Tuesday, February 27, 2018

આકાશનો આધાર અને ધરાનો ભાર...



હું બીમાર હતો ત્યારની વાત છે. મોટે ભાગે દવા લેવા જવાનું હોય ત્યારે મારો ભાઈ મને ગાડીમાં લઈ જાય પણ એને કામ હોય અને મારે બતાવવા જવાનું હોય ત્યારે હું રિક્ષામાં ત્યાં જાઉં. દવા લઉં. ત્યાર બાદ આજુબાજુ દસેક મિનિટ ફ્રૂટની, શાકની તથા બીજી રેંકડીઓને જોઉં અને મન થાય તેવું કંઈક મારા માટે તથા ઘેર બાળકો માટે લઈ જાઉં.
એક વખત મેં એક મોટી ઉંમરના ડોસીમાને રેંકડી ઉપર જોયાં. હું ત્યાં ગયો. ત્યાંથી આદું, ફુદીનો વગેરે પાંચ રૂપિયામાં ખરીદ્યું. અને ડોસીમાને પૈસા ચૂકવી હું રવાના થયો. મારી બીજી ભૂલી જવાની પણ એક તકલીફ હતી. આ બનાવ પછી પંદરેક દિવસ બાદ હું એ જ ડોસીમાની રેંકડીએ પહોંચ્યો. મેં આદું, ફુદીનો વગેરે ચીજ ખરીદી. હું પૈસા આપવા જાઉં ત્યાં એક બહેન ત્યાં આવ્યાં અને ભીંડાના ભાવ પૂછ્યા. માજીએ 12 રૂપિયા કહ્યા. પેલાં બહેન બોલ્યાં કે ’10 રૂપિયા નહીં થાય ?’ માજી બોલ્યાં કે ‘થાય પણ પછી જમવા તમારે ઘેર આવવું પડે !’ માજી ખૂબ હસમુખા અને શાંત જણાયાં. બહુ જ લહેકાથી બોલ્યાં. પેલાં બેનને એમાં કાંઈ રસ ન હતો. તેઓએ ભીંડા લીધાં.
હવે મેં માજીને પૂછ્યું : ‘કેટલા રૂપિયા થયા ?’ માજી કહે : ‘પાંચ રૂપિયા.’ મેં કહ્યું : ‘સાત આપું તો તમારે ઘેર જમવાનું મળે ?’ માજી કહે : ‘હોવે ચાલો.’ મેં હસતાં હસતાં સાત રૂપિયા કઢ્યા – માજીને આપ્યા. માજીએ બધા મને પાછા આપ્યા. મેં હવે વાતને ચગાવી અને કહ્યું : ‘પેલાં બેનના બે રૂપિયા પણ ઓછા નહીં અને ઓછા હોય તો જમવાનું તમારે એને ઘેર કહેતાં હતાં. જ્યારે હું સાત આપું છું તે પાછા અને જમવાનું મફત ? શું મારા રૂપિયા મોટા છે ?’  

હવે માજી ગંભીર થઈને બોલ્યાં : ‘ભાઈ, તમે તે દિવસે શાકની થેલી ભૂલી ગયા હતા. (મને યાદ નહોતું.) મેં એમાંથી શાક કાઢીને વેચી નાખ્યું કારણ કે તમને ક્યાં શોધવા જઉં ? એથી એ રીતે તમારા પાંચ રૂપિયા મારી પાસે જમા રહ્યા ને ? મારાથી અણહકનું ન લેવાય.’
જાતમહેનત અને ગરીબી બંનેની અસર ચહેરા પર હતી. સાથે ઉંમરે પણ ભાગ ભજવ્યો હતો. છતાં વાણીમાં અને આચરણમાં જે ખુમારી હતી તે અછતી ન રહી. મેં કહ્યું : ‘ચાલો, માજી સાથે ચા પીએ !’

‘ના ભાઈ, નવરાત્રી છે. હું નવરાત્રીમાં ચા નથી પીતી.’
‘સાથે કેળાં ખાઈએ’ મેં કહ્યું.
માજી માન્યાં. બાજુની રેંકડીમાંથી કેળાં લઈ અમે ખાધા.
મહાત્મા ગાંધીજીને પંડિત જવાહરલાલે ધરતીકંપ વખતે ‘આ કેવો ઈશ્વર હોય’ એવું કંઈક કહેલું. અને મહાત્માજીએ કહેલું કે, ‘આ માણસનાં પાપ છે.’ એ સાંભળી પંડિતજી નારાજ થયેલા. વિ.સ. ખાંડેકરે, આકાશ કેમ નથી પડતું એ માટે એક વાર્તા લખેલી. માજીના દાખલાથી, મહાત્માના જીવનથી અને વિ.સ. ખાંડેકરની વાર્તાથી હું એવા તારણ પર આવ્યો છું કે :
કોણ કે’છે આભને આધાર નહીં
ને ધરાને ભાર નહીં,
અટકી ગયું છે પડતું ગગન
સતકર્મના કોઈ થીંગડે
અને કંપી ઊઠી છે ધરા
દુષ્કાળના કોઈ શીંગડે


અને છેલ્લે:
માજી જેવાં લઘુમતીમાં વસતા માણસોથી આકાશ પડતું અટકી ગયું છે અને એનાથી વિપરીત સ્વભાવવાળા બહુમતીમાં વસતા માણસોથી ધરા ધ્રૂજી ઊઠી છે.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...