Friday, January 5, 2018

ગાંધીજી અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ



મહાત્મા ગાંધીજી ભારતીય પ્રજાની નાડ પારખી ગયા હતા. લોકોને એકત્રિત કરવાની, સૌનો સહકાર પ્રાપ્ત કરવાની અને દરેકની શક્તિ અને આવડતને પિછાણી એનો યોગ્ય ઉપયોગ કરવાની એમનામાં અસાધારણ આવડત હતી. એમના વ્યક્તિત્વમાં ચુંબકત્વ હતું. સત્યાગ્રહ સમયે દેશના બધાં જ રાજ્યોમાંથી એમને અત્યંત પ્રતિભાશાળી વ્યક્તિઓનો પૂરેપૂરો સાથ મળ્યો. એમના નેતૃત્વ નીચે બધા એક જ ધ્યેય માટે સર્વસ્વ છોડી સંગ્રામમાં ઝંપલાવવા તૈયાર થયા હતા. એમાં એક હતા ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ. ડૉ. રાજેન્દ્રપ્રસાદ 1946ના વર્ષમાં ‘કૉન્સ્ટીટ્યુઅન્ટ’ એસેમ્બલીમાં પ્રમુખપદે ચૂંટાયા હતા. સ્વાભાવિક રીતે જ આ અતિ મહત્વની એસેમ્બલીમાં દેશની કેટલીક ખ્યાતનામ વ્યક્તિઓ હતી. સ્વાભાવિક છે એમની વચ્ચે ક્યારેક મતભેદ ઊભા થાય. ઉગ્ર ચર્ચા થાય. વિખવાદ ઊભો થાય. જ્યારે આવા કોઈ પ્રશ્નો ઊભા થતા ત્યારે સમજી-વિચારી વાતચીત કરીને એનું નિરાકરણ કરવામાં આવતું.
એક વખત એવું બન્યું કે ડૉ. રાજેન્દ્રપ્રસાદના એક નિકટના અને જૂના સહકાર્યકર્તાએ એમને માટે ખરાબ ટીકા કરી. એમને માટે હિણપતભર્યા શબ્દો વાપર્યા. ડૉ. રાજેન્દ્રપ્રસાદને સખત માઠું લાગ્યું. મતભેદ થાય એ સમજી શકાય એવું છે, પરંતુ અંગત ટીકા ! ડૉ. રાજેન્દ્રપ્રસાદ માટે એ અસહ્ય હતું. તેઓ મહાત્મા ગાંધીજી પાસે ગયા, અને એમની આગળ પોતાના રાજીનામાનો પત્ર મૂક્યો.

‘કોઈ પણ સ્વમાની વ્યક્તિ આ સંજોગોમાં તમે જે કરવા ઈચ્છો છો તેવું જ કરે.’ ગાંધીજીએ શાંતિથી ડૉ. રાજેન્દ્રબાબુને કહ્યું, ‘હું તમારી સ્થિતિ સમજું છું પણ મારે તમને એક બીજી બાજુ બતાવવાની છે. મારે તમને કંઈક વિશેષ કહેવાનું છે.’
‘બાપુ ! એ શું છે ?’

‘મારા જે બધા સહકાર્યકર્તાઓ છે, તેમાં એક જ વ્યક્તિ એવી છે જે ઝેરનો કટોરો પીવાને સમર્થ છે. માનવજાતના કલ્યાણ માટે દેવાધિદેવ શંકરે વિષપાન કર્યું હતું. મારા એ સાથી રાજેન્દ્રબાબુ તમે છો !’ ગાંધીજીના શબ્દો સાંભળી રાજેન્દ્રબાબુએ રાજીનામાનો પત્ર ફાડી નાખ્યો હતો. મહાત્મા ગાંધીજીને માણસને પારખતાં આવડતું હતું અને એમની પાસેથી કુનેહપૂર્વક કામ લેતાં પણ આવડતું હતું. કુનેહ એટલે યોગ્ય અને ખરી વસ્તુ કહેવી અને કરવી તે – અને તે પણ સ્નેહ, વિશ્વાસ અને મધુરતાથી. જીવનવ્યવહારમાં આપણે જેમની સાથે રહેવાનું છે, કામ કરવાનું છે અથવા તો જેમની પાસેથી કામ લેવાનું છે એમને રાજી રાખવાની, એમનો સહકાર મેળવવાની કળા છે. 
અને છેેેલ્લેે્:- 
એટલે જ ‘બિઝનેસ મેનેજમેન્ટ’ના અભ્યાસક્રમમાં ‘હ્યુમન રીલેશનશીપ’ને એક વિષય તરીકે શીખવવામાં આવે છે.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...