Wednesday, February 28, 2018

આપણને ખરી જરૂર શેની છે?



એક બાળક પોતાના પિતા સાથે મેળામાં ગયો હતો. મેળામાં જે કંઈ પણ જુએ એટલે બાળક તરત જ પોતાના પિતા પાસે એની માગણી કરે. મેળાના મેદાનમાં દાખલ થતાં જ એમણે ફુગ્ગાવાળાને જોયો એટલે બાળકે ચાલુ કર્યું, “પપ્પા, મને ફુગ્ગો જોઈએ.” પિતાએ બાળકને ફુગ્ગો અપાવ્યો.

થોડા આગળ વધ્યા ત્યાં આઇસ્ક્રીમ જોયો એટલે બાળકે તુરંત જ માગણી કરી, “પપ્પા, મને આઇસ્ક્રીમ જોઈએ છે.” પિતાએ આઇસ્ક્રીમ લઈ આપ્યો. આગળ વધતા એક રમકડાંનો સ્ટૉલ આવ્યો એટલે ફરી માગણી મૂકી, “પપ્પા, મને પેલું રમકડું જોઈએ છે.” એક રમકડું લઈ આપ્યું એટલે બીજુ અને બીજુ લઈ આપ્યું એટલે ત્રીજા માગણી રજૂ થઈ.

પિતા હવે કંટાળ્યા એમણે થોડા ઊંચા અવાજે બાળકને કહ્યું, “તારે હવે કેટલુંક જોઈએ છે ? તારા માટે આટલું તો બસ છે અને હું તારી સાથે જ છું ને. જ્યારે જરૂર પડે ત્યારે કહેજે મને.” બાળકે કહ્યું, “પપ્પા, મને તમારી નહીં વધુ રમકડાંની જરૂર છે.” હજુ પપ્પા કંઈ જવાબ આપે એ પહેલા એક જોરદાર ધક્કો આવ્યો અને બાળક પોતાના પિતાથી વિખૂટો પડી ગયો. બાળક મોટેમોટેથી રડવા લાગ્યો.

કોઈ સજ્જન આ બાળકની નજીક આવ્યા. સજ્જનને સમજાઈ ગયું કે આ બાળક પોતાના વાલીથી વિખૂટું પડી ગયું છે. વાલીની ભાળ મળે ત્યાં સુધી બાળકને સાચવા માટે એમણે રડી રહેલા બાળકને કહ્યું, “બેટા, તારા પપ્પા હમણાં આવી જશે. ચાલ, હું તને આઇસ્ક્રીમ લઈ આપું.” બાળકે રડતાં રડતાં જ કહ્યું, “આઇસ્ક્રીમ નહીં મને પપ્પા જોઈએ છે.” પેલા સજ્જને બાળકને રમકડાં લઈ આપવાની વાત કરી તો પણ બાળકનો એ જ જવાબ હતો, “મને રમકડાં નથી જોઈતા પપ્પા જોઈએ છે. મને મારા પપ્પા આપો. તમારે જોઈતા હોય તો મારા આ રમકડાં લઈ જાવ પણ મને પપ્પા આપો.”

આપણી દશા આ નાના બાળક જેવી જ છે. આપણી સાથે આપણો પરિવાર અને મિત્રો હોય ત્યારે આપણને એમની જરૂર નથી જણાતી અને આપણે સતત પૈસા અને સંપત્તિની જ માગણી કર્યા કરીએ છીએ. એ મેળવવા માટે દોડ્યા કરીએ છીએ. પરિવાર કે મિત્રોનો સાથ જ્યારે છૂટી જાય ત્યારે સમજાય છે કે મને પૈસાની નહીં પણ પરિવાર અને મિત્રોની વધુ જરૂર છે.

સંકલિત: ડો. કાર્તિક શાહ
"સમજણનો સઢ" પુસ્તકમાંથી સાભાર

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...