Monday, February 5, 2018

શહેનશાહ, રાહુલ રવૈલ અને ટીનુ આનંદ

૧૯૮૭નું વર્ષ અમિતાભ બચ્ચન માટે એક બુંદીયાળ વર્ષ રહ્યું એમ કહી શકાય. આમતો આ ભુતપૂર્વ કોંગ્રેસી સાંસદે રાજનીતિને છોડ્યા બાદ ધડાધડ દસ ફિલ્મો સાઈન કરેલી...પરંતુ એક પણ ફિલ્મ આ વર્ષે રિલીઝ નહોતી થવાની એ વિચાર જ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે પચાવવો કઠિન હતો!!

સૌથી વધુ ચર્ચા એ વર્ષે રિલીઝ થઈ શકે એવી ફિલ્મ "શહેનશાહ" ને લઈને હતી.  લોકપ્રિયતા ની અસર ઓછી થઈ ગઈ હોવાના સાચા-જુઠ્ઠા અહેવાલોનો લાભ લઇ તેમના રાજનૈતિક વિરોધીઓની પણ મેલી મુરાદ શહેનશાહ રિલીઝ ન થાય એ કામે લાગી ગઈ હતી!

ઓગષ્ટ ૬, ૧૯૮૭ થી નવેમ્બર ૨૭, ૧૯૮૭ ને ત્યાર બાદ સીધી ફેબ્રુઆરી ૧૨,૧૯૮૮ આમ શહેનશાહ ની રિલીઝ ડેટ પાછળ જ ખસેડાતી જતી હતી. આની પાછળનું એક સબળ કારણ એમના રાજનૈતિક વિરોધીઓની દેશભરમાં ચાલી રહેલ ચળવળ જ હતી એવું માનવામાં આવતું!!

અને આ જ એક મુખ્ય કારણ પણ હતું, કે એ વખતના દિગ્ગજ ફિલ્મમેકરો એ બચ્ચનને પોતાની ફિલ્મોમાં લેવાનું ટાળવા માંડ્યું હતું! અને કેટલાકે તો ( કહેવાય છે કે રાહુલ રવૈલ અને સુભાષ ઘાઈ ને ત્યાર બાદ શેખર કપૂર) પોતાની ફિલ્મ સ્ક્રીપ્ત બચ્ચનને અનુલક્ષીને લખાઈ હોવા છતાં તથા ફિલ્મમાં એમને કાસ્ટ કર્યા બાદ એમની ફિલ્મમાંથી બાદબાકી કરેલી!! આ તમામ મેકરોની આ વૃત્તિની બચ્ચનના માનસપટ પર ઉંડી અસર પડી!

ટીનુ આનંદ એમ તો બચ્ચનના જુના મિત્ર. એટલેજ ખૂબ જ આશાવાદી હતો અને બચ્ચન જોડે આ સમયે અડગ ઉભો રહ્યો. ખાસ તો શહેનશાહ ને લઈને પણ !! વળી એ કોપ્રોડ્યુસર પણ હતો આ ફિલ્મનો. આટઆટલા પ્રતિકૂળ સંજોગો છતાં ટીનુ કહેતો કે 'જેમ 70ના દસકામાં સત્યજિત રેની બંગાળી ફિલ્મ " ગોપી ગાયે બાગા બાયે "નો વિરોધ થયેલો અને પછી ફિલ્મ સુપરહિટ નિવડેલી બસ એ જ રીતે શહેનશાહ પણ હિટ જશે!!' અને ઉપર મુજબના 2-3 પ્રોડ્યુસર, ડાયરેકટર સિવાય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટાભાગના લોકોએ બચ્ચનના આ રાજનૈતિક વિરોધની બોક્સ ઓફિસ પરની અસરને નજર-અંદાજ કરી હતી. મનમોહન દેસાઈએ તો ત્યાં સુધી કહેલું કે "લોકોને બચ્ચનની ફિલ્મ જોવી હશે તો ગમે તે ભોગે જોશે જ!!"

અમિત ખન્નાએ તો કહ્યુ કે, "ભલે જમાનો ગમે તે કહે પણ બચ્ચન આજે (૧૯૮૭માં) પણ એટલાં જ લોકપ્રિય છે એનો સબળ પુરાવો એ છે કે જ્યારે તે આ રાજનીતિના વિવાદોમાં ફસાયા ત્યારે તેમની જૂની ફિલ્મો બોક્સ ઓફિસ પર સૌથી સફળ રહી અને સૌથી વધુ જોવાઈ પણ ખરી!! ૨૦૦ જેટલી પ્રિન્ટ એમની જૂની ફિલ્મોની વેચાઈ અને બધા હાઉસફુલ શો!! આ કઈં નાની વાત નથી. અરે આ કહું છું ત્યારે (૧૯૮૭માં) "શોલે" ફિલ્મ મુંબઇના મિનરવા થિયેટરમાં હાઉસફુલ જઇ રહી છે ત્યારે તમે એમની લોકપ્રિયતા પર શંકા કઇ રીતે કરી શકો??"

શહેનશાહ ની રીલીઝમાં જે અડચણો પડી એવું જ એની શરૂઆત વખતે પણ હતું! ટીનુએ બચ્ચનને આ ફિલ્મ માટે છેક ૧૯૮૩માં સાઈન કરેલાં અને હિરોઈન હતી ડિમ્પલ કાપડિયા!! ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશન ના રાઇટ્સ પણ ટેરીટેરી દીઠ ૪૫ લાખમાં વેચાઈ ગયા! ટીનુ આનંદ અને એનો ભાઈ બીટ્ટુ આનંદ પ્રોડ્યુસરો હતાં અને ત્રણ ગીતોનું રેકોર્ડિંગ પણ થઈ ગયું. પણ બન્યું એવું કે, ફિલ્મનું શૂટિંગ શરૂ થવાને ત્રણ જ દિવસ બાકી હતા ને બચ્ચનને માયસ્થેનિયા ગ્રેવીસ નામની ઓટોઇમ્યુન બીમારીનો તીવ્ર એટેક આવ્યો. 9-10 મહિના આરામમાં ગયા ત્યાર બાદ અન્ય કમિટમેન્ટ પુરા કરવામાં ફ્લોર પર આવતા આવતા શહેનશાહને ૧૯૮૫ થઈ ગયા જેમાં ડિમ્પલનું સ્થાન હવે મીનાક્ષી શેષાદ્રીએ લીધું.

ખરી વાત તો હવે થઈ, ૧૯૮૬ના અંત સુધીમાં ફિલ્મ પુરી થઈ ગઈ. પણ એને સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ હજુ મળ્યું નહતું એટલે કે ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશન માટે હજુ સંપૂર્ણ ન કહેવાય! થયું એવું કે ટીનુ આનંદ, બીટ્ટુ આનંદ અને નરેશ મલ્હોત્રા "ફિલ્મ વિઝન" બેનરનાં પાર્ટનર હતા જે બેનર આ ફિલ્મનું પ્રોડ્યુસર હતું! તેઓ આ ફિલ્મની રિલીઝ બાદ આ બેનર વિખેરી નાખવા માંગતા હતા! આને લીધે બીજો એક પેચીદો મુદ્દો ઉભો થયો! સામાન્ય રીતે, કોઈ પણ ફિલ્મ એ એક મિનિમમ ગેરેન્ટી સ્કીમ હેઠળ ડિસ્ટ્રીબ્યુટ થતી હોય છે જેમાં ડાયરેક્ટર-પ્રોડ્યુસર એક નિશ્ચિત ફોર્મ્યુલા મુજબ ફિલ્મની આવકમાંથી હિસ્સો લેતા હોય જેથી ડિસ્ટ્રીબ્યુટરોને નુકસાન ન થાય અને ૧૦ વર્ષ બાદ તમામ હક પ્રોડ્યુસર પાસે પાછા આવી જાય!

હવે જો ૧૦ વર્ષ બાદ આ ફિલ્મનું પ્રોડ્યુસર એવું "ફિલ્મ વિઝન" બેનર જ ન હોય તો તેના હકો કોની પાસે પાછા આવે?? એટલે એના ઉકેલ રૂપે શહેનશાહ ફિલ્મને હવે આઉટરાઈટ પરપેચ્યુઅલ (પછીના) હક્કો સાથે હવે ટેરિટરી દીઠ ૯૦ લાખમાં વેચવાનું નક્કી કરવામાં આવ્યું! એક વાર વેચાઈ ગયા બાદ ફરી આ જ જટિલ પ્રક્રિયા ફરી કરવામાં એની રિલીઝ ડીલે થતી હોય એમ લોકોને લાગ્યું!

આ પ્રક્રિયા કરવામાં સૌથી વધુ મુશ્કેલી દિલ્લી અને ઉત્તરપ્રદેશ માં કદાચ બચ્ચનના રાજનૈતિક વિરોધને લીધે પડી. ટીનુ પરંતુ બચ્ચનની પડખે ચટ્ટાનની જેમ ઉભા જ રહ્યા! તેઓ કહેતા કે "શહેનશાહની રિલીઝ માટે મારે ૨૦ વર્ષ રાહ જોવી પડશે તોય હું જોઇશ!!" જ્યારે આ જ સમય હતો કે રાહુલ રવૈલ, સુભાષ ઘાઈ જેવા નામાંકિત ફિલ્મમેકરોએ બચ્ચનને પોતાની ફિલ્મ માંથી બચ્ચનને ખુદને કીધા વગર રિપ્લેસ કરી દીધેલા!! રાહુલ રવૈલે તો મીડિયામાં ત્યાર બાદ એવું પણ કહ્યું કે બચ્ચનને ખુદ તારીખો સેટ ન થતી હોવાને લીધે ફિલ્મ છોડી છે...જ્યારે ખરેખર વાસ્તવિકતા કૈક ઓર જ હતી !!! આ વાત બચ્ચને ખુદ મીડિયા મારફત જ જાણી!! એના લીધે બચ્ચનને ઘણો જ આઘાત અને દુઃખ થયું!  (આ ફિલ્મ "અર્જુન" હોવાનું કહેવાય છે)

કેટલુંક ફિલ્મ વિશે:
શહેનશાહ ફિલ્મનો મુખ્ય હીરો પહેલા જેકી શ્રોફ હતો! આ પહેલી એવી ફિલ્મ હતી કે જેની વિડિઓ કેસેટ બે ભાગમાં આવી હતી, ફિલ્મની લંબાઈને લીધે! વળી બચ્ચનનો જે મેટલનો ફોરઆર્મ હતો ફિલ્મમાં એ ૧૪કિલોનો હતો!! જે માયસ્થેનિયા ની બીમારી વાળા બચ્ચનમાટે વધુ પડતો હતો! બહુજ લાંબા સમય સુધી કોઈ ફિલ્મ રિલીઝ ન થઈ શકવાને લીધે લોકોની અધીરાઈ એટલી બધી હતી કે ફિલ્મને તેની રિલીઝ ડેટ ૧૨ ફેબ્રુઆરી,૧૯૮૮ ને બદલે એક દિવસ વહેલી રિલીઝ કરવી પડી હતી!!

અને છેલ્લે:
છેવટે, પૂર્ણચંદ્ર રાવ કે જેઓ "આખરી રસ્તા"ના પ્રોડ્યુસર હતાં, તેમણે આ ડિસ્ટ્રીબ્યુશન ને લાગતો વિવાદ ઉકેલવા મધ્યસ્થી કરી. અને મુંબઈના તમામ ડિસ્ટ્રીબ્યુશન હકો ખરીદી લીધા!!

શહેનશાહ રિલીઝ થઈ અને જબરદસ્ત હિટ નીવડી!! અને એવું કહી શકાય કે અમિતાભ બચ્ચન અને ફિલ્મસર્જકો વચ્ચે જે ટસલ હતી તે ઘણાં ખરા જોડે સુખદ રીતે સંપન્ન થઈ અને કેટલાંક જોડે આજીવન જ રહી, જે હજુ સુધી ચાલુ છે એમ કહી શકાય!!


મિથુન ચક્રવર્તી એ પણ આ મુદ્દે વિસ્તૃત વાત કરી છે! મિથુનને બચ્ચનનો આ સ્વભાવ નહોતો ગમતો! એ બચ્ચનને કહેતા કે રાહુલ રવૈલે આ ખોટું કર્યું છે તમે જાણો છો તોય કેમ કશું બોલતા નથી? બચ્ચન કહેતા, "હું એમાં શું કામ સમય બગાડું? મારે માટે કરવા જેવા બીજા ઢગલો કામો છે!!"

― ડો. કાર્તિક ડી. શાહ

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...