ ટૂંકું આયખું કેટલાંય રોચક પ્રસંગો અને દરિયાદીલીથી ભરપૂર છે. એમ જ કાંઈ લોકોના હૃદય પર રાજ નહોતા કરી શકયા તેઓ...એ પાછળ એમની લાગણીઓ, માનવતા અને ત્યાગની ભાવના જવાબદાર હતી....મળીયે પાછા થોડા સમયમાં એક બીજો પ્રસંગ લઈને !

― સંકલન: ડો. કાર્તિક શાહ

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...