Tuesday, February 27, 2018

અવિનાશ વ્યાસ

ગુજરાતી ગીતો, રાસ કે ગરબાના શબ્દો સાંભળીએ ત્યારે તરત જ શ્રી અવિનાશ વ્યાસનું નામ યાદ આવી જાય. તેમના ગીતો અને ગરબાના શબ્દો મનમાં રણકવા લાગે અને હોઠ પર રમવા લાગે. આવા એક શબ્દકાર, સ્વરકાર અને ગીતકારે કેટલા બધા ગીતો ગુજરાતી ભાષાને અને ગુજરાતના લોકોને આપ્યા છે. એવું પણ કહેવાય છે કે તેમણે એક ગીતનગર ઊભું કર્યું છે ! તેમણે લગભગ સાડાબાર હજાર જેટલી ગીત રચનાઓ ગુજરાતને આપી છે. આ કલા તેમનામાં જન્મજાત હશે તેવું તો માનવું જ રહ્યું.
તેઓ નાનાં હતાં અને હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારના કેટલાક પ્રસંગો સ્મરીએ. તેઓ અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલી ‘પ્રોપ્રાયટરી’ હાઈસ્કૂલમાં ભણતાં હતાં જે અત્યારે ‘દિવાન બલ્લુભાઈ હાઈસ્કૂલ’ તરીકે ઓળખાય છે. તેઓ ભણતા હતા ત્યારે એક દિવસ વર્ગમાં ભાષાનો પિરિયડ હતો. તેમના ભાષાના શિક્ષકે વર્ગમાંના બધાં વિદ્યાર્થીઓને નિબંધ લખવાનું કામ સોંપ્યું હતું. તે પિરિયડ પૂરો થતાં શિક્ષકે બધાં વિદ્યાર્થીઓની નોટબુકો એકઠી કરી લીધી. શિક્ષકે તે બધી નોટોમાં લખેલો નિબંધ વાંચવા માંડ્યો. વાંચતા વાંચતા એક વિદ્યાર્થીની નોટબુકમાં તેમને નિબંધની જગ્યાએ એક ગીત વાંચવામાં આવ્યું. ગીત બહુ જ સુંદર હતું. વર્ગ શિક્ષકે તે સમયના શાળાના સંચાલક શ્રી દિવાન સાહેબને વર્ગમાં બોલાવ્યા. તેમણે દિવાન સાહેબને તે ગીત વાંચવા માટે નોટ આપી. દિવાન સાહેબે તે ગીત વાંચ્યું. તેઓ તો એટલા બધા ખુશ થઈ ગયા કે તેમણે તેની પીઠ થાબડીને શાબાશી આપી. ત્યારબાદ અચાનક જ બોલી ઊઠ્યા : ‘અલ્યા છોકરા ! તું તો ગુજરાતનો રવીન્દ્રનાથ થવાનો છે કે શું ?’ પરંતુ આ નાનકડા નાગર યુવકે જવાબ આપ્યો : ‘ના જી સાહેબ, હું તો ગુજરાતનો અવિનાશ વ્યાસ થવાનો છું !’ – આવો હતો એમનો આત્મવિશ્વાસ અને એક ગુજરાતી તરીકેનું સ્વાભિમાન હતું. આજે વર્ષો પછી પણ તેમના શબ્દો સાચા પડ્યા છે અને તેમના ગીતો અને ગરબા લોકહૃદયમાં ગૂંજી રહ્યા છે.
અમદાવાદના જાણીતા ખાડિયા વિસ્તારમાં આવેલી ગોટીની શેરીમાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ શ્રી આનંદશંકર વ્યાસ અને માતાનું નામ હતું શ્રીમતી મણિબેન. માતા મણિબેનમાં પણ સંગીત અને સાહિત્યના સંસ્કાર હતા. તેઓ પણ તે સમયમાં ગરબા લખતાં હતાં. આમ, આ સંસ્કાર તેમને માતાના વારસામાંથી મળ્યા હતા. આ યુવાનની કારકીર્દિની શરૂઆત તો મિલની નોકરીથી થઈ હતી. જ્યારે બીજી બાજુ તેમને ક્રિકેટ રમવાનો ઘણો જ શોખ હતો. પરંતુ એક દિવસ ક્રિકેટ રમતાં રમતાં તેમના હાથ ઉપર બોલ વાગ્યો અને હાથ ઘવાયો. શોખ થોડા સમય માટે બાજુ પર રહી ગયો. એ દરમિયાન એક દિવસ મિલના એક સમારંભમાં તેમને મિલમજૂરની ભૂમિકા ભજવવાની હતી. તે ભૂમિકામાં ઘવાયેલા હાથે એક ગીત ઉપાડ્યું : ‘કોઈ કહેશો ચાંદલિયો શાને થયો…?’ અને શ્રોતાઓએ તે ગીતને ખૂબ જ હર્ષભેર વધાવી લીધું. હવે એમના જીવનનો પ્રવાહ બદલાયો. એમનું ધ્યાન બીજી તરફ વળ્યું. તેમણે મિલની નોકરી છોડી દીધી અને નસીબ અજમાવવા માટે મુંબઈ ગયા. મુંબઈના આકાશવાણીએ તેમનો મધુર કંઠ અને અર્થપૂર્ણ સ્વરરચનાને આવકારી લીધી.
ધીમે ધીમે તેમણે મુંબઈનગરીને અને મુંબઈના લોકોને ગુજરાતી ગીતોનો રંગ લગાડ્યો. મુંબઈની એચ.એમ.વી. જેવી માતબર કંપનીએ તેમની ઢગલાબંધ રેકોર્ડઝ ઉતારી અને તેમનું નામ મુંબઈમાં ચારેકોર છવાઈ ગયું. ઈ.સ. 1944માં હિન્દી ચલચિત્ર ‘અનસૂયા’માં ફિલ્મના સંગીતકાર તરીકે પહેલવહેલા ઝળક્યા. ચિત્રનિર્માણ સંસ્થાના સંચાલક તરફથી પ્રથમ ગુજરાતી ચિત્ર ‘ગુણસુંદરી’નું સંગીત સંચાલન તેમને સોંપવામાં આવ્યું હતું. તેમાં તેમણે પોતાની બનાવેલી ગીતરચના ‘ભાભી તમે થોડાં થોડાં થાવ વરણાગી…’થી સમગ્ર વાતાવરણને વરણાગી બનાવી દીધું. પછી તો તેમણે એક પછી એક ચઢિયાતી કૃતિઓ રજૂ કરી હતી. ત્યાર પછી ‘મંગળફેરા’ ચિત્રમાં તેમણે તેમનું રજૂ કરેલું ગીત ‘રાખના રમકડાં મારા રામે રમતાં રાખ્યા રે…’ તેનું વિક્રમી વેચાણ થયું. આને માટે તો એચ.એમ.વી કંપનીએ તેમને દશ તોલાનો સુવર્ણચંદ્રક અને સાડા ત્રણ હજાર રૂપિયા રોકડા એ જમાનામાં આપ્યા હતા.
‘મહેંદી રંગ લાગ્યો રે….’ જેવા સંગીતપ્રધાન ચિત્રોએ તેમને એવા તો ચમકાવ્યા કે પછી તો ગુજરાતી ગીતો એટલે અવિનાશભાઈના જ હોય એવી માન્યતા લોકોના મનમાં દ્રઢ થઈ ગઈ. ધીમે ધીમે સંગીતના જુદા જુદા ક્ષેત્રોમાં તેમણે ઝંપલાવવા માંડ્યું. તદુપરાંત, સિનેમાના ગીતો સાથે તેમણે સુગમ સંગીત પણ હાથ ધર્યું. આમ તેમની ગીત-સંગીતકલા વિવિધક્ષેત્રે ફેલાવા પામી. ‘રામશબરી અને મીરાબાઈ’ જેવી ભક્તિરચનાવાળી નૃત્યનાટિકા તો મેદાન મારી ગઈ. ‘જેસલ તોરલ’ નાટક અને તેના ગીતો જેવા કે ‘ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની…’ ખૂબ જ લોકપ્રિય થઈ ગયા. ભાવનગર નરેશે તો પોતાના મહેલમાં તેમની બેઠક રાખી અને રેકોર્ડ કર્યું ! ગીત, ગઝલ અને ગરબા તેમનો ખુશી આનંદનો ખજાનો છે તો સાથે સાથે કન્યાવિદાયના ગીતો જેવાં કે ‘ધીરે રે છેડો રે ઢોલી ઢોલીડાં…’ પણ તેમની ધ્યાન બહાર ગયાં નથી. વળી, આ સાથે વૃંદગીતો તો અવિનાશભાઈના જ ! ‘રંગલો જામ્યો કાલિન્દિને ઘાર…’, ‘હે કાળુળા કા’ન…’ની જમાવટ ખૂબ જ વખણાઈ છે અને હજુ આજે પણ તે ગવાય છે.
આ બધાની ઉપર તો આવે તેમની બે ઉત્કૃષ્ટ રચનાઓ અને તે છે : ‘તેં પથ્થર કેમ પસંદ કર્યો’ અને બીજી ‘મારા રામ તમે સીતાજીની તોલે ન આવો….’ આવા ગીતની રજુઆત સાંભળતા જ થાય કે અવિનાશભાઈની તોલે કોઈ ન આવે. આટલી વિવિધતા ઓછી હોય તેમ તેમના વૃંદગીતોમાં ‘હુતુતુતુ જામી રમતની ઋતુ…’ અને ‘ચરર ચરર મારું ચગડોળ ચાલે…’ આવા તો કેટલાયે ઉત્સવગીતો છે. તેમને આદ્યશક્તિ મા અંબાજીમાં અપાર શ્રદ્ધા હતી. એ ભક્તિભાવને પ્રતાપે તેમના મુખમાંથી આપોઆપ શબ્દો સરી પડ્યા : ‘માડી તારું કંકું ખર્યું ને સૂરજ ઊગ્યો….’ તેમની ગીત રચનામાં કેન્દ્રસ્થાને છે તેમનું વિપુલ વિષય વૈવિધ્ય. માણસના જન્મથી લઈને જનાના એટલે કે મૃત્યુ સુધીના પ્રસંગો તેમના ગીતોમાં ગુંથાયેલા છે. છેલ્લે તેમનું ફૂલગુલાબી ગીત ‘મારી વેણીમાં ચાર ચાર ફૂલ છે…’ જે તેમના પત્નીના કંઠે ગવાયેલું છે. ગુજરાત અને ગુજરાતી ગીત ગરબા તેમના સ્વર અને સંગીતથી તરબોળ છે. તેમાંથી તેમનું અજોડ વ્યક્તિત્વ ખીલી ઊઠે છે. છેલ્લે તેમના જ ગીતના શબ્દોથી વીરમીએ અને તે છે :
‘તંત અનંતનો તંત ન તૂટ્યો,
ને રમત અધુરી રહી !
તનડા ને મનડાની વાતો,
આવી તેવી ગઈ’

….અને રાખનું રમકડું થઈ ગયું !

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...