Tuesday, February 27, 2018

તો હું માણસ શાનો?


મારા બંગલાની સામે એક રિક્ષા આવીને અટકી. રિક્ષામાંથી કોણ ઊતરે છે એ જોવા મેં એ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. રિક્ષામાં પ્રૌઢ વયની એક મહિલા બેઠેલી હતી. એ પોતે રિક્ષામાંથી ઊતરી નહીં. પણ રિક્ષાવાળો મારી પાસે આવ્યો. એણે પૂછ્યું : ‘અહીં ડૉ. મહેતા ક્યાં રહે છે ?’
‘ખબર નથી ભાઈ, બીજા કોઈને પૂછો.’ મેં જવાબ આપ્યો.
રિક્ષાવાળો મોં બગાડીને બોલ્યો : ‘સોસાયટીમાં અડધા કલાકથી આ બહેનને ફેરવું છું. કોઈ ડૉ. મહેતાની ભાળ આપતું નથી. મહેતા આ સોસાયટીમાં જ રહે છે. ડૉક્ટર છે. ડૉક્ટર જેવા માણસને કોઈ જ ન ઓળખતું હોય એ કેવું ?’
‘તમારી પાસે પૂરું સરનામું છે ?’ મેં એને કહ્યું.
‘મૂળ મથકે તો આવી પહોંચ્યા છીએ. હવે ડૉ. મહેતા એ સરનામું.’
‘બંગલા નંબર, લેન નંબર….’
આ સંવાદ ચાલતો હતો એ વખતે પેલી મહિલા મારી પાસે આવી. કાગળના એક ટુકડામાં લખેલું સરનામું એણે મારી સામે ધર્યું. સરનામામાં માર્ગ, વિસ્તાર વગેરે ચોકસાઈપૂર્વક લખેલાં હતાં. એ નોંધ પ્રમાણે રિક્ષાવાળો એ સત્યાગ્રહ છાવણીમાં લઈ આવ્યો હતો. સત્યાગ્રહ છાવણી એટલે સેટેલાઈટ રોડ પર ભાવનિર્ઝર મંદિરથી માંડીને સરખેજ-ગાંધીનગર હાઈ-વે સુધીનો વિસ્તાર. એમાં 400, 500 કે 1000 ચોરસ વારના સાડા પાંચસો કરતાં વધારે સંખ્યામાં પ્લોટ. લગભગ 300 જેટલા બંધાઈ ચૂકેલા બંગલાની વસાહત. આ બંગલા 24 લેનોમાં વિભાજિત. બંગલાવાસીઓ બહુ બહુ તો આસપાસના ચાર-પાંચ કે છ-સાત બંગલાઓના રહેવાસીઓને નામથી અને ક્યારેક માત્ર ચહેરાથી ઓળખે…. એટલે રિક્ષાવાળો અર્ધા કલાકથી ડૉ. મહેતાની શોધમાં આ સ્ત્રીને ફેરવતો હતો એ વાતમાં થોડી અતિશયોક્તિ તો હતી પણ એની અકળામણ પાયા વિનાની નહોતી.
રિક્ષાવાળાએ કહ્યું : ‘આપ ડૉ. મહેતાની ભાળ મેળવવામાં મદદ કરો તો મહેરબાની.’
મેં કહ્યું : ‘ડૉ. મહેતાની ભાળ બાબતમાં હું પણ તમારા જેવો અજાણ્યો છું.’
‘બહેન દૂરથી આવ્યાં છે, એકલાં છે, મૂંઝાય છે. હું તો મારી રીતે એમને ફેરવી ચૂક્યો. તમે કંઈક મદદ કરો.’
રિક્ષાવાળાની સહાનુભૂતિ સમજી શકાય એવી હતી. મેં કહ્યું : ‘ચાલો હું તમારી સાથે આવું છું.’ હું રિક્ષામાં બેઠો. સોસાયટીના ડૉક્ટરો એકબીજાને જાણતા હોય એ ખ્યાલથી મેં રિક્ષા 21મી લેનમાં એક ડૉક્ટરના બંગલા આગળ લેવડાવી. એ ડૉક્ટર, ડૉ. મહેતાને જાણતા નહોતા. બેત્રણ જુદી જુદી લેનોમાં રિક્ષા ફેરવ્યા પછી, પૂછપરછ કરતાં કરતાં ડૉ. મહેતાની ભાળ સોસાયટીના પશ્ચિમ છેડા તરફ એક છેવાડાના બંગલામાં મળી.
રિક્ષાવાળાએ પેલી સ્ત્રી પાસેથી ભાડાના રૂ.100 લીધા. આ સ્ત્રી ગીતામંદિરના બસ-સ્ટેશનેથી રિક્ષામાં બેઠી હતી. હું ઘણી વાર એ બસ-સ્ટેશનેથી રિક્ષામાં સત્યાગ્રહ છાવણી સુધી આવ્યો છું. આટલા અંતરનું ભાડું 100 રૂપિયા થાય છે. રિક્ષાવાળો કોઈક વાર 120 રૂપિયા માગે છે. આ રિક્ષાવાળાએ ભાડાના 100 રૂપિયા લીધા તેની મને નવાઈ લાગી. પૈસા લીધા પછી રિક્ષાવાળાએ મને કહ્યું : ‘રિક્ષામાં બેસી જાઓ, સાહેબ. હું તમને તમારા બંગલે ઉતારીને પછી જઈશ.’
‘હું ચાલીને જઈશ,’ મેં કહ્યું : ‘તમે અહીંથી સીધા નીકળી જાઓ.’
‘એમ હોય કંઈ ? તમે રિક્ષામાં બેસી જાઓ, સાહેબ.’
રિક્ષામાં બેઠા પછી રસ્તે જતાં મેં રિક્ષાવાળાને પૂછ્યું : ‘તમે પેલાં બહેનને ગીતામંદિરના બસ-સ્ટેન્ડથી અહીં સુધી લાવ્યા. સોસાયટીમાં પણ ઘણાં ફેરવ્યાં અને ભાડું માત્ર 100 રૂપિયા લીધું. એમ કેમ ? 100 રૂપિયા તો ગીતામંદિરના સ્ટૅન્ડથી સોસાયટી સુધીના જ થઈ જાય. એ પછી પણ તમારું મીટર તો કામ કરતું રહ્યું હશે ને ?’
‘હુંય માણસ છું, સાહેબ.’ રિક્ષાવાળો બોલ્યો, ‘બસ સ્ટૅન્ડથી સોસાયટી સુધીનું જ ભાડું લીધું. પછી જે રિક્ષા ફેરવવી પડી એની વાત જુદી હતી. રસ્તો શોધતાં કોઈ માનવીને આપણે રસ્તો બતાવીએ એનું કંઈ વળતર લઈએ છીએ ? હું બહેનને રસ્તો શોધવામાં મદદ કરતો હતો. એ બહેન એકલાં હતાં, મૂંઝાયેલાં હતાં. એ સ્થિતિનો લાભ લઉં ? એમ કરું તો હું માણસ શાનો ?’
રિક્ષામાંથી ઊતર્યા પછી મેં મિનિમમ ચાર્જના 20 રૂપિયા રિક્ષાવાળા તરફ ધરતાં કહ્યું : ‘આ લઈ લો.’
રિક્ષાવાળો હસ્યો. એણે બે હાથ જોડ્યા. મારો ધરેલો હાથ ધરેલો જ રહ્યો અને એણે રિક્ષા હાંકી મૂકી.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...