Saturday, December 23, 2017

સ્નેહપૂર્ણ વ્યવહાર


આ પૃથ્વી પર એવી કેટલીક વસ્તુઓ છે, જે મેળવવા માટે પૈસા ખર્ચવા પડતા નથી અને જેના ઉપયોગથી પૈસો જે કામ કરી શકતો નથી તે કામ તે કરી શકે છે. એમાંની એક છે સહાનુભૂતિ. તમારા કોઈ સંબંધીની તબિયતના સમાચાર પૂછવા તમારે હોસ્પિટલમાં જવાનો પ્રસંગ આવે ત્યારે દરદીની તબિયત અંગે શાંતિથી પૂછપરછ કરો. તેની વાત સહાનુભૂતિથી સાંભળી તેને આશ્વાસનના બે શબ્દો કહેશો તો તેને એટલું બધું સારું લાગશે કે વાત જ ન પૂછો. પોતાના પ્રત્યે હમદર્દી દાખવનાર પણ કોઈ છે એ વાતની પ્રતીતિ સામી વ્યક્તિને થતાં જ એ તમારા પ્રત્યે આદરની લાગણી અનુભવશે. હા, સહાનુભૂતિના શબ્દોમાં દંભ કે દેખાડો ન હોવો જોઈએ.
તમારે સૌનો પ્રેમ જીતવો હોય તો તમે ટીકાકાર બનશો નહિ. ટીકાકાર બનતા પહેલાં તમારી જાતને પૂછજો કે મારી અંદર કશી જ નબળાઈઓ નથી ને ? જો તમે સંપૂર્ણ ન હો તો બીજાના દોષ જોવાનો તમને અધિકાર નથી. અને ધારો કે તમે દોષરહિત છો તો પણ અન્યની ટીકા કરતા રહેવું એ ઈચ્છનીય નથી. એમ કરવાથી તમે વધુ ને વધુ અળખામણા બનતા જશો.
જગતમાં આપણે બધા જ માનવીઓ છીએ અને માનવતા પણ જગતમાં રહેલી છે. તો પણ આપણામાંના ઘણા જણ એકબીજાથી ભય પામીએ છીએ. જાણીતા વિચારક અને લેખક સત્યકામ વિદ્યાલંકારનું કહેવું છે કે ‘માનવી એકબીજાનો ડર રાખે છે એના કારણ માટે તમે કદી વિચાર્યું છે ખરું ? જગત આપણા સૌને માટે છે અને આપણે સૌએ આપસમાં એકબીજાને મિત્ર સમજવા જોઈએ અને એકબીજાને ચાહવા જોઈએ. આ જગત અત્યંત વિશાળ છે. એમાં હસવા, ખેલવા માટે પૂરતો અવકાશ છે. તો પણ આપણે કેટલા વિચિત્ર છીએ ? જ્યારે આપણે કોઈ વ્યક્તિને પસંદ કરતા નથી ત્યારે બીજાઓ સમક્ષ એ વ્યક્તિ વિશે ખરાબ બોલવા માંડીએ છીએ. જો કોઈ વ્યક્તિ આપણા જેવી નથી હોતી તો તેનું સૌથી મુખ્ય કારણ એ છે કે આપણે પણ તેમના જેવા નથી હોતા. એ બધી વાતો જવા દઈએ પણ આખરે તો આપણે બધા માનવી તો છીએ ને ?’
આપણે એકબીજાને સારી રીતે ઓળખવા જોઈએ. અધિક સહિષ્ણુ બનવું જોઈએ. અધિક ઉદાર, વધુ સહાયક અને લેવા કરતાં આપવાની ટેવ પાડવી જોઈએ. આપણે એકબીજાને મદદરૂપ બની શકીએ એવી ટેવ પાડવી જોઈએ. એકબીજાને પ્રેમ કરી શકીએ અને એકબીજાના જીવનને વધુ સુંદર બનાવી શકીએ એવો વર્તાવ રાખવો જોઈએ.
તમે તમારા ઘરથી જ શરૂઆત કરો અને તેનું પરિણામ જુઓ. તમારા કુટુંબની પ્રત્યેક વ્યક્તિને પ્રેમથી ચાહવા લાગો. તેમની વાત શાંતિથી સાંભળો. તેમને કોઈ અગવડ હોય, કોઈ દુ:ખદર્દ હોય તો સહાનુભૂતિ વ્યકત કરો. તેમને આશ્વાસન આપો. દુ:ખ-દર્દમાંથી તેમનો છુટકારો અવશ્ય થશે જ એવી આશા આપો. તમારા એવા પ્રેમાળ વર્તાવથી તમારું કુટુંબ તમને હૃદયથી ચાહવા લાગશે. આ જ પ્રમાણેનો વર્તાવ તમારા મિત્રમંડળમાં કરજો. તમારા આશ્ચર્ય વચ્ચે તમે જોશો કે એમ કરવાથી તમારું મિત્રમંડળ ઝડપથી વધવા માંડશે. તમને તેઓ હૃદયથી ચાહશે. તમારો આદર કરશે અને તમને આવકારશે. 

તમે જો સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર રાખશો તો અન્ય પણ તમારા પ્રત્યે એવો જ ઉમદા વ્યવહાર રાખશે એમાં શંકાને સ્થાન નથી. આ જગત તમે માનો છો એટલું ખરાબ નથી. ઠેરઠેર ભલમનસાઈ, માનવતા પડેલી છે જ એ તમે ક્યારેય ભૂલશો નહિ. તમારો સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર એ માનવતાને જાગ્રત કર્યા વિના નહિ રહે. અને જાગ્રત માનવતા શું નથી કરી શકતી એ જ પ્રશ્ન છે. માનવતા જેવો બીજો કોઈ ધર્મ નથી. માનવતા અને સ્વર્ગને છેટું નથી. સ્વર્ગીય સુખ ઈચ્છનારે સાચા માનવી બનવું જ પડે.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...