Wednesday, December 6, 2017

પુનર્જન્મ (રિઇન્કારનેશન) - રોચક સત્યપ્રસંગો


1930માં દિલ્હીમાં શાંતિદેવી નામની એક યુવતી રહેતી હતી. ચાર વર્ષની ઉંમર સુધી તે બહુ ઓછી બોલતી હતી. પછી તેણે બોલવાનું શરૂ કર્યું તો બધાની બોલતી બંધ થઈ ગઈ હતી. ચાર વર્ષની શાંતિએ માતા-પિતાને કહ્યું કે આ તેનું અસલી ઘર નથી. તેનું ઘર મથુરામાં છે જ્યાં તેનો પતિ અને બાળકો રહે છે, તેમજ તે તેની પાસે પરત જવા માગે છે. 

તેણે કહ્યું કે તેનું નામ લુગડી દેવી હતું, તેમજ બાળકને જન્મ આપ્યા બાદ તેનું મોત થઈ ગયું હતું. શાંતિના માતા-પિતાને લાગ્યું કે આ પુનર્જન્મનો કેસ છે. તેણે પોતાની પુત્રીને સમજાવી કે આ બધી વાતો ભૂલી જાય, પંરતુ શાંતિના દિમાગમાંથી આ હકીકત નીકળી નહીં. તેણે સ્કૂલમાં શિક્ષકને આ વાત કહી હતી.

શિક્ષકે તપાસ માટે શાંતિના કહેવામાં આવેલા સરનામા પર પત્ર લખ્યો. બહુ ઝડપથી તેને શાંતિ દ્વારા બતાવવામાં આવેલા પતિ તરફથી વળતો જવાબ મળ્યો હતો. તેણે કહ્યું કે થોડા સમય પહેલા તેની પત્ની લુગડી દેવીનું પ્રસૂતિ દરમિયાન મોત થઈ ગયું હતું.

શાંતિને મથુરાના ઘર અંગે જે કંઈ પૂછવામાં આવ્યું તે બધુ સાચું સાબિત થયું હતું. આ કેસ ખૂબ ચર્ચિત થઈ ગયો હતો. મહાત્મા ગાંધી સહિત એ સમયના મોટા નેતા અને અધિકારીઓએ આ કેસની તપાસ કરી હતી. બની શકે કે તેને કોઈ આવી માહિતી આપી રહ્યું હોય, પરંતુ એવું પણ બિલકુલ ન હતું.

શાંતિએ પોતાના પતિ અને બાળકોને પણ ઓળખી બતાવ્યા હતાં. તેને તેની પાછલી જિંદગી વિશે અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતાં. જેમાંથી તેને 24 પ્રશ્નોના સાચા જવાબ આપ્યા હતાં. તેને જ્યારે મથુરા લાવવામાં આવી ત્યારે તે અહીં પણ લોકોને ઓળખીને તેની સાથે વાતચીત કરવા લાગી હતી. ભારતીય સંસ્કૃતિમાં પુનર્જન્મને માનવામાં આવે છે, પરંતુ વિદેશના વૈજ્ઞાનિકો માટે આ રહસ્ય બની રહ્યું છે કે ચાર વર્ષની બાળકી આવું કેવી રીતે કરી શકે છે...!!!

એક રહસ્ય...
1930માં દિલ્હીની શાંતિદેવી પર ઘણું રિસર્ચ કરવામાં આવ્યું. આમ છતાં એવું સાબિત કરી શકાયું ન હતું કે આ કોઈ માનસિક બીમારી છે કે પછી પુનર્જન્મનો કેસ છે.

'આવી અનેક ઘટનાઓ ચકાસ્યા પછી હું એવા તારણ પર આવ્યો છું કે, આવા મજબૂત કિસ્સાઓ પાછળ પુનર્જન્મ એ માત્ર કારણ નથી, પરંતુ મજબૂત કિસ્સાઓમાં તે એક જ અમારી પાસે સર્વશ્રેષ્ઠ કારણ છે.' સતત 40 વર્ષ પુનર્જન્મના વિષયના સંશોધનમાં જ ખપાવી દેનાર પ્રસિદ્ધ અમેરિકન વિજ્ઞાની ડૉ. ઇઆન સ્ટીવન્સને 3,000 કિસ્સાઓ ચકાસ્યા પછી આ વૈજ્ઞાનિક તારણ આપ્યું છે. 

પુનર્જન્મ એ હિન્દુ ધર્મનો પાયાનો એક પ્રાચીન સિદ્ધાન્ત છે, પરંતુ પશ્ચિમી દુનિયાના વિજ્ઞાનીઓ પણ તેને સમર્થન આપતા થયા છે. ડૉ. સ્ટીવન્સને પુરવાર કરેલા આવા કિસ્સાઓમાં ભારતમાં સ્વર્ણલતા, શાંતિદેવી જેવા અનેક કિસ્સાઓ પ્રસિદ્ધ છે. ત્રણ વર્ષની ઉંમરે સ્વર્ણલતાએ અને ચાર વર્ષની ઉંમરે શાંતિદેવીએ પોતાના નિવાસસ્થાનથી કેટલાય કિલોમીટર દૂરનાં ગામોમાં પોતાના પૂર્વજીવનનાં એંધાણો આપ્યાં, એટલું જ નહીં, પોતાના પૂર્વજીવનનાં સંતાનો અને ઘરનાં અનેક સભ્યોને નામ-ઠામ સહિત પ્રથમ નજરે જ ઓળખી કાઢીને સૌને અચંબામાં નાંખી દીધા હતા.

ડૉ. સ્ટીવન્સન અને ધ વોશિંગ્ટન પોસ્ટના રવિપૂર્તિના ઍડિટર ટોમ શ્રૅડરે કરેલા સંયુક્ત પ્રયાસ રૂપે પ્રકાશિત થયેલું પુસ્તક 'Old souls' પણ જગવિખ્યાત છે. (Shroder, Tom. 1999, Old Souls : The Scientific Evidence for Past Lives. Simson and Shuster, NY, USA.) તેમાં આવાં બાળકોના અનુભવોની ભરમાર છે. આ બાળકોએ આપેલી માહિતીઓમાં, માત્ર પૂર્વ મૃત વ્યક્તિનું નામ જ નહીં, તેની રહેણીકરણીથી માંડીને, તેના અંગત જીવનની એટલી સૂક્ષ્મ માહિતી હતી કે જેની જાણ તેના અંગતમાં અંગત સ્વજન સિવાય કોઈને ન હોય! અને આવા તો હજારો કિસ્સાઓ.. .. 

પુનર્જન્મના આવા કિસ્સાઓમાં વૈજ્ઞાનિકોએ ઉંમરની બાબતમાં મહત્ત્વની કડી શોધી. સામાન્ય રીતે ત્રણેક વર્ષની ઉંમરે બાળકને પૂર્વ જન્મની સ્મૃતિઓ અચાનક ખીલવા લાગે છે અને પૂર્વજન્મની વાતો કરવા માંડે છે અને સાતેક વર્ષની ઉંમર સુધી આ સ્મૃતિઓ જળવાય છે. સાત વર્ષ પછી તે પૂર્વજન્મનું ભાથું ભૂલવા લાગે છે. ડૉ. સ્ટીવન્સનનાં સંશોધનોમાં ઊડીને આંખે વળગે એવી એક વાત, સૌને પુનર્જન્મના મુદ્દા પર વિચાર કરતાં કરી મૂકે છે. 

સને 1997માં તેમણે ત્રણ ભાગમાં બે પુસ્તકો પ્રકાશિત કર્યાં છે : 'બાયોલોજી એન્ડ રિઇન્કારનેશન' તથા 'વ્હેર બાયોલોજી એન્ડ રિઇન્કારનેશન ઇન્ટરસેક્ટ.' અઢી હજાર કિસ્સાઓનો કમ્પ્યૂટરાઇઝ્‌ડ ડેટાબેઝ બનાવીને સ્ટીવન્સને આ પુસ્તકોમાં સંશોધનો રજૂ કર્યાં છે. 

અને છેલ્લે:
પુનર્જન્મ ની વાત પર પાછા આવીયે તો આપણે પાછલો જન્મ યાદ આવવાના ઘણા કિસ્સા ઉપર મુજબ સાંભળતા અને વાંચતા હોઈએ છીએ, પણ આ કેવી રીતે શક્ય બને..? પાછલા જન્મ નુ શરીર તો બાળી નાખવામાં કે દાટી દેવામાં આવ્યુ હોય છે, શરીર સાથે તેનુ મગજ પણ નાશ પામે છે તો યાદ જેમાં સંઘરાય છે તે મગજ જ નાશ પામ્યુ હોય તો પાછળનો જન્મ કેવી રીતે યાદ આવે..? આત્મા ના અમરત્વ માં માનીયે તો પણ પાછળનો જન્મ યાદ આવવાનુ તો બિલ્કુલ માની ન શકાય....તો પછી આ ઘટનાઓ પાછળનું રહસ્ય શું??

બાળકને જન્મજાત આવતી ખોડખાંપણ કે શરીર પરનાં કેટલાંક ચિહ્‌નો અને તેના પૂર્વજન્મને કાંઈ લેવાદેવા છે? સ્ટીવન્સન પાસે તેનો જવાબ તૈયાર છે : હા ! ગયા જન્મમાં મૃતકના શરીર પર કોઈ મોતકારક ઘા કે કોઈ જખ્મ થયા હોય તેની અસર આ જન્મના શરીર પર દેખાઈ શકે છે. કેવી રીતે ? એ ફરી ક્યારેક !! 

" જેમ અત્યારે મેમરી બેક એ વિકલ્પ ફોનમાં આવે છે એટલે કે આખી સિસ્ટમનો ડેટા કોઈ સેન્ટ્રલ સારવાર પર એ ક્લાઉડ કે ડ્રોપ બોક્સ કે પછી વન ડરાઇવમાં સ્ટોર થઇ જાય છે એમ આપણાં સૌની મેમેરી એટલેકે યાદ શક્તિ પણ આપણી જાણ બહાર કોઈ આવાં જ ભેદી, અજ્ઞાત ક્લાઉડ સર્વર પર સ્ટોર નહિ થતી હોય ને?? એટલે કે એનોય ક્યાંક બેક અપ તો નહિ થતો હોય ને?? અને જ્યાંથી એ ક્યાંક ડાઉનલોડ થઇ આ રીતે પ્રગટ થતો હોય?"

 આ કેવળ મારો વિચાર છે અને મારુ સંશોધન આ વિષયમાં ચાલુ જ છે.....આપ સૌને અને અન્ય વિજ્ઞાનીઓને પણ વિનંતી કે આ વિષય પર થોડું વિચારી આપનો સહકાર આપવો....



-- ડો. કાર્તિક ડી. શાહ

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...