Sunday, December 31, 2017

શુભેચ્છાઓનો અતિરેક

શુભેચ્છાઓનો અતિરેક

નવરાત્રિના પહેલા દિવસથી શુભેચ્છાઓનું જે બૉમ્બાર્ડિંગ શરૂ થયેલું તે છેક લાભપાંચમ સુધી ચાલુ રહ્યું. થોડાક અઠવાડિયાના યુદ્ધવિરામ પછી આવ્યું ક્રિસમસ અને ઈસુનું નવું વર્ષ એટલે ફરી પાછી શરૂ થઈ ગઇ આ ગોલાબારી. પછી ઉતરાણ વખતે, હોળી વખતે, રામનવમી, અષાઢી બીજ અને રક્ષાબંધન વખતે, ગણેશોત્સવ અને જન્માષ્ટમી વખતે. હેપી ધિસ તહેવાર અને હેપી ધૅટ તહેવાર. ફલાણા ફેસ્ટિવલ નિમિત્તે શુભેચ્છાઓ અને ઢીંકણા ત્યોહાર પ્રસંગે શુભકામનાઓ.

આ આપણી સંસ્કૃતિ જ નથી. હેપી ન્યુ યર અને મેરિ ક્રિસમસ એવી લાગણીઓની શાબ્દિક આપલે "એ" લોકો કરે. આપણે ત્યાં બોલીને નહીં, વર્તીને શુભ લાગણીઓ - આશીર્વાદોને આપલે કરવાનો રિવાજ હતો જે દેખાદેખીમાં ખોવાઈ ગયો. દિવાળી પછીના બેસતા વરસના દિવસે વડીલોને તમે પગે લાગો અને એ તમારા માથા પર હાથ મૂકે એટલે હેપી ન્યુ યર કે સાલ મુબારક બોલવા કરતાં અનેકગણી તીવ્રતાએ તહેવાર નિમિત્તના આનંદની આપલે થઈ ગઈ. 

તમે મારે ત્યાં મગસ-મોહનથાળ, અને હું તમારે ત્યાં મઠિયાં-ચોળાફળીની થાળી મોકલો એટલે અપાઈ ગઈ શુભેચ્છાઓ. બોલવાની કંઈ જરૂર નથી. મારાં અને તમારાં છોકરાંઓ સાથે મળીને ફટાકડા ફોડે, રંગોળીઓ પૂરે કે પછી સાથે મળીને પતંગ ચગાવે, લાકડાં-ભૂસું ભેગું કરીને હોળી પ્રગટાવે, રંગીન પાણીની પિચકારીઓથી તેમ જ ગુલાલથી એકબીજાને રંગે કે સાથે મળીને હનુમાન ચાલીસાનું પઠન કરે કે ભાઈબહેનના સંબંધોમાં રાખડી બાંધી કે ગણપતિની પૂજા કરીને આરતી ગાય કે દહીંની મટકી ફોડે કે નવ દિવસ સુધી રાસગરબા ગાય અને દસમે દિવસે રાવણ બાળે કે ધાબે જઈને બધા સાથે મળીને દૂધપૌંઆ આરોગે ત્યારે જે લાગણીઓ પ્રગટે છે તે બોલીને કે લખીને અપાતી - મોકલાતી શુભેચ્છાઓ કરતાં અનેકગણી મૂલ્યવાન પુરવાર થાય છે.

હૅપી ન્યુ યર કે સાલ મુબારક કહ્યા પછી સામેની વ્યક્તિનું બાકીનું વરસ કેવું જાય છે એની ફિકર કરી છે ક્યારેય? શુભેચ્છાઓને સસ્તી બનાવી દીધી છે આપણે. શુભ લાગણીઓમાંનું હીર ચૂસી નાખ્યું છે. પછી રસ વિનાના શેરડીના સાંઠાના ડૂચા જેવી શુભેચ્છાના સંદેશાઓ ઢગલામોઢે વૉટ્સઍપ પર મોકલ્યા કરીએ છીએ. સુખનાં તોરણ ઝૂલે ને એવા બધા ચાંપલા, વાયડા, વેવલા શબ્દોના સાથિયાને દીવડાઓના, ક્રિસમસ ટ્રીઓના, સાન્ટા ક્લોઝના, લેમ્પોના અને લાઈટોના ફોગટિયા પિક્ચરો સાથે ફોરવર્ડ કર્યા કરીએ છીએ.

માંડ એક ટકો લોકો તહેવાર પ્રસંગે નિરાંત કાઢીને રૂબરૂ મળવાનું કે પછી ફોન પર ખરા દિલથી વાતો કરીને એકબીજાની સાથે હૂંફાળી લાગણીઓ વહેંચતા હોય છે. નવ્વાણું ટકા લોકો ઔપચારિકતાઓ આટોપવાના આશયે હેપી દશેરા, હેપી રક્ષાબંધન, હેપી હોલી, હેપી મકરસંક્રાન્તિ, હેપી ન્યુ યર, મેરી ક્રિસમસ વગેરેના સંદેશાઓ મોકલી મોકલીને સામા પક્ષે ત્રાસ ત્રાસ કરી નાખતા હોય છે.

હેપી દિવાળીના ગ્રીટિંગ્સ કાર્ડ પણ શરૂ થયા ક્રિસમસ વગેરેની દેખાદેખીથી. સાલ મુબારક કહેવાની પ્રથા સુધ્ધાં નહોતી. અંગ્રેજો હેપી ન્યુ યર કહેતા એટલે એમનું જોઈને પારસીઓએ આપસમાં સાલ મુબારક કહેવાનું શરૂ કર્યું અને પછી એમના હિન્દુ મિત્રો-ઓળખીતાઓને પણ કારતક સુદ એકમે તેઓ સાલ મુબારક કહેવા લાગ્યા. એમનું જોઈને આપણે પણ આપસમાં ‘સાલ મુબારક’ ‘સાલ મુબારક’ કરવા લાગ્યા. કેટલાકને વળી લાગ્યું કે આ તો ‘ઈદ મુબારક’ની જેમ પરધર્મવાળી છાંટ છે આમાં એટલે એનું શુદ્ધિકરણ કરીને ‘નૂતન વર્ષાભિનંદન’ કરી નાખ્યું એટલે આપણે માનવા માંડ્યા કે આ તો આપણી સંસ્કૃતિની પરંપરા થઈ! ના, એવું નથી. દીવા પ્રગટાવીએ, રંગોળીઓ પૂરીએ, નવાં કપડાં પહેરીને એકબીજાના ઘરે નાસ્તાઓ લઈ જઈએ. વડીલોને પગે લાગીને અને નાનાઓને કવરમાં આશીર્વાદ ભરીને આપીએ જેથી તેઓ ફટાકડા ખરીદીને ખુશ થાય, નોકરચાકરોમાં સન્માનપૂર્વક બક્ષિસો વહેંચીએ - આ બધી દિવાળીની ઉજવણીઓ છે. દરેક તહેવારની આ રીતની આગવી ઉજવણીઓ હોય. તહેવારો દરમ્યાન ઘરનાં સભ્યો, કુટુંબ-પરિવારના સભ્યો, સગાંમિત્રો વગેરેને મળીએ, એમની સાથે ક્વોલિટી ટાઈમ ગાળીએ, હસીખુશીની વાતો કરીએ, ભવિષ્ય માટેની સ્મૃતિઓ બનાવીએ તો પછી તહેવારો માટે કૃત્રિમ રીતે અપાતી શુભેચ્છાઓની આપલે કરવાનો વારો ના આવે.

એક જમાનામાં દિવાળીના ગાળામાં ટપાલીઓ નવરા પડતા નહીં. દરેક ઘરે ઢગલો શુભેચ્છાપત્રો પહોંચાડવાના આવતા. હવે ટપાલીઓને બેકાર બનાવીને માર્ક ઝકરબર્ગ એકલાએ આ કામ ઉપાડી લીધું છે. એના વૉટ્સઍપ પર જાતજાતના અપડેટ્સ આવતા રહે છે.

અને છેલ્લે:

બહુ જલદી એક એવું અપડેટ આવે તો સારું: તમારે આવા શુભેચ્છાના સંદેશાઓ બ્લોક કરવા છે?
હા કે ના?


રજુઆત:- ડો  કાર્તિક શાહ. (વિચારબીજ:સૌરભ શાહ,  થોડા પ્રસંગોચિત ફેરફાર સાથે) 

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...