Sunday, December 3, 2017

ડોક્ટર અને દર્દી - આવું પણ થાય છે


એક દિવસ મને બહારગામ તેડવા એક માણસ આવ્યો. નિયમ પ્રમાણે મેં કહ્યું : ‘બહારગામ જઈને તપાસવાના હું 200 રૂપિયા (તે જમાનાની આ વાત) લઉં છું. પૈસા લાવ્યા છો ?’
આવનારે કહ્યું : ‘લાવ્યો નથી, પણ ઘરે જઈને આપીશ.


હું જવા તૈયાર થયો. જઈને દરદીને બરાબર તપાસ્યો. પેટના ક્ષયરોગની અસર જણાઈ. બાઈને પૂછ્યું : ‘અત્યાર સુધી શું દવા કરતાં હતાં ?’

તેણે કહ્યું : ‘થોડા દી’ ઘરની દવા કરી, પણ રોગ પરખાતો નથી. દિનપ્રતિદિન તેઓ ગળતા જ જાય છે.’


મેં કહ્યું : ‘ગભરાવવાની જરૂર નથી. મોડું થયું જ છે, દર્દ ભયંકર છે, પણ ધીરજ રાખી દવા કરશો તો સારું થઈ જશે. પહેલાં તો તેમણે ખૂબ જ આરામ લેવો જરૂરી છે. ચોખ્ખી હવામાં રહેવાનું રાખશો અને સાથોસાથ દર્દીને પૌષ્ટિક ખોરાક-દૂધ, ઘી, ફળ વગેરે આપવાનું રાખશો. દવા અને ઈંજેક્શનો પણ આપવાં પડશે. આ બધું કરશો તો દર્દી બચી જશે.’

બાઈને મારી વાતથી સંતોષ થયો જણાયો, પણ તેના મોં ઉપરની વિષાદની છાયા હું જોઈ શક્તો હતો. એટલામાં જ બાઈએ મને કહ્યું : ‘ડૉકટર સાહેબ, પાંચ મિનિટ બેસજો. હું આવું છું.’ ઘરના ઓરડામાં જઈ હાથમાં કાંઈક છુપાવતી છુપાવતી એ બહાર જવા નીકળી. હું સમજી ગયો.
મેં બાઈને પૂછ્યું : ‘બહેન ખોટું ન લગાડશો, પણ તમો હાલ ક્યાં અને શા માટે જઈ રહ્યાં છો ?’

તેણે કહ્યું : ‘ડૉકટર સાહેબ, તમારાથી શું છુપાવવાનું હોય ? થોડીઘણી બચત હતી તે દવા પાછળ ખર્ચાઈ ગઈ છે. બે મહિનાથી તેઓ કામ પર જતા નથી. હવે મારી પાસે કાંઈ જ નથી. તમારી ફીના તથા દવાના પૈસા આપવા મારી સોનાની બંગડી ગીરે મૂકી તેના ઉપર પૈસા લેવા જઉં છું. આપ બેસજો, તમને ઝાઝા ખોટી નહીં કરું. દાગીના ઉપર ગમે તે માણસ પૈસા આપશે !’ તેનો અવાજ ધીરો બન્યો. હું અવાક્ થઈ ગયો.


મેં કહ્યું : ‘
બહેન, તમારે બહાર જવાની જરૂર નથી. મારી ફી અને દવાના પૈસા હાલ આપવાની ઉતાવળ નથી.’ મેં ખીસ્સામાં હાથ નાખ્યો. મારી પાસે સાડા ચારસો રૂૂપિિયા હતા એ મેં બાઈને આપ્યા અને કહ્યું : ‘ઘી-દૂધના ખર્ચ માટે રાખજો. તેઓ સારા થઈ જશે પછી આપણે બધોય હિસાબ કરીશું.’ બાઈ કૃતજ્ઞતાના ભાર હેઠળ કશું જ બોલી ન શકી. હું ચાલી નીકળ્યો.

રસ્તામાં મન વિચારમાળામાં પરોવાયું. આજે હું યાદ કરું તો બરાબર ૨૩ વર્ષ પહેલાં હું મેટ્રિક-દસમુ પાસ થયો, ત્યારે ટૂંકો પગાર હોવા છતાં પિતાજી દર માસે નિયમિત સ્કુલ-ખિસ્સા ખર્ચના પૈસા મોકલતા અને કહેતા : ‘પૈસા માટે મૂંઝાઈશ નહીં. ઈશ્વર બધી ગોઠવણ કરી રાખે છે.’ જ્યારે ફી ભરવાની આવતી ત્યારે પિતાશ્રીના માસિક પગારથીયે રકમ વધી જતી. એમાંય પાછું એ સમયે બારમાના ટ્યુશનો દોઢ વર્ષ પહેલાથી ચાલુ થઈ જતા, ને તેની બુકીંગ ફી જમા કરાવી દેવી પડતી. મારા સહાધ્યાયીઓને આ વાત ચોક્કસ યાદ જ હશે. 

એક દિવસ રજામાં પિતાશ્રી જોડે વાત નીકળતાં મેં પૂછ્યું : ‘જ્યારે જ્યારે હું પૈસા મંગાવું છું ત્યારે ત્યારે તમે મને નાનીમોટી રકમો કેવી રીતે મોકલી આપતા હતા ?’ પિતાશ્રીએ કચવાતે મને કહ્યું : ‘બેટા, ન પૂછ્યું હોત તો સારું હતું. મારા એક ચોકસી મિત્ર છે. તેમને ત્યાં તારાં બાની સોનાની એક-બે બંગડીઓ મૂકી પૈસા લઈ આવતો અને તને મોકલતો.’ અને એકવાર તો હું મારા જૈવિક-વિજ્ઞાન (બાયોલોજી)ના ટ્યુશનના પ્રથમ દિવસે જ ફી ન ભરાઈ શકવાને લીધે ક્લાસમાં અપમાનિત કરાઈને બરતરફ કરાયેલો..! સજળ અશ્રુભીની એકપણ આજીજી/કાકલૂદી ભરી વિનંતી તેઓએ ના તો સાંભળી કે ના ગ્રાહ્ય રાખી !!! જી હા સરસ્વતી દેવીનેય ગુસ્સો આવે એવી આ શિક્ષણને લજ્જિત કરાવે એ અવસ્થામાંથી પસાર થયેલો હું રડતો રડતો ભગ્નહૃદયે ઘરે પાછો આવેલો...! મને બરાબર યાદ છે ધનતેરસનો એ દિવસ (મોટેભાગે એ વખતે ટ્યુશનના મુહૂર્ત એ દિવસે જ થતા!) કે પપ્પાની ગેરહાજરીમાં મારી માતાશ્રીએ તાત્કાલિક એના કાનની બુટ્ટી એક ચોકસી પાસે ગીરવે મૂકી પૈસા છોડાવી, વળતી રિક્ષાએ તે સાહેબ/મેડમનાં હાથમાં એ મુકેલા!! 


ધનતેરસના દિવસે ગામ આખુંય ધન-ઝવેરાત ખરીદવા ચોકસી-સોનીની પાસે જાય એ સંજોગોમાં એકદમ વિપરીત આ ઘટનાએ મારા મન પર એ વખતે ખૂબ ઊંડી છાપ/ઘા મૂકી દીધેલો !! અહીં એવું નહોતું કે ફી ભરી શકવાનું અમારી પાસે સામર્થ્ય નહોતું, પણ શિક્ષણનો એ નિષ્ઠુર વેપારી એક દિવસ પણ રાહ જોવા તૈયાર નહોતો. પિતાજીને ખબર પણ ના પડે અને કુટુંબના સ્વમાનને ઠેસ ન પહોંચે એ સારું માતાજી એ તાત્કાલિક આ નિર્ણય લઈને, એ તેરસે ઘટેલ આ દુર્ઘટનાનો સુખદ અંત આણેલો. અને આ બાજુ, સહેજ પણ ક્ષોભ, દયા કે કરુણા વગર સ્વીકારી એ શિક્ષણના વેપારીએ મને ટ્યુશનમાં બેસવાની ત્યાર બાદ જ પરવાનગી આપેલી!!


અને એટલેજ છેલ્લે:

માતા-પિતાજીની એ વાત આજે યાદ આવી ગઈ. અને મનમાં જ હું બોલ્યો : ‘હે ઈશ્વર ! ગરીબોની સેવા કરવાની મને શક્તિ આપજે...!!! મને વેપારી નહીં બનાવે તો ચાલશે પ્રભુ ચાલશે !!!’ 

સંપૂર્ણ સત્યઘટના: ડો. કાર્તિક દિલીપકુમાર શાહ

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...