Monday, January 1, 2018

તો મારે ધોકો ન લેવો પડત!!


એક વાર એક વૈષ્ણવ પરિવારમાં સદૈવ ઠાકોરજીની પૂજા થતી હતી. ઘણું ભક્તિમય દંપતિ હતું. પરિવારમાં પતિ, પત્ની અને એક નાનો દીકરો એમ ત્રણ જ સભ્યો હતા! સવાર સાંજ ઠાકોરજીની સેવામાં રત રહેતા હતા. ઠાકોરજીની સેવા મૂકીને ક્યાંય બહાર પણ ન જતા હતા.

એક વખત કોઈ અતિ અગત્યના કામથી એ દંપતિને બહાર જવાનું થયું. કામ પણ એવું અગત્યનું અને ઇમરજન્સી હતું કે બંનેને જવું જ પડે એમ હતું! દંપતિ મૂંઝાયા કે આપણે બંને જઈશું તો આપણા ઠાકોરજીને કોણ જમાડશે? ને કોણ ભોગ ધરાવશે? જવું અત્યંત જરૂરી હતું એટલે છેવટે ઠાકોરજીને ભોગ ધરાવવાની અને જમાડવાની જવાબદારી એમના નાના બાળકને સોંપવામાં આવી! દંપતીએ બાળકને બરાબર સમજાવી દીધું અને પુરી તકેદારી રાખી ભોગ ધરાવાય એની કાળજી રાખવા માટે કહ્યું!

બપોર થઈ. બાળકે ભગવાનને જમાડવા માટે મમ્મીએ બનાવેલ રસોઈ માંથી થાળ તૈયાર કરીને ઠાકોરજી સમક્ષ ધરી! સામે બેસીને ઠાકોરજીને જમવા માટે વિનંતી કરી! ભગવાનની મૂર્તિએ કોઈ પ્રતિભાવ કે પ્રત્યુત્તર ન આપ્યો એટલે બાળક મૂંઝાયો અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો, "ઠાકોરજી આપ કેમ જમવાનું આરોગતા નથી? મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે થાળ ધરવામાં? હું આપને બે હાથ જોડી વિનંતી કરું છું કે આપ પ્લીઝ જમી લો! કદાચ બને એવું કે જમવાનું ઠંડુ છે, અને મને ગેસ ચાલુ કરતા નથી આવડતું એટલે ઠંડુ તમને નહીં ભાવતું હોય પણ બીજો કોઈ વિકલ્પ મારી પાસે નથી! હું પણ ક્યારેક ક્યારેક ઠંડુ ભોજન મળે તો પણ જમી જ લઉ છું!!!"

વારંવારની પ્રાર્થના તથા આજીજીઓ છતાં ભગવાને કોઈ પ્રત્યુત્તર ન આપ્યો એટલે બાળક ઉભો થયો, અને ફળિયામાં પડેલો કપડાં ધોવાનો ધોકો હાથમાં લઈને આવ્યો અને પછી મૂર્તિ સામે જોઇને બોલ્યો, " મેં તમને પ્રેમથી બહુ સમજાવ્યા પણ તમે માનતા નથી! જો તમે નહીં જમો તો મારા મમ્મી પપ્પા મારા પર નાહક ખીજાશે એટલે તમારે જમવું તો પડશે જ!! હું થોડીવાર આંખો બંધ કરીને બેસું છું અહીં! અને હવે પણ જો તમે નહીં જમો તો આ ધોકો ખાવો પડશે એટલું યાદ રાખજો પાછાં !!! "

બાળક આંખો બંધ કરીને થોડીવાર બેસી રહ્યો અને વચ્ચે વચ્ચે બોલતો પણ રહ્યો, " ધોકાની બીકે ખાવામાં બહુ ઉતાવળ ન કરતા પાછાં!! ધીમે ધીમે ખાજો, હું અહીં બેઠો જ છું! વચ્ચે વચ્ચે થોડું પાણી પણ પીજો! મમ્મી બહુ જ તીખી રસોઈ બનાવે છે, એને અને પપ્પાને ભાવે છે ને એટલે!!! તમને કદાચ ન પણ ભાવે એટલે પાણી પણ પીજો સાથે સાથે...." થોડી વાર રહીને બાળકે આંખો ખોલી!! ઠાકોરજી ની સામે થાળ સંપૂર્ણ ખાલી પડ્યો હતો!! એને થયું, "હાશ!!" અને સામે પડેલી ખાલી થાળી ઉપાડી અને બોલ્યો, " પહેલાં જ જો પ્રેમથી જમી લીધું હોત તો મારે ધોકો લેવાની જરૂર જ ન પડત ને !!! "

એટલે જ છેલ્લે,
એમ કહી શકાય કે પૂજા, સેવા, ભક્તિ સહિતના કોઈ પણ કાર્યમાં જ્યાં સુધી ભાવ નહીં ઉમેરાય ત્યાં સુધી એ એક યાંત્રિક ક્રિયા બની રહેશે અને એટલે જ જિંદગીભર યાંત્રિક ક્રિયાઓ કરનારા કરતા ભાવથી એકવાર પણ કોઈ કાર્ય કરનાર એનાથી આગળ નીકળી જાય છે!!

સંપાદન: ડો. કાર્તિક શાહ

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...