Friday, January 5, 2018

ચાર્લ્સ સ્કવોબ


માનવસંબંધો માટે કોઈ મોટી ‘ફૉર્મ્યુલા’ નથી હોતી, પરંતુ જીવનની સફળતા માટે જીવનના સર્વ ક્ષેત્રોના સંબંધોનાં પર્ણોને લીલાંછમ રાખવાની આપણામાં કોઠાસૂઝ હોવી જોઈએ. અને આ એક કળા છે. આને આપણે કુનેહ કે કાબેલિયત કહી શકીએ.
કુનેહ વગરના માણસો અવિચારી શબ્દોથી બીજાનું હૃદય દુભવે છે, એટલું જ નહિ પણ મિત્રને પણ દુશ્મન બનાવે છે – પોતીકાંને અળગાં કરે છે. આપ્તજનોને પરાયા કરે છે. એ પણ મોટેભાગે એમની બોલવાની-કહેવાની અણઆવડતને કારણે...! આપણી જીવનયાત્રામાં શબ્દો આપણા સંગાથી છે. એનો સર્જનાત્મક અને કલ્યાણકારી ઉપયોગ કરીએ. શબ્દો જોડવાનું અને ઠારવાનું કામ કરે છે. વિચારીને બોલીએ, કારણ કે, બોલ્યા પછી વિચારવાનો કોઈ અર્થ રહેતો નથી. આવો એક ઉદાહરણ રૂપી સત્ય ઘટનાથી એની અસર સમજીએ...
ચાર્લ્સ સ્કવોબ મોટી સ્ટીલ કંપનીનો મેનેજર હતો. લાખો ડોલરની એની વાર્ષિક કમાણી ! શા માટે એને આટલો મોટો પગાર મળતો હતો ? એનું કારણ એ હતું કે એને માનવસંબંધો સાચવતાં અને વિકસાવતાં આવડતું હતું : ‘He knew how to handle people well.’ એક દિવસ બપોરની વખતે ચાર્લ્સ એની સ્ટીલ મિલમાં કામ કરતો હતો. ત્યાં એણે અચાનક થોડાક યુવાનોને જોયા. તેઓ ‘અહીં ધૂમ્રપાન મનાઈ છે’ – ‘No smoking’ના બોર્ડની નજીક ઊભા રહી સિગારેટ ફૂંકતા હતા. ચાર્લ્સ સ્કવોબે એમને જોયા. ચાર્લ્સ સ્કવોબે એમને જોયા. એ કહી શક્યો હોત પેલા યુવાનોના ગ્રુપને કે તમે બોર્ડ વાંચી શકતા નથી ? પરંતુ ના, એણે એવું કશું જ કહ્યું નહિ. એણે તો પેલા યુવાનો સાથે થોડીક મૈત્રીભરી વાતચીત કરી. તેઓ ધૂમ્રપાનની મનાઈ હતી તે જગ્યાએ ધૂમ્રપાન કરી રહ્યા હતા. એનો ઉલ્લેખ સુદ્ધાં ન કર્યો. એમનાથી છૂટાં પડતાં હસતાં-હસતાં ચાર્લ્સ એમના હાથમાં થોડીક સિગારેટ મૂકી અને કહ્યું, ‘દોસ્તો ! તમે જો આ સિગારેટ બહાર જઈને પીશો તો મને વધારે ગમશે.’
બસ ! ચાર્લ્સે આટલું જ કહ્યું. યુવાનો સમજી ગયા કે એમણે સ્ટીલ મિલનો કાયદો તોડ્યો છે ! એની સાથે એ યુવાનોને ચાર્લ્સ માટે ઘણો આદર થયો. એણે એમનું અપમાન કર્યું નહોતું ! સલુકાઈથી કેવી રીતે વ્યવહાર કરવો તે એમને શીખવા મળ્યું હતું. ચાર્લ્સ સ્કવોબની વ્યાવસાયિક સફળતાનું આ જ રહસ્ય હતું.
If you wish to succeed in life….

You must become a master in human relations….’

અને છેલ્લે:-
એવા કેટલાય પ્રસંગો બને છે, જ્યારે આપણને ગુસ્સો આવવાનો-અપમાન લાગવાનું, એમ પણ થવાનું કે આ માણસને સણસણતો જવાબ આપી દઈએ. એની સાથે બોલચાલનો સંબંધ પણ તોડી નાંખીએ. આવે પ્રસંગે આપણી જાતને માત્ર થોડી મિનિટો સંભાળી લઈશું તો આપણને ખેદ કરવાનો વખત નહિ આવે. આમ જો પરિસ્થિતિ સંભાળી શકીએ તો કુટુંબના કેટલાય ઝઘડા ઓછા થઈ જાય ! કૌટુંબિક સંબંધોના નાજુક તાંતણાઓમાં ક્યારેક સખત ગૂંચ પડે છે તેથી તે તાણાવાણાને ઉતાવળથી કાપી નાંખવાના ન હોય. અપાર કુશળતાથી અને ઉદારતાથી એ સંબંધોને જાળવવાના હોય છે. માનવસંબંધોમાં ઘસારાના અને વિમુખતાના પ્રસંગો આવે ત્યારે સ્નેહનાં સિંચન, ઉદારતા અને સમજણથી કરતાં રહીશું તો સંસારવ્યવહાર વધુ સરળતાથી ચાલશે.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...