Sunday, October 4, 2020

જીવનઉપયોગી સાત શબ્દો કયા? - વાંચો શબ્દસંપુટ!

 

જો તમને કોઈ જીવનોપયોગી કોઈ પણ છ કે સાત શબ્દો કહેવાનું કહે તો..? આજે આપણે શબ્દસંપુટમાં એવાં જ થોડા શબ્દો વિષે વાત કરવા જઈ રહ્યાં છીએ. ચાલો તો સંપુટમાંથી થોડા ખુબ જ ઉપયોગી એવા શબ્દો બહાર કાઢીએ!

મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનને એક માણસે એક વાર પત્ર લખ્યો હતો કે, આપ જગતના મહાન વિજ્ઞાની છો એ જ રીતે મહાન વિચારક પણ છો, તો આપના વિચારના  નિચોડરૂપ મને છ શબ્દો ન લખીને મોકલી શકો? 

એના જવાબમાં આઇન્સ્ટાઇને લખ્યું: 'ઈશ્વર, દેશ, પત્ની, ગણિત, મનુષ્ય, શાંતિ!'

કોઈ પણ માણસ આ છ શબ્દો ઉપર વિચાર કરશે તો તેમાં તેને આઈન્સ્ટાઈનના મહાન વિચારોનું રહસ્ય અને જીવન વિશેની તેમની ઊંડી સમજણ ચોક્કસ પ્રતીત થશે. શબ્દોને આજકાલ આપણે સાવ છીછરા અને અર્થહીન બનાવી મુક્યા છે! ત્યારે એક શબ્દ કેટલું બધું કહી શકે છે એનો ઉપરથી આપણને ખ્યાલ આવે છે. આજે તો બધું ગરમાગરમ જ વેચાય છે, મોટા મોટા શબ્દો અને ખોટી ખોટી વાતો! ક્યારેક તો જેનો કશો જ અર્થ ન હોય એવા ભારે અને નિરર્થક શબ્દોના ઢગલા જ વાચકો સામે ખડકાયેલા હોયછે. લખનારને જયારે કશું જ કહેવાનું નથી હોતું ત્યારે તે મોટા શબ્દોમાં ખોટી વાતો કહેવાનું શરુ કરે છે. અને હમણાં તો એનો જાણે અતિરેક થઇ રહ્યો છે. કોવીડ-19 ના આવા તોફાની અને દુર્ગમ સમયમાં ફરી એક વાર, આખાયે વિશ્વમાં જેનું વરદાન માત્ર માણસને મળ્યું છે એ શબ્દની શક્તિનો અને એના રહસ્યનો આપણે ગંભીરતાપૂર્વક વિચાર કરીએ તે જરુરી લાગે છે.


જોશુઆ લિબમેન (1907-1948)

જોશુઆ લિબમેનએ લખ્યું છે કે, હું જયારે યુવાન હતો ત્યારે મારા ભાવિ જીવનની પસંદગી માટે મેં છ શબ્દો પસંદ કર્યા છે અને તેને મારા ઓફિસના ટેબલ ઉપર મારી સામે રાખતો હતો. એ શબ્દો હતા -- તંદુરસ્તી, પ્રેમ, નિપુણતા, સત્તા, ધન, કીર્તિ!

એક અમેરિકન માટે એના જીવનનો આખો નકશો દોરી શકે એવા આ છ શબ્દોને ચોક્કસ ગણી શકાય (પાછળથી એણે એમાં એક ફેરફાર કર્યો હતો, એની વાત પછી ક્યારેક!) આમ, શબ્દ એક એવી શક્તિ છે જે આખાય પ્રાણીજગતમાં મનુષ્ય સિવાય કોઈને મળી નથી! જોન ગાર્ડનરની વાત કરીએ તો એમને એક આર્ટિકલમાં એવો પ્રશ્ન કર્યો છે કે એકવીસમી સદીમાં જીવનાર કોઈ પણ વ્યક્તિ માટે સાચી શિખામણનો માત્ર એક જ શબ્દ તમારે આપવાનો હોય તો તમે કયો શબ્દ એને આપો?


આ વાત એણે  અનેક માણસોને, અનેક સંમેલનોમાં અને મિત્રોને જુદી જુદી મહેફિલોમાં પૂછેલું અને ઘણાબધા માણસો પાસેથી જુદા જુદા શબ્દો જાણ્યા પછી તેમાંથી સૌથી અગત્યનો એક શબ્દ તેણે પસંદ કર્યો છે: "live!"-- "જીવનને બરાબર જીવી જાણો!"


જ્હોન ગાર્ડનર (1933-1982)

આમ તો આ શબ્દ ખુબ જ સામાન્ય જણાય છે. પરંતુ એકવીસમી સદીના આ ઐતિહાસિક કાળખંડમાં આપણે જે ઉતાવળિયું, અધકચરું, ભયયુક્ત અને મૂર્ખાઈભર્યું જીવન જીવી રહ્યા છીએ એ જોતા એમ લાગે છે કે એકવીસમી સદીના કોઈપણ માણસ માટે "Live" શબ્દ કદાચ સૌથી ઉપયોગી નીવડશે! જીવન જીવવું એટલે માત્ર આ પૃથ્વી-ધરા પર હોવું, ખાવું-પીવું અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું એટલું જ નથી, એનો અર્થ ઘણો વિશાળ છે!

થોન્ટર્ન વાઇલ્ડર (1897-1975)

થોન્ટર્ન વાઇલ્ડરના એક નાટક 'અવર ટાઉન'માં એક યુવાન સ્ત્રી એકાએક મૃત્યુ પામે છે. પરંતુ તેને તેના જીવનનો માત્ર એક દિવસ જીવવાની એક તક ફરીથી આપવામાં આવે છે. આ દિવસ તેણે  કયો પસંદ કરવો એ તેની મુનસફી ઉપર હોય છે. એ યુવાન સ્ત્રી પોતાની વીસમી વર્ષગાંઠનો દિવસ પસંદ કરે છે, એ દિવસ તેને પુરેપુરી તીવ્રતાથી જીવી લેવાની, જાણી લેવાની ઈચ્છા હોય છે. બધું જ જોઈ લેવાની, જાણી લેવાની અને માણી લેવાની ઈચ્છા હોય છે.

પરંતુ અફસોસ સાથે તેને ખ્યાલ આવે છે કે જે ઉત્કટતાથી એ પોતે સમજતી હતી એવી કોઈ ઉત્કટતા કે સમજણ તેના કુટુંબીજનોમાં નહોતી! તેના સગાવ્હાલા અને કુટુંબીઓ પોતાની જિંદગીના દિવસને જાણે બેફિકરાઈથી વેડફી રહ્યા હતા. તેની માતાનો હાથ પકડીને તે ઉત્તેજનાથી કહે છે, "બા, તું એક વાર મારી સામે તો જો!"

અને આખરે વિશાળ ધરતી સામે જોઈને અફસોસથી બોલી ઉઠે છે, "ઓ સુંદર ધરા, ઓ ધરતી! તું કેટલી અદભુત છે! કેટલી  ભરપૂર છે! પરંતુ તારા ઉપર જીવનાર કયો મનુષ્ય તારા સૌંદર્યને જોઈ શકે છે! ઓહ, જીવન જીવવું તે કેટલું રહસ્યમય અને ભર્યું ભર્યું છે, પરંતુ માણસને તેની ખબર જ નથી અને આ ભરપૂર જિંદગીમાંથી આખરે તૅ  ખાલી હાથે જ વિદાય લે છે!"

આ જ નાટકમાં લેખકે એક સરસ વાત કહી છે, જે અહીં એમના જ શબ્દોમાં મુકું છું (ખુબ જ ધ્યાનથી સમજજો!): "It seems to me that once in your life before you die you ought to see a country where they don't talk in English and don't even want to!"

આ નાટકમાં લેખક જે કહી રહ્યા છે એનાથી આપણને લાગે છે કે લાખો કરોડો માણસો પોતાનું જીવન માત્ર વેડફી રહ્યા છે. એટલે કે આ એકવીસમી સદીમાં મનુષ્ય માટે કોઈ ઉત્તમ શબ્દ હોય તો તે છે: "LIVE" - જીવનને બરાબર જીવવું, માણવુ, અનુભવવું, તેના પ્રત્યે સજાગ રહેવું અને જીવનનો જે સ્વાભાવિક ક્રમ છે તે પ્રમાણે હર પળે હર ક્ષણે વિકાસ પામવો!

કેટલાક માણસોએ live ને બદલે love શબ્દ પસંદ કર્યો છે. અહીં પ્રેમ એટલે પતિપત્નીનો, ભાઈબહેનનો કે જીવમાત્ર ઉપરનો પ્રેમ, એટલું જ નહિ, પરંતુ પ્રેમનો ખરો અર્થ છે: "કોઈ પણ  વ્યક્તિ સાથે કશીયે લેતીદેતીની ઈચ્છા વિનાનો વ્યવહાર!" એવો પ્રેમ જ શુદ્ધ અને નિર્દોષ હોઈ શકે છે. 

કેટલાક લોકોએ ઉપરના બંને શબ્દોને બદલે "LEARN"- શીખવું એવો શબ્દ પસંદ કર્યો છે. આ શબ્દ પણ જીવનમાં બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. અઢાર, ઓગણીસ, વીસમી સદીમાં તે અગત્યનો હતો અને એકવીસમી સદીમાં તો ખાસ અગત્યનો છે તથા બાવીસમી સદીમાં પણ એટલો જ અગત્યનો રહેશે! અહીં ખાસ સમજજો કે  શીખવું એ માત્ર અને માત્ર શિક્ષણ નથી! આપણે આ બે શબ્દોને સાથે જોડીને શીખવું શબ્દને નિરાશ અને કંટાળાજનક બનાવી દીધો છે. જ્યાં સુધી કોઈ પણ વસ્તુને તમે પ્રેમથી અને રસપૂર્વક શીખતાં નથી ત્યાં સુધી તમે ખરેખર કશું જ શીખી શકતા નથી! કેટલાક માણસો કહે છે કે, ખરેખર તો માણસે પોતાની જાત સાથે સંવાદ સાધીને જીવતા શીખવાની જરૂર છે અને એનો જ અર્થ શીખવું અથવા તો સાચા અર્થમાં શિક્ષણ છે. આ પણ વિચારવા જેવી એક બાબત છે!

આમ ત્રણ બહુ જ અગત્યના શબ્દો "જીવન જીવવું, પ્રેમ કરવો અને શીખવું" એ આપણે જોયા, પરંતુ તમે જુદા જુદા ક્ષેત્રના માણસોને એક જ શબ્દ પસંદ કરવાનું કહેશો ત્યારે તેઓ સ્વાભાવિક રીતે જ અલગ અલગ શબ્દો પસંદ કરશે! કોઈ ધાર્મિક માણસ એક જ શબ્દ પસંદ કરશે: "શ્રદ્ધા", વૈજ્ઞાનિક કહેશે: "શોધ" અને ઉદ્યોગપતિ કહેશે: "ઉત્પાદન"!

કેટલાક તત્વજ્ઞાનીઓને એક શબ્દ પસંદ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમની પસંદગી હતી: "THINK" આ થિન્ક એટલેકે વિચારવાની પ્રક્રિયામાં UNDERSTAND અને KNOW  એટલેકે સમજવાની અને જાણવાની વાત પણ આપોઆપ જ આવી જાય છે. બીજા કેટલાકે જુદા જુદા શબ્દો પણ પસંદ કર્યા છે!

જોન ગાર્ડનરને જયારે તેની પોતાની પસંદગી વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેણે  અનેક ક્ષેત્રોના અનેક અનુભવી માણસના પસંદ કરેલા શબ્દોમાંથી સાત શબ્દો પસંદ કર્યા છે. એટલે કે, એકવીસમી સદીમાં જાણનાર કોઈ પણ વ્યક્તિ માટે તેની પાસે એક નહિ પરંતુ સાત શબ્દો છે. એ શબ્દો છે: "જીવન જીવો, પ્રેમ કરો, શીખતાં રહો, વિચારો, આપો, હસો, પ્રયત્ન કરો"! (LIVE, LOVE, LEARN, THINK, GIVE, LAUGH, TRY)


ઉપરના સાત શબ્દોમાં તમે કશું ઉમેરી શકો એમ છો?


મને પોતાને એમ લાગે છે, કે ઉપરના સાત શબ્દોમાં લગભગ બધું જ આવી જાય છે. છતાં એકવીસમી સદીમાં અને ખાસ તો હાલના અત્યારના વિકટ સમયમાં જેની બહુ જ જરુર પડતી હોય કે આગળ પડવાની હોય તેવો એક શબ્દ જો મારે સૂચવવાનો હોય તો એ શબ્દ હું સૂચવું -- "RELAX"!

 મને લાગે છે કે જોન ગાર્ડનરે સૂચવેલા સાત શબ્દો પ્રમાણે જીવનાર માણસને આ શબ્દની અચૂક જરૂર પડવાની અને તો જ તે ઉપરના સાતેય શબ્દોને ખરા અર્થમાં જીવી શકશે અને જીવનનું સાચું સુખ પામી શકશે, તમે શું માનો છો?


રજુઆત: કાર્તિક શાહ (પંખ મેગેઝીન, અંક ૪૫, ઓક્ટોબર, ૨૦૨૦)