Wednesday, February 28, 2018

પૂજા મૂર્તિની કે સાક્ષાત પ્રભુની?!



એક ભાઈ ખૂબ ધાર્મિક હતા. ઘરમાં એક સરસ મજાનું નાનું મંદિર બનાવેલું. એમાં ભગવાનની મૂર્તિ પધરાવીને તેની સવાર-સાંજ પૂજા કરતા હતા. ભગવાન કૃષ્ણ પ્રત્યે એમને અપાર શ્રદ્ધા આથી મુરલીધરની મૂર્તિની પૂજા કરતા હતા.

એકવાર કોઈ મોટી નાણાકીય મુશ્કેલી આવી. એણે ઘરમંદિરમાં રહેલી મૂર્તિ સમક્ષ મુશ્કેલીના નિવારણ માટે પ્રાર્થના કરી. સમાસ્યાનો નિવેડો આવવાને બદલે સમસ્યા વધતી ચાલી. દિવસે દિવસે આ ભાઈને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ઘટવા લાગી.

ભગવાન કૃષ્ણ કંઈ કામ કરતા નથી એવી માન્યતા દ્રઢ થઈ એટલે એણે નક્કી કર્યું કે જે મારી મુશ્કેલીના સમયે મને મદદ ન કરે એની પૂજા મારે શા માટે કરવી જોઈએ ? ભગવાન કૃષ્ણની મૂર્તિ મંદિરમાંથી દૂર કરી અને ભગવાન રામને પધરાવ્યા. હવે એ ભગવાન રામની મૂર્તિની પૂજા કરવા લાગ્યો.

એક દિવસ સવારમાં ભગવાન રામની મૂર્તિની પહેરાવેલા કપડા પર એ ભાઈ અત્તર છાંટતા હતા. અત્તર ખૂબ સારું હતું. અત્તર છાંટતા છાંટતા એમનું ધ્યાન મંદિરમાંથી દૂર કરેલી અને ઘરના ખૂણામાં રાખી મૂકેલી કૃષ્ણની મૂર્તિ તરફ ગયું. એ ભાઈ ઊભા થયા અને કૃષ્ણની મૂર્તિના નાકમાં રૂ ભરાવી દીધું અને પછી બોલ્યો, “કંઈ કામ તો કરતા નથી તો પછી આ અત્તરની સુગંધ મફતમાં નહીં મળે.”

ભગવાન કૃષ્ણ ખડખડાટ હસી પડ્યા અને મૂર્તિમાંથી પ્રગટ થયા. પેલો ભક્ત તો જોઈ જ રહ્યો. એણે ભગવાનને ફરિયાદ કરી, “આટલાં વર્ષોથી તમારી પૂજા કરતો હતો પણ કોઈ દિવસ મને દર્શન નથી આપ્યાં અને હવે તમારી પૂજા બંધ કરી ત્યારે કેમ દર્શન દીધાં ?” ભગવાને હસતાં હસતાં કહ્યું, “અત્યાર સુધી તું મને માત્ર મૂર્તિ જ સમજતો હતો પણ આજે પહેલી વાર મને પણ અત્તરની સુગંધ આવતી હશે એમ માનીને તે મને મૂર્તિને બદલે જીવંત સમજ્યો.”

આપણે પણ આપણી જાતને સવાલ પૂછવા જેવો છે કે મંદિરમાં આપણે માત્ર મૂર્તિનાં દર્શન કરવા જઈએ છીએ કે સાક્ષાત પ્રભુને મળવા જઈએ છીએ ?

ઋણ માતપિતાનું


એક નાનો બાળક હતો. બાળકને કેરીનું ઝાડ (આંબો) બહુ ગમતો. જ્યારે નવરો પડે કે તુરંત આંબા પાસે પહોંચી જાય. આંબા પર ચડે, કેરી ખાય અને રમીને થાકે એટલે આંબાના વૃક્ષની ઘટાદાર છાયામાં સૂઈ જાય. બાળક અને આ વૃક્ષ વચ્ચે એક અનોખો સંબંધ હતો.

બાળક જેમ જેમ મોટો થવા લાગ્યો તેમ તેમ એણે આંબા પાસે આવવાનું ઓછું કરી દીધું. અમુક સમય પછી તો સાવ આવતો જ બંધ થઈ ગયો. આંબો એકલો એકલો બાળકને યાદ કરીને રડ્યા કરે. એક દિવસ અચાનક એને પેલા બાળકને પોતાના તરફ આવતો જોયો. આંબો તો ખુશ થઈ ગયો.

બાળક જેવો નજીક આવ્યો એટલે આંબાએ કહ્યું, “તું ક્યાં ચાલ્યો ગયો હતો ? હું રોજ તને યાદ કરતો હતો. ચાલ હવે આપણે બંને રમીએ.” બાળક હવે મોટો થઈ ગયો હતો. એણે આંબાને કહ્યું, “હવે મારી રમવાની ઉંમર નથી. મારે ભણવાનું છે પણ મારી પાસે ફી ભરવાના પૈસા નથી.” આંબાએ કહ્યું “તું મારી કેરીઓ લઈ જા. એ બજારમાં વેચીશ એટલે તને ઘણા પૈસા મળશે. એમાંથી તું તારી ફી ભરી આપજે.” બાળકે આંબા પરની બધી જ કેરીઓ ઉતારી લીધી અને ચાલતો થયો.

ફરીથી એ ત્યાં ડોકાયો જ નહીં. આંબો તો એની રોજ રાહ જોતો, એક દિવસ અચાનક એ આવ્યો અને કહ્યું, “હવે તો મારા લગ્ન થઈ ગયા છે. મને નોકરી મળી છે એનાથી ઘર ચાલે છે પણ મારે મારું પોતાનું ઘર બનાવવું છે એ માટે મારી પાસે પૈસા નથી.” આંબાએ કહ્યું, “ચિંતા ન કર. મારી બધી ડાળીઓ કાપીને લઈ જા. એમાંથી તારું ઘર બનાવ.” યુવાને આંબાની ડાળીઓ કાપી અને ચાલતો થયો.

આંબો હવે તો સાવ ઠૂંઠો થઈ ગયો હતો. કોઈ એની સામે પણ ન જુવે. આંબાએ પણ હવે પેલો બાળક પોતાની પાસે આવશે એવી આશા છોડી દીધી હતી. એક દિવસ એક વૃદ્ધ ત્યાં આવ્યો. તેણે આંબાને કહ્યું, “તમે મને નહીં ઓળખો પણ હું એ જ બાળક છું જે વારંવાર તમારી પાસે આવતો અને તમે મદદ કરતા.” આંબાએ દુઃખ સાથે કહ્યું, “પણ બેટા હવે મારી પાસે એવું કંઈ નથી જે હું તને આપી શકું.”

વૃદ્ધે આંખમાં આંસુ સાથે કહ્યું, “આજે કંઈ લેવા નથી આવ્યો. આજે તો મારે તમારી સાથે રમવું છે. તમારા ખોળામાં માથું મૂકીને સૂઈ જવું છે.” આટલું કહીને એ રડતાં રડતાં આંબાને ભેટી પડ્યો અને આંબાની સુકાયેલી ડાળોમાં પણ નવા અંકુર ફૂટ્યા.

વૃક્ષ એ આપણાં માતા-પિતા જેવું છે જ્યારે નાના હતા ત્યારે એમની સાથે રમવું ખૂબ ગમતું. જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ એમનાથી દૂર થતા ગયા નજીક ત્યારે જ આવ્યા જ્યારે કોઈ જરૂરિયાત ઊભી થઈ કે કોઈ સમસ્યા આવી. આજે પણ એ ઠૂંઠા વૃક્ષની જેમ રાહ જુવે છે. આપણે જઈને એને ભેટીએ ને એને ઘડપણમાં ફરીથી કૂંપણો ફૂટે.

મનનો અવાજ


શાળામાં ભણતા બે જીગરજાન મિત્રો. સાથે હરવા-ફરવાનું, સાથે ખાવા-પીવાનું, સાથે નાચવા ગાવાનું. એક જ્યાં હાજર હોય ત્યાં બીજો હાજર હોય જ. શાળા પૂરી કરીને કૉલેજમાં જવાનું થયું અને બંને મિત્રો છૂટા પડ્યા. જેમ જેમ સમય પસાર થવા લાગ્યો તેમ તેમ બંને વચ્ચેનું અંતર પણ વધવા લાગ્યું.

વર્ષો પછી બંને મિત્રો અચાનક ભેગા થઈ ગયા. એકબીજાને મળીને ખૂબ જ આનંદ થયો. બંને એકબીજાના જીવન વિષે જાણવા ઉત્સુક હતા. એક બગીચામાં ચાલતાં ચાલતાં બંને એકબીજાને શાળા પછીના જીવન વિષે વાતો કરવા લાગ્યા.

શાળા પૂરી કરીને મેં કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. એક પૈસાદાર બાપની દીકરી સાથે મારી ઓળખાણ થઈ. એની સાથે જ લગ્ન કરી લીધા. આજે ૪ ફેક્ટરીઓનો માલિક છું અને લાખો રૂપિયા કમાઉં છું.” બીજો મિત્ર ધ્યાનથી આ વાતો સાંભળી રહ્યો હતો. એ ખિસ્સામાંથી રૂમાલ કાઢવા ગયો તો એક સિક્કો પણ ખિસ્સામાંથી નીચે પડી ગયો. એને તો કંઈ ખબર જ નહોતી. એ મિત્રની વાત સાંભળવામાં મશગૂલ હતો પણ વાત કરી રહેલા મિત્રને સિક્કો પડવાનો અવાજ સંભળાયો એટલે એણે જોયું અને મિત્રનું ધ્યાન દોર્યું કે તારો સિક્કો નીચે પડી ગયો છે.

પેલા મિત્રએ સિક્કો ઉપાડીને ખિસ્સામાં મૂક્યો અને પોતાની વાત કરતા કહ્યું, “મેં કૉલેજ પૂરી કરીને શિક્ષક તરીકેની કામગીરી શરૂ કરી કારણ કે મને જીવંત બાળકો સાથે કામ કરવું ખૂબ ગમતું હતું. અત્યારે હું આ જ ગામની શાળામાં શિક્ષક તરીકેનું કામ કરું છું.” ઉદ્યોગપતિ મિત્ર તરત જ બોલ્યો, “ઓહ માય ગૉડ, આપણા બંને વચ્ચે કેટલો મોટો તફાવત છે યાર, હું લાખો રૂપિયા કમાતો મોટો ઉદ્યોગપતિ અને તું સામાન્ય શિક્ષક.”

શિક્ષક મિત્ર પોતાના આ અમીર મિત્રને વાત કરતો અટાકાવીને કંઈક સાંભળવા લાગ્યો. બાજુમાં નાની ઝાળીમાં એક પતંગિયું ફસાયું હતું. શિક્ષકે એ પતંગિયાને ઝાળીમાંથી મુક્ત કર્યું અને બંને ફરીથી ચાલવા લાગ્યા. ઉદ્યોગપતિ મિત્રએ કહ્યું, “અરે યાર, આ નાના પતંગિયાનો અવાજ તને કેવી રીતે સંભળાયો ?”

શિક્ષકે જવાબ આપતા કહ્યું, “દોસ્ત, તને જેવી રીતે મારા સિક્કાનો અવાજ સંભળાયો હતો એવી રીતે મને આ પતંગિયાના કણસવાનો અવાજ સંભળાયો હતો. તું સાચો જ છે આપણી વચ્ચે બહુ મોટો તફાવત છે. તને ધનનો અવાજ સંભળાય છે અને મને મનનો અવાજ સંભળાય છે.”

માત્ર ધનનો જ અવાજ સાંભળાવા માટે ટેવાયેલા આપણા કાનને થોડો મનનો અવાજ સાંભળવાની પણ ટેવ પાડવી જેથી સમતોલ જીવનનો આનંદ લઈ શકાય.

છ દિશાઓને પ્રણામ, શા માટે??



એકવાર ગૌતમ બુદ્ધ પસાર થતા હતા ત્યારે તેણે એક સજ્જનને સ્નાન બાદ દિશાઓને વંદન કરતા જોયો. બુદ્ધ ઊભા રહીને આ સજ્જન શું કરે છે તે જોવા લાગ્યા. પેલી વ્યક્તિએ પૂર્ણ ભાવ સાથે છ દિશાઓ (ચારે દિશાઓ, ઉપર આકાશ અને નીચે ધરતી)ને વંદન કર્યા.

વંદન વિધિ પૂર્ણ થઈ એટલે બુદ્ધ એમની પાસે ગયા અને પૂછ્યું, “ભાઈ, તું આટલા ભાવથી આ છ દિશાઓને વંદન કરતો હતો પણ તને ખબર છે કે દિશાઓને શા માટે વંદન કરવામાં આવે છે ?” પેલા સજ્જને કહ્યું, “આપણા શાસ્ત્રોમાં કહ્યું છે માટે હું વંદન કરું છું પણ સાચું પૂછો તો મને એ ખબર નથી કે આ વંદન શા માટે કરવામાં આવે છે ?” બુદ્ધે કહ્યું, ‘તું જે કાર્ય કરે છે તેની પાછળ રહેલા ઉદ્દેશની તને ખબર જ નથી તો પછી આવું કાર્ય તો માત્ર યંત્રવત જ બની જાય ! એમાં કોઈ ભાવ ના હોય.” સજ્જને બુદ્ધને જ પ્રાર્થના કરતા કહ્યું, “આપ વિદ્વાન છો. આપ જ કૃપા કરીને મને સમજાવોને કે આ દિશાવંદનનું રહસ્ય શું છે ?”

ગૌતમ બુદ્ધે દિશાવંદનના રહસ્યને ઉજાગર કરતા કહ્યું, “માતા અને પિતા પૂર્વ દિશા છે, ગુરુ અને શિક્ષક દક્ષિણ દિશા છે, જીવનસાથી (પતિ-પત્ની) અને સંતાનો પશ્ચિમ દિશા છે, મિત્રો ઉત્તર દિશા છે, માલિક (જેના કારણે મારું જીવનનિર્વાહ ચાલે છે) ઊર્ધ્વ દિશા/આકાશ છે અને નોકર (આપણા કાર્યમાં સહાય કરનારા) અધોદિશા – ધરતી છે. આ છ દિશાઓને પ્રણામ કરવા પાછળ એવી તમામ વ્યક્તિઓને પ્રણામ કરવાની ભાવના રહેલી છે જે આપણા જીવનનો મહત્વનો હિસ્સો છે.”

તથાગત બુદ્ધની આ સ્પષ્ટતા પછી એવું નથી લાગતું કે આપણે પણ રોજ છ દિશાઓને વંદન કરવા જેવું છે. દિશાઓ સાથે સાંકળવામાં આવેલ તમામ વ્યક્તિઓ આપણા જીવનમાં ન હોત તો શું થાત ? એની કલ્પના પણ કરી શકીએ તેમ નથી.

પરફેક્શન અંગેની માન્યતા



એકવાર કોઈ ગુરુ પોતાના શિષ્યો સાથે એક ગામથી બીજે ગામ જતા હતા. રસ્તામાં જ સાંજ પડી ગઈ એટલે ગુરુજીએ બધા શિષ્યોને રસ્તામાં જ રાતવાસો કરવાની સૂચના આપી અને કહ્યું કે, “આપણે સવારે આગળ જવા માટે પ્રયાણ કરીશું.”

સાંજનું ભોજન બનાવવાની શરૂઆત થઈ એટલે ગુરુજીએ કહ્યું કે, “આજે રોટલી હું બનાવીશ.” બધા શિષ્યો આનંદમાં આવી ગયા કારણ કે આજે ગુરુની બનાવેલી પ્રસાદીની રોટલી જમવા મળવાની હતી અને ગુરુજીને ક્યારેય રોટલી બનાવતા જોયેલા નહીં આજે એ દર્શનનો લાભ પણ મળવાનો હતો.

ગુરુજીએ પ્રથમ રોટલી બનાવી. રોટલીનો કોઈ જ આકાર નહીં. ઓસ્ટ્રેલિયાના નકશા જેવી બની. રોટલી તાવડીમાંથી નીચે ઉતારતી વખતે ગુરુજી બોલ્યા, “પરફેક્ટ.” શિષ્યો મનમાં હસ્યા કે આને પરફેક્ટ કહેવાય ? પણ કોઈ કંઈ બોલ્યું નહીં. બીજી રોટલી ત્રિકોણ આકારની થઈ અને તાવડીમાંથી નીચે ઉતારતા ઉતારતા તૂટી પણ ગઈ. ગુરુજી ફરી બોલ્યા, “પરફેક્ટ.” શિષ્યો મૂંઝાયા કે ગુરુજી ગાંડા થયા છે કે શું ? ત્રીજી રોટલી પણ ચોરસ બની અને વચ્ચે કાણા પણ પડ્યા. આ રોટલી નીચે ઉતારતી વખતે ગુરુજી ફરીથી બોલ્યા, “પરફેક્ટ.”

હવે ના રહેવાયું એટલે એક શિષ્યએ પૂછ્યું, “ગુરુજી, આમાં પરફેક્ટ જેવું શું છે ?” ગુરુએ હસતાં હસતાં કહ્યું, “હું રાહ જ જોતો હતો તારા પ્રશ્નની. માત્ર કોરો લોટ ખાઈએ તો ગળે ના ઊતરે અને પાણી નાંખીને પછી ખાઈએ તો ગળે ચોંટી જાય. આવું ના થાય અને લોટ સરળતાથી ગળેથી ઉતારીને પેટમાં જાય એટલે એને શેકીને ખાવાની શરૂઆત થઈ. આપણે એવું માનીએ છીએ કે રોટલી ગોળ હોય તો જ એને પરફેક્ટ કહેવાય અને આપણી આ માન્યતાને કારણે જ આકાર વગરની, ત્રિકોણ કે ચોરસ રોટલી પૂરતી શેકાયેલી હોવા છતાં આપણને પરફેક્ટ લાગતી નથી.”

ઘણીવાર આપણને એવું લાગે છે કે આ પરફેક્ટ નથી કારણ કે એ આપણી પરફેક્ટની વ્યાખ્યામાં બંધબેસતું નથી. પણ આપણે એ વિચારતા જ નથી કે મારી પરફેક્ટની વ્યાખ્યા કદાચ ખોટી પણ હોઈ શકે પેલી ગોળ રોટલીની જેમ !

આપણને ખરી જરૂર શેની છે?



એક બાળક પોતાના પિતા સાથે મેળામાં ગયો હતો. મેળામાં જે કંઈ પણ જુએ એટલે બાળક તરત જ પોતાના પિતા પાસે એની માગણી કરે. મેળાના મેદાનમાં દાખલ થતાં જ એમણે ફુગ્ગાવાળાને જોયો એટલે બાળકે ચાલુ કર્યું, “પપ્પા, મને ફુગ્ગો જોઈએ.” પિતાએ બાળકને ફુગ્ગો અપાવ્યો.

થોડા આગળ વધ્યા ત્યાં આઇસ્ક્રીમ જોયો એટલે બાળકે તુરંત જ માગણી કરી, “પપ્પા, મને આઇસ્ક્રીમ જોઈએ છે.” પિતાએ આઇસ્ક્રીમ લઈ આપ્યો. આગળ વધતા એક રમકડાંનો સ્ટૉલ આવ્યો એટલે ફરી માગણી મૂકી, “પપ્પા, મને પેલું રમકડું જોઈએ છે.” એક રમકડું લઈ આપ્યું એટલે બીજુ અને બીજુ લઈ આપ્યું એટલે ત્રીજા માગણી રજૂ થઈ.

પિતા હવે કંટાળ્યા એમણે થોડા ઊંચા અવાજે બાળકને કહ્યું, “તારે હવે કેટલુંક જોઈએ છે ? તારા માટે આટલું તો બસ છે અને હું તારી સાથે જ છું ને. જ્યારે જરૂર પડે ત્યારે કહેજે મને.” બાળકે કહ્યું, “પપ્પા, મને તમારી નહીં વધુ રમકડાંની જરૂર છે.” હજુ પપ્પા કંઈ જવાબ આપે એ પહેલા એક જોરદાર ધક્કો આવ્યો અને બાળક પોતાના પિતાથી વિખૂટો પડી ગયો. બાળક મોટેમોટેથી રડવા લાગ્યો.

કોઈ સજ્જન આ બાળકની નજીક આવ્યા. સજ્જનને સમજાઈ ગયું કે આ બાળક પોતાના વાલીથી વિખૂટું પડી ગયું છે. વાલીની ભાળ મળે ત્યાં સુધી બાળકને સાચવા માટે એમણે રડી રહેલા બાળકને કહ્યું, “બેટા, તારા પપ્પા હમણાં આવી જશે. ચાલ, હું તને આઇસ્ક્રીમ લઈ આપું.” બાળકે રડતાં રડતાં જ કહ્યું, “આઇસ્ક્રીમ નહીં મને પપ્પા જોઈએ છે.” પેલા સજ્જને બાળકને રમકડાં લઈ આપવાની વાત કરી તો પણ બાળકનો એ જ જવાબ હતો, “મને રમકડાં નથી જોઈતા પપ્પા જોઈએ છે. મને મારા પપ્પા આપો. તમારે જોઈતા હોય તો મારા આ રમકડાં લઈ જાવ પણ મને પપ્પા આપો.”

આપણી દશા આ નાના બાળક જેવી જ છે. આપણી સાથે આપણો પરિવાર અને મિત્રો હોય ત્યારે આપણને એમની જરૂર નથી જણાતી અને આપણે સતત પૈસા અને સંપત્તિની જ માગણી કર્યા કરીએ છીએ. એ મેળવવા માટે દોડ્યા કરીએ છીએ. પરિવાર કે મિત્રોનો સાથ જ્યારે છૂટી જાય ત્યારે સમજાય છે કે મને પૈસાની નહીં પણ પરિવાર અને મિત્રોની વધુ જરૂર છે.

સંકલિત: ડો. કાર્તિક શાહ
"સમજણનો સઢ" પુસ્તકમાંથી સાભાર

સમજણથી સમસ્યાનો ઉકેલ


એક ગરીબ ખેડૂતે નગરના શાહુકાર પાસેથી મોટી રકમ વ્યાજ પર લીધેલી હતી.

એક દિવસ શાહુકારે ખેડૂતને બોલાવીને કહ્યું, “મને મારી રકમની જરૂર છે માટે બધી જ રકમ વ્યાજ સહિત એક અઠવાડિયામાં આપી દેજે નહીંતર તારી જમીન મને લખી આપજે.” ખેડૂત મૂંઝાયો. આટલી રકમની વ્યવસ્થા કરવી શક્ય જ ન હતી. જીવનનો એકમાત્ર આધાર એવી જમીન હાથમાંથી જતી રહેશે એ વિચારમાત્રથી ખેડૂત ધ્રૂજતો હતો.

એક અઠવાડિયું પૂરું થયું અને ખેડૂત રકમ ન આપી શક્યો એટલે શાહુકારે ગામના પંચને ભેગું કર્યું અને બધી વાત કરી. પંચે કહ્યું કે, “ખેડૂત રકમ નથી આપી શક્યો માટે એમણે જમીન શાહુકારને આપી દેવી જોઈએ.” આ વાતચીત ચાલતી હતી ત્યાં પેલા ખેડૂતની યુવાન દીકરી આવી. અત્યંત સ્વરૂપવાન છોકરી જોઈને આ શાહુકારને બીજો વિચાર આવ્યો.

શાહુકારે ગામલોકોને કહ્યું, “હું આ ગામનો જ છું એટલે મને આ ખેડૂતની ચિંતા થાય છે. હું એની જમીન છીનવવા નથી માંગતો. હું એમને એક તક આપવા માગું છું. મારી આ થેલીમાં બે પથ્થર નાખીશ અને પછી એની દીકરી આ બે પથ્થરમાંથી એક ઉપાડશે. જો તે ધોળો પથ્થર ઉપાડે તો એનું તમામ દેવું માફ, પણ જો એ કાળો પથ્થર ઉપાડે તો એણે એમની છોકરી મારી સાથે પરણાવવાની રહેશે.”

ખેડૂતે તો તુરંત જ ના પાડી દીધી પણ દીકરીએ બાપને કંઈક મદદ થઈ શકે એવી આશાએ આ શરત સ્વીકારી. બૂઢા શાહુકારે નીચે પડેલા સફેદ અને કાળા રંગના પથ્થરોમાંથી બે પથ્થર ઉપાડીને પોતાની થેલીમાં નાખ્યા. પેલી છોકરીની તીક્ષ્ણ નજર એ પામી ગઈ કે શાહુકારે બંને કાળા પથ્થર જ થેલીમાં નાખ્યા છે. એક ક્ષણ છોકરીને વિચાર આવ્યો કે બાપના માટે મારું નસીબ સમજીને આ બંને કાળા પથ્થરમાંથી એક ઉપાડી લઉં અને આ શાહુકાર સાથે ચાલી જાઉં. પણ બીજી જ ક્ષણે એને કંઈક જુદો વિચાર આવ્યો અને એના ચહેરા પર રોનક આવી ગઈ.

એણે થેલીમાં હાથ નાખીને એક પથ્થર ઉપાડ્યો અને જેવો હાથ બહાર કાઢ્યો કે હાથમાંથી પથ્થર નીચે પડી ગયો. જમીન પર તો અનેક કાળા અને ધોળા પથ્થર પડેલા હતા. છોકરીના હાથમાંથી નીચે પડેલો પથ્થર કાળો હતો કે ધોળો તે નક્કી કરી શકાય તેમ ન હતું. છોકરીએ કહ્યું, “હવે એક કામ કરો આ થેલીમાં રહેલો બીજો પથ્થર બહાર કાઢો. જો તે ધોળો હોય તો મેં ઉપાડેલો પથ્થર કાળો હતો અને જો એ કાળો હોય તો મેં ઉપાડેલો પથ્થર ધોળો હતો.” થેલીમાંથી તો કાળો પથ્થર જ નીકળ્યો અને શરત પ્રમાણે ખેડૂતનું દેવું માફ થઈ ગયું.

પરિસ્થિતિ ગમે તેવી વિકટ હોવા છતાં હકારાત્મકતા સાથે જો થોડો વિચાર કરવામાં આવે તો સમ્સ્યાઓને સુવિધાઓમાં બદલાવી શકાય છે.

સંકલન: ડો. કાર્તિક શાહ "સમજણનો સઢ" પુસ્તકમાંથી

પ્રોત્સાહન



૧૯મી સદીની આ વાત છે. પ્રખ્યાત ચિત્રકાર દાંતે ગ્રેબિયલ રાઝોટીને એક આધેડવયનો ચિત્રકાર મળવા માટે આવ્યો હતો. ચિત્રકાર પોતાની સાથે કેટલાંક ચિત્રો લાવ્યો હતો. દાંતેને આ ચિત્રો બતાવીને કહ્યું, “મહાશય, મેં ખૂબ મહેનત કરીને આ ચિત્રો તૈયાર કર્યા છે. આપ આ ક્ષેત્રના શહેનશાહ છો એટલે મારાં ચિત્રો માટે આપનો અભિપ્રાય લેવા માટે આવ્યો છું.”

દાંતેએ ધ્યાનથી ચિત્રો જોયા પછી ચિત્રો પેલા આધેડના હાથમાં પરત આપતા કહ્યું, “આપે ચિત્રો તૈયાર કરવાનો પ્રયાસ કર્યો છે પણ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે બધાં જ ચિત્રો સાવ સામાન્ય છે. એમાં કોઈ વિશેષતા જોવા મળતી નથી.” આધેડ માણસે થોડા દુઃખ સાથે દાંતેના હાથમાંથી ચિત્રો લઈ લીધા. પોતાની પાસેના થેલામાંથી એક ફાઈલ કાઢી અને એ દાંતેના હાથમાં આપતા કહ્યું, “આ એક યુવાને તૈયાર કરેલાં ચિત્રો છે. જરા આપ આ જોઈને આપનો અભિપ્રાય આપો.”

ફાઈલનું એક એક પાનું ફરતું ગયું તેમ દાંતેના ચહેરા પરની પ્રસન્નતા પણ વધતી ગઈ. ફાઈલમાં રહેલા બધાં જ ચિત્રો દાંતેએ બીજી વખત જોયા. આધેડની સામે જોઈને કહ્યું, “ભાઈ, આ ચિત્રો તો અદ્દભુત છે. કલાકારે પોતાનો જીવ નીચોવી દીધો છે. આ ચિત્રો તૈયાર કરવામાં જો આ ચિત્રકારને થોડી તાલીમ આપવામાં આવે તો એ મારા કરતા પણ વધુ સારો ચિત્રકાર બની શકે એમ છે. આ ચિત્રો દોરનાર યુવાન છે કોણ ? તમારો દીકરો ?”

આધેડ માણસે આંખમાં આંસુ સાથે કહ્યું, “આ ચિત્રો દોરનાર યુવાન હું જ છું. આજથી ૩૦ વર્ષ પહેલા મેં આ ચિત્રો બનાવેલાં હતાં. પરંતુ આજે આપે જે રીતે મારા ચિત્રોની પ્રસંશા કરીને મને પ્રોત્સાહન પૂરું પાડ્યું એવું કોઈએ ૩૦ વર્ષ પહેલા કર્યું હોત તો આજે હું પણ આપના જેવો ચિત્રકાર હોત.”

જ્યારે કોઈનું સારું કામ જોઈએ ત્યારે દિલથી એની પ્રસંશા કરવી. આપણી સામાન્ય પ્રસંશા એ વ્યક્તિના માટે પ્રોત્સાહનનું કામ કરે છે. બીજા કોઈ માટે ના કરીએ તો કંઈ વાંધો નહીં પણ પરિવારના સભ્યો અને મિત્રોના સારા કામની પ્રસંશા કરીને એની પીઠ થાબડવાનું ના ભુલતા. પ્રોત્સાહનના અભાવે જ ઘણી પ્રતિભાઓ મુરઝાઈ જાય છે.

સંકલન: કાર્તિક શાહ
(સંકલ્પનું સુકાન ― 
પુસ્તકમાંથી)


દિલ જીતવાની જડીબુટ્ટી



જંગલી વિસ્તારમાં રહેતી એક સ્ત્રીને એના પતિ સાથે બહુ સારા સંબંધો નહોતા. એને હંમેશાં એવું લાગતું કે એનો પતિ એને પ્રેમ કરતો નથી. એક દિવસ જંગલમાં રહેતા એક સંન્યાસી પાસે એ ગઈ અને સંન્યાસીને કહ્યું, “મહારાજ, મારા પતિ મને પહેલા ખૂબ સારી રીતે રાખતા પણ છેલ્લા કેટલાક સમયથી મારા પ્રત્યેનો એનો પ્રેમ નહિવત્ થઈ ગયો છે. એ પથ્થર જેવા જડ બની ગયા છે. મેં આપના વિષે ખૂબ સાંભળ્યું છે. આપ એવી કોઈ જડીબુટ્ટી આપો કે મારા પતિનો પ્રેમ પુનઃ પ્રાપ્ત થાય અને હું એને વશમાં કરી શકું.”

સંન્યાસીએ બધી જ વાત સાંભળ્યા પછી કહ્યું, “બહેન, હું આ માટે એક ખાસ દવા બનાવીને તને આપીશ પણ એ દવા બનાવવા માટે મારે વાઘની મૂછનો વાળ જોઈએ. બોલ તું એ લાવી શકીશ ?” જંગલમાં રહીને જ મોટી થયેલી આ સ્ત્રી શૂરવીર હતી એટલે એણે તુરંત જ હા પાડી દીધી. બીજા દિવસે એ વાઘની શોધમાં નીકળી પડી. એક ગુફા પાસે એણે વાઘ જોયો એટલે એ હરખાઈ કે ચાલો વાઘ મળી ગયો. હવે એની મૂછ પણ મળી જાશે. જેવી એ વાઘ તરફ આગળ વધી કે વાઘે ત્રાડ પાડી અને પેલી સ્ત્રી ગભરાઈને દૂર ખસી ગઈ. દૂર ઊભા ઊભા એ વાઘને જોયા કરતી હતી પણ એની નજીક જવાની હિંમત ચાલતી નહોતી.

એ રોજ પેલી ગુફા પાસે જવા લાગી. ક્યારેક એ વાઘ માટે માંસ પણ લઈ જાય અને દૂર રાખી દે. સમય જતા બંનેને એકબીજાની હાજરી પસંદ પડવા લાગી. વાઘે પણ હવે તાડૂકવાનું બંધ કરી દીધું. એક દિવસ તો સ્ત્રી વાઘ પાસે પહોંચી જ ગઈ અને વાઘના શરીર પર હાથ ફેરવવા લાગી. વાઘ કંઈ ન બોલ્યો એટલે ધીમેથી એની મૂછનો એક વાળ ખેંચી લીધો. દોડતી દોડતી એ સંન્યાસી પાસે ગઈ અને સંન્યાસીના હાથમાં વાઘનો વાળ આપીને કહ્યું, “લ્યો મહારાજ આ વાઘનો વાળ અને હવે મારા પતિને વશ કરવાની જડીબુટ્ટી બનાવી આપો.” સંન્યાસીએ વાળને અગ્નિમાં નાંખી દીધો. પેલી સ્ત્રી ગુસ્સામાં બોલી, “તમે આ શું કર્યું ? હું મહામહેનતથી જે વાળ લાવી હતી એમાંથી જડીબુટ્ટી બનાવવાને બદલે તમે એને સળગાવી દીધો.”

સંન્યાસીએ હસતાં હસતાં ઉત્તર આપ્યો, “બહેન, તને હજુ ના સમજાયું. જો પ્રેમ અને ધીરજથી વાઘ જેવું હિંસક પ્રાણી પણ વશ થઈ જતું હોય તો પછી તારો પતિ તો માણસ છે.”

આપણે લોકોને વશ કરવા ઈચ્છીએ છીએ પણ એની સાચી રીત અપનાવી નથી અને એટલે લોકોનો પ્રેમ આપણે પ્રાપ્ત કરી શક્યા નથી. યાદ રાખજો પ્રેમ અને ધીરજ કઠણ કાળજાના માણસને પણ પીગળાવી દે છે.

સંકલ્પનું સુકાન પુસ્તકમાંથી

કામ પ્રત્યેની નિષ્ઠા એ જ ઈશ્વર



બે મિત્રો હતા. જિગરજાન મિત્રો. બંનેને એકબીજા વગર ન ચાલે એવા મિત્રો. પણ એક મિત્ર આસ્તિક હતો અને બીજો નાસ્તિક. આસ્તિક એ અર્થમાં કે એ ઈશ્વરના અસ્તિત્વ પર વિશ્વાસ રાખનારો હતો. પરમાત્માના સર્વોપરિપણાને સ્વીકારનારો હતો અને ધાર્મિક ક્રિયાકાંડમાં માનનારો હતો. નાસ્તિક ધાર્મિક ક્રિયાકાંડનો તો વિરોધી હતો જ પરંતુ ઈશ્વરના અસ્તિત્વને પણ એ માનતો ન હતો.

આસ્તિક મિત્રનો એક દૈનિક ક્રમ હતો. એ રોજ સવારે ભગવાન ભોળાનાથના મંદિરે જતો અને ત્યાં દીવો પ્રગટાવીને આંખો બંધ કરીને ભગવનને પ્રાર્થના કરતો. બસ એની આ આંખ બંધ કરવાના સમયનો પેલો નાસ્તિક મિત્ર લાભ લેતો અને હળવેકથી ફૂંક મારીને દીવાને ઓલવી નાખતો. આસ્તિક દીવો પ્રગટાવે અને એ જ સમયે પેલો નાસ્તિક મિત્ર આવીને દીવાને ઓલવી નાખે. આ હવે નિત્યક્રમ બની ગયો હતો.

ચોમાસાના દિવસોમાં એકવાર વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. વરસાદ બંધ થવાનું નામ નહોતો લેતો. આસ્તિક મિત્ર નાહીધોઈને મંદિર જવા માટે તૈયાર થયો. પણ બહાર અનરાધાર વરસતા વરસાદને જોઈને વિચારે ચડ્યો, “આવા વરસાદમાં મંદિરે જઈશ તો પણ પેલો નાસ્તિક આવીને મારો પ્રગટાવેલો દીવો ઓલવી નાખશે. એના કરતા આજે મંદિરે જવાનું જ ટાળું, રહી વાત પ્રાર્થાનાની તો એ ઘેર બેઠા બેઠા પણ થઈ જ શકે.”

એણે મંદિરે જવાનું ટાળ્યું. બીજી બાજુ આવા વરસાદી માહોલમાં પણ પેલો નાસ્તિક મિત્ર તો પોતાનું દીવો ઓલાવવાનું કામ કરવા માટે હાજર થઈ ગયો હતો અને પોતાના મિત્રની આવવાની રાહ જોઈ રહ્યો હતો. ઘણો સમય થયો તો પણ એનો મિત્ર આવ્યો નહીં. એટલે મિત્ર વતી એણે જ દીવો પ્રગટાવ્યો અને પોતે ફૂંક મારીને ઓલવી નાખ્યો.

બસ આ જ ક્ષણે ભગવાન શિવ પ્રગટ થયા અને પેલા નાસ્તિક માણસને આશીર્વાદ આપ્યા. નાસ્તિક તો વિચારમાં પડી ગયો. એણે ભગવાનને કહ્યું, “પ્રભુ, હું તો આપને માનતો પણ નથી. મને આપના અસ્તિત્વમાં પણ કોઈ વિશ્વાસ નથી ઊલટાનું આપનો ભક્ત રોજ જે દીવો પ્રગટાવે છે એને ઓલવી નાખું છું આમ છતાં આપે મને કેમ દર્શન દીધા ? દર્શનનો અધિકારી તો મારો આસ્તિક મિત્ર છે.”

ભગવાને હસતાં હસતાં કહ્યું “તું ભલે નાસ્તિક રહ્યો, પણ કામ પ્રત્યેની તારી નિષ્ઠા મને ખૂબ પસંદ આવી. વરસાદ જોઈને મારા કહેવાતા ભક્તએ મારી પાસે આવવાનું માંડી વાળ્યું પણ રોજ દીવો ઓલવવાનું તારું કામ કરવા માટે તું સમયસર હાજર જ હતો.”

પરમાત્માની કૃપાથી જે કામ કરવાની તક મળી હોય એ કામ પૂરી નિષ્ઠાથી નિભાવીએ એમાં પણ પ્રભુ રાજી જ હોય છે. હું આદર્શ ડોક્ટર, વકીલ, સીએ, ઈજનેર, શિક્ષક, વેપારી, ઉત્પાદક, અધિકારી કે કર્મચારી બનીને પૂર્ણ સમર્પણ સાથે ફરજ બજાવું તો એ પણ પ્રભુના રાજીપાનું સાધન જ છે

સંકલ્પનું બળ



૧૬-૧૭ વર્ષની ઉંમરનો એક ફૂટડો યુવાન હિપેટાઈટીસ-બીનો ભોગ બન્યો. બૅન્કમાં સારી પોસ્ટ પર નોકરી કરતા એના પિતા પોતાના લાડકવાયા દીકરાની સારવાર માટેના તમામ પ્રયાસો કરી રહ્યા હતા. એક સમય એવો આવ્યો કે યુવાન દીકરાને એના પિતા પોતાની બાંહોમાં ઉપાડીને ડૉક્ટર પાસે લાવ્યા. આ છોકરાને તપાસ્યા બાદ ડૉક્ટરો અંગ્રેજીમાં અંદરોઅંદર વાત કરી રહ્યા હતા.

છોકરો આ વાત સાંભળે એ પહેલા જ એના પિતાએ ડૉક્ટરને વાત કરતા અટકાવ્યા. છોકરો પણ હોશિયાર હતો અને અંગ્રેજી સારું જાણતો હતો એટલે ડૉક્ટરોની વાત સાંભળીને એની આંખમાં આંસુ આવી ગયા. બાપને સમજતા વાર ન લાગી કે દીકરાને પણ સમજાઈ ગયું છે કે એ હવે લાંબું જીવી શકે તેમ નથી અને માત્ર થોડા દિવસનો જ મહેમાન છે. બાપે દીકરાને એટલું કહ્યું, “બેટા, તારી મમ્મીને આ વાતની ખબર ન પડવા દેતો.” છોકરાએ એના પપ્પાને હિંમત આપતા એટલું જ કહ્યું, “પપ્પા, ચિંતા ના કરશો. મમ્મીને આ બાબતે કંઈ જ ખબર નહિ પડે.”

છોકરાને હૉસ્પિટલથી ઘેર લાવ્યા. આ પરિવાર સાથે અંગત સંબંધ ધરાવતા એક ડૉક્ટરને આ બાબતની ખબર પડી એટલે એ ડૉક્ટર છોકરાને રૂબરૂ મળવા માટે આવ્યા. છોકરાના રૂમમાં ગયા. બીજા સભ્યોને રૂમની બહાર મોકલી દીધા. છોકરાનો હાથ પોતાના હાથમાં લઈને પૂછ્યું, “બેટા, જીવવું છે?”

છોકરાએ આંખમાં આંસુ સાથે જવાબ આપ્યો, “હા અંકલ, બહુ જ ઈચ્છા છે જીવવાની. હજુ તો હમણા જ કોઈ છોકરીએ મારા હ્રદય રૂપી ખેતરના ચાસમાં વાવેલા પ્રેમના બી અંકુરીત થયા છે. આ પ્રેમના અંકુરથી જ મને ખૂબ આનંદ મળ્યો છે. મને તો એના વિશાળ વૃક્ષના ફળ ખાવાની ઈચ્છા છે.”

ડૉક્ટરે એના માથા પર પ્રેમથી હાથ ફેરવતા ફેરવતા કહ્યું, “બેટા, જો તારી જીવવાની ઈચ્છા પ્રબળ છે તો આપણે મૃત્યુ સામે જંગ માંડીએ. મને વિશ્વાસ છે કે આપણે તેમાં જીતીશું.” ડૉક્ટર પોતાના ઘેરથી વીસીઆર અને કેટલીક વીડીયો કૅસેટ લઈ આવ્યા. આ છોકરાને જોવા માટે આપી. જીવનમાં પૉઝિટિવિટી આવે એ પ્રકારની આ કૅસેટો હતી. કયારેક ડૉકટર પણ સાથે બેસીને આ યુવાનને સમજાવે કે જો બેટા આ ફિલ્મના આ પાત્રને કેટલું દુઃખ પડે છે પણ એ કોઈ ફરિયાદ કર્યા વગર કેવું સરસ જીવન જીવે છે અને કુદરત એને સાથ આપે છે.

જિંદગીને જીવવાના સંકલ્પે અને હકારાત્મક વિચારસરણીએ આ યુવાનમાં પ્રાણ ફૂંક્યા. ડૉક્ટરોનાં તમામ તારણો ખોટા પાડીને એ મોતને સતત દૂર ઠેલતો રહ્યો. રિલાયન્સ જેવી કંપનીમાં સારી નોકરી મળી. જે છોકરી સાથે પ્રેમ થયો હતો તેની સાથે જ લગ્ન પણ થયા. પ્રેમના ફળ સ્વરૂપે એક દીકરી અને એક દીકરાના પિતા બનવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું. આજે આ યુવાન ૪૨ વર્ષનો છે અને રિલાયન્સની નોકરી છોડીને નાણાકિય સલાહકાર તરીકેનો સ્વતંત્ર વ્યવસાય કરે છે. આજે પણ એને ઘણી શારીરિક તકલીફો છે. સમયાંતરે નિયમિત અમુક સારવાર લેવી પડે છે. અને છતાંયે આ યુવાન કોઈપણ જાતની ફરિયાદો કર્યા વગર મોજથી જિંદગી જીવે છે.

નાની-નાની તકલીફોમાં ફરિયાદ કરનારા આપણે આ યુવાનની તકલીફો સામે જોઈએ ત્યારે કુદરતે આપણને ઘણી સારી સ્થિતિમાં રાખ્યાની અનુભૂતિ થયા વગર રહેતી નથી. આ યુવાન એટલે પોરબંદરના રહેવાસી અને હાલમાં રાજકોટ ઈન્સ્યોરન્સ બીઝનેસ સાથે સંકળાયેલ વિજય ભટ્ટ અને આ યુવાનને જિંદગીની જંગ લડવામાં સહાય કરનાર પેલા ડૉક્ટર એટલે ડૉ. આઈ. કે. વીજળીવાળા

Tuesday, February 27, 2018

તો હું માણસ શાનો?


મારા બંગલાની સામે એક રિક્ષા આવીને અટકી. રિક્ષામાંથી કોણ ઊતરે છે એ જોવા મેં એ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. રિક્ષામાં પ્રૌઢ વયની એક મહિલા બેઠેલી હતી. એ પોતે રિક્ષામાંથી ઊતરી નહીં. પણ રિક્ષાવાળો મારી પાસે આવ્યો. એણે પૂછ્યું : ‘અહીં ડૉ. મહેતા ક્યાં રહે છે ?’
‘ખબર નથી ભાઈ, બીજા કોઈને પૂછો.’ મેં જવાબ આપ્યો.
રિક્ષાવાળો મોં બગાડીને બોલ્યો : ‘સોસાયટીમાં અડધા કલાકથી આ બહેનને ફેરવું છું. કોઈ ડૉ. મહેતાની ભાળ આપતું નથી. મહેતા આ સોસાયટીમાં જ રહે છે. ડૉક્ટર છે. ડૉક્ટર જેવા માણસને કોઈ જ ન ઓળખતું હોય એ કેવું ?’
‘તમારી પાસે પૂરું સરનામું છે ?’ મેં એને કહ્યું.
‘મૂળ મથકે તો આવી પહોંચ્યા છીએ. હવે ડૉ. મહેતા એ સરનામું.’
‘બંગલા નંબર, લેન નંબર….’
આ સંવાદ ચાલતો હતો એ વખતે પેલી મહિલા મારી પાસે આવી. કાગળના એક ટુકડામાં લખેલું સરનામું એણે મારી સામે ધર્યું. સરનામામાં માર્ગ, વિસ્તાર વગેરે ચોકસાઈપૂર્વક લખેલાં હતાં. એ નોંધ પ્રમાણે રિક્ષાવાળો એ સત્યાગ્રહ છાવણીમાં લઈ આવ્યો હતો. સત્યાગ્રહ છાવણી એટલે સેટેલાઈટ રોડ પર ભાવનિર્ઝર મંદિરથી માંડીને સરખેજ-ગાંધીનગર હાઈ-વે સુધીનો વિસ્તાર. એમાં 400, 500 કે 1000 ચોરસ વારના સાડા પાંચસો કરતાં વધારે સંખ્યામાં પ્લોટ. લગભગ 300 જેટલા બંધાઈ ચૂકેલા બંગલાની વસાહત. આ બંગલા 24 લેનોમાં વિભાજિત. બંગલાવાસીઓ બહુ બહુ તો આસપાસના ચાર-પાંચ કે છ-સાત બંગલાઓના રહેવાસીઓને નામથી અને ક્યારેક માત્ર ચહેરાથી ઓળખે…. એટલે રિક્ષાવાળો અર્ધા કલાકથી ડૉ. મહેતાની શોધમાં આ સ્ત્રીને ફેરવતો હતો એ વાતમાં થોડી અતિશયોક્તિ તો હતી પણ એની અકળામણ પાયા વિનાની નહોતી.
રિક્ષાવાળાએ કહ્યું : ‘આપ ડૉ. મહેતાની ભાળ મેળવવામાં મદદ કરો તો મહેરબાની.’
મેં કહ્યું : ‘ડૉ. મહેતાની ભાળ બાબતમાં હું પણ તમારા જેવો અજાણ્યો છું.’
‘બહેન દૂરથી આવ્યાં છે, એકલાં છે, મૂંઝાય છે. હું તો મારી રીતે એમને ફેરવી ચૂક્યો. તમે કંઈક મદદ કરો.’
રિક્ષાવાળાની સહાનુભૂતિ સમજી શકાય એવી હતી. મેં કહ્યું : ‘ચાલો હું તમારી સાથે આવું છું.’ હું રિક્ષામાં બેઠો. સોસાયટીના ડૉક્ટરો એકબીજાને જાણતા હોય એ ખ્યાલથી મેં રિક્ષા 21મી લેનમાં એક ડૉક્ટરના બંગલા આગળ લેવડાવી. એ ડૉક્ટર, ડૉ. મહેતાને જાણતા નહોતા. બેત્રણ જુદી જુદી લેનોમાં રિક્ષા ફેરવ્યા પછી, પૂછપરછ કરતાં કરતાં ડૉ. મહેતાની ભાળ સોસાયટીના પશ્ચિમ છેડા તરફ એક છેવાડાના બંગલામાં મળી.
રિક્ષાવાળાએ પેલી સ્ત્રી પાસેથી ભાડાના રૂ.100 લીધા. આ સ્ત્રી ગીતામંદિરના બસ-સ્ટેશનેથી રિક્ષામાં બેઠી હતી. હું ઘણી વાર એ બસ-સ્ટેશનેથી રિક્ષામાં સત્યાગ્રહ છાવણી સુધી આવ્યો છું. આટલા અંતરનું ભાડું 100 રૂપિયા થાય છે. રિક્ષાવાળો કોઈક વાર 120 રૂપિયા માગે છે. આ રિક્ષાવાળાએ ભાડાના 100 રૂપિયા લીધા તેની મને નવાઈ લાગી. પૈસા લીધા પછી રિક્ષાવાળાએ મને કહ્યું : ‘રિક્ષામાં બેસી જાઓ, સાહેબ. હું તમને તમારા બંગલે ઉતારીને પછી જઈશ.’
‘હું ચાલીને જઈશ,’ મેં કહ્યું : ‘તમે અહીંથી સીધા નીકળી જાઓ.’
‘એમ હોય કંઈ ? તમે રિક્ષામાં બેસી જાઓ, સાહેબ.’
રિક્ષામાં બેઠા પછી રસ્તે જતાં મેં રિક્ષાવાળાને પૂછ્યું : ‘તમે પેલાં બહેનને ગીતામંદિરના બસ-સ્ટેન્ડથી અહીં સુધી લાવ્યા. સોસાયટીમાં પણ ઘણાં ફેરવ્યાં અને ભાડું માત્ર 100 રૂપિયા લીધું. એમ કેમ ? 100 રૂપિયા તો ગીતામંદિરના સ્ટૅન્ડથી સોસાયટી સુધીના જ થઈ જાય. એ પછી પણ તમારું મીટર તો કામ કરતું રહ્યું હશે ને ?’
‘હુંય માણસ છું, સાહેબ.’ રિક્ષાવાળો બોલ્યો, ‘બસ સ્ટૅન્ડથી સોસાયટી સુધીનું જ ભાડું લીધું. પછી જે રિક્ષા ફેરવવી પડી એની વાત જુદી હતી. રસ્તો શોધતાં કોઈ માનવીને આપણે રસ્તો બતાવીએ એનું કંઈ વળતર લઈએ છીએ ? હું બહેનને રસ્તો શોધવામાં મદદ કરતો હતો. એ બહેન એકલાં હતાં, મૂંઝાયેલાં હતાં. એ સ્થિતિનો લાભ લઉં ? એમ કરું તો હું માણસ શાનો ?’
રિક્ષામાંથી ઊતર્યા પછી મેં મિનિમમ ચાર્જના 20 રૂપિયા રિક્ષાવાળા તરફ ધરતાં કહ્યું : ‘આ લઈ લો.’
રિક્ષાવાળો હસ્યો. એણે બે હાથ જોડ્યા. મારો ધરેલો હાથ ધરેલો જ રહ્યો અને એણે રિક્ષા હાંકી મૂકી.

આબીદભાઈ કરીમભાઈ ખાનજી



દિવસે દિવસે લોકોમાં વાચનવૃત્તિ ઘટતી જાય છે. જે લોકો વાંચે છે તે વધુ વાંચવા પ્રેરાય, આજની આવી પરિસ્થિતિમાં પણ જેઓ નથી વાંચતા તેઓ પણ વાંચતા થાય તે માટે દાહોદના રહેવાસીઆબિદભાઈ કરીમભાઈ ખાનજી’ છેલ્લાં 29 વર્ષથી એકલા હાથે કોશિશ કરી રહ્યા છે. જેનું સારું પરિણામ ધીરે ધીરે નજર પડી રહ્યું છે. 

તેઓએ આ સેવાકાર્યની શરૂઆત ‘અખંડ આનંદ’ માસિકથી કરેલી. ‘ભણો અને ભણાવો, વાંચો અને વંચાવો’ ને જીવનમંત્ર બનાવી, દર માસે તેમને મળતા ‘અખંડ આનંદ’ના દરેક અંકને, પ્રથમ ચારે બાજુ ટ્રાન્સપેરેન્ટ સેલ્ફ એડહેસિવ ટેપ લગાવી દે છે. જેથી તેની આવરદા વધી જાય, સાથે જોવામાં આકર્ષક પણ લાગે છે. પછી તેમાં પીરસાયેલ સાહિત્યને વાંચતા જાય છે. સાથે સાથે ભિન્ન ભિન્ન રુચિ ધરાવતા લોકો પણ વાંચવા પ્રેરાય એવાં ભાગોને લાલ શાહીવાળી પેનથી ચોકઠું (ચોરસ) બનાવી વાંચવા માટે અન્યને આપે છે. એક પાસેથી વંચાઈને આવે એટલે બીજાને, ત્રીજાને એમ વાંચવા આપતા રહે છે. અને છેલ્લે દાહોદમાં, ગુજરાતમાં, ભારતમાં તો ભારત બહાર પણ વાંચીને વંચાવતા રહેવાની અપીલ સાથે ભેટ મોકલી આપે છે. આમ, તેમના હાથનો સ્પર્શ પામેલ આ અંકો ગુજરાતના મુખ્યમંત્રીથી માંડીને મ્યુનિસિપાલિટીના પ્રમુખશ્રી, ડિસ્પેચ કલાર્કથી ડૉક્ટર સુધી, પટાવાળાથી માંડીને આઈ.આઈ.એમ. ના પ્રોફેસર ધોળકિયા જેવા મહાનુભાવો સુદ્ધાં વાંચી ચૂક્યા છે.

તા. 1-1-1980થી અત્યાર સુધીમાં તેમની મહેનતથી ‘અખંડ આનંદ’ના 350, ‘ચિત્રલેખા’ સાપ્તાહિકના 786, ‘અભિયાન’ના 396 અને ‘નવનીત સમર્પણ’નાં 72 અંકોને ઉપર જણાવેલી ‘માવજત’ મળી છે. ઉપરાંત કોઈ સગાં-સંબંધી ઓળખીતાઓને ત્યાં શુભ-પ્રસંગ આવે ત્યારે તેમને જીવન ઉપયોગી પુસ્તકો ખરીદી લાવી, ઉપરોક્ત ‘માવજત’ આપી, ભેટ આપે છે. સાથે તેમના બને એટલા વધુ લોકોને વાંચવા રહેવાની તસ્દી લેતા રહેવાની વિનંતી પણ કરતા રહે છે.

તા. 3-10-1978થી તા. 02-08-1990 સુધી ‘મુંબઈ સમાચાર’ દૈનિકનાં તા. 15-3-1991 થી તા. 31-8-1993 સુધી, ‘સંદેશ’ દૈનિકનાં, તા, 1-1-1994થી તા.22-01-2002 સુધી ‘ગુજરાત સમાચાર’ દૈનિકનાં અને તા. 1-4-2004થી ‘દિવ્ય ભાસ્કર’ દૈનિકનાં બધાં પાનાં સાથે રાખી, તેમની સાઈડમાં સિલાઈ લગાવી, વાંચીને, ખાસ વાંચવા યોગ્ય લખાણોને લાલ શાહીથી અંકિત કરી, રોજ તેમના પાડોશી દુકાનદારો અને તેમને ત્યાં આવતા ગ્રાહકો અને મુલાકાતીઓ માટે આ દૈનિકનું વાંચન સુલભ કરાવી ચૂક્યા છે. અને સુલભ કરાવી રહ્યા છે. 

વધુમાં, સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય, ભદ્ર-અમદાવાદ દ્વારા આબિદભાઈના જન્મ વર્ષ-1951માં પુન:પ્રકાશિત ‘આર્યભિષક-સુબોધ વૈદક’ નામનો દળદાર ગ્રંથ જર્જરિત હાલતમાં 1997માં એક મિત્ર પાસેથી તેમને ભેટ મળ્યો હતો. તેની ફાટી ગયેલી સંપૂર્ણ અનુક્રમણિકા ફરીથી બનાવડાવી, આ ગ્રંથને બાઈન્ડિંગ કરાવી, તેનાં બચી ગયેલાં બધાં જ 782+15 = 797 પૃષ્ઠો પર ત્રણે બાજુ પારદર્શક સેલોટેપ લગાવી દીધી છે. જેને બીમારી થતાં પહેલાં જ અટકાવવાના ઈચ્છુકો વાંચવા લઈ જઈ રહ્યા છે.
આટલેથી ન અટકતાં આબિદભાઈએ તા. 21-07-2006ના રોજ દાહોદ નગરસેવા સદનના ગુમાસ્તાધારા અધિકારીને એક અરજી આપી. તેઓ આ સેવાકાર્યનું ફલક વિસ્તારી શકે તે માટે, તેમની દુકાન, અઠવાડિક રજા-રવિવારના રોજ ફક્ત વાંચન અને લેખનકાર્ય કરવા માટે ખોલવા દેવાની પરવાનગી આપવાની વિનંતી કરી છે.

આબિદભાઈ આર્થિક રીતે ઘણા સદ્ધર છે, એવું કોઈ રખે માનતા ! તેઓએ સિલાઈકામની ટાંચી આવકમાંથી ખર્ચમાં કાપ મૂકી, ‘ભણો અને ભણાવો, વાંચો અને વંચાવો’ ઉક્તિને સાર્થક કરી બતાવી છે.

આકાશનો આધાર અને ધરાનો ભાર...



હું બીમાર હતો ત્યારની વાત છે. મોટે ભાગે દવા લેવા જવાનું હોય ત્યારે મારો ભાઈ મને ગાડીમાં લઈ જાય પણ એને કામ હોય અને મારે બતાવવા જવાનું હોય ત્યારે હું રિક્ષામાં ત્યાં જાઉં. દવા લઉં. ત્યાર બાદ આજુબાજુ દસેક મિનિટ ફ્રૂટની, શાકની તથા બીજી રેંકડીઓને જોઉં અને મન થાય તેવું કંઈક મારા માટે તથા ઘેર બાળકો માટે લઈ જાઉં.
એક વખત મેં એક મોટી ઉંમરના ડોસીમાને રેંકડી ઉપર જોયાં. હું ત્યાં ગયો. ત્યાંથી આદું, ફુદીનો વગેરે પાંચ રૂપિયામાં ખરીદ્યું. અને ડોસીમાને પૈસા ચૂકવી હું રવાના થયો. મારી બીજી ભૂલી જવાની પણ એક તકલીફ હતી. આ બનાવ પછી પંદરેક દિવસ બાદ હું એ જ ડોસીમાની રેંકડીએ પહોંચ્યો. મેં આદું, ફુદીનો વગેરે ચીજ ખરીદી. હું પૈસા આપવા જાઉં ત્યાં એક બહેન ત્યાં આવ્યાં અને ભીંડાના ભાવ પૂછ્યા. માજીએ 12 રૂપિયા કહ્યા. પેલાં બહેન બોલ્યાં કે ’10 રૂપિયા નહીં થાય ?’ માજી બોલ્યાં કે ‘થાય પણ પછી જમવા તમારે ઘેર આવવું પડે !’ માજી ખૂબ હસમુખા અને શાંત જણાયાં. બહુ જ લહેકાથી બોલ્યાં. પેલાં બેનને એમાં કાંઈ રસ ન હતો. તેઓએ ભીંડા લીધાં.
હવે મેં માજીને પૂછ્યું : ‘કેટલા રૂપિયા થયા ?’ માજી કહે : ‘પાંચ રૂપિયા.’ મેં કહ્યું : ‘સાત આપું તો તમારે ઘેર જમવાનું મળે ?’ માજી કહે : ‘હોવે ચાલો.’ મેં હસતાં હસતાં સાત રૂપિયા કઢ્યા – માજીને આપ્યા. માજીએ બધા મને પાછા આપ્યા. મેં હવે વાતને ચગાવી અને કહ્યું : ‘પેલાં બેનના બે રૂપિયા પણ ઓછા નહીં અને ઓછા હોય તો જમવાનું તમારે એને ઘેર કહેતાં હતાં. જ્યારે હું સાત આપું છું તે પાછા અને જમવાનું મફત ? શું મારા રૂપિયા મોટા છે ?’  

હવે માજી ગંભીર થઈને બોલ્યાં : ‘ભાઈ, તમે તે દિવસે શાકની થેલી ભૂલી ગયા હતા. (મને યાદ નહોતું.) મેં એમાંથી શાક કાઢીને વેચી નાખ્યું કારણ કે તમને ક્યાં શોધવા જઉં ? એથી એ રીતે તમારા પાંચ રૂપિયા મારી પાસે જમા રહ્યા ને ? મારાથી અણહકનું ન લેવાય.’
જાતમહેનત અને ગરીબી બંનેની અસર ચહેરા પર હતી. સાથે ઉંમરે પણ ભાગ ભજવ્યો હતો. છતાં વાણીમાં અને આચરણમાં જે ખુમારી હતી તે અછતી ન રહી. મેં કહ્યું : ‘ચાલો, માજી સાથે ચા પીએ !’

‘ના ભાઈ, નવરાત્રી છે. હું નવરાત્રીમાં ચા નથી પીતી.’
‘સાથે કેળાં ખાઈએ’ મેં કહ્યું.
માજી માન્યાં. બાજુની રેંકડીમાંથી કેળાં લઈ અમે ખાધા.
મહાત્મા ગાંધીજીને પંડિત જવાહરલાલે ધરતીકંપ વખતે ‘આ કેવો ઈશ્વર હોય’ એવું કંઈક કહેલું. અને મહાત્માજીએ કહેલું કે, ‘આ માણસનાં પાપ છે.’ એ સાંભળી પંડિતજી નારાજ થયેલા. વિ.સ. ખાંડેકરે, આકાશ કેમ નથી પડતું એ માટે એક વાર્તા લખેલી. માજીના દાખલાથી, મહાત્માના જીવનથી અને વિ.સ. ખાંડેકરની વાર્તાથી હું એવા તારણ પર આવ્યો છું કે :
કોણ કે’છે આભને આધાર નહીં
ને ધરાને ભાર નહીં,
અટકી ગયું છે પડતું ગગન
સતકર્મના કોઈ થીંગડે
અને કંપી ઊઠી છે ધરા
દુષ્કાળના કોઈ શીંગડે


અને છેલ્લે:
માજી જેવાં લઘુમતીમાં વસતા માણસોથી આકાશ પડતું અટકી ગયું છે અને એનાથી વિપરીત સ્વભાવવાળા બહુમતીમાં વસતા માણસોથી ધરા ધ્રૂજી ઊઠી છે.

મુશ્કેલી સામે ટકવું કે અટકવું?


   

નવીજ ગાડી ખરીદી હતી અને વળી હમણાંજ તો, નવયુવાન દીકરીને પાકું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ મળ્યું હતું. તેથી સાથે આવતી બે ત્રણ રજાનો લાભ લઇ અને તેઓનું નાનકડું કુટુંબ  નીકળી પડ્યું હતું આનંદ કરવા. નવ યુવાન દીકરી ગાડી ચલાવે અને તેના પિતા બાજુમાં બેઠા બેઠા સૂચનાઓ અને માર્ગદર્શન આપતા જાય. પાછળની સીટ ઉપર આરામથી બેઠી બેઠી મા પોરસાય ! 


હજી બે કલાકનો રસ્તો કપાયો હશે અને સામે મોટો વંટોળ આવતો દેખાયો ! જાણે મોટું ઘનઘોર રેતનું વાદળું !  દીકરી મુંઝાઈ ગઈ, “હવે શું કરું ?” તેને તેના પિતાને પ્રશ્ન કર્યો. “કશુંજ નહિ, બસ તું ધીરે ધીરે સાચવીને ગાડી ચલાવ્યા કર ” દીકરીએ પણ હિમંત રાખી અને પિતાના શબ્દો પર વિશ્વાસ રાખી ને આગળ વધતી ગઈ. ધીરે ધીરે શેતાની વંટોળની અસર વર્તાવા લાગી અને ગાડી ચલાવવી વધુ ને વધુ મુશ્કેલ થતી ગઈ. હાઇવે પરના બીજા વાહનો સાઈડ પર ખસી અને રોકાઇ જવા લાગ્યા. ધીરે ધીરે વંટોળનું જોર વધવા લાગ્યું. વાહન ચલાવવું વધુ ને વધુ મુશ્કેલ થતું જતું હતું. દીકરીને પણ એક બાજુ ઉભા રહી જવાનુંજ જ યોગ્ય લાગવા માંડ્યું. તેને વાળી પાછું તેના પિતાને પૂછ્યું, “શું કરીએ પપ્પા?  વંટોળ વધતોજ જાય છે, અને આગળ વધવું  વધુ ને વધુ મુશ્કેલ થતું જાય છે, આપણે પણ  એક બાજુ ખસી અને ઉભા રહી જઈએ?  રોડ ઉપર બીજા બધાંયે ઉભા રહી ગયા છે.”  

પિતાએ શાંતિથી અને મક્કમતાથી જવાબ આપ્યો …."ના, ઉભા રહેવાનું નથી, તું ભલે ધીરે ધીરે પણ ગાડી ચલાવતીજ રહે, અને આગળ વધતી રહે." 

દીકરીએ પિતાની વાત માની, અને ખુબ મુશ્કેલ લાગવા છતાંયે ગાડી ચલાવ્યેજ રાખી. થોડો સમય પછી વંટોળ ઓછો થતો લાગ્યો અને ધીરે ધીરે રસ્તો દેખાવા લાગ્યો. જેમ જેમ રસ્તો દેખાતો ગયો તેમ તેમ દીકરી નો ઉત્સાહ  વધતો ગયો અને ગાડી પણ સ્પીડ પકડવા લાગી. થોડા કિલોમીટર ચાલ્યા પછી તોફાનની અને વંટોળની અસર વર્તાતી પણ બંધ થઇ ગઈ.

 પિતાએ કહ્યું, ”બસ હવે તું ગાડી ઉભી રાખ, અને બહાર રોડ ઉપર નીકળ.” દીકરીએ પૂછ્યું, ”કેમ હવે ?”  

પિતાએ હળવેથી મલકાતા જવાબ આપ્યો…  “બહાર નીકળી અને પાછળ નજર કરી જો . જે લોકો મુશ્કેલીથી હારીને ઉભા રહી ગયા હતા તેઓ હજીયે તોફાન અને વંટોળમાંજ ફસાએલા છે , તું હિંમત હાર્યા વિના ચાલતી રહી …આગળ વધતી રહી તો તારા માટે મુશ્કેલ સમય પૂરો થઇ ગયો છે ….પણ જેઓ  મુશ્કેલીથી હારી અને થંભી ગયા હતા તેઓ હજી તેમાંજ અટકેલા છે!”

……………બસ આજ વાત દરેક વ્યક્તિને અને તેના જીવનના દરેક મુશ્કેલ સમયને લાગુ પડે છે! આપના સાથીદારો કે આપનાથી વધુ કાર્યદક્ષ લોકો હાર માની અને અટકી જાય તેનો મતલબ એ નથીજ કે તમે પણ આગળ વધવાનું અને પ્રયત્નો કરવાનું છોડી દ્યો !  હાર્યા વિના પ્રયત્નો ચાલુજ રાખો સફળતા મળશેજ!  બસ શરત એટલીજ કે પ્રયત્નો સાચી દિશામાં અને સમજણપૂર્વકના હોવા ઘટે!

સંકલન: ડો. કાર્તિક શાહ 

એમ. બી. એ.



એક સ્ત્રી એક “હોટએર બલુન”માં બેસી પોતાની બહેનપણીના ઘરે જવા નીકળી. એની ગણત્રી પ્રમાણે એ એક કલાકમાં ત્યાં પહોંચી જવાની હતી. જમીનથી ઉપરની ઉંચાઈએ એને દિશા સમજવામાં મુશ્કેલી પડવા લાગી અને એ ધારેલા ઠેકાણે પહોંચસે કે નહિં એની પણ શંકા થવા લાગી. એણે નીચે નજર કરી તો રસ્તે જતો એક માણસ દેખાયો. એણે બલુન નીચે લાવી, એ વ્યક્તિને પૂછ્યું, “આપ મને જણાવશો કે હું અત્યારે ક્યાં છું?”


એ વ્યક્તિએ કહ્યું, “તમે અત્યારે હોટએઅર બલુનમાં છો, જમીનથી દસ ફૂટની ઉંચાઇ પર છો અને આ સ્થળ ૪૦ ડીગ્રી અક્ષાંશ અને ૭૧ ડીગ્રી રેખાંશ પર છે.”

સ્ત્રીએ કહ્યું, “તમે એંજીનિયર લાગો છો એટલે તમારી માહિતીતો ચોક્કસ હશે, પણ મને એનાથી કોઈ મદદ મળશે નહિં.”

પેલા માણસે કહ્યું, “હા હું એંજિનીઅર છું, અને તમે M.B.A. છો.”

તમે સમજ્યા, એંજીનિયરે સ્ત્રીને તમે એમ.બી.એ. છો એમ કેમ કહ્યુ? નહિં સમજ્યા તો એ એંજીનિયરની ભાષામાં જ સાંભળો. 


“તમે તમારા મિત્રને ઘેર બધાની જેમ કાર લઈને જઈ શક્યા હોત, પણ એમ.બી.એ. હોવાથી તમે હવામા ઉડો છો. તમે ક્યાં છો એ તમને ખબર નથી, અહીંથી આગળ કેમ જવું એનીપણ તમને ખબર નથી. તમને સફળતાની પૂરી ખાત્રી ન હોવા છતાં હવાઈ રસ્તો પસંદ કર્યો. તમે માની લીધું કે તમારી નીચેના માણસો તમને રસ્તો બતાવસે. અને છેલ્લે નીચેના માણસને તમારી બાતમી ઉપયોગી નથી એમ કહેવામા તમે જરાપણ વાર ન લગાડી...!!”

અવિનાશ વ્યાસ

ગુજરાતી ગીતો, રાસ કે ગરબાના શબ્દો સાંભળીએ ત્યારે તરત જ શ્રી અવિનાશ વ્યાસનું નામ યાદ આવી જાય. તેમના ગીતો અને ગરબાના શબ્દો મનમાં રણકવા લાગે અને હોઠ પર રમવા લાગે. આવા એક શબ્દકાર, સ્વરકાર અને ગીતકારે કેટલા બધા ગીતો ગુજરાતી ભાષાને અને ગુજરાતના લોકોને આપ્યા છે. એવું પણ કહેવાય છે કે તેમણે એક ગીતનગર ઊભું કર્યું છે ! તેમણે લગભગ સાડાબાર હજાર જેટલી ગીત રચનાઓ ગુજરાતને આપી છે. આ કલા તેમનામાં જન્મજાત હશે તેવું તો માનવું જ રહ્યું.
તેઓ નાનાં હતાં અને હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારના કેટલાક પ્રસંગો સ્મરીએ. તેઓ અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલી ‘પ્રોપ્રાયટરી’ હાઈસ્કૂલમાં ભણતાં હતાં જે અત્યારે ‘દિવાન બલ્લુભાઈ હાઈસ્કૂલ’ તરીકે ઓળખાય છે. તેઓ ભણતા હતા ત્યારે એક દિવસ વર્ગમાં ભાષાનો પિરિયડ હતો. તેમના ભાષાના શિક્ષકે વર્ગમાંના બધાં વિદ્યાર્થીઓને નિબંધ લખવાનું કામ સોંપ્યું હતું. તે પિરિયડ પૂરો થતાં શિક્ષકે બધાં વિદ્યાર્થીઓની નોટબુકો એકઠી કરી લીધી. શિક્ષકે તે બધી નોટોમાં લખેલો નિબંધ વાંચવા માંડ્યો. વાંચતા વાંચતા એક વિદ્યાર્થીની નોટબુકમાં તેમને નિબંધની જગ્યાએ એક ગીત વાંચવામાં આવ્યું. ગીત બહુ જ સુંદર હતું. વર્ગ શિક્ષકે તે સમયના શાળાના સંચાલક શ્રી દિવાન સાહેબને વર્ગમાં બોલાવ્યા. તેમણે દિવાન સાહેબને તે ગીત વાંચવા માટે નોટ આપી. દિવાન સાહેબે તે ગીત વાંચ્યું. તેઓ તો એટલા બધા ખુશ થઈ ગયા કે તેમણે તેની પીઠ થાબડીને શાબાશી આપી. ત્યારબાદ અચાનક જ બોલી ઊઠ્યા : ‘અલ્યા છોકરા ! તું તો ગુજરાતનો રવીન્દ્રનાથ થવાનો છે કે શું ?’ પરંતુ આ નાનકડા નાગર યુવકે જવાબ આપ્યો : ‘ના જી સાહેબ, હું તો ગુજરાતનો અવિનાશ વ્યાસ થવાનો છું !’ – આવો હતો એમનો આત્મવિશ્વાસ અને એક ગુજરાતી તરીકેનું સ્વાભિમાન હતું. આજે વર્ષો પછી પણ તેમના શબ્દો સાચા પડ્યા છે અને તેમના ગીતો અને ગરબા લોકહૃદયમાં ગૂંજી રહ્યા છે.
અમદાવાદના જાણીતા ખાડિયા વિસ્તારમાં આવેલી ગોટીની શેરીમાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ શ્રી આનંદશંકર વ્યાસ અને માતાનું નામ હતું શ્રીમતી મણિબેન. માતા મણિબેનમાં પણ સંગીત અને સાહિત્યના સંસ્કાર હતા. તેઓ પણ તે સમયમાં ગરબા લખતાં હતાં. આમ, આ સંસ્કાર તેમને માતાના વારસામાંથી મળ્યા હતા. આ યુવાનની કારકીર્દિની શરૂઆત તો મિલની નોકરીથી થઈ હતી. જ્યારે બીજી બાજુ તેમને ક્રિકેટ રમવાનો ઘણો જ શોખ હતો. પરંતુ એક દિવસ ક્રિકેટ રમતાં રમતાં તેમના હાથ ઉપર બોલ વાગ્યો અને હાથ ઘવાયો. શોખ થોડા સમય માટે બાજુ પર રહી ગયો. એ દરમિયાન એક દિવસ મિલના એક સમારંભમાં તેમને મિલમજૂરની ભૂમિકા ભજવવાની હતી. તે ભૂમિકામાં ઘવાયેલા હાથે એક ગીત ઉપાડ્યું : ‘કોઈ કહેશો ચાંદલિયો શાને થયો…?’ અને શ્રોતાઓએ તે ગીતને ખૂબ જ હર્ષભેર વધાવી લીધું. હવે એમના જીવનનો પ્રવાહ બદલાયો. એમનું ધ્યાન બીજી તરફ વળ્યું. તેમણે મિલની નોકરી છોડી દીધી અને નસીબ અજમાવવા માટે મુંબઈ ગયા. મુંબઈના આકાશવાણીએ તેમનો મધુર કંઠ અને અર્થપૂર્ણ સ્વરરચનાને આવકારી લીધી.
ધીમે ધીમે તેમણે મુંબઈનગરીને અને મુંબઈના લોકોને ગુજરાતી ગીતોનો રંગ લગાડ્યો. મુંબઈની એચ.એમ.વી. જેવી માતબર કંપનીએ તેમની ઢગલાબંધ રેકોર્ડઝ ઉતારી અને તેમનું નામ મુંબઈમાં ચારેકોર છવાઈ ગયું. ઈ.સ. 1944માં હિન્દી ચલચિત્ર ‘અનસૂયા’માં ફિલ્મના સંગીતકાર તરીકે પહેલવહેલા ઝળક્યા. ચિત્રનિર્માણ સંસ્થાના સંચાલક તરફથી પ્રથમ ગુજરાતી ચિત્ર ‘ગુણસુંદરી’નું સંગીત સંચાલન તેમને સોંપવામાં આવ્યું હતું. તેમાં તેમણે પોતાની બનાવેલી ગીતરચના ‘ભાભી તમે થોડાં થોડાં થાવ વરણાગી…’થી સમગ્ર વાતાવરણને વરણાગી બનાવી દીધું. પછી તો તેમણે એક પછી એક ચઢિયાતી કૃતિઓ રજૂ કરી હતી. ત્યાર પછી ‘મંગળફેરા’ ચિત્રમાં તેમણે તેમનું રજૂ કરેલું ગીત ‘રાખના રમકડાં મારા રામે રમતાં રાખ્યા રે…’ તેનું વિક્રમી વેચાણ થયું. આને માટે તો એચ.એમ.વી કંપનીએ તેમને દશ તોલાનો સુવર્ણચંદ્રક અને સાડા ત્રણ હજાર રૂપિયા રોકડા એ જમાનામાં આપ્યા હતા.
‘મહેંદી રંગ લાગ્યો રે….’ જેવા સંગીતપ્રધાન ચિત્રોએ તેમને એવા તો ચમકાવ્યા કે પછી તો ગુજરાતી ગીતો એટલે અવિનાશભાઈના જ હોય એવી માન્યતા લોકોના મનમાં દ્રઢ થઈ ગઈ. ધીમે ધીમે સંગીતના જુદા જુદા ક્ષેત્રોમાં તેમણે ઝંપલાવવા માંડ્યું. તદુપરાંત, સિનેમાના ગીતો સાથે તેમણે સુગમ સંગીત પણ હાથ ધર્યું. આમ તેમની ગીત-સંગીતકલા વિવિધક્ષેત્રે ફેલાવા પામી. ‘રામશબરી અને મીરાબાઈ’ જેવી ભક્તિરચનાવાળી નૃત્યનાટિકા તો મેદાન મારી ગઈ. ‘જેસલ તોરલ’ નાટક અને તેના ગીતો જેવા કે ‘ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની…’ ખૂબ જ લોકપ્રિય થઈ ગયા. ભાવનગર નરેશે તો પોતાના મહેલમાં તેમની બેઠક રાખી અને રેકોર્ડ કર્યું ! ગીત, ગઝલ અને ગરબા તેમનો ખુશી આનંદનો ખજાનો છે તો સાથે સાથે કન્યાવિદાયના ગીતો જેવાં કે ‘ધીરે રે છેડો રે ઢોલી ઢોલીડાં…’ પણ તેમની ધ્યાન બહાર ગયાં નથી. વળી, આ સાથે વૃંદગીતો તો અવિનાશભાઈના જ ! ‘રંગલો જામ્યો કાલિન્દિને ઘાર…’, ‘હે કાળુળા કા’ન…’ની જમાવટ ખૂબ જ વખણાઈ છે અને હજુ આજે પણ તે ગવાય છે.
આ બધાની ઉપર તો આવે તેમની બે ઉત્કૃષ્ટ રચનાઓ અને તે છે : ‘તેં પથ્થર કેમ પસંદ કર્યો’ અને બીજી ‘મારા રામ તમે સીતાજીની તોલે ન આવો….’ આવા ગીતની રજુઆત સાંભળતા જ થાય કે અવિનાશભાઈની તોલે કોઈ ન આવે. આટલી વિવિધતા ઓછી હોય તેમ તેમના વૃંદગીતોમાં ‘હુતુતુતુ જામી રમતની ઋતુ…’ અને ‘ચરર ચરર મારું ચગડોળ ચાલે…’ આવા તો કેટલાયે ઉત્સવગીતો છે. તેમને આદ્યશક્તિ મા અંબાજીમાં અપાર શ્રદ્ધા હતી. એ ભક્તિભાવને પ્રતાપે તેમના મુખમાંથી આપોઆપ શબ્દો સરી પડ્યા : ‘માડી તારું કંકું ખર્યું ને સૂરજ ઊગ્યો….’ તેમની ગીત રચનામાં કેન્દ્રસ્થાને છે તેમનું વિપુલ વિષય વૈવિધ્ય. માણસના જન્મથી લઈને જનાના એટલે કે મૃત્યુ સુધીના પ્રસંગો તેમના ગીતોમાં ગુંથાયેલા છે. છેલ્લે તેમનું ફૂલગુલાબી ગીત ‘મારી વેણીમાં ચાર ચાર ફૂલ છે…’ જે તેમના પત્નીના કંઠે ગવાયેલું છે. ગુજરાત અને ગુજરાતી ગીત ગરબા તેમના સ્વર અને સંગીતથી તરબોળ છે. તેમાંથી તેમનું અજોડ વ્યક્તિત્વ ખીલી ઊઠે છે. છેલ્લે તેમના જ ગીતના શબ્દોથી વીરમીએ અને તે છે :
‘તંત અનંતનો તંત ન તૂટ્યો,
ને રમત અધુરી રહી !
તનડા ને મનડાની વાતો,
આવી તેવી ગઈ’

….અને રાખનું રમકડું થઈ ગયું !

માનો ન માનવા જેવું!



તમે ચમત્કાર માં માનો છો ? હું પણ…. આમ છતાં કોઈકની શ્રધ્ધા નું બળ અથવા વ્યક્તિનું આત્મબળ ન માની શકાય એવું કૈક કરી જાય છે.સાવ સામાન્ય માણસની આ વાત છે,કોણ કેવી રીતે ઘડાતો હોય છે અને કોણ એને ઘડતો હોય છે?આ બે સવાલ અને તેના જવાબ મને આ એક પ્રસંગ થી મળ્યા જે તમારી આગળ….
મારા ઘરમાં એક છોકરી કામ કરતી હતી,હવે તો એના લગ્ન થઇ ગયા,પણ એ છોકરી એની દાદી સાથે આવતી.હવે કિશોર વયમાં બુટ્ટી માળા બંગડી પહેરવાના શોખ હોય.તેથી એક દિવસ ચાંદીના ઝાંઝર પહેરીને આવી, હવે છમ છમ છમ અવાજ મને પહેલેથી જરાય પસંદ નહિ.મેં પોતે કોઈ દિવસ ઘુઘરી વાળા ઝાંઝર પહેર્યા ય નથી અને મારી દીકરીઓને પણ અવાજ થાય એવા પહેરવા નથી દીધા.ખબર નહિ કેમ પણ ઘુઘરીઓનો અવાજ મને બહુ ડીસ્ટર્બ કરે.તો મેં બે દિવસ રાહ જોઈ કે આ છોકરી કદાચ કાલથી નહિ પહેરી આવે, પણ એવું કાઈ બન્યું નહિ એટલે મેં એને સમજાવ્યું કે કામ કરવા જઈએ ત્યારે આવા દાગીના પહેરીને ન જવાય.એટલે ડરના માર્યા એણે એક બીજો રસ્તો અપનાવ્યો.
તે એ કે, ઘરેથી ઝાંઝર પહેરીને આવે,અને અમારા કમ્પાઉન્ડમાંએક ગોખલા જેવું છે એમાં છુપાવી દે અને આ વાતની મને જરાય ખબર નહિ.હવે એકાદ બે દિવસમાં મારે પસ્તી આપવાની થઇ હોવાથી એક પસ્તી વાળા વર-વહુ જતા હતા તેમને બોલાવ્યા એ માણસ કાઈ નિયમિત રીતે અમારી સોસાઈટીમાં આવતો નહિ.પણ મેં બોલાવ્યો.અને પાછળ પસ્તી રાખી છે તે લઇ લે અને અહિયાં વજન કર એમ કરી મેં એને પાછળ મોકલ્યો.આ દાદી-પૌત્રી ઘરની અંદર હતા.પસ્તીવાળાનું કામ પત્યું, અને તે ચાલ્યો ગયો.
હજી દસેક મિનીટ થઇ ત્યાં દાદી બુમો પાડતી મારી પાસે આવી,અને કહે કે,આ છોકરીના ઝાઝરાં ચોરાઈ ગયા, હેં?!એ ક્યાં પહેર્યા હતા ?પછી બધું રહસ્ય ખુલ્યું ને એક છોકરાને મેં કહ્યું કે,”હજી એ પસ્તીવાળો બહુ દુર નહિ ગયો હોય તું સ્કુટર લઈને જા,” એ બધે ફરી વળ્યો પણ કોઈ મળે?!છોકરી ને દાદી રડે કે બેન બે હજારના ઝાઝરાં…..હુંય શું બોલું?રોજ સવારે પસ્તીવાળા ની રાહ જોઇને બહાર બેસું.કોઈ ન દેખાય.ચાર-પાંચ દિવસ પછી એ જ માણસ નીકળ્યો,પણ તેની વહુ ન હતી સાથે.મેં જોરથી બુમ પાડીને એને બોલાવ્યો.
એ આવ્યો અને મેં ઝડી વરસાવી,”તે દિવસે તું ને તારી વહુ આવ્યા હતા તે પાછળ ગોખલામાં થી ગરીબ માણસના ઝાંઝર ચોરતાં શરમ ન આવી,કોઈનું લઈને પાછા આરામથી જાણે કઈ જ બન્યું ન હોય તેમ બધે ફરો છો? તમે ય ગરીબ છો અને આ બિચારા મહેનત કરીને ખાનારનું ચોર્યું છે તે તમને કોઈ કાળે પચશે નહિ…” એ તો શિયાવિયા થઇ ગયો,માફી માગવા માંડ્યો અને કહે કે હું હમણાં જ અડધા કલાકમાં જ આપી જાઉં છું.મને જરાય વિશ્વાસ ન બેઠો,પણ અડધા કલાકે સાચે જ તે આવ્યો અને મને જે કહ્યું તે,
“બા,આ વસ્તુ જયારે હું લઈને જતો હતો ત્યારે જાણે મારી પાછળ કોઈ દોડતું હોય અને મને ખેંચતું હોય એવું લાગ્યું અને હું બહુ જ ડરી ગયો  બે ત્રણ રાત હું ઊંઘી ન શક્યો.અને મેં ઝાંઝર પાછા આપવાનું નક્કી કર્યું જ હતું પણ તમે મને જે કહ્યું ને તેથી મને બહુ પસ્તાવો થયો તે બા આ લો ઝાઝરાં પાછા,હવે કદી આવું કામ નહિ કરું.પણ મને સોસાઈટી માં આવતો બંધ ન કરાવતા.”
તે ‘દિ થી છોકરી ઝાંઝર ભૂલી ગઈ અને પેલો માણસ ચોરી કરવાનું ભૂલી ગયો. ત્યારથી હું એ જ માણસને હમેશા પસ્તી આપું છું.

Monday, February 19, 2018

કરજ 200 રૂપિયાનું!!


કવિતા, ગીત, ગઝલ વિશેની વાતો કરતા કરતા ચાલો આજે થોડી વાત કવિ, ગીતકાર અને શાયરની પણ કરીયે.

ગઈકાલે મારે મારા મામાજીના ટ્વિન્સ પુત્રોના એટલેકે જોડિયા લગ્ન સમારંભમાં હાજરી આપવા જવાનું થયું. ખૂબ જ જાહોજહાલી અને આનંદ ભર્યા વાતાવરણમાં સૌ મશગુલ હતાં. સ્વાભાવિક રીતે જ આવા સામાજિક મેળાવડામાં અલકમલકની ચર્ચાઓ થાય. એક સુંદર ગીતકારની સત્યઘટનાના રસપ્રદ વિષય પર એક ચર્ચા શરૂ થઈ. એને શબ્દોમાં અહીં રજું કરું છું!!

વર્ષો પહેલાની વાત છે. હિન્દી ફિલ્મોના એક ખૂબ જ પ્રસિદ્ધ ગીતકાર તરીકે જેમની ગણના થતી હતી એ લુધિયાનામાં જન્મેલા એવા શાહીર લુધિયાનવીની આ વાત છે...કોણ નથી ઓળખતું એમને...!! એવું કહેવાતું કે એ અરસાના લગભગ તમામ સંગીતકારોની કારકિર્દી ઘડવામાં એમનો બહુ મોટો ફાળો હતો. તેઓ બધા માટે શુકનિયાળ કહેવાતા. તેથીજ એમની બહુ જ ડિમાન્ડ પણ રહેતી. એ સિવાય પણ તેઓ મુશાયરામાં તથા પોતાના ઘરે એમના શાગીર્દ સાથે બેઠકો કરતા. મોડી સાંજ કે રાત્રિ સુધી ચાલતી એ બેઠકોમાં સૌનું રાત્રિભોજન પણ તેમના ઘેરજ હોય.

બન્યું એવું કે એક નવોદિત ગીતકાર/શાયર ને એમના સમાચાર મળ્યા. આ નવોદિત માટે ફિલ્મી મુંબઇ નગરી એ માયાવી નગરી જ હતી. બહુ જ સ્ટ્રગલ બાદ પણ એને ક્યાંય કામ નહોતું મળતું. આ રાત્રિભોજની અને મહેફિલ વિશે સાંભળી એણે શાહિર સાબની રાત્રિબેઠકમાં જવાનું શરૂ કર્યું. આશય એક જ હતો રાત્રિભોજન!! કેમ કે, ખાવાપીવાના પૈસા હતા નહીં અને કોઈ કામ પણ નહીં, જ્યારે અહીં થોડી ગીત, ગઝલની શિક્ષા ઉપરાંત ઘણાં નામી કલાકારો જોડે મુલાકાત ઉપરાંત જમવાનું પણ મળી રહેતું!! ધીમે ધીમે એ નિત્યક્રમ બની ગયો, લગભગ રોજ સાંજે આ નવોદિત, શાહિર સાબને ઘરે જ હોય. શાહિર સાબને પણ સાચી પરિસ્થિતિની ખબર પડી ગઈ હતી.

એક દિવસ આ નવોદિત ગીતકાર, શાહિર સાબના ઘરે સવારે પહોંચી ગયો. આમ ઓચિંતો એને જોઈ શાહિર સાબને નવાઈ લાગી. એના મોં પરની ચિંતા જોઈ શાહિર સાબે પૂછ્યું, "શું થયું? કેમ અત્યારે? પૈસાની જરૂર છે તારે?" નવોદિત બોલ્યો, "એ તો છે જ. પણ મારે પૈસા નથી જોઈતા!" શાહિર બોલ્યા, "તો પછી શું કરીશ? લે આ થોડા પૈસા રાખ!" નવોદિતે ફરી કહ્યું, "ના શાહિર સાબ, મને પૈસા નહીં કામ જોઇયે છે!! મને ક્યાંક કામ અપાવો, હું આપનો ઋણી રહીશ!!" શાહિર સાબે કહ્યું, "બેટા, કામ તો તું મેળવીશ જ. તારા પોતાના બળ પર!! તારામાં ખરેખર સારી આવડત છે, તું નાહકની ચિંતા કરે છે!!" પણ એ નવોદિત એની માંગણીમાં મક્કમ હતો.

જ્યારે જ્યારે શાહિર સાબ મૂંઝાતા ત્યારે તેઓ અરીસા સામે પોતાના વાળ ઓળે રાખતા!! અત્યારે પણ તેઓ એ જ કરવા લાગ્યા!! બહુ વાર થઈ પછી, કબાટમાંથી એમણે 200 રૂપિયા કાઢ્યા, અને એ નવોદિતને આપ્યા. ( 200 રૂપિયા એટલે શું ઘણી વાત એ સમયના!!) અને બોલ્યા, આ તો તું રાખ અત્યારે અને તું ઘણી પ્રગતિ કરીશ એવા મારા આશીર્વાદ છે તને!!

કહે છે ને કે, 

ના મહોબ્બત ના દોસ્તી કે લિયે, 
વક્ત રૂકતા નહીં કિસીકે લિયે!
વક્ત કે સાથ સાથ ચલતા રહે,
યહી બેહતર હે આદમી કે લિયે!


સમય પસાર થતો ગયો. શાહિર સાબના જ સમકાલીન એવા મજરૂહ સાબની જિંદગીમાં પણ ઉતાર ચઢાવ આવતા ગયા. એમના બેબાક શબ્દો-શાયરીને લીધે સરકારે એક વાર એમને જેલભેગા પણ કર્યા!! માફી માંગવાની તક આપીને તત્કાલીન સરકારે કહ્યું, કે જો આપ માફી માંગી લેશો અને ભૂલ કબૂલી લેશો તો તમારી સજા માફ કરવામાં આવશે!! પણ માફી માંગે એ બીજા, અને એ પણ એમના નિખાલસ, સ્પષ્ટ કામ માટે!!?? મજરૂહ 2 વર્ષનો જેલવાસ ભોગવી રિહા થયાં. પણ હવે એમની જોડે કામ કરતા લોકો ગભરાવા લાગ્યા. જ્યારે આ બાજુ 2 વર્ષમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી સમયાનુસાર નવોદિતોને તક આપી બીજા વિકલ્પો શોધી ચુકી હતી. હવે, શાહિર - મજરૂહ ની જગ્યાએ શકીલ બદયુની અને એક પેલો નવોદિત પણ હતો!!

આ એજ નવોદિત કે જે માત્ર રાત્રિભોજ માટે શાહિર સાબને ત્યાં જતો. હવે એની તુલના પણ નામાંકિત ગીતકારોમાં થવા લાગી. નામ, દામ ને કામ બધું મળવા લાગ્યું હતું!! આ નવોદિતના એક સત્કાર સમારંભમાં શાહિર સાબ ખુદ હાજર હતા ત્યારે એણે કહ્યું, " શાહિર સાબ, તમારા 200 રૂપિયા મારી પાસે છે. આજે હું જે કંઈ પણ છું એ આપના આશીર્વાદ થકી જ છું. અને આજે હું આપને એક વાત કહીશ કે એ ઘટના બાદ જ મને પ્રગતિ સાંપડી છે અને હું તમને એ 200 રૂપિયા એટલે જ પાછા નહિ આપું!! એ તમારા આશીર્વાદ છે મારી પાસે!! "

શાહિર સાબ પણ રુહાની અંદાજમાં બોલ્યા, " બેટા, તું ભલે એ રાખ. પણ એ 200 રૂપિયા એ તારા પર મારુ કરજ છે. અને કરજ તો તારે ચૂકવવું જ પડશે...!! એ કરજ મારે હવે કઇ રીતે વસુલવું એ મને આવડે છે!! "

સમય વહેતો ગયો. એમની ઢળતી ઉંમરે શાહિર સાબ સાવ એકાંકી હતા. થોડું ઘણું કામ હતું. તેઓને જ્યારે પૂછવામાં આવ્યું  ત્યારે કહ્યું, "ચાલ્યા કરે, અત્યારે તો હાલત એવી છે કે આંધળી બસ્તીમાં દર્પણ વેચુ છું એમ લાગે છે..!!" તેમની શાયરીઓ, ગઝલો અને એની ઊંડાઈ સમજનારો વર્ગ ઘટતો જતો હતો.

શાહિર-મજરૂહની જોડીએ ઘણા એવા શબ્દો ફિલ્મી ગીત-ગઝલોમાં આપ્યા કે જે તે અગાઉ ક્યારેય નહોતા વપરાયા!! જેમ કે, "સનમ", "જાનમ" જે અત્યારે ચણા મમરાની જેમ લગભગ દરેક ફિલ્મી ગીતોમાં હોય છે!!

શાહીરને તાજમહાલ માટે અને ત્યાર બાદ કભી કભી માટે બેસ્ટ ગીતકારનો ફિલ્મફેર એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો.

અને છેલ્લે: 

એમની બે બહેનો અને ચુનિંદા રિશતેદારો વચ્ચે એમનું ઇન્તેકાલ થયું!! પેલો નવોદિત આ સાંભળી સૌ પ્રથમ પહોંચી ગયો! થોડા સગાંવહાલાં, યશ ચોપરા અને ફિલ્મી હસ્તીઓ વચ્ચે શાહિર સાબ સમો એક ઉત્કૃષ્ટ શાયર અને યુગ આજે કબરમાં દફન થવાનો હતો!! દફનવિધિ સંપૂર્ણ થઈ. સૌ સગાંવહાલાં વિખરાઈ ગયા, પેલો નવોદિત ભૂતકાળની યાદો તાજી કરતો હજુય ત્યાંજ કબર જોડે જ ઉભો હતો!! પછી એણે પણ હવે કબ્રસ્તાનની બહાર જવા પગ ઉપાડ્યા!!

અચાનક જ પાછળથી એક અવાજ આવ્યો, "માફ કરશો સાહેબ, આપની પાસે 200 રૂપિયા છે??"

પેલો નવોદિત કુતૂહલવશ ચમક્યો અને તરતજ પાછળ જોયું.

કબરની બાજુમાંથી જ એક માણસ આગળ આવ્યો અને ફરી બોલ્યો, " સાહેબ 200 રૂપિયા??"


પેલો નવોદિત બોલ્યો, "હા કેમ? શું થયું?"

"સાહેબ, આ ભાઈની કબર ખોદી, એમની દફનવિધિ થઈ, કબર પર મિટ્ટી ડાલી ... સબ કામ કીયા હમને. ઓર સબ લોગ ચાલે ગયે!! એનું મહેનતાણું તો આપો કોઈ મને!! તમે જ છેલ્લા છો હવે, જો આપ આપી શકો તો .....?? "

પેલો નવોદિત આંખમાં આંસુ સાથે બોલી ઉઠ્યો, " વાહ શાહિર સાબ વાહ!! શું રીત રહી આપની પણ કરજ વસુલવાની !! 200 રૂપિયા આપી એ નવોદિત રડતો રડતો એક યુગ આથમી ગયાનો શોક લઈ પાછો ફર્યો!!!

આ નવોદિત ગીતકાર એ બીજું કોઈ નહીં પણ સુપ્રસિદ્ધ "જાવેદ અખ્તર" અને આ ઘટના એ સંપૂર્ણ સત્યઘટના છે. આજે પણ જાવેદ અખ્તર આ કિસ્સો યાદ કરતાં જ રડી પડે છે!!!

શબ્દો અને આલેખન: ડો. કાર્તિક શાહ

વિચારબીજ: ડો. ચિરાગ શાહ