Wednesday, February 28, 2018

દિલ જીતવાની જડીબુટ્ટી



જંગલી વિસ્તારમાં રહેતી એક સ્ત્રીને એના પતિ સાથે બહુ સારા સંબંધો નહોતા. એને હંમેશાં એવું લાગતું કે એનો પતિ એને પ્રેમ કરતો નથી. એક દિવસ જંગલમાં રહેતા એક સંન્યાસી પાસે એ ગઈ અને સંન્યાસીને કહ્યું, “મહારાજ, મારા પતિ મને પહેલા ખૂબ સારી રીતે રાખતા પણ છેલ્લા કેટલાક સમયથી મારા પ્રત્યેનો એનો પ્રેમ નહિવત્ થઈ ગયો છે. એ પથ્થર જેવા જડ બની ગયા છે. મેં આપના વિષે ખૂબ સાંભળ્યું છે. આપ એવી કોઈ જડીબુટ્ટી આપો કે મારા પતિનો પ્રેમ પુનઃ પ્રાપ્ત થાય અને હું એને વશમાં કરી શકું.”

સંન્યાસીએ બધી જ વાત સાંભળ્યા પછી કહ્યું, “બહેન, હું આ માટે એક ખાસ દવા બનાવીને તને આપીશ પણ એ દવા બનાવવા માટે મારે વાઘની મૂછનો વાળ જોઈએ. બોલ તું એ લાવી શકીશ ?” જંગલમાં રહીને જ મોટી થયેલી આ સ્ત્રી શૂરવીર હતી એટલે એણે તુરંત જ હા પાડી દીધી. બીજા દિવસે એ વાઘની શોધમાં નીકળી પડી. એક ગુફા પાસે એણે વાઘ જોયો એટલે એ હરખાઈ કે ચાલો વાઘ મળી ગયો. હવે એની મૂછ પણ મળી જાશે. જેવી એ વાઘ તરફ આગળ વધી કે વાઘે ત્રાડ પાડી અને પેલી સ્ત્રી ગભરાઈને દૂર ખસી ગઈ. દૂર ઊભા ઊભા એ વાઘને જોયા કરતી હતી પણ એની નજીક જવાની હિંમત ચાલતી નહોતી.

એ રોજ પેલી ગુફા પાસે જવા લાગી. ક્યારેક એ વાઘ માટે માંસ પણ લઈ જાય અને દૂર રાખી દે. સમય જતા બંનેને એકબીજાની હાજરી પસંદ પડવા લાગી. વાઘે પણ હવે તાડૂકવાનું બંધ કરી દીધું. એક દિવસ તો સ્ત્રી વાઘ પાસે પહોંચી જ ગઈ અને વાઘના શરીર પર હાથ ફેરવવા લાગી. વાઘ કંઈ ન બોલ્યો એટલે ધીમેથી એની મૂછનો એક વાળ ખેંચી લીધો. દોડતી દોડતી એ સંન્યાસી પાસે ગઈ અને સંન્યાસીના હાથમાં વાઘનો વાળ આપીને કહ્યું, “લ્યો મહારાજ આ વાઘનો વાળ અને હવે મારા પતિને વશ કરવાની જડીબુટ્ટી બનાવી આપો.” સંન્યાસીએ વાળને અગ્નિમાં નાંખી દીધો. પેલી સ્ત્રી ગુસ્સામાં બોલી, “તમે આ શું કર્યું ? હું મહામહેનતથી જે વાળ લાવી હતી એમાંથી જડીબુટ્ટી બનાવવાને બદલે તમે એને સળગાવી દીધો.”

સંન્યાસીએ હસતાં હસતાં ઉત્તર આપ્યો, “બહેન, તને હજુ ના સમજાયું. જો પ્રેમ અને ધીરજથી વાઘ જેવું હિંસક પ્રાણી પણ વશ થઈ જતું હોય તો પછી તારો પતિ તો માણસ છે.”

આપણે લોકોને વશ કરવા ઈચ્છીએ છીએ પણ એની સાચી રીત અપનાવી નથી અને એટલે લોકોનો પ્રેમ આપણે પ્રાપ્ત કરી શક્યા નથી. યાદ રાખજો પ્રેમ અને ધીરજ કઠણ કાળજાના માણસને પણ પીગળાવી દે છે.

સંકલ્પનું સુકાન પુસ્તકમાંથી

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...