Monday, September 5, 2016

ગણેશ ચતુર્થી નું મહત્વ


ભાદરવા માસની અજવાળી ચોથે ગણેશજી રિધ્ધી સિદ્ધિ સાથે કૈલાસ જઇ રહ્યાં હતાં. આકાશ માર્ગે જતા દુંદાળા દેવનું મુખ જોઈને ચંદ્ર હસવા લાગ્યો. તેમની મોટી ફાંદ, લાંબી સૂંઢ અને ગોળમટોળ દેહ જોઈને ચંદ્ર તેમની ઠેકડી ઉડાડવા લાગ્યો.

ચંદ્ર બોલ્યો: "કેમ ગણેશજી, આજે બ્રહ્મદેવ એ તમને ભૂખ્યા જ કાઢ્યા કે શુ? જુઓને, તમારુ પેટ તૌ દેખાતું જ નથી??!!"

છતાં ગણેશજી કાંઇ બોલ્યા નહીં. એ ધીમા પગલે ચાલતા જ રહ્યાં. એટ્લે વળી પાછો ચંદ્ર બોલ્યો, " આમ ધીમે પગલે કૈલાસ પર કયારે પહોંચશો ? વાહન જોઇયે તૌ લેતા જાઓ !!"

છતાં ગણેશજી એ પાછું વાળીને જોયું પણ નહીં અને ધીમા પગલે ચાલતા જ રહ્યાં. પણ ફરીથી " શુ રુપ ઘડ્યું છે, વાહ!" એમ કહીને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યો.

અત્યાર સુધી ચુપ રહેલ ગણેશજી ચંદ્ર નું અભિમાન અને મશ્કરી હવે સહન ના કરી શક્યા. તેઓ ચંદ્ર ઉપર ખૂબ જ ગુસ્સે થયાં, અને શાપ આપતાં બોલ્યા:" ચંદ્ર, તને તારા રૂપનું ખૂબ જ અભિમાન છે ને?, તેં આજે મારી ઠેકડી કરીને મને ઉશ્કેર્યો છે આથી મારો તને શાપ છે કે આજના દિવસે એટલેકે ભાદરવા સુદ ચોથ ને દિવસે કોઈ તારી સામે જોશે નહીં.અને જો કોઈ ભૂલેચૂકે જોઇ જશે તૌ તેનાં પાર અણધારી આફત આવી પડશે." આટલુ બોલીને તેઓ પોતાના ધીમા પગલે મંદગતિએ આગળ ચાલવા માંડ્યા.

ચંદ્ર ને ગણેશજીની ઠેકડી મોંઘી પડી. શાપ સાંભળતા જ તેં ધ્રુજી ઉઠ્યો. પોતાની ભુલ સમજાઈ. પણ હવે શુ થાય?? શાપ ની જાણ થતાં જ ત્રિલોકમાં હાહાકાર મચી ગયો.બધાં એક જ વાત વિચારવા લાગ્યા કે જે ચંદ્ર સામે જોશે તેનાં પર મોટી આફત આવશે.

બિચારો ચંદ્ર હવે કોને મો બતાવે? લજ્જાનો માર્યો જળમાં રહેલાં કમળ માં જઇને છુપાઈ ગયો.
દેવો, ગાંધર્વ અને ઋષિઓને ચિંતા થઈ કે આ બારેમાસ અંધારી રાતો કેમ વીતશે?? બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા અને શાપ ની વાત કરી.

બ્રહ્માજી બોલ્યા: "વિઘ્નહર્તા ગણપતિનો શાપ કદી મિથ્યા થતો નથી. ગણપતિનો શાપ નિવારવા હું, શંકરજી કે વિષ્ણુ કોઈ સમર્થ નથી!! છતાં શાપ નું નિવારણ કરવા માટે ચંદ્રએ ગણેશજીનું વ્રત કરી ખુદ તેમને જ રીઝવવા પડશે. આ વ્રત ભાદરવા સુદ એક થી ભાદરવા સુદ ચોથ સુધી કરવાનું હોય છે.

દેવતાઓએ આ સંદેશો ચંદ્રને પહોંચાડ્યો.
ભાદરવો મહિનો બેસતાં જ ચંદ્રએ ગણેશજીનું વ્રત કરવા શરૂ કર્યું. ગણેશજીની વિધિવત સ્થાપના કરી પ્રાર્થના કરી, " હુ જાણે અજાણે આપના દોષમાં આવ્યો છું. હવે મને ખુબજ પસ્તાવો થાય છે. હે દયાળુ દેવ, દયા કરો. ક્ષમા કરો! મને આપના શાપ માંથી મુકત કરો.

ગણેશજી ચંદ્રની ભક્તિ જોઇ પ્રસન્ન થયાં અને દર્શન આપતાં બોલ્યા, " હે ચંદ્ર, તને તારી ભુલ સમજાઈ ગઇ છે. તેથી મને ઘણો આનંદ થયો. મેં આપેલા શાપ માંથી સંપુર્ણ મુક્તિ શક્ય નથી!
પરંતું તારી ભક્તિ અને વ્રત નાં પ્રભાવે હુ મારો શાપ જરા હળવો બનાવું છું  જો કોઈ વ્યક્તિ ભાદરવા સુદ બીજના ચંદ્ર દર્શન કરી ચોથના દર્શન કરશે તૌ તેને કોઈ પણ દોષ કે સંકટ નડશે નહીં. પણ જો કોઈ બીજના દર્શન કર્યા વગર ચોથના દર્શન કરશે તૌ તેને કલંક લાગશે. એ કલંક્ને દુર કરવા માટે જે કોઈ મારુ ગણેશ ચોથ નું વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે એનાં ઉપર મારી કૃપા ઉતરશે.


હે ગણપતિ દાદા, તમે જેવા ચંદ્રને ફળયા, તેમ તમારુ વ્રત કરનાર, આ કથા સાંભળનાર, સૌ કોઈને ફ્ળજો અને પરમ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજો...