Tuesday, December 5, 2017

કોલંબસ



ભારત આવવા માટે નીકળેલો કોલંબસ ભારત પહોંચતા પહેલા સાવ અજાણ્યા અમેરીકામાં પહોંચી ગયો. કોલંબસ જ્યારે અમેરીકાથી સ્પેન પરત ફર્યો ત્યારે એની આ શોધ બદલ ત્યાંના રાજાએ મોટો સત્કાર સમારંભ રાખ્યો હતો.

કોલંબસે કરેલા આ વિશિષ્ટ કાર્યથી એની નજીકના જ કેટલાક લોકો ઇર્ષાની આગમાં બળી રહ્યા હતા. એમા પણ રાજા તરફથી સત્કાર સમારંભના સમાચાર મળતા તેઓને વધુ બળતરા થઇ. એ બધાએ સાથે મળીને કોલંબસને ઉતારી પાડવાની એક યોજના બનાવી.

કોલંબસ સત્કાર સમારંભમાં પ્રવચન કરવા ઉભો થયો ત્યારે આગળ જ બેઠેલા આ બધા લોકોને જોઇને એ સમજી ગયો કે આ લોકો આજે મારુ અપમાન થાય એવું કંઇક કરશે. પ્રવચન શરુ કરતા પહેલા અગાઉથી જ તૈયારી સાથે આવેલા કોલંબસે સભાજનોને કહ્યુ , "મારી પાસે આ એક ઇંડુ છે જે કોઇ બુધ્ધિશાળી હશે તે પોતાની બુધ્ધિનો ઉપયોગ કરીને આ ઇંડાને ટેબલ પર ઉભુ રાખી દેશે. હું ઇચ્છું છું કે આગલી હરોળમાં બેઠેલા મારા વિદ્વાન મિત્રો આ સભાને એમની બુધ્ધિનો પરિચય આપે."

આગળની હરોળમાં બેઠેલા એક પછી એક વ્યક્તિએ ઇંડાને ટેબલ પર ઉભુ રાખવાના પ્રયાસો કર્યા પણ કોઇને સફળતા મળી નહી એટલે એક મિત્રએ કોલંબસને કહ્યુ , "આપ જ હવે આ ઇંડાને ટેબલ પર ઉભુ રાખી દો ને."

કોલંબસે હાથમાં ઇંડું લઇને ધીમેથી એક ભાગ ટેબલ સાથે અથડાવ્યો એટલે ઇંડાનો થોડો ભાગ સપાટ થઇ ગયો પછી ઇંડું ટેબલ પર ઉભુ રહી ગયું. આ જોઇને સામે બેઠેલા મિત્રોએ કહ્યુ કે આમાં શું નવું છે આ તો કોઇપણ કરી શકે છે. કોલંબસે એમને એટલુ જ કહ્યુ , " તો તમે કોઇએ કેમ એમ ન કર્યુ?? "

આ સાંભળીને બધા ચુપ થઇ ગયા.

અને છેલ્લે: "જ્યારે કોઇ કંઇ નવું કાર્ય કરે ત્યારે તેની પ્રશંસા કરવાને બદલે આપણે એની ટીકા કરીએ છીએ અને કહીએ છીએ કે આ તો બધા કરી શકે એમ છે. આપણી અને આવા કામ કરનારા વચ્ચે ફર્ક માત્ર એટલો જ છે કે આપણે માત્ર વાતો કરીએ છીએ અને એ લોકો કરીને બતાવે છે."

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...