Sunday, December 31, 2017

લગ્નજીવન - વહેવાર

એક હકીકત, હૈયા પર હાથ રાખીને મૂલવજો.

આપણે પતિ-પત્નીને ‘નજીક’ જ જોતાં હોઈએ છીએ અને જો એમ જ હોય તો લગ્નજીવનમાં પ્રવર્તતા લડાઈ-ઝગડા, અસંતોષ, અંજંપો ક્યાંથી હોય ? પણ આ નજીકતામાં ક્યાંક કંઈક ખૂટે છે. નજરે દેખાતી ‘નિકટતા’ એ ભૌતિક છે, આપણી વાત ‘માનસિક નિકટતા’ની છે, મનમેળની છે.

પત્નીને અમુક રંગની સાડી કે ડ્રેસ પસંદ નથી જ્યારે પતિ તેને એવા જ રંગની સાડી ભેટ આપે અને પાછી એવી અપેક્ષા રાખે કે પત્ની પોતાની ભેટની કદર કરે. પત્નીને ઘરકામમાં કોઇ ટોકે એ ગમતુ નથી, પતિ પોતાનો અહમ સંતોષવા કે જ્ઞાનનું પ્રદર્શન કરવા ઘરકામમાં માથુ મારે. પત્ની ઇચ્છે કે પતિ વ્યવસાયમાંથી પરવારી સાંજનો સમય ઘરમાં વિતાવે, જ્યારે પતિને, પત્ની કે ઘર કરતાં મિત્રોમાં વધુ રસ હોય.

સામે પક્ષે પણ પરસ્થિતિ સરખી જ છે. પતિને હોટેલ કે રેસ્ટોરન્ટમાં જમવાનું પસંદ નથી પણ રજાના દિવસે રસોડામાં પણ રજા જ પડી હોય. વ્યવસાયમાંથી થાકેલો પતિ ઘરમાં પગ મૂકે ને ઘરપારાયણ શરુ થઈ જાય. બહેનપણીનો પતિ અમુક પ્રકારના કપડા પહેરે એટલે પોતાના પતિને પણ એવા જ કપડા પહેરવા જોઈએ એવો દુરાગ્રહ સેવાય.

તમને બહુ સામાન્ય દેખાતા, આવા અસંખ્ય દાખલાઓ ગણાવી શકાય પણ આવા જ ‘એડજસ્ટમેન્ટ’ ધીમે ધીમે ‘મનમેળ’ ઘટાડે અને લગ્નજીવનનું ‘રગશીયું’ ગાડું આગળને આગળ ખેંચાતું ચાલે. આમ ભૌતિક રીતે નજીક દેખાતા પતિ-પત્ની માનસિક રીતે જોજનો દૂર ઉભા હોય.

હૈંયા પર હાથ મુકી જાતને પુ્છો ને ‘તમે તમારા સાથીદાર થી નજીક છો ?’

જવાબ સ્પષ્ટપણે ‘હા’ કે ‘ના’ માં ન પણ મળે, પણ ‘હા’ કે ‘ના’ માંથી કોઈ એક તરફ તો ઢળતો હોય શકે. જો ‘હા’ તરફ ઢળતો હોય તો જીવન જીવવા જેવું લાગતું હોય, જો ‘ના’ તરફ હોય તો …….(મારે લખવાની જરુર નથી, જવાબ તમારો જ છે, ખાનગી છે અને ખાનગી રહેશે.). મને તો માનવીય લાગણીઓમાં શ્રધ્ધા છે અને તેથી હું તો માનું છું કે પતિ-પત્નીના સંબંધો એ અમદાવાદના ઝુલતા મીનારા જેવા છે, બન્ને દુન્યવી રીતે એકબીજાથી સ્વતંત્ર દેખાય છે, પણ એક્ને ઢંઢોળો તો બીજો તુરંત જ આંદોલીત થાય. જો આવું ન હોય તો ? એમાં ફેરફાર થઈ શકે ? જરુર થઈ શકે. ફક્ત એકબીજાના લાગણીતંત્રને જોડતા કંપનો આડેથી અવરોધો દૂર કરવા પડે. આ માટે પ્રયત્ન કરવો પડે, જેઓને અવરોધ દેખાય છે તેમણે અવરોધ દૂર કરવા માટે અને જેમને કોઈ અવરોધ નથી તેમણે જીવનને વધુ મધુર બનાવવા માટે.


તમને ધીરજપૂર્વક પ્રયત્ન કરવાની ઇચ્છા છે ? તો આત્મ નિરીક્ષણ કરવું પડશે. આત્મનિરીક્ષણની વાત સાંભળી આધ્યામિકતામાં સરી પડવાની જરુર નથી, 😂🤣એવી કોઈ વાત જ નથી.

હવે એક મુંઝવતો પ્રશ્ન:
"ભારત દેશમાં કેટલી વાર પત્નીપીડિત પતિઓ વિશે અથવા તો પતિ પર થતાં શોષણ કે અત્યાચાર વિશે મુક્ત ચર્ચા કે મીડિયામાં કવરેજ થયું હશે?" 

ચાલો, બહુ વિચારીએ તો કંઈક યાદ આવી પણ જાય અને જો આવી જ જાય તો કેટલી સંસ્થાઓ આવા વિકટીમ પતિઓને મદદ કરે છે અથવા તો સમાજ કેટલી સહાનુભૂતિ દર્શાવે છે?

મને તો ઘણી વાર વિચાર આવે કે આ અમુક કાયદાઓ  જેન્ડર ન્યુટ્રલ કેમ ન હોઈ શકે, જે રીતે આપણે જેન્ડર ન્યુટ્રેલિટી ને પણ સમર્થન આપીએ છીએ.


જો ડોમેસ્ટિક વાયોલન્સમાં કેસ દર્જ થાય તો પતિશ્રીએ દર દસ દિવસે થતી સુનાવણીમાં ફરજિયાત હાજર રહેવાનું, ને એમ ન કરે તો એ રોંગ-ડુઅર સાબિત થાય! લો બોલો. અને મહિલા માટે એમ નથી. આ કેસોનો નિકાલ ૬ મહિને થઈ જવો જોઇયે પણ એમ ન થતા લાંબો ચાલે તો પણ પ્રથા આમ જ ચાલુ રહે.

પુરુષ માટે કોઈ ડોમેસ્ટિક વાયોલન્સ એકટ નથી! અથવાતો એમાં જોગવાઈ પણ નથી. એટલે કાયદો જેન્ડર બાયસડ છે જેનો છડેચોક ગેરલાભ ઉઠાવાય છે.

પુરુષનેતો ખાસ આવા અત્યાચારનો ભોગ બન્યા બાદ આપણો સમાજ સપોર્ટ નથી આપતો..ઉલટો ખોટા ડોમેસ્ટિક વાયોલન્સ, dowry કેસનો ગેરલાભ ઉઠાવી તગડા કંપેન્શેષન મેળવવાની તરકીબો આપણાં જ આ સમાજમાં ચાલે જ છે....તો શું બધી મહિલાઓ એવું જ કરે વિચારે છે?? ના, સબળી બાજુ પણ છે જ બંને પક્ષે. પુરુષને તો કાયદાકીય, સામાજિક, આર્થિક કે એકેય પ્રકારની સહાનુભૂતિ નથી પ્રાપ્ય આ સંજોગોમાં!! ઊલટું તેઓ હાંસીને પાત્ર બની જાય...

એક સર્વેક્ષણમાં ડોમેસ્ટિક વાયોલન્સમાં વિકટીમ મહિલાઓ કરતા વિકટીમ પુરુષો વધારે ડિપ્રેસડ અને સહન કરતાં માલુમ પડ્યા છે. કારણ?? 
૧. સમાજની શરમ 
૨. ખોટા કેસોની બીક 
૩. જેન્ડર બાયસડ ડોમેસ્ટિક વાયોલન્સ એકટની બીક 
૪. માતાપિતાનું દબાણ 
૫. પુરુષસહજ સ્વભાવ અને સૌથી અગત્યનું 
૬. ડીનાયલ એટલે કે પરિસ્થિતિનો જ અસ્વીકાર. પુરુષો એમ માનવા જ તૈયાર નથી હોતા કે તેમની જોડે આમ થયું. તેઓ એમ જ માને કે એ પરિસ્થિતિ સુધારી લેશે!!


યુ.એન ના એક સર્વેક્ષણ મુજબ (2016) પતિઓ પર અત્યાચાર કરવામાં પત્નીઓમાં (જી હા, બરાબર જ વાંચી રહ્યા છો આપ...!!!) ભારત, દુનિયામાં ત્રીજા નંબરે આવે છે. વળી યુ.એસ. માં દર 37.8 સેકન્ડે એક પતિ  અત્યાચારનો ભોગ બને છે એટલેકે પત્નીપીડિત છે, અને આ આંક ચોંકાવનારી ગતિએ વધી રહ્યો છે. 


યુ.કે માં ડોમેસ્ટિક વાયોલન્સમાં 40% ભોગ પુરુષો પણ બન્યા છે. લેટેસ્ટ 2017ના આંક મુજબ દર ત્રણે- એક મહિલા અને દર ચારે-એક પુરુષ ઘરેલુ અત્યાચારનો ભોગ બની રહ્યા છે.

વળી, લેટેસ્ટ એટલે કે ઔગસ્ટ 2017માં ભારતની (જી હા ભારતની!!) સુપ્રીમ કોર્ટે, ડોમેસ્ટિક વાયોલન્સનો મહિલાઓ દ્વારા વધુ પડતો દુરુપયોગ ઉજાગર કરીને પત્નીપીડિત પુરુષોને રક્ષણ આપવા એક લેન્ડમાર્ક ચુકાદો પણ આપ્યો છે. . .!!

અહીં ઘરના કિંગ કે કવીન બનવાની કેમ મહેચ્છા હોય છે એ જ નથી સમજાતું? ડબલ્સની ટેનિસ મેચની જેમ બંને ટીમ મેટ સાથે જ જીવન રૂપી રમતને કેમ આગળ ન ધપાવી શકે ? એમાં કોઈ કિંગ કવીન ન હોય, સરખું જ એકદમ. ગુસ્સો, ઓળખનો અસ્વીકાર, નકારાત્મક લાગણીઓ, અહમ, અપેક્ષા અને એવા બીજા ગુણ કે લાગણીઓ પતિ-પત્ની કે અન્ય સંબંધોમાં તીરાડ પાડવાના કે સંબંધોમાં વિસંવાદિતતા (Conflicts) ઊભા કરવા માટેના ટ્રીગરો છે. મનમાં કડવાશ ઊભી કરે છે. જ્યારે જ્યારે આપણી અપેક્ષા મુજબનું વર્તન સામેવાળાનું ન થાય ત્યારે આપણને ખૂંચે છે. આપણી અપેક્ષાઓની અવગણના કે અવહેલના થાય ત્યારે સંબંધોમાં કડવાશ આવે છે.

‘અહમ’ વિશે તો આપણે એટલું બધું જાણીએ છીએ કે સ્વાભિમાન અને અભિમાન વચ્ચેની ભેદરેખા પણ ભૂસી નાખી છે. પતિ-પત્નીના સંબંધમાં વધુમાં વધુ કડવાશ, અહમનો ટકરાવ પેદા કરે છે. જે સંબંધમાં (પતિ-પત્નીના) સ્વાભિમાનને પણ ઓગાળી નાખવું જોઈઍ ત્યાં આપણે અહમને જીવતો રાખી જીવનમાં કડવાશ ઊભી કરીએ છીએ. મનુષ્ય જીવનની એક મજબૂત સંબંધ બાંધવાની પ્રક્રીયા – લગ્નવિધીને આપણે એક “વહેવાર”માં ફેરવી નાખી  છે. એમાં સંબંધ બાંધવા સિવાયનું બીજુ બધું જ આવે છે. અહમ અને સરખામણી ના વહેવારોથી બંધાયેલો પતિ-પત્નીનો સંબંધ પણ એક વહેવાર જ બની જાય ને ! હકીકત એ છે કે વહેવારો હંમેશા નાજુક હોય છે. જો વહેવારમાં બરાબરી (Equilibrium) ન જળવાય તો બેલેન્સ ખોરવાય અને સંબંધોમાં તિરાડ પડે.

પ્રેમ સંબંધથી બંધયેલા પતિ-પત્ની વચ્ચેના સંબંધમાં અહમનો અભાવ, સમાનતા ની ભાવના, જતુ કરવાની વૃતિ, બાંધછોડ્ની તૈયારી, આ બધુ જ બંને પક્ષે સમાયેલું છે અને ઍટલે જ મજબુત છે. પતિ-પત્નીના મજબુત સંબંધને અહમ, માન્યતાઓ, પૂર્વગ્રહો સાથે ટકરાવીને આપણે જ નાજુક બનાવી દીધો છે.

― ડો. કાર્તિક શાહ

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...