Monday, January 22, 2018

ગીત-સંગીત


"કોઈ હમનફસ નહીં હૈ, કોઈ રાઝદાં નહીં હૈ
ફકત એક દિલ થા અબ તક સો વો મેહરબાં નહીં હૈ

ઇનહીં પથ્થરો પે ચલ કર અગર આ સકો તો આઓ,
મેરે ઘર કે રાસ્તેમેં કોઈ કહકશાં નહીં હૈ."


એક સાવ સાચી ઘટના છે. એક યુવાન બીમાર પડ્યો. સ્વાભાવિક જ છે કે તે એક હોસ્પિટલમાં દાખલ કરાયો. બીમારી જોકે એવી ગંભીર નહોતી પણ સારવારની કોઈ સારી અસર એના શરીર પર જણાતી નહોતી! ડોક્ટરને સમજાતું નહોતું કે સારામાં સારી દવાની અસર પ્રોપર નિદાન થયા બાદ પણ કેમ નથી થતી? એવામાં ડૉક્ટરે એક વાત નોટિસ કરી કે જ્યારે જ્યારે એ દર્દીની ચેકઅપ માટે વિઝીટ લેતાં ત્યારે એ દર્દીના કાનમાં હેડફોન ભરાવેલાં જ હોય!! એ કંઈ ને કંઈ ગીતો સાંભળતો જ હોય. એટલું જાણ્યા પછી કુતુહલવશ ડોક્ટરે પૂછ્યું, "તું શું સાંભળે છે આમાં?"

જવાબ મળ્યો, "સોંગ્સ !"

ડોકટરે પૂછ્યું, "લાવ, મને ય તારાં આ સોંગ્સનું પ્લેલિસ્ટ જોવા દે! મને પણ સંગીતનો શોખ છે, મારા કામમાં પણ આવે ક્યારેક!" તેમણે જોયું તો પ્લેલિસ્ટમાં તમામ સોંગ્સ સેડ મૂડના જ હતાં!! તેથી ડોક્ટરે તરત કીધું, "અહીં બીમાર છે ત્યારે આવા મૂડના સોંગ્સ તારે ન સાંભળવા જોઈએ. તને ખબર નથી પણ એની પરોક્ષ અસર તારી સારવાર પર થઈ રહી છે! મૂડ સારો રહે એવાજ ગીતો તું સંભાળ. એમ કહી તેનું પ્લેલિસ્ટ ત્યાં ઉભા ઉભા જ ચેન્જ કરાવડાવ્યું!!"

થયું શુ? યુવાને ફક્ત ગીતોની પસંદ બદલી. ને બીજા જ દિવસે એજ સારવારની સારી અસર એના શરીર પર જણાવા લાગી!! હા, માનવામાં ન આવે એવી સાવ સાચી આ વાત છે!

ગીત-સંગીત માણસના જીવન સાથે અતૂટ સંબંધ ધરાવે છે. જન્મતાની સાથે જ હાલરડાંથી બાળકની સંગીત સફર ચાલુ થઈ જાય છે. એક સર્વે મુજબ પ્રત્યેક વ્યક્તિ દિવસમાં એકાદી વખત તો કોઈ એક ગીત ગણગણતો જ હોય છે!! તમે જે ગીત ગણગણો છો, એના વિશે ક્યારેય વિચાર્યું છે કે આ ગીત મને ક્યાંથી યાદ આવ્યું??!! ઘણીવાર એવું પણ થાય કે કોઈ ગીત આપણે સવારે કોઈ એક ગ્રુપમાં (જેમ કે, અમે એક ગુજરાતી ગીત-સંગીત ગ્રુપ ચલાવીએ છીએ તો એમાં રજુ થયું હોય) કે રેડિયામાં કે અન્ય કોઈ પણ માધ્યમથી સાંભળ્યું હોય અને દિવસભર આપણે એને ગણગણ્યા કરીયે છીએ!! કેમ ખરુંને? એનું કારણ એ કે એક તો આપણે એ ગીત ગણગણવું તો હોય જ છે અને બીજું કે એ ગીત આપણી હાથવગું નહીં હવે તો હોઠવગુ થઈ ચૂક્યું હોય છે!!

આપણી લાઈફમાં અમુક ગીતો કોઈક સિચ્યુએશન કે ઘટના જોડે જોડાઈ ચુક્યા હોય છે. જેવા એ ગીત વાગે કે તરત આપણે એ ઘટનાઓ, પ્રસંગો, મિત્રો કે પ્રિયજન આપણી સામે તાદૃશ થતાં જોઈ શકીએ છીએ. ગીતોને મૂડ સાથે સ્પષ્ટ સંબંધ છે. આપનો મૂડ સારો ન હોય ત્યારે સેડ સોંગ્સ ન સાંભળવા જોઈએ. તેનાથી આપણી ઉદાસી બેવડાઈ જાય છે!

ઓસ્ટ્રેલિયાની વેસ્ટર્ન સિડની યુનિવર્સીટી સાથે જોડાયેલી સેન્ડરા ગેરીડોએ આ ઉપર એક રસપ્રદ સંશોધન કર્યું છે! મેન્ટલી ડિસ્ટર્બ કે ડિપ્રેસડ લોકો અમુક પ્રકારના ગીતો સાંભળીને વધુ ડિસ્ટર્બ થયેલા માલુમ પડ્યા હતા! ક્યારે કેવા ગીતો સાંભળવા તેના ઉપર આપણું નિયંત્રણ હોવું જોઈએ. મૂડ સારો હોય તો પણ એ વખતે સારા મૂડના કે રોમેન્ટિક ગીતો જ સાંભળવા જોઇયે, એવું સેન્ડરા કહે છે!

ગીતો સાંભળવાની ને ગાવાની વાત નીકળી છે તો લાવો થોડી વાત  હવે બાથરૂમ સિગિંગની પણ કરી લઈએ. બાથરૂમ સિંગર્સ ઝીંદાદિલ હોય છે, પોતાનામાં મસ્ત હોય છે!! આજની આ સ્ટ્રેસફુલ લાઈફમાં જો એ નાહવા પૂરતો ય મસ્તીમાં રહે તો એ ઉમદા જ છે!! આજના સંગીતના શોખીનો નાહવા જાય ત્યારેય મોબાઈલ જોડે લઈને જ જતા હોય છે અને જો કોઈ સારું ગીત મળી જાય તો શાવર નીચે ડાન્સ પણ કરી લેતા હોય છે!! ગીત અને સંગીત મસ્ત થવા માટે જ હોય છે. અને એમ જ કોઈ ડાન્સ કરવા માંડે કે મન ઝૂમવા માંડે એવું નથી થતું, કૈક તો સંગીતની અસર હોય જ છે!!

જુના ગીતો ગમતા હોય કે નવા, ગઝલ ગમતી હોય કે કવ્વાલી, ગુજરાતી ગીતો પસંદ હોય કે અન્ય ભાષાના, માણસે પોતાના ગમતા ગીત-સંગીત ને સાંભળવા માટે સમય કાઢવો જ જોઈએ!! એ કઈ કારમાં જ સાંભળવાની વસ્તુ નથી! ફક્ત મૂડ અનુરૂપ ગીતોનું સિલેક્શન કરવામાં થોડી તકેદારી રાખવી જોઈએ. 

અને છેલ્લે:

ઉદાસ હોઈએ ત્યારે ભલે ઉદાસ ગીતો કે જગજીતસિંહ ની ઉદાસ ગઝલો ગમતી હોય તોય સાંભળવાનું ટાળવું જોઇયે! ભલે ને પછી પેલા ગીતની પંક્તિમાં કહ્યું હોય, "હે સબસે મધુર વો ગીત જિન્હેં હમ ઉદાસીકે સુર મેં ગાતે હૈ" કે પછી જગજીત ની પેલી ગઝલ જ ન હોય, "તન્હા તન્હા હમ રો લેંગે, મહેફિલ મહેફિલ ગાયેંગે!!" ઉદાસ હોઈએ ત્યારે ઉદાસીમાંથી બહાર નીકળવા માટે, એને ખંખેરવા માટે અને મસ્તીમાં હોવ ત્યારે મસ્ત રહેવા માટે પ્રયત્ન આપણે જ કરવો પડતો હોય છે!

સંકલન: ડો. કાર્તિક શાહ (મૂળ વિચાર: શ્રી કૃષ્ણકાંત ઉનડકટ)

Saturday, January 13, 2018

વિલ્મા રુડોલ્ફ


અમેરિકામાં રેલવેમાં નોકરી કરતા પિતા અને મેઇડ તરીકે કામ કરતી માતાને ત્યાં 23.06.1940ના રોજ જન્મેલી વિલ્મા રુડોલ્ફ તેના માતા-પિતાના 22 સંતાનો પૈકીનું 20મુ સંતાન હતી. એનો જન્મ અધૂરા મહિને થયો હતો. જેથી એ શારીરિક રીતે ખુબ જ નબળી હતી તેમ છતાં થોડી સારવારને લીધે એ જીવી ગઈ. 4 વર્ષની ઉંમરે એને ભયંકર ઝેરી તાવ આવ્યો અને સાથે સાથે પોલિયોના વાયરસને કારણે એના ડાબા પગે લકવો થયો અને પરમેનન્ટ ડિસેબિલિટી આવી ગઈ !!

લકવાગ્રસ્ત ડાબા પગે ધાતુની પ્લેટ લગાડવામાં આવી. પ્લેટને કારણે એને ખાસ ઓર્થોપેડિક શૂઝ પહેરવા પડતા ત્યારે એ ચાલી શકતી. વિલ્માની મોટી બહેન બાસ્કેટબોલ પ્લેયર હતી અને વિલ્મા પણ બહેનની જેમ જ બાસ્કેટબોલ રમવા ઇચ્છતી હતી. પરંતુ એના માટે એ શક્ય નહોતું. પોતાના સંકલ્પને સાકાર કરવા 9 વર્ષની ઉંમરે એને ધાતુની પ્લેટ કઢાવી નાખી. અને પ્લેટ વગર જ એક સામાન્ય માણસની જેમ ચાલવાનું શરુ કર્યું. શરૂઆતમાં એને બહુ જ તકલીફ પડતી આથી ચાલવા માટે સહારો લેવો પડતો. 12 વર્ષની ઉંમરે તે કોઈ પણ જાતના સપોર્ટ વગર લંગડાતા લંગડાતા ચાલવા લાગી અને સતત પ્રેક્ટિસ કરવાથી એ  બાસ્કેટબોલ પણ રમવા લાગી.

એ જયારે હાઈસ્કૂલમાં હતી ત્યારે બર્ટ હાઇસ્કૂલને એણે બાસ્કેટબોલમાં સ્ટેટ ચેમ્પિયન બનાવેલી. પણ વિલ્મા ને આટલાથી સંતોષ નહોતો. એ તો ઊંચી ઉડાન ભરવા ઇચ્છતી હતી. એણે ઓલિમ્પિકમાં દોડની હરીફાઈમાં પાર્ટિસિપેટ કરવાનું નક્કી કર્યું !!!

પહેલા નાની દોડ સ્પર્ધામાં ભાગ લેતી. ધીમે ધીમે એ નિયમિત દોડની સ્પર્ધામાં ભાગ લેતી થઇ અને હંમેશા છેલ્લા નંબર પર આવતી. લોકો પણ એને પાગલ સમજતા કેમ કે લકવાગ્રસ્ત પગથી ઓલિમ્પિક તો શું શેરીની કોઈ નાની દોડની સ્પર્ધા પણ ના જીતી શકાય. લોકોની વાત પણ સંપૂર્ણ ગેરવ્યાજબી તો નહોતી જ...પણ વિલ્મા  કોઈનું સાંભળ્યા વગર પોતાના ધ્યેયને વળગી રહી અને એ પ્રાપ્ત કરવાની દિશામાં સતત કઠોર પ્રયત્ન અને પરિશ્રમ કરતી જ રહી.  
અને વર્ષ આવ્યું 1960નું. રોમ માં એ વખતે વિશ્વ ઓલિમ્પિક ચેમ્પિયનશિપ રમાવાની હતી. વિલ્મા રુડોલ્ફે આ ઓલિમ્પિક ચેમ્પિયનશિપ માં દોડની રેસમાં 3 ગોલ્ડ મેડલ જીતીને વિશ્વ્ ચેમ્પિયન નો ખિતાબ હાંસલ કર્યો અને સમગ્ર વિશ્વને આશ્ચર્ય ચકિત કરી દીધું.જગત હવે એને "ફાસ્ટેસ્ટ વુમન ઈન ઘી વર્લ્ડ" ના બિરુદથી નવાજે  છે. 

ગોવિંદ જયસ્વાલ અને ડો. કરણરાજ વાઘેલા

વારાણસી માં એક રીક્ષા ચલાવનાર એના પરિવાર સાથે રહેતો હતો. એનું નામ નારાયણ. પરિવાર માં પત્ની એક છોકરો અને 3 છોકરી ઓ. વારાણસી ના એક પ્રિન્ટિંગ ની ફેક્ટરી અને જનરેટરો ધરાવતા ખુબ જ ઘોંઘાટ અને પ્રદુષણ યુક્ત વિસ્તાર માં 12×8 ફૂટ ની રૂમ માં આ 6 વ્યક્તિ ભાડે થી રહે. પિતા નારાયણ આ બધા નું ભારણ પોષણ રીક્ષા ચલાવી ને કરે. એ સમયે અને આજે પણ ઘણા ભારત ના રાજ્ય માં સાયકલ રીક્ષા છે એ રીક્ષા ચલાવી ને ગુજરાન ચાલવતા નારાયણ. ઓછી આવક અને પહેલેથી જ દરિદ્ર પરિસ્થિતિ હોવાથી સમાજ માં પણ સામાજિક દરજ્જો પણ ઘર ની કથળેલી પરિસ્થિતિ જેવો જ.
બાળકો ને પૂરતું અને સારું ખાનગી શાળા માં શિક્ષણ મળે એમ નહતું એટલે સરકારી શાળા માં છોકરો અભ્યાસ કરતો.દિવસ માં 12-14 કલાક પાવર ના હોવા છતાં પણ છોકરો અભ્યાસ માં ધ્યાન આપવા માટે મહેનત કરે. એક વખત એ એના એક મિત્ર ના ઘરે રમવા ગયો. મિત્ર નું ઘર અને આર્થિક પરિસ્થિતિ સારી હતી. ત્યાં મિત્ર ના પિતા એ જોયું કે આવો છોકરો મારા છોકરા સાથે રમે છે. એટલે એમને થોડો ગુસ્સો આવ્યો અને ગુસ્સા માં એમને નારાયણ ના છોકરા ને પોતાના ઘરે આવવા ની ના પાડી અને કહ્યું કે તું એક રીક્ષા ચાલાક નો છોકરો છે અને તું પણ મોટો થઇ ને રીક્ષા ચાલાક જ બનીશ એના થી  વધુ તારી કોઈ હેસિયત નથી તું ગમે તેટલું ભણે પણ આખરે તારે ચલાવવાની તો રીક્ષા જ છેને …
આ સમયે એ છોકરા ની ઉમર હતી 11 વર્ષ.
આ શબ્દો સાંભળીને એ બાળક ના મન માં વિચાર આવ્યો કે આવા શબ્દો મારે નથી સાંભળવા. હું શું કરું તો મને અને મારા કુટુંબ ને સમ્માન આપે. એને એક દિવસ કોઈએ કીધું કે તારે જો સમ્માન જોઈતું હોય તો કા તો તું તારા પિતા નો ધંધો બદલ કે પછી તું કૈક કરી બતાવ. પિતા ની કમાણી પર ઘર ચાલે છે તો એ તો બદલાઈ આમ નથી એટલે પોતાને જ કઈ કરવું પડશે અને એ દિવસે એને નક્કી કર્યું કે હું યુ પી એસ સી ની પરીક્ષા આપીશ અને સારી પોસ્ટ પર જોઈન કરી નોકરી કરીશ.
એ બાળક હતો ગોવિંદ જયસ્વાલ.
ગોવિંદ એ ઘર માં મદદ કરવા 8 માં ધોરણ માં જ નાના બાળકો ને ટ્યુશન કરાવવાનું ચાલુ કરી દીધેલું. પોતે ભણવામાં હોશિયાર હતા પણ આવક ના હોવાથી પિતા એ જેમ તેમ કરી ને ગણિત નું ટ્યુશન રાખવી આપેલું. ધોરણ 12 ની પરીક્ષા માં ખુબ સારા માર્ક થી પાસ થયા હોવા છતાં ઈજનેર માટે અભ્યાસ ના કરી શક્યાં કેમ કે એમની પાસે ઈજનેર ના એડમિશન માટે ભરવા માં આવતા ફોર્મ ના 500 રૂપિયા નહતા. એટલે એમને બી.એચ.યુ માં ગ્રેજ્યુએશન કરવાનું નક્કી કર્યું જેમાં ફીસ હતી 10 રૂપિયા.
હવે ગ્રેજ્યુએશન પત્યા પછી સમય હતો સપનું પૂરું કરવાનો યુ.પી.એસ.સી ની પરીક્ષા ની તૈયારી કરવાનો. એના માટે એ વિસ્તાર માં રહી ને તૈયારી થાય આમ નહતું એટલે ગોવિંદ એ દિલ્હી જવાનું નક્કી કર્યું. પિતા પાસે એક જમીન નો ટુકડો હતો જેમાંથી ભાગ વેચી ને એમની છોકરી ઓ ના લગ્ન કર્યા અને વધેલા એક ભાગ ને વેચી ને આવેલા 30 હજાર રૂપિયા ગોવિંદ ને આપ્યા. ગોવિંદ એ દિલ્હી જઈને તૈયારી શરુ કરી પિતા 2500 રૂપિયા હર મહિને મોકલે. પિતા ની ઉમર વધતી ગઈ અને રીક્ષા જાતે ચલાવવી પડે એટલે કામ કરવાની ક્ષમતા ઘટી ગઈ. માતા નું પણ મૃત્યુ થયું. પિતા ની તબિયત પણ વધુ બગડી ગઈ.
આમ છતાં ગોવિંદ એ રોજ ની 14-16 કલાક ની મહેનત ચાલુ રાખી.
ગણિત એનો મનગમતો વિષય હોવા છતાં હિસ્ટરી અને ફિલોસોફી વિષય ને યુ પી એસ સી ની પરીક્ષા માટે મુખ્ય વિષય તરીકે પસંદ કર્યા. યુ પી એસ સી ની પરીક્ષા આપી. પરિણામ આવ્યું.
આખા ભારત દેશ માં કેટલાય વિદ્યાર્થી ઓ વચ્ચે ગોવિંદ એ ઓલ ઇન્ડિયા માં 48 મુ સ્થાન પ્રાપ્ત કર્યું અને એ પણ પહેલી કોશિશ માં જ. કેટલાય લોકો 4-5 વખત કોશિશ કરવા છતાં જે પરીક્ષા માં સફળ નથી થતા એ ગોવિંદ એ પહેલી જ વખત માં જ કરી બતાવી! પુરા ભારત માં આ પરીક્ષા માં પાસ થતા વિધાર્થી ઓ ની સંખ્યા છે 0.025 ટકા એટલે કે 10000 વિદ્યાર્થી પરીક્ષા આપે તો 2.5 છોકરા ઓ આ પરીક્ષા માં સફળ થાય...!
એ દિવસે જયસ્વાલ પરિવાર ના ભાગ્ય નો ઉદય થયો.
જેવું પરિણામ આવ્યું ગોવિંદ એક હીરો બની ગયા. કેટલાય લોકો એ અમને પોતાની છોકરી સાથે લગ્ન માટે ફોન કર્યો અને એક વ્યક્તિ એ તો 4 કરોડ રૂપિયા દહેજ માં આપવાની પણ ઓફર આપી પણ ગોવિંદ નું લક્ષ્ય સાફ હતું એને હવે સર્વિસ કરવી હતી અને પિતા ના પગ નું ઓપરેશન કરાવી ને એમને સારું જીવન આપવું હતું.
પરિણામ પછી જે ઇન્ટરવ્યૂ થયા એમાં ગોવિંદ એ કહ્યું, "મને એવો વિચાર આવે છે કે જો આ વખતે હું સફળ ના રહ્યો હોત તો આવતી વખતે પરીક્ષા આપવા માટે ના પૈસા હું ક્યાંથી એકઠા કરત.જે લોકો મારી મહેનત અને પરિસ્થિતિ ને સમજે છે એ સમજી શકશે કે મારી પાસે આના સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહતો કા તો કોઈ નાની નોકરી કરું અથવા તો કોઈ ધંધો ચાલુ કરું પણ ધંધા માટે પૈસા નહતા એટલે મારી પાસે એક જ વિકલ્પ વધ્યો હતો અને એ હતો અભ્યાસ માં સખત મેહનત અને મેં મહેનત કરવાનું પસંદ કર્યું!!"
બરાબર, આ જ હકીકત મારા એક મિત્ર કરણરાજ વાઘેલાની છે. તેઓ પણ એક મધ્યમ વર્ગીય કુટુંબમાંથી અથાક પરિશ્રમ કરીને MBBS તબીબ બન્યા. એ વખતે એમના સહધ્યાયીઓ એમ વિચારતા કે આ શારીરિક રીતે અશક્ત, દુબળો પાતળો, નાની કદ કાઠી ધરાવતો છોકરો શુ ઉકાળશે? 
MBBSમાં સ્નાતક થયાં બાદ અનુસ્નાતકની પદવી માટે ફોરેન્સિક મેડિસિન જેવાં જટિલ વિષયને પસંદ કર્યો. અને ત્યારથી જ એમ કહી શકાય કે, કરણરાજના મનમાં કૈક બનવાની મહેચ્છા ઘર કરી ગઈ હતી. અનુસ્નાતક ડિગ્રી મૂકીને વધુ ઉચ્ચ અભ્યાસ માટે યુ.કે. મેનેજમેન્ટ કરવા ગયા. ત્યારબાદ સંજોગોએ સાથ ન આપતા સ્વદેશ પાછા ફર્યા ત્યારે તબીબી શિક્ષણમાં આગળ વધવાનો વિકલ્પ પણ બંધ થઈ ગયો હતો....છતાં હિંમત હાર્યા વગર કુટુંબના પીઠબળથી અને સતત સ્વ-પ્રોત્સાહન ના બળે યુ.પી.એસ.સી. પરીક્ષા આપવાનો નિર્ધાર કર્યો.

સતત 3 વર્ષ એની પાછળ તનતોડ મહેનત કરી. પરીક્ષામાં સફળ થઈ IPS કેડર માં સિલેક્ટ થયા. અને પોતાના જ રાજ્યમાં ASP અને ત્યાર બાદ DCP તરીકે સેવા આપવા સિલેક્ટ કરવામાં આવ્યા...!!

અત્યારે આ કરણરાજ એક મજબૂત બાંધો ધરાવતા, દ્રઢ નિશ્ચયી અને તેજસ્વી પ્રતિભા ધરાવતા ઇન્સાન તરીકે પ્રસ્થાપિત થઈ પોતાના કુટુંબની અને દેશની પ્રતિષ્ઠાને એક ઊંચું આયામ આપવામાં સફળ થયા.....જી હા, આ એક તબીબ ડો. કરણરાજ વાઘેલા હાલ રાજકોટ સીટીમાં DCP તરીકે પોતાની ઉત્કૃષ્ટ સેવા બજાવી રહ્યા છે જેનો સર્વને ગર્વ છે!!


અને છેલ્લે :
ડો. કરણરાજ વાઘેલા અને ગોવિંદ જયસ્વાલ આપણને જે શીખવે છે એ દુનિયા કોઈ પણ શૈક્ષણિક સંસ્થા ના શીખવી શકે:

  • ક્યારેય હાર ના માનવી
  • ઈચ્છા શક્તિ હોય તો તમને દુનિયા નું કઈ પણ પણ કાર્ય કરતા કોઈ અટકાવી શકે નહીં
  • ક્યારેય મારી પાસે પૈસા નથી કે બીજા કોઈ સ્ત્રોત નથી એવું કહી ને કામ ને ટાળવું ના જોઈએ
  • નક્કી કરેલા સપના ને પૂરું કરવાં માં આવતી અડચણો તરફ ક્યારેય ધ્યાન આપવું નહીં
  • નાની નાની વાત માં આપણે કેટલા બહાના બનાવીએ છીએ ને બીજા પર દોષ નો ટોપલો ઢોળવાનો પ્રયત્ન કરીયે છીએ. પણ જેટલી મેહનત આપણે બહાના બનાવવા માં કરીયે એટલી પ્રામાણિકતા થી મેહનત કરીએ તો આપણે ઘણું બધું મેળવી શકીયે છીએ.

 - - - ડો. કાર્તિક શાહ


Friday, January 5, 2018

એન્ડ્રુ કાર્નેગી - ૫



અમેરિકાના ટોચના ધનપતિઓમાંના એક અને અનન્ય દાનવીર એન્ડ્રુ કાર્નેગીના જીવનનો એક કિસ્સો જાણવા જેવો છે. આપણને કોઇ વધુ પડતો હોંશિયાર, સાદી ભાષામાં કહીએ તો, દોઢ ડાહ્યો માણસ ભટકાઇ જાય ત્યારે તેને બોધપાઠ આપવો જોઇએ, એ આ કિસ્સાનો સૂર છે. 

એન્ડ્રુ કાર્નેગી ઘણી સંસ્થાઓને મદદરૂપ બનતા હતા એટલે તેમની પાસે દાનની આશા સાથે ઘણી વ્યક્તિઓ જતી રહેતી હતી. એવી રીતે એક દિવસ એક સંસ્થાનો મંત્રી તેમની પાસે દાન માગવા ગયો પરંતુ તે માણસ વધુ પડતો સ્માર્ટ હતો. તેણે એન્ડ્રુ કાર્નેગીને સીધું ન કહ્યું કે અમારી સંસ્થાને દાન આપો. એને બદલે તેણે પોતાનું દોઢ ડહાપણ ડહોળતા મૂડીવાદના અનિષ્ટો અને સમાજવાદના લાભો વિશે પોતાના વિચારોનો મારો ચલાવ્યો. 

તે મંત્રીએ એન્ડ્રુ કાર્નેગીને આંજી દેવાના આશયથી કડકડાટ વકતવ્ય જ ઠપકારી દીધું. કાર્નેગી ચૂપચાપ તેને સાંભળતા રહ્યાં. પેલા મંત્રીએ મૂડીવાદના અનિષ્ટો સામે આક્રોશ ઠાલવી લીધો અને સમાજવાદની વકીલાત પૂરી કરી લીધી પછી છેવટે ઉમેર્યું : ‘શ્રીમંતો લોકોના પૈસા થકી જ શ્રીમંત બનતા હોય છે. એથી શ્રીમંતોએ પોતાની સંપત્તિમાંથી બીજાઓને ભાગ આપવો જોઇએ.’

દાનવીર તરીકે વિખ્યાત બનેલા એન્ડ્રુ કાર્નેગી જાણે તે મંત્રીના દરેક શબ્દ સાથે સંમતિ ધરાવતા હોય એ રીતે તેમણે કોઇ જ દલીલ કરી નહીં. 

પેલા ઓવર સ્માર્ટ મંત્રીએ માની લીધું કે મારા ધારદાર શબ્દોની ધારી અસર થઇ છે અને કાર્નેગી અમારી સંસ્થા માટે અઢળક દાન આપશે. 

એ દરમિયાન કાર્નેગીએ કાગળ પર કંઇક લખ્યું પછી બટન દબાવીને તેમના અંગત સહાયકને બોલાવ્યો. અંગત સહાયક આવ્યો એટલે તેમણે તેને કાગળ આપ્યો. 

અંગત સહાયક નોંધવાળો કાગળ લઇને ગયો એટલે પોતાની સંસ્થા માટે દાન માગવા આવેલા મંત્રીને ખાતરી થઇ ગઇ કે હવે એક-બે મિનિટમાં મારા હાથમાં મોટી રકમનો ચેક આવી જશે. 

થોડી વારમાં જ કાર્નેગીનો અંગત સહાયક ચેક લઇને પાછો આવ્યો. તેણે કાર્નેગીને ચેક આપ્યો એ સાથે કાર્નેગીએ ચેક પર સહી કરી દીધી. 

પેલા મંત્રીનો ચહેરો ખીલી ઊઠ્યો. 

એન્ડ્રુ કાર્નેગીએ મંત્રી સામે ચેક લંબાવતા કહ્યું, ‘આ લો સાહેબ, તમારી વાત મારા ગળે ઊતરી ગઇ છે એટલે મેં મારી સંપત્તિમાંથી લોકોને ભાગ આપવાનું નક્કી કર્યું છે. મારી સંપત્તિમાંથી તમારા ભાગે પડતી આટલી રકમ આવે છે. મારી સંપત્તિ આખી દુનિયાના લોકોમાં વહેંચાઇ જાય ત્યારે તેની વ્યક્તિગત રકમ આટલી થાય!’

એ ચેક પંદર સેન્ટનો હતો!

એ દિવસથી પેલી સંસ્થાનો મંત્રી ચાંપલાવેડા ભૂલી ગયો!

અને છેલ્લે: 
આવા કોઇ અડિયલ નમૂનારૂપ માણસ ભટકાઇ જાય ત્યારે તેને સમજાય એવી ભાષામાં પુરા સન્માન સાથે શબ્દો વાપર્યા વગર તેને બોધ આપવો જોઇએ.

ગાંધીજી અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ



મહાત્મા ગાંધીજી ભારતીય પ્રજાની નાડ પારખી ગયા હતા. લોકોને એકત્રિત કરવાની, સૌનો સહકાર પ્રાપ્ત કરવાની અને દરેકની શક્તિ અને આવડતને પિછાણી એનો યોગ્ય ઉપયોગ કરવાની એમનામાં અસાધારણ આવડત હતી. એમના વ્યક્તિત્વમાં ચુંબકત્વ હતું. સત્યાગ્રહ સમયે દેશના બધાં જ રાજ્યોમાંથી એમને અત્યંત પ્રતિભાશાળી વ્યક્તિઓનો પૂરેપૂરો સાથ મળ્યો. એમના નેતૃત્વ નીચે બધા એક જ ધ્યેય માટે સર્વસ્વ છોડી સંગ્રામમાં ઝંપલાવવા તૈયાર થયા હતા. એમાં એક હતા ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ. ડૉ. રાજેન્દ્રપ્રસાદ 1946ના વર્ષમાં ‘કૉન્સ્ટીટ્યુઅન્ટ’ એસેમ્બલીમાં પ્રમુખપદે ચૂંટાયા હતા. સ્વાભાવિક રીતે જ આ અતિ મહત્વની એસેમ્બલીમાં દેશની કેટલીક ખ્યાતનામ વ્યક્તિઓ હતી. સ્વાભાવિક છે એમની વચ્ચે ક્યારેક મતભેદ ઊભા થાય. ઉગ્ર ચર્ચા થાય. વિખવાદ ઊભો થાય. જ્યારે આવા કોઈ પ્રશ્નો ઊભા થતા ત્યારે સમજી-વિચારી વાતચીત કરીને એનું નિરાકરણ કરવામાં આવતું.
એક વખત એવું બન્યું કે ડૉ. રાજેન્દ્રપ્રસાદના એક નિકટના અને જૂના સહકાર્યકર્તાએ એમને માટે ખરાબ ટીકા કરી. એમને માટે હિણપતભર્યા શબ્દો વાપર્યા. ડૉ. રાજેન્દ્રપ્રસાદને સખત માઠું લાગ્યું. મતભેદ થાય એ સમજી શકાય એવું છે, પરંતુ અંગત ટીકા ! ડૉ. રાજેન્દ્રપ્રસાદ માટે એ અસહ્ય હતું. તેઓ મહાત્મા ગાંધીજી પાસે ગયા, અને એમની આગળ પોતાના રાજીનામાનો પત્ર મૂક્યો.

‘કોઈ પણ સ્વમાની વ્યક્તિ આ સંજોગોમાં તમે જે કરવા ઈચ્છો છો તેવું જ કરે.’ ગાંધીજીએ શાંતિથી ડૉ. રાજેન્દ્રબાબુને કહ્યું, ‘હું તમારી સ્થિતિ સમજું છું પણ મારે તમને એક બીજી બાજુ બતાવવાની છે. મારે તમને કંઈક વિશેષ કહેવાનું છે.’
‘બાપુ ! એ શું છે ?’

‘મારા જે બધા સહકાર્યકર્તાઓ છે, તેમાં એક જ વ્યક્તિ એવી છે જે ઝેરનો કટોરો પીવાને સમર્થ છે. માનવજાતના કલ્યાણ માટે દેવાધિદેવ શંકરે વિષપાન કર્યું હતું. મારા એ સાથી રાજેન્દ્રબાબુ તમે છો !’ ગાંધીજીના શબ્દો સાંભળી રાજેન્દ્રબાબુએ રાજીનામાનો પત્ર ફાડી નાખ્યો હતો. મહાત્મા ગાંધીજીને માણસને પારખતાં આવડતું હતું અને એમની પાસેથી કુનેહપૂર્વક કામ લેતાં પણ આવડતું હતું. કુનેહ એટલે યોગ્ય અને ખરી વસ્તુ કહેવી અને કરવી તે – અને તે પણ સ્નેહ, વિશ્વાસ અને મધુરતાથી. જીવનવ્યવહારમાં આપણે જેમની સાથે રહેવાનું છે, કામ કરવાનું છે અથવા તો જેમની પાસેથી કામ લેવાનું છે એમને રાજી રાખવાની, એમનો સહકાર મેળવવાની કળા છે. 
અને છેેેલ્લેે્:- 
એટલે જ ‘બિઝનેસ મેનેજમેન્ટ’ના અભ્યાસક્રમમાં ‘હ્યુમન રીલેશનશીપ’ને એક વિષય તરીકે શીખવવામાં આવે છે.

ચાર્લ્સ સ્કવોબ


માનવસંબંધો માટે કોઈ મોટી ‘ફૉર્મ્યુલા’ નથી હોતી, પરંતુ જીવનની સફળતા માટે જીવનના સર્વ ક્ષેત્રોના સંબંધોનાં પર્ણોને લીલાંછમ રાખવાની આપણામાં કોઠાસૂઝ હોવી જોઈએ. અને આ એક કળા છે. આને આપણે કુનેહ કે કાબેલિયત કહી શકીએ.
કુનેહ વગરના માણસો અવિચારી શબ્દોથી બીજાનું હૃદય દુભવે છે, એટલું જ નહિ પણ મિત્રને પણ દુશ્મન બનાવે છે – પોતીકાંને અળગાં કરે છે. આપ્તજનોને પરાયા કરે છે. એ પણ મોટેભાગે એમની બોલવાની-કહેવાની અણઆવડતને કારણે...! આપણી જીવનયાત્રામાં શબ્દો આપણા સંગાથી છે. એનો સર્જનાત્મક અને કલ્યાણકારી ઉપયોગ કરીએ. શબ્દો જોડવાનું અને ઠારવાનું કામ કરે છે. વિચારીને બોલીએ, કારણ કે, બોલ્યા પછી વિચારવાનો કોઈ અર્થ રહેતો નથી. આવો એક ઉદાહરણ રૂપી સત્ય ઘટનાથી એની અસર સમજીએ...
ચાર્લ્સ સ્કવોબ મોટી સ્ટીલ કંપનીનો મેનેજર હતો. લાખો ડોલરની એની વાર્ષિક કમાણી ! શા માટે એને આટલો મોટો પગાર મળતો હતો ? એનું કારણ એ હતું કે એને માનવસંબંધો સાચવતાં અને વિકસાવતાં આવડતું હતું : ‘He knew how to handle people well.’ એક દિવસ બપોરની વખતે ચાર્લ્સ એની સ્ટીલ મિલમાં કામ કરતો હતો. ત્યાં એણે અચાનક થોડાક યુવાનોને જોયા. તેઓ ‘અહીં ધૂમ્રપાન મનાઈ છે’ – ‘No smoking’ના બોર્ડની નજીક ઊભા રહી સિગારેટ ફૂંકતા હતા. ચાર્લ્સ સ્કવોબે એમને જોયા. ચાર્લ્સ સ્કવોબે એમને જોયા. એ કહી શક્યો હોત પેલા યુવાનોના ગ્રુપને કે તમે બોર્ડ વાંચી શકતા નથી ? પરંતુ ના, એણે એવું કશું જ કહ્યું નહિ. એણે તો પેલા યુવાનો સાથે થોડીક મૈત્રીભરી વાતચીત કરી. તેઓ ધૂમ્રપાનની મનાઈ હતી તે જગ્યાએ ધૂમ્રપાન કરી રહ્યા હતા. એનો ઉલ્લેખ સુદ્ધાં ન કર્યો. એમનાથી છૂટાં પડતાં હસતાં-હસતાં ચાર્લ્સ એમના હાથમાં થોડીક સિગારેટ મૂકી અને કહ્યું, ‘દોસ્તો ! તમે જો આ સિગારેટ બહાર જઈને પીશો તો મને વધારે ગમશે.’
બસ ! ચાર્લ્સે આટલું જ કહ્યું. યુવાનો સમજી ગયા કે એમણે સ્ટીલ મિલનો કાયદો તોડ્યો છે ! એની સાથે એ યુવાનોને ચાર્લ્સ માટે ઘણો આદર થયો. એણે એમનું અપમાન કર્યું નહોતું ! સલુકાઈથી કેવી રીતે વ્યવહાર કરવો તે એમને શીખવા મળ્યું હતું. ચાર્લ્સ સ્કવોબની વ્યાવસાયિક સફળતાનું આ જ રહસ્ય હતું.
If you wish to succeed in life….

You must become a master in human relations….’

અને છેલ્લે:-
એવા કેટલાય પ્રસંગો બને છે, જ્યારે આપણને ગુસ્સો આવવાનો-અપમાન લાગવાનું, એમ પણ થવાનું કે આ માણસને સણસણતો જવાબ આપી દઈએ. એની સાથે બોલચાલનો સંબંધ પણ તોડી નાંખીએ. આવે પ્રસંગે આપણી જાતને માત્ર થોડી મિનિટો સંભાળી લઈશું તો આપણને ખેદ કરવાનો વખત નહિ આવે. આમ જો પરિસ્થિતિ સંભાળી શકીએ તો કુટુંબના કેટલાય ઝઘડા ઓછા થઈ જાય ! કૌટુંબિક સંબંધોના નાજુક તાંતણાઓમાં ક્યારેક સખત ગૂંચ પડે છે તેથી તે તાણાવાણાને ઉતાવળથી કાપી નાંખવાના ન હોય. અપાર કુશળતાથી અને ઉદારતાથી એ સંબંધોને જાળવવાના હોય છે. માનવસંબંધોમાં ઘસારાના અને વિમુખતાના પ્રસંગો આવે ત્યારે સ્નેહનાં સિંચન, ઉદારતા અને સમજણથી કરતાં રહીશું તો સંસારવ્યવહાર વધુ સરળતાથી ચાલશે.

એન્ડ્રુ કાર્નેગી - ૪


એન્ડ્રુ કાર્નેગી અમેરિકાનો એક વિખ્યાત ઉદ્યોગપતિ થઈ ગયો. એ નાની વયે અમેરિકા આવ્યો. સાવ ગરીબ છોકરો. એ માણસ પ્રચંડ પુરુષાર્થ કરી અમેરિકાનો સૌથી મોટો લોખંડનો ઉત્પાદક બન્યો. હજારો માણસો એના હાથ નીચે કામ કરતા હતા. એક સમય તો એવો હતો, જ્યારે એના હાથ નીચે 43 જેટલા લક્ષાધિપતિઓ કામ કરતા હતા ! તે સમયે એક પત્રકારે કાર્નેગીને બહુ જ સુંદર પ્રશ્ન પૂછ્યો હતો : ‘સાહેબ, તમે આ બધા માણસો પાસે કેવી રીતે કામ લઈ શકો છો ?’

એમણે જવાબ આપ્યો : ‘હાથ નીચેના માણસો પાસે કામ લેવું એ ખાણમાંથી એક ઔંસ સુવર્ણ મેળવવા જેવું છે. એક ઔંસ સોનું મેળવવા માટે તમારે અસંખ્ય ટનનો કચરો અને માટી ખોદવા પડે. તમે જેમ જેમ ખોદતા જાવ અને ઊંડે ઊતરતાં જાવ તેમ તમને કચરો નહિ પણ સોનું દેખાવા માંડશે. તમારું લક્ષ્ય સોનું ખોદવાનું છે ને ? તો તમે લોકોમાં ખોટું શું છે અથવા તો પરિસ્થિતિમાં ખોટું શું છે એ જાણી લો. તમને જે નથી જોઈતું એવું ઘણું તમને જોવા અને જાણવા મળશે. પણ તમારે તમારી જાતને એ જ કહી દેવાનું છે કે તમે ઉપરનો બધો કચરો, ધૂળ, માટી જોવા માંગતા નથી. દરેક પરિસ્થિતિમાં અને દરેક વ્યક્તિમાં કંઈક સારું રહ્યું હોય છે. વ્યક્તિમાં પણ કોઈક ને કોઈક ગુણ હોય છે જ. પરંતુ આપણને ખરાબ જોવાની જ આદત પડી ગઈ હોય છે. એક ઔંસ સોનું મેળવવા સેંકડો ટન કચરો ખસેડવો જ પડે ! બસ ! આ જ વાત છે. દરેકમાં જે સારું હોય તે જુઓ અને એનો ઉપયોગ કરો !

સંકલન: ડો. કાર્તિક શાહ "નિજ"

એન્ડ્રુ કારનેગી - ૩

એન્ડ્રુ કારનેગી ની બીજી એક પ્રેરક વાત :
========================


પ્રસિધ્ધ ઉદ્યોગપતિ અને દાનવીર એવા એન્ડ્રુ કાર્નેગીને કોણ નહીં ઓળખતું હોય?તેમનો જન્મ ૧૮૩૫ માં સ્કોટલેન્ડમાં થયો અને મૃત્યુ ૧૯૧૯ માં.તેમનામાં નાનપણથી જ બીજા લોકોને અને તેમની જરૂરિયાતોને સમજવાની અસાધારણ સૂઝ હતી.બાળપણમાં તેમણે એક સસલી પાળી હતી.

તેનાથી ઘણા બચ્ચાં ઉત્પન્ન થયા.હવે આટલા બધા બચ્ચાંઓને પાળવા કઈ રીતે અને તેમને ખવડાવવા કેટલો બધો ખોરાક જોઈએ? બાળક એન્ડ્રુએ તેનો ઉપાય શોધી કાઢ્યો.તેણે પાડોશમાં રહેતા પોતાના મિત્રોને બોલાવ્યા અને તેમને સસલા રમાડવાની ટેવ પાડી, પછી ધીમેથી તેમની પાસે દાણા મંગાવ્યા અને બચ્ચાંને ખવડાવવાનું શરૂ કર્યું. હજી આગળ તેમણે દરેક મિત્રના નામ પરથી બચ્ચાનું નામ પાડ્યું અને દરેકે પોતાના નામધારી બચ્ચાનું જતન કરવાનું.બાળકો હોંશેહોંશે પોતાના નામધારી બચ્ચાને ખવડાવવા અને તેમનું જતન કરવા લાગ્યા. બોલો કેવો સરસ ઉપાય???

એન્ડ્રુ કાર્નેગી ૧૩ વર્ષની ઉંમરે અમેરિકા ગયા.આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે અભ્યાસ માટેની સગવડ ન થઈ શકી અને ખૂબ ઓછું ભણી શક્યા. ત્યારબાદ તાર ઓફિસમાં મામૂલી નોકરી કરવા લાગ્યા. તેમની નિષ્ઠા,ધીરજ,વફાદારી અને આગવી સૂઝને કારણે તેઓ પેન્સિલવેનિયામાં રેલ્વેના પશ્ચિમ વિભાગના વડા નિયુક્ત થયા. તેમણે સૌ પ્રથમ રેલ્વેમાં સ્લીપર કોચની વ્યવસ્થા કરી.

જેમજે તેઓ ઉદ્યોગોનો અભ્યાસ કરતા ગયા તેમતેમ તેમને લાગ્યું કે ભવિષ્યમાં લોખંડ અને પોલાદની વધુ જરૂર ઉભી થશે. તેની માંગ વધશે.આથી તેમણે ઉદ્યોગમાં ઝંપલાવ્યું. તેઓ પેન્સિલવેનિયાના રેલરોડને પોતાનું સ્ટીલ વચવા માંગતા હતા. આથી પિટ્સબર્ગમાં તમણે એક નવી સ્ટીલમીલ શરૂ કરી.તેનું નામ રાખ્યું જે.એડગર થોમ્સન સ્ટીલ વર્ક્સ આવું નામ કેમ???

કારણકે તે સમયે જે.એડગર થોમ્સન પેન્સિલવેનિયાના રેલરોડનાં પ્રેસિડન્ટ હતા. તેઓ તો પોતાને મળેલા આ સન્માનથી એટલા પ્રાભાવિત થયા કે એમને જેટલું જરૂરી હતું તે બધું જ સ્ટીલ તેમણે એન્ડ્રુ પાસેથી જ ખરીદ્યું.

બીજાના જીવનમાં શું જરૂરી છે તે જાણીને કામ કરવાની કાર્નેગીની સૂઝે તેમને વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ તરીકે પ્રસ્થાપિત કર્યા.

અને છેલ્લે: 
આપણાંમાં પણ આવી જ શક્તિઓ હોય છે જ માત્ર તેને હચમચાવીને જગાડવાની છે. આશા રાખીએ કે તમે પણ આવી જ સિધ્ધિ હાંસલ કરો.

એન્ડ્રુ કારનેગી - ૨



માગવાનું કહે છે તો, માગી રહું છું આ પ્રભુ,
દઈ દે મન એવું કે માગે એ કશુંયે નહીં

અમેરિકાના એક અબજોપતિ એન્ડ્રુ કારનેગીના જીવનનો આ પ્રસંગ છે :

એક વાર એ પોતાની ઓફિસમાં બેઠો હતો, એવામાં સામેથી એક યુવાન પસાર થયો. એણે પોતાના સેક્રેટરીને પૂછ્યું કે હમણાં જે અહીંથી ગયો તે યુવક કોણ છે ?
સેક્રેટરીએ મનોમન કહ્યું : આ તો હદ કહેવાય ! પોતાના દીકરાને ય શું આ માણસ નથી ઓળખતો ? અને પછી ઝબકીને જાગતો હોય તેમ બોલ્યો - 'એ આપનો પુત્ર છે. શું આપ એને ન ઓળખી શક્યા ?'
કારનેગીએ કહ્યું - 'કાયમ હું એટલા બધા કામમાં રોકાયેલો રહું છું કે સવારે છોકરાઓ ઊઠે તે પહેલાં તો બહાર નીકળી જવું પડે છે અને રાત્રે ઘેર પહોંચું તે પહેલાં તો એ ઊંઘી ગયા હોય છે. આથી નિરાંતે બેસીને એમની સાથે વાત થઈ શકતી નથી. રજાના દિવસોમાં પણ કોઈ ને કોઈ મીટિંગ, કોઈ પાર્ટી કે મુલાકાતીઓ સાથેની વાતોમાં જ સમય પસાર થઈ જતો હોય છે.'
'મનમાં તો ખૂબ  હોય છે કે હું એમની સાથે રહું, કોઈવાર એમની રમતમાં ભાગ લઈને રમું, ક્યાંક એમની સાથે પ્રવાસમાં નીકળી જાઉં અને પૂરેપૂરો સમય એમની સાથે જ પસાર કરું પણ એકેય વાર મારી આ ઈચ્છાને પૂરી કરી શકતો નથી. ધંધામાં ધ્યાન ન આપીએ તો વિકાસ ક્યાંથી થાય ? સતત ફોન, મિલન-મુલાકાત, નવી નવી યોજના અને ભાવિ આયોજનમાં જ સમય પૂરો થઈ જતો હોય છે.'
પટાવાળો ઓફિસ ખોલીને સાફ કરે એ પહેલાં તો એન્ડ્રુ કારનેગી પોતાની કેબિનમાં હાજર હોય છે અને છેલ્લે બધો જ સ્ટાફ ચાલ્યો જાય એ પછી પણ એની પ્રવૃત્તિ ચાલુ  હોય છે. બપોરે જમવાનું પણ ઓફિસમાં જ પતાવવું પડે. ધંધો એટલો બધો વિકસી ગયો છે કે પોતાની પાસે કેટલી સંપત્તિ છે એનો હિસાબ માંડવો ય મુશ્કેલ બની જાય.
આમ ને આમ અંતિમ સમય પણ આવી ગયો. પથારીમાં છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે અને આંખ ખોલીને એ પોતાના સેક્રેટરીને પૂછે છે - 'મને એટલું બતાવો કે છેલ્લે હું કેટલી સંપત્તિ છોડીને જઈ રહ્યો છું ?' - સેક્રેટરીએ ફાઈલો ઉખેળી, હિસાબ માંડયો અને કહ્યું કે આંકડો ખૂબ ઊંચો છે. લગભગ દસ અબજ રૃપિયા (ડોલર) છોડીને આપ જઈ રહ્યા છો. આપની આ સિદ્ધિ અપૂર્વ છે.
કહે છે કે આટલું સાંભળતાની સાથે જ કારનેગીના ચહેરા પર વિષાદની એક ઘેરી છાપ ફરી વળી. એના ચહેરા પર સંતોષ કે આનંદ ન હતો. એણે કહ્યું કે સો અબજ છોડીને જવાનું વિચારતો હતો. પણ નસીબે યારી ન આપી. એક સફળ મનુષ્યની જેમ જવાને બદલે આજે હું એક હારેલા ઈન્સાનની જેમ જઈ રહ્યો છુ. નેવું અબજ રૃપિયાની ઊણપ (એ વખત પ્રમાણે) કંઈ ઓછી ન કહેવાય. જીવનભર દોડવા અને હાય હોય કરવા છતાં મરતી વખતે ય  સંતોષ ક્યાં છે ?!
ઓશો કહે છે : સંતોષ શક્ય નથી. નવ્વાણુનું ચક્ર જો એકવાર ચાલુ થઈ જાય તો એ અટકતું નથી. સો પૂરા કરવામાં જ આખી જિંદગી ચાલી જાય છે અને ચક્ર એટલું ચમત્કારી છે કે એ આગળ ને આગળ વધતું જ જાય છે. તૃષ્ણાનો તંતુ ક્યારેય તૂટતો નથી. આંકડાની માયાજાળ આગળ ને આગળ વધતી જાય છે અને માણસ એક યંત્રની જેમજ એ વિસ્તરતી જાળમાં અટવાઈને છેલ્લો શ્વાસ છોડે છે.
માત્ર એન્ડ્રુ કારનેગીની જ આ વાત નથી. સમાજના મોટાભાગના લોકો પોતાની જિંદગી આ રીતે જ જીવે છે. વધુ ને વધુ ધન, ધંધાનો- ચમત્કારિક વિસ્તાર, ચોમેર પ્રસરતી પ્રતિષ્ઠા, જગત આખામાં નામના, પોતાના જેવું કોઈ નથી  એવી છાપ છોડીને જવાની ઈચ્છા, આ બધામાં જ જિંદગી પૂરી થઈ જાય છે. અને જે સાર્થક છે, જે સુખ અને શાંતિ આપી શકે તેમ છે, એના કામ માટે સમય નથી. ઓફિસમાં આખો દિવસ આવ્યા કરતાં લોકો સાથે વાત કરવાનો સમય છે પણ પોતાની પત્ની કે બાળકો માટે સમય નથી.
ખૂણામાં પડી પડી સમય પસાર કરતી અને જિંદગીભર દીકરાના હિત માટે દુવા કરતી માની પાસે બે મિનિટ બેસીને 'કેમ છો ?' એમ કહેવાની ફુરસદ નથી. વૃદ્ધ પિતા માંદગીના બિછાને હોય અને એના છેલ્લા શ્વાસ ગણાતા હોય તો જુદા જુદા ડોકટરો  બોલાવીને એનો વિઝિટિંગ ચાર્જ ચૂકવવાનો સમય છે. પણ પિતા પાસે બેસીને એની પીઠ પંપાળી કે પગ દબાવીને એના જતા જીવને સંતોષ આપવાનો સમય નથી.
જગતમાં ઘણું બધું એવું છે જેને ન  જોવામાં આવે તો જીવન વ્યર્થ છે. જેણે એકવાર પણ (આખા) હિમાલયને નથી જોયો તેણે જીવનમાં ઘણું બધું ગુમાવ્યું છે. સમુદ્રના કિનારે ઊછળતા મોજાને જોતાં કે સ્પર્શતા જેણે થોડો સમય પણ પસાર નથી કર્યો એની પાસે ગમે તેટલુ બેંક બેલેન્સ હોય તો પણ એ નકામું છે.
ખળખળ વહેતી નદીમાં પગ બોળીને જે થોડીવાર બેઠા નથી, પોતાની  પત્ની, બાળબચ્ચા કે પરિવાર સાથે જેણે પ્રકૃતિની ગોદમાં નિશ્ચિંત બનીને જીવન નથી માણ્યું તેની પાસે ગમે તેટલી પ્રતિષ્ઠા કે નામના હોય તો એ  કાગળના ડૂચા જેવી છે. કોઈ સંત કે સંબુદ્ધ વ્યક્તિના ચરણમાં બેસી જેમણે એમની ઉપસ્થિતિનો મીઠો અનુભવ નથી લીધો તેમનું જીવન તો એળે જ ગયું છે.
નાનાં બાળકોને રમતાં જોવાં, પક્ષીઓના કલરવને સાંભળવો, સૂર્યાસ્ત કે સૂર્યોદયને જોવો, અમાસની રાતે કૃત્રિમ ઝગમગાટને છોડી દૂર ક્યાંક એકાંત જગ્યાએ આકાશના વૈભવને જોવો અને માણવો. કોઈ વૃદ્ધ પાસે  બેસીને અનુભવને સાંભળવો, કાશ્મીરના ઉદ્યાનોમાં ખીલતા ગુલાબ અને ફૂલોના રંગને હૃદયમાં ઉતારવા, પત્નીનો હાથ પકડીને કોઈ પર્વતની ટોચ પર ચઢવું, એને આનંદ થાય એવું કોઈ કામ કરવું, જગતના ઉત્તમ સાહિત્યને હાથમાં લઈ થોડા સમય માટે એમાં ખોવાઈ જવું,
કોઈવાર પત્નીનો જન્મદિન કે લગ્નદિન યાદ રાખીને અચાનક એના હાથમાં કોઈ સુંદર ભેટ ધરવી, પોતાના બાળકને પ્રોત્સાહન મળે એવા  બેચાર શબ્દો બોલવા, પત્નીએ આજે કેવા રંગની સાડી પહેરી છે એને ઓફિસે ગયા પછી પણ યાદ રાખવું, એની ખુશી કે નાખુશીને ધ્યાનમાં લેવી. પ્રેમ માટે ધંધાના કોઈ લાભને જતો કરવો, આવું બધું જેકરી શકે છે, તે જ ખરેખર જીવે છે.
જગતમાં જેટલા લોકો જન્મે છે તે બધા  જ જીવે છે એવું નિશ્ચિત નથી. કેટલાક લોકો તો જીવતા જ મરેલા હોય છે. એમને જીવન શું એનો ખ્યાલ જ નથી. માત્ર શ્વાસોચ્છ્વાસ ચાલુ હોવા એ જીવન નથી.  જીવન તો એક બિલકુલ જુદા જ અનુભવનું નામ છે. આ જગતમાં આટલી વાર પણ જીવવાનું મળ્યું એ માટે જેના મનમાં પરમાત્મા પ્રત્યે ધન્યવાદનો ભાવ  નથી તે નગુણા અને કંજૂસ છે.
પરમાત્માએ આપણને જે કંઈ આપ્યું છે તે આપણી લાયકાત કરતાં ઘણું છે, એવો ભાવ જેમના મનમાં છે તે ગમે તેવી પરિસ્થિતિમાં પણ દુખી થતાં નથી. દુ:ખનો  આધાર પરિસ્થિતિ પર ઓછો, મન:સ્થિતિ પર વધુ છે. જે પરિસ્થિતિને દોષ આપે છે અથવા તો પરિસ્થિતિને બદલવામાં પડયા છે તે અંતત: હારે છે, અને દુખી થાય છે. સુખ તો એમને જ મળે છે જે અંદરથી શાંત છે અને અંતરસ્થિતિને જ મુલ્યવાન માને છે.

અને છેલ્લે:
આ દુનિયામાં એન્ડ્રુ કારનેગી કે એથીય ચડી જાય એવા ધનવાનોનો પાર નથી પણ એમના અંતરમનમાં જઈને જોશો તો જ ખ્યાલ આવશે કે એ ધનના કારણે એમના હૃદયમાં શાંતિ અને અંતરમાં આનંદનો સાચો અનુભવ છે ?! સચ્ચાઈથી જે પોતાના હૃદયને આ પ્રશ્ન પૂછી શકે છે એમના જીવનમાં ક્રાન્તિની શરૃઆત થઈ ચૂકી છે અને આનંદનું ઝરણું એમના માટે હવે દૂર નથી.

એન્ડ્રુ કાર્નેગી - ૧

શ્રીમંત ઐતિહસિક વ્યક્તિઓની યાદીમાં અમેરિકન ધનપતિ એન્ડ્રુ કાર્નેગીનું નામ આદરથી લેવાય છે. ડનફર્મલાઇન ( સ્કોટલેન્ડ) માં જન્મેલા કાર્નેગી તેમના માતા-પિતા સાથે યુનાઇટેડ સ્ટેટ્સમાં આવીને વસ્યા. મોટા થઈને યુનાટેડ સ્ટેટ્સની એક બોબીન ફેક્ટરીમાં સામાન્ય કામદાર તરીકે શરૂ થયેલી તેમની કારકિર્દી કાર્નેગી સ્ટીલ કંપનીની સ્થાપના સુધી પહોંચી હતી અને વિશ્વમાં ભારે નફો કરતા મહાકાય ઔદ્યોગિક એકમ તરીકે ઉભરી આવી હતી. કાર્નેગી સ્ટીલ કંપનીની સ્થાપના બાદ તેમનું નામ અનેક “કેપ્ટન્સ ઓફ ઇન્ડસ્ટ્રી” માંના એક તરીકે જાણીતું થયું હતું.

કાર્નેગીએ પોતાના ધનનો હિસ્સો અનેક દાનેશ્વરી સંસ્થાને સમર્પિત કર્યો હતો. ગ્રંથાલયો, વૈશ્વિક શાંતિ, શિક્ષણ અને વૈજ્ઞાનિક સંશોધનને ખાસ મહત્વ આપતા કાર્નેગીના જીવનને “રેગ્સ ટુ રિચીસ” તરીકે મૂલવવામાં આવે છે.

એન્ડ્રુ કાર્નેગીએ બહોળો કારોબાર જમાવેલો પણ એ ધંધાની જાહેરાત કરવાના હંમેશા વિરોધી હતા. વિજ્ઞાપન માટે એમનો સંપર્ક કરવા માટે ઘણા નિષ્ફળ પ્રયાસો પણ થયેલા. એમાંના એક વિજ્ઞાપનના સંપર્ક અધિકારી તો ક્યારેક કાર્નેગીને સમજાવવામાં સફળતા મળશે એવી આશાએ અવારનવાર એમની મુલાકાત લેતા.

આવી અનેક મુલાકાતો દરમ્યાન એમણે કાર્નેગીને જાહેરાત નહીં આપવા પાછળનું તાર્કિક કારણ પૂછ્યું.
કાર્નેગી માનતા કે જાહેરાત વગર પણ જો લોકો એમના ઉત્પાદન ખરીદતા હોય તો જાહેરાત પાછળ સમય અને સંપત્તિ વેડફવાની કોઇ જરૂર નથી.

એ સમયે દૂરના ચર્ચમાં થયેલો ઘંટારવ સંભળાયો. પેલા અધિકારીએ કાર્નેગીને પૂછ્યું. આપે આ ઘંટારવ સાંભળ્યો એ ચર્ચ ત્યાં કેટલા સમયથી છે?”
“એ ઘણું જુનુ છે. છેલ્લા સો વર્ષથી તો એ ત્યાં જ છે એવું સાંભળ્યું છે.” કાર્નેગીએ જવાબ આપ્યો.

સદીઓથી એ ચર્ચ ત્યાં જ છે એવું લોકો પણ જાણે છે તેમ છતાં ત્યાં રોજ સવાર-સાંજ નિયમિત રીતે ઘંટનાદ થાય છે. કેમ? ખુદ ઇશ્વર પણ ઇચ્છે છે આ ઘંટારવ દ્વારા લોકો જાગૃત રહે. ઇશ્વર પણ આ ઘંટનાદ દ્વારા સૂચવે છે કે હું અહીં જ છું મને ભૂલી ના જશો." અધિકારીએ કાર્નેગીને સમજાવતા કહ્યું અને ઉમેર્યું કે એમની દ્રષ્ટિએ આ વધુમાં વધુ લોકો સુધી પહોંચવાનો એક પ્રયાસ છે.

સારી વસ્તુની પણ રજૂઆત જરૂરી છે એવી અધિકારીની આ વાતની કાર્નેગી પર ચોક્કસ અસર થઈ અને એમણે પોતાના ઉત્પાદન માટે જાહેરાત માટે સંમતિ આપી.

અને છેલ્લે :- 

સારી અને સાચી વાતને પણ લોકો સુધી પહોંચાડવા સતત પ્રયત્નશીલ રહેવું જ જોઇએ. અશુભ સામે શુભ તત્વોની જીત માટે , નકારાત્મતા સામે હકારાત્મકતા કે સકારાત્મકતા ની જીત માટે યોગ્ય અભિવ્યક્તિની જરૂર તો હોય જ છે. અંધકારના ધુમ્મસભર્યા આવરણમાંથી ધરતીને ઉજ્જ્વલિત કરવા સૂરજની રોશનીની જરૂર તો હોય છે જ. સત્ય-શિવ અને સુંદરતાને પણ મુખરિતતાની જરૂર તો હોય જ છે.

Monday, January 1, 2018

તો મારે ધોકો ન લેવો પડત!!


એક વાર એક વૈષ્ણવ પરિવારમાં સદૈવ ઠાકોરજીની પૂજા થતી હતી. ઘણું ભક્તિમય દંપતિ હતું. પરિવારમાં પતિ, પત્ની અને એક નાનો દીકરો એમ ત્રણ જ સભ્યો હતા! સવાર સાંજ ઠાકોરજીની સેવામાં રત રહેતા હતા. ઠાકોરજીની સેવા મૂકીને ક્યાંય બહાર પણ ન જતા હતા.

એક વખત કોઈ અતિ અગત્યના કામથી એ દંપતિને બહાર જવાનું થયું. કામ પણ એવું અગત્યનું અને ઇમરજન્સી હતું કે બંનેને જવું જ પડે એમ હતું! દંપતિ મૂંઝાયા કે આપણે બંને જઈશું તો આપણા ઠાકોરજીને કોણ જમાડશે? ને કોણ ભોગ ધરાવશે? જવું અત્યંત જરૂરી હતું એટલે છેવટે ઠાકોરજીને ભોગ ધરાવવાની અને જમાડવાની જવાબદારી એમના નાના બાળકને સોંપવામાં આવી! દંપતીએ બાળકને બરાબર સમજાવી દીધું અને પુરી તકેદારી રાખી ભોગ ધરાવાય એની કાળજી રાખવા માટે કહ્યું!

બપોર થઈ. બાળકે ભગવાનને જમાડવા માટે મમ્મીએ બનાવેલ રસોઈ માંથી થાળ તૈયાર કરીને ઠાકોરજી સમક્ષ ધરી! સામે બેસીને ઠાકોરજીને જમવા માટે વિનંતી કરી! ભગવાનની મૂર્તિએ કોઈ પ્રતિભાવ કે પ્રત્યુત્તર ન આપ્યો એટલે બાળક મૂંઝાયો અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો, "ઠાકોરજી આપ કેમ જમવાનું આરોગતા નથી? મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે થાળ ધરવામાં? હું આપને બે હાથ જોડી વિનંતી કરું છું કે આપ પ્લીઝ જમી લો! કદાચ બને એવું કે જમવાનું ઠંડુ છે, અને મને ગેસ ચાલુ કરતા નથી આવડતું એટલે ઠંડુ તમને નહીં ભાવતું હોય પણ બીજો કોઈ વિકલ્પ મારી પાસે નથી! હું પણ ક્યારેક ક્યારેક ઠંડુ ભોજન મળે તો પણ જમી જ લઉ છું!!!"

વારંવારની પ્રાર્થના તથા આજીજીઓ છતાં ભગવાને કોઈ પ્રત્યુત્તર ન આપ્યો એટલે બાળક ઉભો થયો, અને ફળિયામાં પડેલો કપડાં ધોવાનો ધોકો હાથમાં લઈને આવ્યો અને પછી મૂર્તિ સામે જોઇને બોલ્યો, " મેં તમને પ્રેમથી બહુ સમજાવ્યા પણ તમે માનતા નથી! જો તમે નહીં જમો તો મારા મમ્મી પપ્પા મારા પર નાહક ખીજાશે એટલે તમારે જમવું તો પડશે જ!! હું થોડીવાર આંખો બંધ કરીને બેસું છું અહીં! અને હવે પણ જો તમે નહીં જમો તો આ ધોકો ખાવો પડશે એટલું યાદ રાખજો પાછાં !!! "

બાળક આંખો બંધ કરીને થોડીવાર બેસી રહ્યો અને વચ્ચે વચ્ચે બોલતો પણ રહ્યો, " ધોકાની બીકે ખાવામાં બહુ ઉતાવળ ન કરતા પાછાં!! ધીમે ધીમે ખાજો, હું અહીં બેઠો જ છું! વચ્ચે વચ્ચે થોડું પાણી પણ પીજો! મમ્મી બહુ જ તીખી રસોઈ બનાવે છે, એને અને પપ્પાને ભાવે છે ને એટલે!!! તમને કદાચ ન પણ ભાવે એટલે પાણી પણ પીજો સાથે સાથે...." થોડી વાર રહીને બાળકે આંખો ખોલી!! ઠાકોરજી ની સામે થાળ સંપૂર્ણ ખાલી પડ્યો હતો!! એને થયું, "હાશ!!" અને સામે પડેલી ખાલી થાળી ઉપાડી અને બોલ્યો, " પહેલાં જ જો પ્રેમથી જમી લીધું હોત તો મારે ધોકો લેવાની જરૂર જ ન પડત ને !!! "

એટલે જ છેલ્લે,
એમ કહી શકાય કે પૂજા, સેવા, ભક્તિ સહિતના કોઈ પણ કાર્યમાં જ્યાં સુધી ભાવ નહીં ઉમેરાય ત્યાં સુધી એ એક યાંત્રિક ક્રિયા બની રહેશે અને એટલે જ જિંદગીભર યાંત્રિક ક્રિયાઓ કરનારા કરતા ભાવથી એકવાર પણ કોઈ કાર્ય કરનાર એનાથી આગળ નીકળી જાય છે!!

સંપાદન: ડો. કાર્તિક શાહ