Friday, January 5, 2018

એન્ડ્રુ કારનેગી - ૨



માગવાનું કહે છે તો, માગી રહું છું આ પ્રભુ,
દઈ દે મન એવું કે માગે એ કશુંયે નહીં

અમેરિકાના એક અબજોપતિ એન્ડ્રુ કારનેગીના જીવનનો આ પ્રસંગ છે :

એક વાર એ પોતાની ઓફિસમાં બેઠો હતો, એવામાં સામેથી એક યુવાન પસાર થયો. એણે પોતાના સેક્રેટરીને પૂછ્યું કે હમણાં જે અહીંથી ગયો તે યુવક કોણ છે ?
સેક્રેટરીએ મનોમન કહ્યું : આ તો હદ કહેવાય ! પોતાના દીકરાને ય શું આ માણસ નથી ઓળખતો ? અને પછી ઝબકીને જાગતો હોય તેમ બોલ્યો - 'એ આપનો પુત્ર છે. શું આપ એને ન ઓળખી શક્યા ?'
કારનેગીએ કહ્યું - 'કાયમ હું એટલા બધા કામમાં રોકાયેલો રહું છું કે સવારે છોકરાઓ ઊઠે તે પહેલાં તો બહાર નીકળી જવું પડે છે અને રાત્રે ઘેર પહોંચું તે પહેલાં તો એ ઊંઘી ગયા હોય છે. આથી નિરાંતે બેસીને એમની સાથે વાત થઈ શકતી નથી. રજાના દિવસોમાં પણ કોઈ ને કોઈ મીટિંગ, કોઈ પાર્ટી કે મુલાકાતીઓ સાથેની વાતોમાં જ સમય પસાર થઈ જતો હોય છે.'
'મનમાં તો ખૂબ  હોય છે કે હું એમની સાથે રહું, કોઈવાર એમની રમતમાં ભાગ લઈને રમું, ક્યાંક એમની સાથે પ્રવાસમાં નીકળી જાઉં અને પૂરેપૂરો સમય એમની સાથે જ પસાર કરું પણ એકેય વાર મારી આ ઈચ્છાને પૂરી કરી શકતો નથી. ધંધામાં ધ્યાન ન આપીએ તો વિકાસ ક્યાંથી થાય ? સતત ફોન, મિલન-મુલાકાત, નવી નવી યોજના અને ભાવિ આયોજનમાં જ સમય પૂરો થઈ જતો હોય છે.'
પટાવાળો ઓફિસ ખોલીને સાફ કરે એ પહેલાં તો એન્ડ્રુ કારનેગી પોતાની કેબિનમાં હાજર હોય છે અને છેલ્લે બધો જ સ્ટાફ ચાલ્યો જાય એ પછી પણ એની પ્રવૃત્તિ ચાલુ  હોય છે. બપોરે જમવાનું પણ ઓફિસમાં જ પતાવવું પડે. ધંધો એટલો બધો વિકસી ગયો છે કે પોતાની પાસે કેટલી સંપત્તિ છે એનો હિસાબ માંડવો ય મુશ્કેલ બની જાય.
આમ ને આમ અંતિમ સમય પણ આવી ગયો. પથારીમાં છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે અને આંખ ખોલીને એ પોતાના સેક્રેટરીને પૂછે છે - 'મને એટલું બતાવો કે છેલ્લે હું કેટલી સંપત્તિ છોડીને જઈ રહ્યો છું ?' - સેક્રેટરીએ ફાઈલો ઉખેળી, હિસાબ માંડયો અને કહ્યું કે આંકડો ખૂબ ઊંચો છે. લગભગ દસ અબજ રૃપિયા (ડોલર) છોડીને આપ જઈ રહ્યા છો. આપની આ સિદ્ધિ અપૂર્વ છે.
કહે છે કે આટલું સાંભળતાની સાથે જ કારનેગીના ચહેરા પર વિષાદની એક ઘેરી છાપ ફરી વળી. એના ચહેરા પર સંતોષ કે આનંદ ન હતો. એણે કહ્યું કે સો અબજ છોડીને જવાનું વિચારતો હતો. પણ નસીબે યારી ન આપી. એક સફળ મનુષ્યની જેમ જવાને બદલે આજે હું એક હારેલા ઈન્સાનની જેમ જઈ રહ્યો છુ. નેવું અબજ રૃપિયાની ઊણપ (એ વખત પ્રમાણે) કંઈ ઓછી ન કહેવાય. જીવનભર દોડવા અને હાય હોય કરવા છતાં મરતી વખતે ય  સંતોષ ક્યાં છે ?!
ઓશો કહે છે : સંતોષ શક્ય નથી. નવ્વાણુનું ચક્ર જો એકવાર ચાલુ થઈ જાય તો એ અટકતું નથી. સો પૂરા કરવામાં જ આખી જિંદગી ચાલી જાય છે અને ચક્ર એટલું ચમત્કારી છે કે એ આગળ ને આગળ વધતું જ જાય છે. તૃષ્ણાનો તંતુ ક્યારેય તૂટતો નથી. આંકડાની માયાજાળ આગળ ને આગળ વધતી જાય છે અને માણસ એક યંત્રની જેમજ એ વિસ્તરતી જાળમાં અટવાઈને છેલ્લો શ્વાસ છોડે છે.
માત્ર એન્ડ્રુ કારનેગીની જ આ વાત નથી. સમાજના મોટાભાગના લોકો પોતાની જિંદગી આ રીતે જ જીવે છે. વધુ ને વધુ ધન, ધંધાનો- ચમત્કારિક વિસ્તાર, ચોમેર પ્રસરતી પ્રતિષ્ઠા, જગત આખામાં નામના, પોતાના જેવું કોઈ નથી  એવી છાપ છોડીને જવાની ઈચ્છા, આ બધામાં જ જિંદગી પૂરી થઈ જાય છે. અને જે સાર્થક છે, જે સુખ અને શાંતિ આપી શકે તેમ છે, એના કામ માટે સમય નથી. ઓફિસમાં આખો દિવસ આવ્યા કરતાં લોકો સાથે વાત કરવાનો સમય છે પણ પોતાની પત્ની કે બાળકો માટે સમય નથી.
ખૂણામાં પડી પડી સમય પસાર કરતી અને જિંદગીભર દીકરાના હિત માટે દુવા કરતી માની પાસે બે મિનિટ બેસીને 'કેમ છો ?' એમ કહેવાની ફુરસદ નથી. વૃદ્ધ પિતા માંદગીના બિછાને હોય અને એના છેલ્લા શ્વાસ ગણાતા હોય તો જુદા જુદા ડોકટરો  બોલાવીને એનો વિઝિટિંગ ચાર્જ ચૂકવવાનો સમય છે. પણ પિતા પાસે બેસીને એની પીઠ પંપાળી કે પગ દબાવીને એના જતા જીવને સંતોષ આપવાનો સમય નથી.
જગતમાં ઘણું બધું એવું છે જેને ન  જોવામાં આવે તો જીવન વ્યર્થ છે. જેણે એકવાર પણ (આખા) હિમાલયને નથી જોયો તેણે જીવનમાં ઘણું બધું ગુમાવ્યું છે. સમુદ્રના કિનારે ઊછળતા મોજાને જોતાં કે સ્પર્શતા જેણે થોડો સમય પણ પસાર નથી કર્યો એની પાસે ગમે તેટલુ બેંક બેલેન્સ હોય તો પણ એ નકામું છે.
ખળખળ વહેતી નદીમાં પગ બોળીને જે થોડીવાર બેઠા નથી, પોતાની  પત્ની, બાળબચ્ચા કે પરિવાર સાથે જેણે પ્રકૃતિની ગોદમાં નિશ્ચિંત બનીને જીવન નથી માણ્યું તેની પાસે ગમે તેટલી પ્રતિષ્ઠા કે નામના હોય તો એ  કાગળના ડૂચા જેવી છે. કોઈ સંત કે સંબુદ્ધ વ્યક્તિના ચરણમાં બેસી જેમણે એમની ઉપસ્થિતિનો મીઠો અનુભવ નથી લીધો તેમનું જીવન તો એળે જ ગયું છે.
નાનાં બાળકોને રમતાં જોવાં, પક્ષીઓના કલરવને સાંભળવો, સૂર્યાસ્ત કે સૂર્યોદયને જોવો, અમાસની રાતે કૃત્રિમ ઝગમગાટને છોડી દૂર ક્યાંક એકાંત જગ્યાએ આકાશના વૈભવને જોવો અને માણવો. કોઈ વૃદ્ધ પાસે  બેસીને અનુભવને સાંભળવો, કાશ્મીરના ઉદ્યાનોમાં ખીલતા ગુલાબ અને ફૂલોના રંગને હૃદયમાં ઉતારવા, પત્નીનો હાથ પકડીને કોઈ પર્વતની ટોચ પર ચઢવું, એને આનંદ થાય એવું કોઈ કામ કરવું, જગતના ઉત્તમ સાહિત્યને હાથમાં લઈ થોડા સમય માટે એમાં ખોવાઈ જવું,
કોઈવાર પત્નીનો જન્મદિન કે લગ્નદિન યાદ રાખીને અચાનક એના હાથમાં કોઈ સુંદર ભેટ ધરવી, પોતાના બાળકને પ્રોત્સાહન મળે એવા  બેચાર શબ્દો બોલવા, પત્નીએ આજે કેવા રંગની સાડી પહેરી છે એને ઓફિસે ગયા પછી પણ યાદ રાખવું, એની ખુશી કે નાખુશીને ધ્યાનમાં લેવી. પ્રેમ માટે ધંધાના કોઈ લાભને જતો કરવો, આવું બધું જેકરી શકે છે, તે જ ખરેખર જીવે છે.
જગતમાં જેટલા લોકો જન્મે છે તે બધા  જ જીવે છે એવું નિશ્ચિત નથી. કેટલાક લોકો તો જીવતા જ મરેલા હોય છે. એમને જીવન શું એનો ખ્યાલ જ નથી. માત્ર શ્વાસોચ્છ્વાસ ચાલુ હોવા એ જીવન નથી.  જીવન તો એક બિલકુલ જુદા જ અનુભવનું નામ છે. આ જગતમાં આટલી વાર પણ જીવવાનું મળ્યું એ માટે જેના મનમાં પરમાત્મા પ્રત્યે ધન્યવાદનો ભાવ  નથી તે નગુણા અને કંજૂસ છે.
પરમાત્માએ આપણને જે કંઈ આપ્યું છે તે આપણી લાયકાત કરતાં ઘણું છે, એવો ભાવ જેમના મનમાં છે તે ગમે તેવી પરિસ્થિતિમાં પણ દુખી થતાં નથી. દુ:ખનો  આધાર પરિસ્થિતિ પર ઓછો, મન:સ્થિતિ પર વધુ છે. જે પરિસ્થિતિને દોષ આપે છે અથવા તો પરિસ્થિતિને બદલવામાં પડયા છે તે અંતત: હારે છે, અને દુખી થાય છે. સુખ તો એમને જ મળે છે જે અંદરથી શાંત છે અને અંતરસ્થિતિને જ મુલ્યવાન માને છે.

અને છેલ્લે:
આ દુનિયામાં એન્ડ્રુ કારનેગી કે એથીય ચડી જાય એવા ધનવાનોનો પાર નથી પણ એમના અંતરમનમાં જઈને જોશો તો જ ખ્યાલ આવશે કે એ ધનના કારણે એમના હૃદયમાં શાંતિ અને અંતરમાં આનંદનો સાચો અનુભવ છે ?! સચ્ચાઈથી જે પોતાના હૃદયને આ પ્રશ્ન પૂછી શકે છે એમના જીવનમાં ક્રાન્તિની શરૃઆત થઈ ચૂકી છે અને આનંદનું ઝરણું એમના માટે હવે દૂર નથી.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...