Saturday, December 23, 2017

સમયનું મહત્વ

પૈસા-દોલત એ કીમતી ધન નથી પણ સમય સૌથી કીમતી ધન છે એ વસ્તુ તમે હંમેશાં યાદ રાખો. સમયસર કરેલાં કામ જ ઊગી નીકળે છે. સમય વીતી ગયા પછી કામનું ફળ મળતું નથી. કેટલાંક કાર્યો એવાં હોય છે કે જે નિશ્ચિત સમયે ન કરવામાં આવે તો તેનું પરિણામ સારું આવતું નથી.
યુરોપનો વિજેતા નેપોલિયન સમયની કિંમત સુપેરે સમજતો હતો અને તે યુદ્ધ જીતવામાં અનુકૂળ સમયને ધ્યાનમાં રાખી સંગ્રામ ખેલતો અને તેને વિજય જ હાંસલ થતો. અંતિમ યુદ્ધ વેળા તે યોગ્ય સમય ચૂકી ગયો અને વોટરલૂના મેદાનમાં તેણે અને સેનાપતિ ગ્રાઉચીએ થોડી મિનિટનું મોડું કર્યું અને પરિણામે બાજી પલટાઈ ગઈ. વિજેતા બનવાને બદલે તે પરાજિત બની ગયો.
કેટલીક વખત તક સામે આવીને ઊભી હોય છે પરંતુ એ વખતે લાંબો વિચાર કરવા રહો, અન્યની સલાહ લેવા જવાનું તમે વિચારો, કોઈ હા પાડે અને કોઈ ના પાડે ત્યારે દ્વિધા અનુભવો અને કોઈ એક ચોક્કસ નિર્ણય પર ન આવી શકો તો હાથમાં આવેલી એ તક સરી પડે છે અને કેટલીક વાર તો જીવનમાં એવી તક ફરી સાંપડતી નથી. લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા જશો નહિ. વિશ્વના મહાન પુરુષો સમયની કિંમત સારી પેઠે જાણતા હતા અને તેમને મળતી પ્રત્યેક ક્ષણોનો તેમણે સદઉપયોગ કર્યો છે. પૂજ્ય ગાંધીજીનું જ દષ્ટાંત લઈએ તો તેઓ સમયનું મહત્વ સારી પેઠે સમજતા હતા. થોડાં જ વર્ષોમાં તેમણે ભારતની જે કાયાપલટ કરી તેનું એક કારણ એ પણ હતું કે તેઓ એક પણ ક્ષણ નકામી જવા દેતા નહોતા.
નોંધી રાખો કે જે સમયસર કરવામાં આવે છે તે ઉત્સાહ તથા ઉલ્લાસની સાથે પૂરું થાય છે. દિવસો સુધી કામ મુલતવી રાખવાથી તે એક ભારરૂપ બની જાય છે. અને તે ઉકેલવામાં શક્તિ તેમજ સમય ખર્ચાય છે. જે લોકો તેમને સોંપેલા કાર્ય અંગે એમ કહે કે ‘થોડા સમય પછી હું તે જરૂર કરીશ.’ તો માની લેવું કે તે કામ તેઓ ક્યારેય સમયસર કરશે જ નહિ. યોગ્ય સમયે જો બી વાવવામાં આવે તો જ તેનું સંતોષકારક પરિણામ આવે છે, તેવી રીતે યોગ્ય સમયે કરેલું કામ સારી રીતે ફળે છે.
યુરોપ વગેરે સ્થળે જે જે મહાન સમ્રાટો થયા તે બધા વહેલા ઊઠીને કાર્ય કરતા હતા. રશિયાનો પીટર ધી ગ્રેટ હમેશાં અંધારામાં જ પથારીનો ત્યાગ કરતો હતો. એ કહેતો હતો કે જે રીતે બની શકે તે રીતે મારી જિંદગી હું લંબાવવાનું ઈચ્છું છું. એ માટે હું ઊંઘવાનો સમય ઓછો કરું છું. નેપોલિયન તેનાં યુદ્ધોની યોજના પ્રાત:કાળે જ ઘડતો હતો. જર્મનીનો પ્રસિદ્ધ સમ્રાટ આલ્ફ્રેડ ધી ગ્રેટ પણ વહેલો ઊઠી જતો હતો. આ બધા મહાનુભાવો સમયનું મૂલ્ય સમજતા હતા. એક વિદ્વાનનું કહેવું છે કે : ‘તમારા સમયનો પૂરેપૂરો ઉપયોગ ન કરવાનું તમને વારંવાર મન થશે પણ ક્યારેય એવા મનને તાબે થશો નહિ. જે કામ કરવાનું હોય તે તુરત જ કરી નાખો અને એ કરી લીધા પછી જ આરામનો વિચાર કરો. એ સિવાય એનો વિચાર ન કરો.’ ‘આ કામ કાલે કરીશું’ એમ તો તમે કદી વિચારશો જ નહિ, કેમ કે ‘કાલ’ કદી આવતી જ નથી. સાચું જ કહ્યું છે કે, ‘આજનો લ્હાવો લીજીયે રે કાલ કોણે દીઠી છે.’
જે માનવી સમયનું મૂલ્ય સમજે છે, તેઓ કોઈ પણ કાર્યમાં એક મિનિટ જેટલું પણ મોડું કરતા નથી. તમે પણ સમયનું મૂલ્ય સમજો અને સુખી થાઓ.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...