Friday, December 8, 2017

બ્રેઇન ડ્રેઈન આવું પણ!!!


પ્રસંગ ૧~~~ ' મમ્મી, આમ તો અમે લંડનમાં સેટલ થઈ ગયાં છીએ. પણ એક વિચિત્ર મુશ્કેલી છે. રસોઈ કરતી વખતે કંઈ શેકીએ કે તળીયે તો રસોડાનાં એલાર્મની સીટી વાગવા માંડે, કેમ જાણે કોઈ ગુનો કર્યો હોય…' નવી નવી લંડનમાં આવેલી સીમાએ રજનીને ફોન પર કહ્યું.

‘આપણા ઘરમાં આપણે ગમે તે રસોઈ કરીએ એમાં સીટી શા માટે થવી જોઈએ ?’ રજનીએ પૂછ્યું.

જવાબમાં સીમાએ ખુલાસો કર્યો : ‘અહીં બધાંને આગ લાગવાની બીક રહે છે, કારણ કે ઘરની બાંધણીમાં લાકડું બહુ વપરાય છે. ઘરમાં જરા જેટલો ધુમાડો થાય કે સ્મોક ડિટેકટર સીટીઓ વગાડવા માંડે. તળવાનું તો ઠીક પણ કોઈ વાર વઘાર બળી જાય, ધૂપ કે અગરબત્તી કર્યા હોય તોપણ એલાર્મ વાગે. પહેલાં મેં કહ્યું કે બધી બારી ખોલી નાખીએ એટલે ધુમાડો બહાર નીકળી જાય, પણ એવું કરીએ તો પડોશીને વાસ આવે, છીંક અને ઉધરસ આવે એટલે એ ફરિયાદ કરે. આમ પણ ઠંડીની ઋતુમાં તો બારી ખોલવાનો સવાલ જ નથી. ઠંડીમાં તો બંધ બારીએ પણ ઠરી જવાય છે.’

થોડા દિવસ પછી સીમાએ રાજી થઈને રજનીને ફોન કર્યો : ‘યૂ નો સમથિંગ ? ખૂબ વિચાર કર્યા પછી સુબોધે એ સ્મૉક ડિટેક્ટરનું એલાર્મ જ બંધ કરી દીધું. એ એન્જિનિયર છે ને એટલે એને આવાં રોડાં કરતાં આવડે. હવે ઘરમાં ગમે તેટલો ધુમાડો થશે તોપણ સીટી નહીં વાગે. બહાર કોને ખબર પડવાની હતી….?’ આનું નામ બ્રેઈન ડ્રેઈન !!

પ્રસંગ ૨~~~ ભારત સરકારે જ્યારે પાંચ રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો ત્યારે કોઈકે ભેજું લડાવીને એ જ સિક્કાના કદના આઠ આનાના – પચાસ પૈસાના બે સિક્કા ચોંટાડી બેધ્યાન હોય કે ઉતાવળમાં હોય તેવી વ્યક્તિને પાંચ રૂપિયાના સિક્કા તરીકે પધરાવવાનું શરૂ કર્યું. આમતેમ ફેરવીને જોઈએ નહીં તો એ પાંચ રૂપિયાનો સિક્કો નથી એવો ખ્યાલ પણ ન આવે. ટંકશાળાએ પાંચ રૂપિયાના સિક્કાનું ઉત્પાદન શરૂ કર્યું તેના થોડા જ દિવસો પછી પાંચના સિક્કાની અછત નિર્માણ થઈ. નાની નાની કોથળીઓ ભરી આ સિક્કાઓની ઈંગ્લેન્ડમાં ગેરકાયદે નિકાસ થવા માંડી. 

કારણ ? આ સિક્કો એક પાઉન્ડના સિક્કા જેટલું જ કદ અને વજન ધરાવતો હોવાથી ત્યાંના વેન્ડિંગ મશીનમાં (સિક્કો નાખતાં કબાટમાંથી આપમેળે ચીજ બહાર આવે તેવા મશીન) આપણા ભારતીયોએ પાંચિયું નાખીને એક પાઉન્ડ… તે સમયે લગભગ પંચોતેર રૂપિયાની કિંમતની ચોકલેટ, બિસ્કિટ વગેરે ચીજો ઝપાટાબંધ ખરીદવાનું શરૂ કર્યું. 
આ છેતરપિંડીની જાણ થઈ કે તરત ભારત સરકારને પાંચ રૂપિયાના સિક્કાનો અવતાર બદલવાની તાકીદ થઈ. ઈંગ્લૅન્ડના દુકાનદારો પાઉન્ડના સિક્કાને બદલે પાંચ રૂપિયાનો સિક્કો પધરાવી દેવા જેટલા સ્માર્ટ નહોતા !! આનું નામ બ્રેઈન ડ્રેઈન !!

પ્રસંગ ૩~~~ અમેરિકા જવા ઈચ્છનાર ડૉક્ટરોએ ત્યાં જતાં પહેલાં એક પરીક્ષા પાસ કરવી પડે છે. પાંત્રીસેક વર્ષો પહેલાં ઈ.સી.એફ.એમ.જી. (હાલની યુ.એસ. એમ.એલ.ઈ.) પરીક્ષા બીજા દેશોમાંની જેમ ભારતમાં પણ લેવાતી. 

અમેરિકા જવા ઉત્સુક તાજા પાસ થયેલા ડૉક્ટરોનો આ પરીક્ષામાં બેસવા ધસારો થતો હતો. ત્રણ-ચાર વર્ષમાં જ ભારતમાં આ પરીક્ષા લેવાનું બંધ કરવામાં આવ્યું અને પરીક્ષા આપવા ઈચ્છનાર ડૉક્ટરોને સિંગાપોર કે બીજા દેશમાં જવાની ફરજ પડી. 

ભારતમાં પરીક્ષા લેવાનું બંધ થવાનું કારણ આપણા અતિ ડાહ્યા ભારતીયો જ હતા. મુંબઈ અને દિલ્હીમાં પરીક્ષા લેવાતી હોવા છતાં અમુક વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા સિંગાપોર પહોંચી જતા. પરીક્ષાના હોલમાં દસેક મિનિટ ગાળી, કંઈ આવડતું નથી તેવું જણાવી કોરું પેપર મૂકી, છાપેલું પ્રશ્નપત્ર લઈ બહાર આવી જતાં. ત્યારબાદ ફેક્સની મદદથી આ પ્રશ્નપત્ર ભારત મોકલતા. સિંગાપોરનો સમય ભારત કરતાં અઢી કલાક આગળ હોવાથી દસ વાગે શરૂ થનારી પરીક્ષાનું પ્રશ્નપત્ર સવારે સાડા સાતે મળી જતું !! 

અલબત્ત ભારે કિંમત ચૂકવનારને સિંગાપોર જનાર ડૉક્ટરને અમેરિકા જવા કરતાં પૈસા કમાઈ લેવામાં વધુ રસ હતો. આ કૌભાંડ બહાર આવતાં જ ભારતમાં લેવાતી ઈ.સી.એમ.એફ.જી. પરીક્ષા બંધ થઈ ગઈ અને વિદ્યાર્થીઓને સિંગાપોર, સિલોન વગેરે સ્થળે જવાની ફરજ પડી. 

આનું નામ બ્રેઈન ડ્રેઈન !!

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...