Sunday, May 10, 2020

મોહે પનઘટપે નંદલાલ છેડ.. અજાણી વાત: આ ગીત માટેની


"રસકવિ" જેમનું ઉપનામ છે, શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટ... એક સિદ્ધહસ્ત નાટ્યકાર હતાં. અને એમના નાટકો  ખાસ એમનાં ગીતો માટે જ વખણાતાં!!

નડિયાદના આ ગીતકાર દ્વારા પોતાના જ ગુજરાતી નાટક "છત્રવિજય"માં કથ્થક નૃત્ય માટે હિંદી ગીત લખવામાં આવ્યું હતું. નડિયાદના આ ગીતકાર દ્વારા નિર્માણ પામેલા "મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે…" ની કોઈપણ જાતની મંજુરી વિના એમ કહી શકાય કે શબ્દોમાંથી પ્રેરિત થઈને એક આવું જ ગીત કે.આસીફની મુગલે આઝમ ફિલ્મમાં સમાવી લેવામાં આવ્યું હતું, જે તે સમયે તેનો કોઈ વિરોધ ગીતકારે ઉઠાવ્યો નહોતો, પરંતુ ચાર દાયકા પછી મુંબઈમાં રહેતા ગીતકારના પૌત્રએ વાંધો ઉઠાવતાં ધ ડિસ્પ્યુટ સેટલમેન્ટ કમિટી ઓફ ધ રાઈટર્સ દ્વારા ૯ જાન્યુઆરી ર૦૦૬ના રોજ વિવાદનો ચુકાદો આપીને એ વાત માન્ય રાખી હતી કે મોહે મનઘટ પે નંદલાલ છેડ ગયો રે… ગીતના ખરા નિર્માણકર્તા નડિયાદના રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ હતા.

સૌથી વધુ સાહિત્યકારોની જન્મભૂમિ, કર્મભૂમિ કે વતન છે તેવા નડિયાદ શહેરના જ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટનો જન્મ ૧૮૯રમાં થયો હતો. અભ્યાસ બાદ કવિતાઓ લખવામાં નિપુણ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે ગુજરાતી નાટકમાં કથ્થક નૃત્ય માટે મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે…હિંદી ગીત (ફરી વાંચો:ગુજરાતી નાટક માટે હિન્દી ગીત!) લખ્યું હતું. નિર્માતા કે.આસીફ દ્વારા હિન્દી ફિલ્મ મુગલે આઝમ બનાવવામાં આવી ત્યારે ગીતકાર શકીલ બદાયુનીએ આ ગીતથી ઇન્સપાયર થઈને સાચા ગીતકાર રઘુનાથ બ્રહ્મભટ્ટની મંજુરી વિના મુખડું સમાવી લીધું હતું.


વર્ષ ૧૯૬૦માં જ્યારે મુગલે આઝમ ફિલ્મ રીલીઝ થઈ ત્યારે રઘુનાથ બ્રહ્મભટ્ટ દ્વારા કોઈ જ વાંધો ઉઠાવવામાં આવ્યો નહોતો, પરંતુ ૪ દાયકા પછી તેઓના મુંબઈમાં રહેતા પૌત્ર ડો.રાજ બ્રહ્મભટ્ટ દ્વારા આ બાબતનો વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, જેને પગલે મોટો વિવાદ ઉભો થતાં ફિલ્મ રાઈટર્સ એસોસિએશન દ્વારા પણ આ મામલે સહકાર આપવામાં આવ્યો હતો, જેને પગલે વર્ષ ર૦૦૪માં જ્યારે મુગલે આઝમ ફિલ્મની કલર ડી.વી.ડી. બહાર પાડવામાં આવી ત્યારે આ ગીતના નિર્માણકર્તા તરીકે રઘુનાથ બ્રહ્મભટ્ટનું નામ ઉમેરવામાં આવ્યું હતું.

મુગલે આઝમનું પુનઃ નિર્માણ કરનાર નિર્માતા બોનીકપુર અને દિનેશ ગાંધી સાથે રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટના પૌત્ર રાજ બ્રહ્મભટ્ટે ગીત બાબતે સાચી જાણકારી આપતાં અને સમગ્ર બાબતથી વાકેફ કરતાં પુનઃ નિર્માણ થયેલી મુગલે આઝમ ફિલ્મના મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે….ગીતના નિર્માણકર્તા તરીકે રઘુનાથ બ્રહ્મભટ્ટનું નામ સમાવી લેવામાં આવ્યું હતું. જે અંગે શકીલ બદાયુનીના પૌત્ર જાવેદ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. જેને પગલે ૪પ વર્ષે ધ ડિસ્પ્યુટ સેટલમેન્ટ કમિટી ઓફ ધ રાઈટર્સ દ્વારા ૯ જાન્યુઆરી ર૦૦૬ના રોજ વિવાદનો અંત આણીને ચુકાદો આપીને એસોસિએશને એ વાત માન્ય રાખી હતી કે "મોહે પનઘટ પે નંદલાલ છડો ગયો રે…." ગીતના સાચા નિર્માણકર્તા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ જ હતા!!

હવે થોડી અજાણી વાત: આ ગીત માટેની


આ એક ઠુમરી છે. ઠુમરી એટલે? "ઠુમક રી" પરથી આવેલો શબ્દ અને પ્રકાર એટલે ઠુમરી!!

"મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે” રાગ ગારા માં સ્વરબદ્ધ થયેલી આ ઠુમરી (દાદરા) લખનૌના નવાબ વાજિદઅલી શાહના દરબારમાં ગવાતી હતી અને તેના કંઈક આવા શબ્દો હતા:

"નિપટ ઝપટ મોરી સર કી ગાગરિયા ફોડી

ઔર ચુનરિયાં કસાઇ દિયો રે,

મોહે પનઘટપે પર નંદલાલ છેડ લિયો રે

મોહે પનઘટપે પર નંદલાલ...."


આ ઠુમરી સાથે સૌ પ્રથમ નામ જોડાયેલું છે તે છે શ્રી કાલકા-બિન્દાદિન. તેઓ બે ભાઈઓ હતા કે જેમાંથી મહારાજ કાલકા પ્રસાદ એ નૃત્ય સમ્રાટ પંડિત શ્રી બિરજુ મહારાજના વડ દાદા થાય. તેમનો જન્મ 1842માં થયો અને મૃત્યુ 1913માં. તેઓશ્રી ઠુમરી ગાયન અને નૃત્ય એકસાથે કરવામાં ખુબ જ પ્રખ્યાત હતા. જયારે મહારાજ બિન્દાદિન પ્રસાદનો જન્મ 1830માં અને મૃત્યુ વર્ષ 1918માં થયું હતું. તેઓશ્રી લખનૌ ઘરાનાના મૂળ સ્થાપક કહેવાય છે. શ્રી કાલકા-બિન્દાદિન લખનૌના નવાબ વાજિદઅલી શાહ  (જે પોતે પણ કવિ અને નૃત્યનો શોખીન હતા) ના દરબારમાં કથ્થક ગુરુ અને રાજગાયક હતા. એમના મૃત્યુ બાદ લખનૌ કાલકા-બિન્દાદિન ઘરાના આજે પણ પંડિત શ્રી બિરજુ મહારાજના વડપણ હેઠળ કાર્યરત છે જે ખુબ જ લોકપ્રિય અને પ્રચલિત છે. 

ઠુમરીનો આરંભ ક્યારથી થયો તેનો કોઈ સ્પષ્ટ જવાબ નથી. કેટલાંક ઠુમરી શબ્દને તોમર રાજપૂતો સાથે સાંકળે છે તો કોઈ વળી છેક મહાભારતકાળ સુધીય ઠુમરીનું પગેરું લંબાવે છે. ભરત મુનિ રચિત 'અષ્ટનાયિકાભેદ'માં પણ કવિતા, સંગીત અને નૃત્યના સહિયારા સ્વરૃપ માટે બંધાયેલી વ્યાખ્યા ઠુમરીની પૂર્વજ લાગે. છતાં એટલું અવશ્ય કહી શકાય કે, અવધના નવાબ વાજિદઅલી શાહના દરબારમાં ઠુમરીને પોષણ મળ્યું.

નવાબ પોતે 'અખ્તર પિયા'ના તખલ્લુસથી દિલકશ ઠુમરીઓ લખતા અને તેના ગવૈયાઓ તેને સ્વરબદ્ધ કરતાં એ પછી ઠુમરી દરેક પ્રણયીની આતુરતા, બેબાકી, ઉત્કટતા અને ઝુરાપો બનીને લોકકંઠે ટહુકી ઊઠતી. ઠુમરીય કેવી, જે આજે પોણા બસો વર્ષ પછી પણ તમામ સ્તરના શાસ્ત્રીય ગાયકો, ગઝલગાયકો, ફિલ્મી ગાયકો માટે ગાવી ફરજિયાત થઈ જાય. બહુ જ થોડાં શબ્દો, નશીલી ગાયકી વડે શ્રુંગાર અને પ્રણયનું એક અદ્ભૂત ચિત્રણ એટલે ઠુમરી!

વાજિદઅલીનો દેશનિકાલ થયા પછી લખનૌના ઠુમરીગાયકોએ સ્થળાંતર કર્યું અને તેમાં બનારસનો રંગ ઉમેરાયો. એ રીતે સચવાઈ ગયેલી ઠુમરી આજે ફિલ્મી ઠુમરી તરીકે હજુ ય ક્યારેક કાને પડી જાય છે ત્યારે દિવસ જે હોય તે, પણ દિલમાં એ ૧૪ ફેબ્રુઆરી યાને વેલેન્ટાઈન્સ ડે યાને કે પ્રેમનો દિવસ બની જાય છે.

લખનૌમાં આજે પણ જિર્ણ દશામાં એક હવેલી છે છે તેનું નામ છે  “કાલકા બિન્દાદિન કી દયોધી”  (Kalka-Bindadin ki Dyodhi) 
પંડિત શ્રી બિરજુ મહારાજ અને તેમના સાથીદારોના પ્રયત્નો થી આ હવેલી ને કથ્થક અને લખનૌ ઘરાના નું મ્યુઝિયમ બનાવી રહ્યા છે.
હવે આ ટૂંકા ઇતિહાસ પરથી "મોહે પનઘટ..." પ્રસિદ્ધ ઠુમરીના મૂળ રચયેતા કોણ એ આપ જ નક્કી કરી લો!!

નૌશાદ અને શકીલ બદયુનીએ એક જ ભૂલ કરી...રઘુનાથજીનું ગીતનું મુખડું સીધું જ ઉઠાંતરી કર્યું.......!

― કાર્તિક શાહ ( પંખ e-મેગેઝીન, અંક ૪૦, મે, ૨૦૨૦)