Friday, January 5, 2018

એન્ડ્રુ કાર્નેગી - ૪


એન્ડ્રુ કાર્નેગી અમેરિકાનો એક વિખ્યાત ઉદ્યોગપતિ થઈ ગયો. એ નાની વયે અમેરિકા આવ્યો. સાવ ગરીબ છોકરો. એ માણસ પ્રચંડ પુરુષાર્થ કરી અમેરિકાનો સૌથી મોટો લોખંડનો ઉત્પાદક બન્યો. હજારો માણસો એના હાથ નીચે કામ કરતા હતા. એક સમય તો એવો હતો, જ્યારે એના હાથ નીચે 43 જેટલા લક્ષાધિપતિઓ કામ કરતા હતા ! તે સમયે એક પત્રકારે કાર્નેગીને બહુ જ સુંદર પ્રશ્ન પૂછ્યો હતો : ‘સાહેબ, તમે આ બધા માણસો પાસે કેવી રીતે કામ લઈ શકો છો ?’

એમણે જવાબ આપ્યો : ‘હાથ નીચેના માણસો પાસે કામ લેવું એ ખાણમાંથી એક ઔંસ સુવર્ણ મેળવવા જેવું છે. એક ઔંસ સોનું મેળવવા માટે તમારે અસંખ્ય ટનનો કચરો અને માટી ખોદવા પડે. તમે જેમ જેમ ખોદતા જાવ અને ઊંડે ઊતરતાં જાવ તેમ તમને કચરો નહિ પણ સોનું દેખાવા માંડશે. તમારું લક્ષ્ય સોનું ખોદવાનું છે ને ? તો તમે લોકોમાં ખોટું શું છે અથવા તો પરિસ્થિતિમાં ખોટું શું છે એ જાણી લો. તમને જે નથી જોઈતું એવું ઘણું તમને જોવા અને જાણવા મળશે. પણ તમારે તમારી જાતને એ જ કહી દેવાનું છે કે તમે ઉપરનો બધો કચરો, ધૂળ, માટી જોવા માંગતા નથી. દરેક પરિસ્થિતિમાં અને દરેક વ્યક્તિમાં કંઈક સારું રહ્યું હોય છે. વ્યક્તિમાં પણ કોઈક ને કોઈક ગુણ હોય છે જ. પરંતુ આપણને ખરાબ જોવાની જ આદત પડી ગઈ હોય છે. એક ઔંસ સોનું મેળવવા સેંકડો ટન કચરો ખસેડવો જ પડે ! બસ ! આ જ વાત છે. દરેકમાં જે સારું હોય તે જુઓ અને એનો ઉપયોગ કરો !

સંકલન: ડો. કાર્તિક શાહ "નિજ"

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...