Friday, January 5, 2018

એન્ડ્રુ કાર્નેગી - ૫



અમેરિકાના ટોચના ધનપતિઓમાંના એક અને અનન્ય દાનવીર એન્ડ્રુ કાર્નેગીના જીવનનો એક કિસ્સો જાણવા જેવો છે. આપણને કોઇ વધુ પડતો હોંશિયાર, સાદી ભાષામાં કહીએ તો, દોઢ ડાહ્યો માણસ ભટકાઇ જાય ત્યારે તેને બોધપાઠ આપવો જોઇએ, એ આ કિસ્સાનો સૂર છે. 

એન્ડ્રુ કાર્નેગી ઘણી સંસ્થાઓને મદદરૂપ બનતા હતા એટલે તેમની પાસે દાનની આશા સાથે ઘણી વ્યક્તિઓ જતી રહેતી હતી. એવી રીતે એક દિવસ એક સંસ્થાનો મંત્રી તેમની પાસે દાન માગવા ગયો પરંતુ તે માણસ વધુ પડતો સ્માર્ટ હતો. તેણે એન્ડ્રુ કાર્નેગીને સીધું ન કહ્યું કે અમારી સંસ્થાને દાન આપો. એને બદલે તેણે પોતાનું દોઢ ડહાપણ ડહોળતા મૂડીવાદના અનિષ્ટો અને સમાજવાદના લાભો વિશે પોતાના વિચારોનો મારો ચલાવ્યો. 

તે મંત્રીએ એન્ડ્રુ કાર્નેગીને આંજી દેવાના આશયથી કડકડાટ વકતવ્ય જ ઠપકારી દીધું. કાર્નેગી ચૂપચાપ તેને સાંભળતા રહ્યાં. પેલા મંત્રીએ મૂડીવાદના અનિષ્ટો સામે આક્રોશ ઠાલવી લીધો અને સમાજવાદની વકીલાત પૂરી કરી લીધી પછી છેવટે ઉમેર્યું : ‘શ્રીમંતો લોકોના પૈસા થકી જ શ્રીમંત બનતા હોય છે. એથી શ્રીમંતોએ પોતાની સંપત્તિમાંથી બીજાઓને ભાગ આપવો જોઇએ.’

દાનવીર તરીકે વિખ્યાત બનેલા એન્ડ્રુ કાર્નેગી જાણે તે મંત્રીના દરેક શબ્દ સાથે સંમતિ ધરાવતા હોય એ રીતે તેમણે કોઇ જ દલીલ કરી નહીં. 

પેલા ઓવર સ્માર્ટ મંત્રીએ માની લીધું કે મારા ધારદાર શબ્દોની ધારી અસર થઇ છે અને કાર્નેગી અમારી સંસ્થા માટે અઢળક દાન આપશે. 

એ દરમિયાન કાર્નેગીએ કાગળ પર કંઇક લખ્યું પછી બટન દબાવીને તેમના અંગત સહાયકને બોલાવ્યો. અંગત સહાયક આવ્યો એટલે તેમણે તેને કાગળ આપ્યો. 

અંગત સહાયક નોંધવાળો કાગળ લઇને ગયો એટલે પોતાની સંસ્થા માટે દાન માગવા આવેલા મંત્રીને ખાતરી થઇ ગઇ કે હવે એક-બે મિનિટમાં મારા હાથમાં મોટી રકમનો ચેક આવી જશે. 

થોડી વારમાં જ કાર્નેગીનો અંગત સહાયક ચેક લઇને પાછો આવ્યો. તેણે કાર્નેગીને ચેક આપ્યો એ સાથે કાર્નેગીએ ચેક પર સહી કરી દીધી. 

પેલા મંત્રીનો ચહેરો ખીલી ઊઠ્યો. 

એન્ડ્રુ કાર્નેગીએ મંત્રી સામે ચેક લંબાવતા કહ્યું, ‘આ લો સાહેબ, તમારી વાત મારા ગળે ઊતરી ગઇ છે એટલે મેં મારી સંપત્તિમાંથી લોકોને ભાગ આપવાનું નક્કી કર્યું છે. મારી સંપત્તિમાંથી તમારા ભાગે પડતી આટલી રકમ આવે છે. મારી સંપત્તિ આખી દુનિયાના લોકોમાં વહેંચાઇ જાય ત્યારે તેની વ્યક્તિગત રકમ આટલી થાય!’

એ ચેક પંદર સેન્ટનો હતો!

એ દિવસથી પેલી સંસ્થાનો મંત્રી ચાંપલાવેડા ભૂલી ગયો!

અને છેલ્લે: 
આવા કોઇ અડિયલ નમૂનારૂપ માણસ ભટકાઇ જાય ત્યારે તેને સમજાય એવી ભાષામાં પુરા સન્માન સાથે શબ્દો વાપર્યા વગર તેને બોધ આપવો જોઇએ.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...