Friday, December 1, 2017

ગ્રેહામ ગ્રીન

૦૨.૧૦.૧૯૦૪ – ૦૩.૦૪.૧૯૯૧
ખ્યાતનામ નવલકથાકાર ગ્રાહમ ગ્રીનને બાળપણથી જ આત્મહત્યાના વિચારો આવ્યા કરતા. આત્મહત્યાની એ લાગણી સામે એ જિંદગીભર ઝઝૂમ્યા.
ગ્રાહમ ગ્રીનને કિશોરાવસ્થામાં જ કોઈ કોઈ વાર શરીરમાં પીડા ઊપડતી. એમને અવારનવાર મૂર્છા આવી જતી. એકવીસ-બાવીસ વર્ષના ગ્રાહામ ગ્રીન લંડનમાં એક ડૉક્ટર પાસે ગયા. તેણે કંઈક દવા આપી પણ ડૉક્ટર જાણકાર નહોતો. પછી બીજા એક ડૉક્ટરે નિદાન કર્યું કે તમને વાઈનું દરદ છે – એપીલેપ્સી. આ તો વારસામાં ઊતરે એવો રોગ. ગ્રાહામ ગ્રીન વિવિયન નામની યુવતીના પ્રેમમાં હતા. કોઈએ સલાહ આપી કે વાઈના દર્દીએ ખરેખર તો લગ્ન નહીં કરવા જોઈએ, કેમ કે આ રોગ બાળકોમાં ઊતરવાનો જ. ગ્રાહામ ગ્રીન વિવિયનને પરણ્યા પણ ખરા, બાળકો પણ થયાં અને તેમનું લગ્નજીવન તેમ જ કુટુંબજીવન સુખી નીવડ્યું. ગ્રીનને ખરેખર વાઈનો રોગ હતો જ નહીં એ તો પછી ખબર પડી...!!
એવું બને છે કે માણસ કોઈ એક ચુકાદાને ‘આખરી’ ગણી લે છે. તેને નસીબમાં ફેંસલો સમજી બેસે છે ! આવું સમજનાર પછી પાછળથી પસ્તાય એવું પણ બને છે. આમાંથી કાંઈ સાર કાઢવો હોય તો એટલો જ નીકળે કે કોઈના નિદાનને આખરી ફેંસલો ગણવા જઈશું તો જીવવાનું ચૂકી જઈશું અને જિંદગીમાંથી પ્રાપ્ત થઈ શકે તેવું જે ઘણુંબધું છે તેનાથી વંચિત રહી જઈશું.
મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈન ગણિતમાં કાચા હતા. તેમને ગણિતમાં ગતાગમ નહીં પડે એવા નિદાનને તેમણે સ્વીકારી લીધું હોત તો સંભવત: જે રસ્તે તેઓ આટલા બધા આગળ વધી શક્યા તે રસ્તો બંધ જ થઈ ગયો હોત. અનેક નામી-અનામી માણસોના જીવનમાં આવું બન્યું જ છે. કોઈ પણ માણસને આવો અનુભવ થયો જ હોય છે કે કોઈનું ‘નિદાન’ તેના માર્ગમાં આડું આવીને ઊભું રહે છે. એક માણસ હિંમત કરીને એ ‘નિદાન’ ને ટપી જઈને આગળ વધે છે. બીજો એક માણસ શંકામાં પડી જાય છે. નિરાશ થઈ જાય છે અને ‘જોખમ’ નહીં લેવામાં શાણપણ સમજે છે. દરેક કિસ્સામાં આવું ‘નિદાન’ ખોટું જ પૂરવાર થાય તેવું બનતું નથી. એ જ રીતે દરેક કિસ્સામાં આવું ‘નિદાન’ સાચું જ નીવડે એવું પણ નથી હોતું. છેવટે માણસે પોતે જ જાતે જ નિર્ણય કરવો પડે છે અને તે જ્યારે પણ જે કાંઈ નિર્ણય કરે તે તેણે ‘ઈશ્વરના ભરોસે’ જ કરવો પડે છે.
કેટલાક લોકો જીવનનો વિચાર સુખસગવડ ભરેલી એક યાત્રા તરીકે કરે છે. આવી વ્યક્તિઓ પોતાનાં સુખસગવડ માટે સતત સાવધાન રહીને કોઈ પણ પ્રકારના સાહસથી, કઠિનાઈથી, અગવડોથી દૂર ને દૂર ભાગે છે. આવા લોકો ફૂંકીફૂંકીને છાશ પીવામાં માને છે. પોતાની જિંદગીને જાતજાતની ગણતરીઓનું કોષ્ટર બનાવી દે છે. પછી તેમને લાગે છે કે આટલી આટલી કાળજીપૂર્વકની ગણતરીઓ છતાં જાણે જિંદગી કોઈ ગણતરીઓને ગાંઠતી જ નથી. કોઈ કોઈ વાર તેમને નવાઈ પણ લાગે છે કે ભેજાનું દહીં કરીને, ઝીણામાં ઝીણી ગણતરીઓ કરીને શૅરોમાં રોકાણ કર્યું તો પાયમાલ થઈ ગયા અને કશી જ ગણતરી વગર ગાંડાતૂર બનીને શૅરમાં જુગાર ખેલ્યા એ માલામાલ થઈ ગયા. ત્યારે માણસે કરવું શું ? માણસે તો ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને શુદ્ધ બુદ્ધિથી જે નિર્ણય કરવા જેવો લાગે તે જ નિર્ણય કરીને તેના આધારે જ સાહસવૃત્તિ સાથે આગળ વધવું રહ્યું. કોઈ વાર લાભ થાય, કોઈ વાર હાનિ થાય. બીજું કે સાહસ - સાચા અર્થમાં જિંદગીને સાહસ સમજીને જીવવામાં વધુ મજા છે. માણસ માત્ર સફળતા શોધવા નીકળશે ત્યાં તેને ઠેકઠેકાણે નિષ્ફળતા ભટકાવાનો સંભવ રહે છે. જે માણસ સફળતા નહીં પણ પોતાના જીવનકાર્યની સાર્થકતા શોધે છે તેને સાર્થકતાની સાથે સફળતા મળવાનો પણ સંભવ રહે છે.

આપણને આપણી શક્તિનો અનુભવ કરવાની અને કરાવવાની એક તક મળતી હોય છે રોજ, હા!! રોજ આ તક આપણાં બારણાં ખખડાવે છે. પણ આપણે એ તક વેડફી દેવામાં હોશિયારી સમજીએ છીએ. આપણે જેટલું કામ આજે કરી શકીશું એનાં કરતાં વધારે કામ જો સહેજ કાળજી રાખીશું તો કાલે કરી શકીશું. એમ જ આપણી શક્તિ રોજ વધતી જશે. કસરત કરનાર જાણે છે કે પહેલે દિવસે એક હજાર ઊઠબેસ ન કરી શકાય. પણ રોજ ઊઠબેસ કરીએ ને રોજ નહીં તો થોડાથોડા દિવસે ધીમે ધીમે વધારતા જઈએ તો રોજની એક હજાર ઊઠબેસ કરી શકાય. ગાનારાઓ પહેલા દિવસથી જ સરસ ગાઈ નથી શકતા કે લાંબા સમય સુધી ગાઈ નથી શકતા. પણ રોજ રિયાઝ કરવાથી અને એનો સમય ધીમે ધીમે વધારતા જવાથી મોટા ગાયક બની જ શકાય છે.
અંગ્રેજીમાં કહેવત છે કે ‘રોમ શહેર એક દિવસમાં બન્યું ન હતું.’ પણ એને માટે આપણી શક્તિઓ વધારવાની દાનત જોઈએ અને જેટલી શક્તિ ઈશ્વરે આપી છે એનો પૂરેપૂરો ઉપયોગ કરવાની દાનત જોઈએ. તો જ જીવનમાં વિકાસના રસ્તે આગળ વધી શકાય. માની લો કે આવો વિચાર આપણને આજ સુધી આવ્યો ન હતો. કંઈ નહીં. ભૂતકાળને રડ્યા બેસવાથી સમયની બદબાદી સિવાય કંઈ મળવાનું નથી. એટલે ભૂતકાળને વાગોળ્યા કરવાનું બંધ કરીને જાગ્યા ત્યાંથી શરૂ જ કરી દેવાનું છે. આજે તો વિચાર મનમાં આવ્યો છે ને ? બસ, આજથી જ આપણે ઝડપથી આપણા કામ પતાવવા માંડવાના. સમય એ આપણી ચૅકબુક જેવો છે. એના ઉપર કોઈ બીજાને લખવા દેવાનું નહીં. આપણે જ એનો ઉપયોગ કરવાનો અને આપણા વિકાસ માટે જ સતત ઉપયોગ કરવાનો. અને જો એમ કરીશું તો ઑફિસનાં કામ અને ઘરનાં કામ તો પૂરાં જલદી થઈ જશે અને પછી પણ સમય વધશે. અને એનો ઉપયોગ આનંદ પ્રાપ્ત કરવામાં પણ કરી શકાય. પૈસાથી આનંદ નથી મળતો. આનંદ સરસ ચોપડી વાંચવાથી, સરસ ઊંઘવાથી મળી શકે. મોંઘા પલંગથી મળતા આનંદ અને સરસ ઊંઘથી મળતા આનંદમાં ઘણો તફાવત છે. પલંગ મોંઘો હોય તો એના કારણે સરસ ઊંઘ ન આવે.
કામ સમયસર અને સરસ રીતે પૂરું કરીએ તો જે સંતોષ મળે એનાથી સરસ ઊંઘનો આનંદ મળી શકે. પણ મૂળમાં વાત એક જ છે કે ઈશ્વરે આપણામાં અગાધ શક્તિ મૂકી છે અને આપણામાં સમજ જ નથી કે એનો લાભ કેવી રીતે લેવો. એક હજાર ઊઠબેસ કરનારા ગામા પહેલવાને આખાયે ભારતમાં નામ કર્યું હતું. આજે એ અમર થઈ ગયો છે. પણ એણે સમયનું આયોજન કરી શક્તિનો સતત વિકાસ કર્યો. મહાપુરુષોના ફોટાને આપણે વંદન કરીએ છીએ પણ એમની પાસેથી જે શીખવા જેવું છે તે નથી શીખતા. એમનામાં અને આપણામાં કોઈ જ ફરક નથી. એમને એમની શક્તિની ખબર છે અને એનો ઉપયોગ કરે છે. આપણને કાં તો આપણામાં રહેલી શક્તિની ખબર નથી અથવા એનો ઉપયોગ કરી જીવનમાં આગળ વધાવાની દાનત નથી – ફરક હોય તો માત્ર આટલો છે. સફળતા આપણા હાથમાં જ છે
અને છેલ્લે:
આપણે ગ્રાહમ ગ્રીનની મૂળ વાત પર આવીએ તો ગ્રાહમ ગ્રીનથી ઊતરતી કક્ષાના લેખકોને નોબેલ પારિતોષિક મળ્યું પણ ગ્રાહમ ગ્રીનને ના મળ્યું. ઈ.સ. 1904ના ઑક્ટોબર માસમાં જન્મેલા ગ્રાહામ ગ્રીનને જ્યારે ઈ.સ. 1986 માં એન્થની બર્જેસે કહ્યું કે તમને હવે નોબેલ પ્રાઈઝ મળવું જોઈએ. અમેરિકાના નવલકથાકાર સોલ બિલોને મળ્યું, હવે તમને જ મળશે, નહીં ?
ગ્રાહામ ગ્રીને કહ્યું : ‘મેં તો મારું કામ પૂરું કર્યું છે. હવે હું નોબેલ પ્રાઈઝથી વધુ મોટા ઈનામની રાહ જોઈ રહ્યો છું.’

એન્થની બર્જેસે અચંબાથી પૂછ્યું : ‘નોબેલ પ્રાઈઝ કરતાં વધુ ઊંચું ઈનામ ? એ વળી કયું ?’

ગ્રાહામ ગ્રીને કહ્યું :
‘હા, મૃત્યુ !!'
સંકલન: ડો. કાર્તિક દિલીપકુમાર શાહ

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...