Thursday, February 28, 2019

કોણ હતા ગુજરાતી ભાષાના આ લબ્ધપ્રતિષ્ઠ કવિ?


અમદાવાદ પાસે સાબરકાંઠામાં એક ગામ આવેલું હતું જે અત્યારે તો તાલુકો છે,  આ ગામે ભીખાભાઇ જોશીને ઘરે ૧૯૦૪માં એક બાળકનો જન્મ થયો. માતાજીનું નામ હતું પ્રસન્નબેન. બાળકનું નામ હતું ચીમન. મોટા થયા એટલે ચીમનલાલ થયાં!!

પણ બાળપણથી જ ધુની સ્વભાવ. નિશાળે જાય તો બીજા બધા પાઠો કરતાં કવિતાઓમાં જ વધુ રસ પડે. આમ એક દિવસ એક કવિતા પાઠ કરવા માટે આપવામાં આવી:

"માને દેખી બહુ હરખાઉં, દોડી દોડી સામે જાઉં!"

આ કવિતા પાઠ કરતી વખતે તેઓ હર્ષઘેલા થઈ ગયા. સીધા સરળ શબ્દોમાં પણ કવિએ માતૃત્વનું કેવું ઉત્કૃષ્ટ દર્શન કરાવ્યું છે અને માતૃભક્તિ એ બાળકના હૃદયમાં સ્થાન પામી. જ્યારે જ્યારે પણ માતાની સેવા કરવાના પ્રસંગો આવ્યા ત્યારે મુંબઈથી પણ તેઓ પોતાના વતન પહોંચી જતા અને માતા વૃદ્ધ થતાં બીમાર થયા ત્યારે ખડે પગે અને અખંડ રાતોના રાત ઉજાગરા કરી માતૃસેવામાં લાગી ગયાં!

પરંતુ ખાસ વાત એ હતી કે આ કવિતાનો પાઠ કરતા કરતા એમના બાલમાનસમાં એક બીજ રોપાયું અને પછી આગળ જતાં અંકુર પણ ફૂટ્યો કે, "લાવ, હું પણ કવિતા કરું!"

તેઓ જ્યારે જ્યારે મંદિરમાં જતા ત્યારે ભજન કીર્તનમાં કલાકોના કલાક સુધી બેસી રહે. ડાયરાઓમાં પણ એમની અચૂક હાજરી રહેતી. પાછળથી તેઓ જ્યારે મુંબઇ આવ્યા ત્યારે ૧૯૨૮માં કોરોનેશન થિયેટરમાં મુંબઇ ગુજરાતી નાટક મંડળી કાર્યરત હતી. અને નાટકોના પ્રયોગો થતાં રહેતા. એ સમયે એક નાટક પ્રચલિત થયું હતું, નામ અત્યારે કહેતો નથી. પણ, એમાં અમુક અમુક હાસ્ય પ્રસંગો આવતા હતા જેમાં નવા ગીતો મુકવાની જરૂર મંડળીના બાપુલાલ નાયકને લાગી. આ બાપુલાલ નાયક પણ એક અલગારી મુઠ્ઠી ઉંચેરા કલાકાર હતા, પણ એમના વિષે હું આપ સૌને ફરી ક્યારેક કહીશ!! 

રાતના નવ વાગ્યા હતા. એ સમયે બાપુલાલ અને એ નાટકના સંગીત નિયોજક પંડિત વાડીલાલ નાયક ચર્ચા કરી રહ્યા હતા. અને શબ્દો મઢી રહ્યા હતા ત્યાં જ એમને કાને કંઈક આવા શબ્દો પડ્યા:

"છે  કુમુદ  સરવર જળે  ને  ચંદ્ર  છે  આકાશમાં
છે લાખ જોજન દૂર પણ બંધાય પ્રીતિ પાશમાં!"


એવું નહોતું કે કોઈ એમને કહી રહ્યું હતું અથવા તો એમની ચર્ચા સાંભળી એમને સલાહ આપવા કે ધ્યાન દોરવા ગણગણી રહ્યું હતું. તો શું હતું આ?

બાપુલાલે એક નજર નાખી. જોયું કે, એક યુવાન મસ્ત રીતે આકાશમાં ચંદ્રને નિરખતો આ પંક્તિઓ બોલી રહ્યો હતો. બાપુલાલને એના શબ્દોમાં રસ પડ્યો. અને એને બોલાવ્યો.

પરંતુ એ તો પોતાની મસ્તીમાં જ મસ્ત હતો, નિજાનંદમાં હતો. 
અને બાપુલાલ પોતે બબડયા આવું તે કંઈ હૉતું હશે, કોઈ પાગલ, મોજીલો અને મનસ્વી વિચારસરણીનો માણસ લાગે છે આ તો! આપણે બોલાવીએ અને ધ્યાન પણ ના આપે? આ કેવું? અને ખરેખર, એવું જ હતું...એ યુવાનનું કોઈ જ ધ્યાન આ બાપુલાલ પર નહોતું!!


પછીથી આ યુવાનને મનાવી આ મુંબઇ ગુજરાતી નાટક મંડળીમાં માસિક ૩૫ રૂપિયાના પગારે નિયુક્ત કર્યા. અને આપણે ઉપર જે નાટકની વાત કરી એ જ નાટકમાં નવા ગીતો લખી આપ્યા અને હાસ્ય પ્રસંગોમાં થોડાં ફેરફાર કરવાના સૂચનો પણ આપ્યાં!! એ નાટક હતું "કાશ્મીરનું પ્રભાત"! ત્યાર બાદ એક બીજું નાટક આવ્યું "અપ-ટુ-ડેટ મવાલી", જેમાં દ્રશ્યો લખ્યા અને ગીતો પણ લખ્યા. આ જ નાટક ફરીથી "કિમીયાગર"ના નામે આવ્યું અને ખૂબ જ સફળ રહ્યું જેના માટે એમને વધારાનો પુરસ્કાર પણ મળ્યો!

આપ નહીં માની શકો કે નિરાભિમાની અને પ્રસિદ્ધિથી સદાયે દૂર રહેનારા આ યુવાને પછીથી ૨૭ જેટલા નાટકો લખ્યા, ૨૧ ચલચિત્રો અને લગભગ અધધધ ૩૦૦૦ જેટલા ગીતો પણ લખ્યા છે!! અને એમાંથી ઘણાં બધાં ગીતો તો ગ્રામોફોન રેકર્ડ રુપે પણ બહાર પડ્યા...આપને વિશ્વાસ તો હશે જ કે એ મારી પાસે મળી રહેશે!!

કોણ હતા ગુજરાતી ભાષાના આ મહાન અને લબ્ધપ્રતિષ્ઠ કવિ? વાચકમિત્રોને વિનંતી કે સચોટ અનુમાન કરે...વધુ આવતા અંકે! અહીં જ મળશું શબ્દ-સંપુટમાં!

― ડો. કાર્તિક શાહ

Wednesday, February 20, 2019

વિદ્યા વિનયેન શોભતે


આ ત્યારની વાત છે જયારે આપણા દેશમાં અંગ્રેજી હુકુમતના ડંકા વાગતા હતા. અને પાછું આ એ શહેરની વાત છે જે વસ્તીની દ્રષ્ટિએ ભારત દેશમાં પ્રથમ સ્થાન ભોગવે છે. અને બીજી એક રીતે કહું તો આ એ વ્યકતિની વાત છે જે આ શહેરની ત્યારની હાઇકોર્ટના વડા ન્યાયાધીશ હતા અને સાથે સાથે ત્યાંના વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ પણ હતા.

નોંધી રાખવા જેવી એક વાત છે કે, એ જમાનામાં એવો હોદ્દો અંગ્રેજ સિવાય બીજા કોઈને જવલ્લે જ મળતો. અને એવા ગણ્યાગાંઠ્યા ભાગ્યશાળી જીવોમાંના આ ભાઈ એક હતા. એ પણ ભૂલવા જેવી વાત નથી, કે આજના જેવી લાગવગશાહીને ત્યાં જરાય સ્થાન નહોતું. કેવળ લાયકાતને જ લક્ષમાં લેવાતી હતી.

સવારના અગિયાર વાગ્યાનો સુમાર હતો. કલકત્તાની હાઇકોર્ટનો એક ભવ્ય ખંડ હતો. વાદી, પ્રતિવાદી, વકીલો તથા પ્રેક્ષકોથી આખોય હોલ ચિક્કાર ભરાઈ ગયો હતો. અગત્યનો કેસ આજે ચાલવાનો હતો. આપણે જે ઉપર વાત  કરી એ ન્યાયાધીશ પણ સમયસર આવીને આસનપર બિરાજ્યા હતા.

વકીલ મહાશય ટેબલ પર હાથ ઠોકીઠોકીને પોતાની વાત ન્યાયાધીશના મગજમાં ઠસાવવા જોરદાર પ્રયાસ કરી રહ્યા હતા. પોતાના પેટનું પાણીય ન હાલતું હોય એવી અદાથી સૌ ઠંડે કલેજે, ન્યાયાધીશ મહાશય મુદ્દાઓની નોંધ લઇ રહ્યા હતા. 

ત્યાં જ એક નવાઈની વાત બની. 

ટાંકણી પડે તો પણ અવાજ થાય એવી નીરવ શાંતિનો અચાનક ભંગ થયો. વધુ તપાસ કરતા માલુમ થયું કે, ખંડના પ્રવેષદ્વાર આગળ કો'ક ડોસી આવી ચડી હતી. તેનો પહેરવેશ અને દેખાવ નવાઈ પમાડે તેવો હતો. વાત એમ હતી કે આ ડોસીમાં ગંગાજીમાં સ્નાન કરીને સીધા અહીં આવ્યા હતા. કપડાં પણ ભીના જ હતા!!

બોલવાચાળવાની રીતભાત પણ સૌ ગાંડીઘેલી હતી. આવીને તેમણે દ્વારપાલને કહ્યું, "મારે સાહેબને મળવું છે!" દ્વારપાલને થયું કે આ ડોસીની ડાગળી ચસ્કી ગઈ લાગે છે. એટલે તેણે પ્રથમ તો એને કોઈ જ દાદ ન આપી. પરંતુ ડોસીમાં એમ કંઈ પાછા જાય એવા નહોતા!

એમણે આજે અને અત્યારે જ સાહેબને મળવાની હાથ પકડી! એમાં ને એમાં, બંનેની રક્ઝક ધાર્યા કરતા વધુ ઉગ્ર અને લાંબી ચાલી.ડોસી અંદર જવા માથે અને પેલો બહાર ધકેલે.
પરિણામ એ આવ્યું કે બધાનું ધ્યાન પણ ત્યાં દોરાયું. આથી સ્વાભાવિક રીતે જ, ન્યાયાધીશનુ ધ્યાન પણ ત્યાં ખેંચાયું।

ન્યાયાધીશે તપાસ કરાવી ત્યારે વાતનો ખરો મુદ્દો જાણવા મળ્યો. તેઓ હોંશિયાર હતા અને સાથે સાથે એટલા જ સરળ પણ! તેમણે અનુમાન કર્યું કે વાતમાં કંઈક તો રહસ્ય લાગે છે. એટલે, ખુરશી પરથી ઉભા થઈને તેઓ જાતે બહાર આવ્યા.

"સાહેબ"ને જોતા જ અન્ય કર્મચારીઓ, દરવાન અને દ્વારપાલે સલામ ભરી રસ્તો કરી આપ્યો. પણ ત્યાં જ સુણ આશ્ચર્યની અવધિ આવી પહોંચી!! 

ન્યાયાધીશ જેવા ન્યાયાધીશ તદ્દન અભણ અને અવિવેકી ડોસીના પગમાં પડી ગયા. ન્યાયાધીશને પગ પાસેથી ઉઠાડી, છાતી સરસો ચાંપી, માથે મીઠો હાથ મૂકી, ડોશીમાએ ઓવારણાં લીધા અને કહ્યું, "સો વરસનો થાજે, દીકરા!" હર્ષાવેશમાં બીજું કંશુ તેઓ બોલી શક્યા નહીં. જે કંઈ કહેવા જેવું હતું તે બધું જે એમના સજળ નયનો અને અશ્રુધારાઓ બોલી રહી હતી. જીભને બદલે હૃદય બોલી રહ્યું હતું.

સૌના કુતૂહલનો પાર  ન રહ્યો. સૌનાં  મનમાં પ્રશ્ન થયો કે, ખુદ સરકારને પણ નમતું ન જોખનાર આ "સાહેબ" આ ગાંડીઘેલી ડોસીના પગમાં કેમ પડ્યા?



નિકટના બે-ત્રણ મિત્રોએ તો સાહેબને સીધો જ આ પ્રશ્ન પૂછી જ નાખ્યો!

સાહેબે ગદગદ કંઠે ખુબખુબ કૃતજ્ઞભાવે કહ્યું, "ભાઈઓ, આ માજી અમારે ત્યાં આયા તરીકે કામ કરતા હતા. પરંતુ તેમની મારા પ્રત્યેની એટલી મમતા હતી કે અમે તેમને કુટુંબના વડીલ સભ્ય તરીકે જ ગણતા! તેમના વિના મને અને મારા વિના એમને ચેન પડતું નહિ. દૂધ પાઈને એમણે જ મને નાનાથી મોટો કર્યો છે. એમાં ખોળામાં હું મન મૂકીને ખેલ્યો છું. ઘણા વર્ષોથી તે વતનમાં ગયા હતા. આજે તેમના દર્શન કરીને કૃતાર્થ થયો. આજે હું આ સ્થાન શોભાવી રહ્યો છું એ પણ તેમના સંસ્કારનો જ પ્રતાપ છે. એમાં જેટલા ગુણ ગાઉ તેટલા ઓછા છે!"

એટલું કહીને તેમણે કેસ મુલ્તવી રાખ્યો અને ડોસીમાને ઘેર તેડી ગયા. એક સામાન્ય આયામ પણ માતૃભાવના કરી બહુમાન કારના આ વ્યક્તિ, પોતાની સગી માતાનું કેટલું સન્માન કરતા હશે એની કલ્પના આ પ્રસંગ પરથી આવી શકે છે. 

"વિદ્યા વિનયેન શોભતે" એ આનું જ નામ!

આ મહાપુરુષનું નામ હતું "સર  ગુરુદાસ બંદોપાધ્યાય"  અને કલકત્તા નગરીની આ ગાથા છે.

-- ડો. કાર્તિક શાહ

Tuesday, February 19, 2019

વાતચીત "એક કળા"


29.01.1860 - 15.07.1904

રશિયાના વિખ્યાત નવલિકા અને લઘુવાર્તા લેખક એન્ટન ચેખોવને મળવા માટે ત્રણ સ્ત્રીઓ આવી આ સ્ત્રીઓએ વિચાર્યું હતું કે આવા મહાન સર્જકને મળીએ છીએ તો એમની સાથે વાતો પણ કંઈ સામાન્ય ન જ થાય. આથી ત્રણેયે કોઈ ગંભીર પ્રશ્ન વિષે એમની સાથે વાર્તાલાપ કરવાનું નક્કી કર્યું. એ સમયે ગ્રીસ અને તુર્કસ્તાન વચ્ચે યુદ્ધ ચાલતું હતું.

એક મહિલાએ આ ગંભીર પ્રશ્નને પ્રસ્તુત કરતા કહ્યું, "ગ્રીસ અને તુર્કસ્તાનના યુદ્ધની બાબતમાં આપણું શું મંતવ્ય છે?"
એન્ટન ચેખોવે કહ્યું, "મારી ધારણા મુજબ આ યુદ્ધનો અંત શાંતિમાં આવશે!"

બીજી મહિલાએ પ્રશ્ન કર્યો, "આ યુદ્ધમાં કોની જીત થાય એમ તમને લાગે છે? ગ્રીસની કે તુર્કસ્તાનની?"

એન્ટન ચેખોવે કહ્યું, "મારી ધારણા પ્રમાણે તો જે વધુ શક્તિશાળી હશે, તે વિજયી બનશે!"

ત્રીજી મહિલાએ પૂછ્યું, "તમારી દ્રષ્ટિએ કોણ વધુ શક્તિશાળી છે?"

ચેખોવે કહ્યું, "એ જ સહુથી શક્તિશાળી છે, જે પુરુષાર્થયુક્ત અને શિક્ષિત છે!'

આવા જવાબોથી હતપ્રભ થઈને હવે શું પૂછવું અને શું વાત કરવી એની દ્વિધા સાથે ત્રણે મહિલાઓએ એકસાથે સીધેસીધું એમ જ પૂછ્યું, "એટલે કે, ગ્રીસ અને તુર્કસ્તાનમાં તમને કોણ વધુ પસંદ છે?"

એન્ટન ચેખોવે હવે સ્મિત આપ્યું અને કહ્યું, "મને તો અમુક પ્રકારનો ખીરો વધુ ભાવે છે. તમને કઈ ચટણી વધુ પસંદ છે?"

અને આખીય ચર્ચા યુદ્ધના બદલે ખીરા-ચટણી પર આવીને અટકી ગઈ. એ પછીના વાર્તાલાપમાં એ મહિલાઓએ ઘણી હળવાશનો અનુભવ કર્યો!

એ સ્ત્રીઓ ગઈ ત્યારે એન્ટન ચેખોવે મનોમન કહ્યું, "આપણે જે રીતે વાત કરવા ટેવાયેલા હોઈએ એ જ પોતીકી ભાષા અને શૈલીમાં વાત કરવી જોઈએ ! ખોટો દંભ અને વાણીચાતુર્યનો દેખાડો કરવાનો કોઈ સાર હોતો નથી!"

-- ડો. કાર્તિક શાહ 

Thursday, February 7, 2019

જાતમહેનતથી આગળ આવેલા મહામાનવો


ગતાંકથી શરૂ...

લક્ષ્મણરાવ કિર્લોસ્કર, શાંતનુ કિર્લોસ્કર અને તેમનું સાહિત્ય ક્ષેત્રે અને ટેકનોલોજી ક્ષેત્રે કેવું અજોડ પ્રદાન રહ્યું એ આપણે ગયા અંકમાં જોયું. ભારતમાં વિજ્ઞાન ક્ષેત્રે એવી કેટલીય ચીજ છે જે પહેલવહેલી કિર્લોસ્કર લઈને આવ્યું! હવે આગળ.......

આ રીતે ઈ.સ. 1930 સુધી કિર્લોસ્કર ઉદ્યોગો વિકસતા રહ્યા. પછીથી વિશ્વવ્યાપી મંદીના એંધાણ વર્તાઈ રહ્યા હતા. પ્રત્યેક ઉદ્યોગો માટે નાણાભીડ અને નવા કામની અછત શરુ થવા લાગી. કિર્લોસ્કરને કદાચ થોડી વધારે કારણકે, એનો મુખ્ય ગ્રાહક ગ્રામ્ય હતો. અને બીજા ઉદ્યોગોના ધંધાઓ શહેરને અનુલક્ષીને વિસ્તર્યા હતા. એટલે પૈસાની અછત સૌ પ્રથમ ગ્રામ્ય વિસ્તારના ધંધાની ડિમાન્ડને ભરખી ગઈ. 

સૌ પ્રથમ હળ બનાવવાનું બંધ કરવું પડ્યું, શેરડી પીલવાના યંત્રો પણ બંધ કર્યા. ઓર્ડર વિના કારખાના પણ બંધ રહ્યા, આ સિચ્યુએશનનો રસ્તો કાઢવો પડે એમ જ હતો. નવા ઉકેલોની શોધ કર્યા વિના છૂટકો નહોતો. એટલે કિર્લોસ્કરએ નવા ઉત્પાદનોનું સંશોધન કર્યું અને બજારમાં મુકવાના ચાલુ કર્યા!

હવે તેમણે ડ્રિલિંગ મશીનો બનાવવા માંડ્યા! સાથે સાથે લેથ મશીન અને ગેસ પ્લાન્ટનું પણ ઉત્પાદન શરુ કર્યું. ભારતમાં બનેલું સૌ પ્રથમ લેથ મશીન બજારમાં મૂક્યું! આ બધું હવે તેઓએ શહેરી ધંધાને લક્ષમાં રાખી કર્યું. બીજી બાજુ લોખંડમાંથી ટેબલ, ખુરશી, ખાટલા વગેરે ફર્નિચર બજારમાં મુક્યા. આ પ્રકારના સ્ટીલના ફર્નિચર ભારતમાં સૌ પહેલી વાર તેઓએ બનાવીને બજારમાં મુક્યા હતા!!

અલબત્ત, આ અગાઉ પોતાના હળ અને શેરડી પીલવાના મશીન વેચવા માટે પોતાનાથી થઇ શકે એટલા મરણિયા પ્રયત્નો કર્યા હતા. મંદીની સામે સરળતાથી એમણે હાર સ્વીકારી નહોતી! પોતાનો માલ વેચવા શાંતનુ કિર્લોસ્કર (લક્ષ્મણરાવનો દીકરો) અને મેનેજર છેવાડાના ગામ સુધી જાતે ખેડૂતોની વચ્ચે જતા. ત્યાં પોતાના માલ અંગેની રજૂઆત કરે, ત્યાં જ એમની જોડે રહે, ખાય-પીએ અને એમની જોડે એકરસ થઇ જાય. કોઈ પણ પ્રકારનો છોછ ન અનુભવે. વળી એ જમાનામાં આવી ગામડાગામની મુસાફરી કરવી એ અત્યારના સમય જેવી સુલભ નહોતી, ખુબ જ ત્રાસદાયક હતી. પાછું, મંદીને લીધે એકએક  પૈસો જોખી-જોખીને વાપરવો પડે એમ હતો. 

એ વરસો દરમ્યાન કિરલોસ્કરે ગ્રાહકોમાં વધુ વિશ્વાસ પેદા કરવા ભાતભાતની રીતરસમનો પ્રયોગ કરેલો! એમાંથી એક તો ભારતમાં સફળ રીતે કેટલીય કંપનીઓ દ્વારા સ્વીકારાઈ અને હાલ પણ ચાલુ છે!! જેના પ્રણેતા તરીકે એમને જ મૂકી શકાય! શું હતું એ ? ચાલો જાણીએ...

એ હતી "વેચાણ પછી સેવા"ની નવી જ રીત એટલે કે - "AFTER SALES SERVICE !" કિર્લોસ્કરએ જ માલ વેચવા સારું "વેચાણ પછી પણ સેવા"ની સ્કીમ બજારમાં મુકેલી!! શાંતનુનું માનવું હતું કે, માલ વેચ્યા બાદ વેચનાર-ખરીદનારનો નાતો તૂટી જતો નથી પણ કાયમ બની રહે છે. માલ વેચાય પછી ગ્રાહકને પોતાના ઉત્પાદન માટે ફરિયાદ કરવાનું કારણ ન રહે એ માટે અમુક સમય સુધી જવાબદારી કિર્લોસ્કરે ઉપાડી લીધી! એક ખાસ પ્રસંગમાં રાજ્યસરકાર તરફથી તેમને 2000 ક્રશરનો ઓર્ડર મળે એમ હતો, પણ તે સાથે તેના અધિકારીએ એક બહુ જ કડક અને વિચિત્ર શરત મૂકી: "કે, જો કોઈ પણ ક્રશર બગડે તો તેની મફત મરામત કરી આપવાની! અને તે પણ માત્ર છ મહિના નહિ, પણ પુરા છ વર્ષ સુધી!"  એ જમાનામાં તો શું આવી શરત આ જમાનામાં પણ કોઈ સ્વીકારતું નથી. કોઈ જવાબદાર ઉત્પાદક આ શરત સ્વીકારે નહિ. પણ શાંતનુએ આ શરત સ્વીકારી કેમ કે તેને પોતાના માલ પર પૂરો ભરોસો હતો. અને આ ઓર્ડર હેમખેમ પાર પણ પાડ્યો!!

વૈશ્વિક મંદી બેસી એ પહેલાં બેંગ્લોરમાં એક ઔદ્યોગિક પ્રદર્શનમાં કિર્લોસ્કરને પોતાની પ્રોડક્ટની રજૂઆત માટે ઇનામો મળ્યા હતા. આ તકનો લાભ લઇ એ સમયે કિર્લોસ્કરે કંપનીના વિઝન, ઇતિહાસ, ભવિષ્યની યોજનાઓ અને ઉત્પાદનોને લગતી એક શોર્ટ ફિલ્મ સૌને બતાવી હતી. આ પ્રદર્શનમાં મૈસોરના દીવાન પણ હાજર હતા. ફિલ્મથી પ્રભાવિત થઈ તેઓએ કિર્લોસ્કરને મૈસોર આવી ઉદ્યોગ સ્થાપવાનું આમંત્રણ આપ્યું. 

આ સગવડનો લાભ લેવા એક નવી કંપની સ્થપાઈ, "કિર્લોસ્કર મૈસોર લિમિટેડ"! કંપની ભલે બની ગઈ, પણ મંદી વિશ્વને ઘેરી વળી હતી, મૂડીનો પણ અભાવ હતો, એટલે નવી કંપની માટે સાનુકૂળ સંજોગો નહોતા! અને આ મંદીનો કાળ પણ દીર્ઘ હતો. 1939માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. આ લડાઈના સંજોગોને લીધે લગભગ તમામ ચીજવસ્તુઓની માંગ વધવા માંડી. હોસ્પિટલ ફર્નિચર તેમ જ પમ્પના ઓર્ડર પર ઓર્ડર નીકળવા લાગ્યા. કિર્લોસ્કરવાડી પણ નાની પડવા લાગી. અને હવે નવા કોઈ એકમને અમલમાં મુકવાનો સમય આવી ગયો હતો. એટલે, 1941માં કિર્લોસ્કર મૈસોર લિમિટેડ સક્રિય બની. મૈસોર રાજ્યના હરિહર ગામે કારખાનું નાખવામાં આવ્યું જ્યાં મશીન ટૂલ્સનું ઉત્પાદન શરૂ થયું. એ સિવાય પણ અન્ય ત્રણ ચાર લાઈનો ઉમેરવામાં આવી. 

1945માં વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાં સુધીમાં કિર્લોસ્કર કંપનીઓ આર્થિક રીતે સદ્ધર થઈ ચૂકી હતી. હવે, આગળ ધંધાના વિકાસ માટે જ વિચાર અને સંશોધન કરવાના હતા. આ માટે જે દિશામાં વધુ માંગ નીકળવાની સંભાવના હોય એ દિશામાં આગળ વધવું હિતાવહ હતું. આ વિચારથી નવા બે સાહસો તેઓએ શરૂ કર્યા: "૧. કિર્લોસ્કર ઇલેક્ટ્રિક કંપની અને ૨. કિર્લોસ્કર ઓઇલ એન્જીન્સ."

અત્યાર સુધી જે મશીનો વપરાતા એમાં મુખ્યત્વે કોલસો વપરાતો. પણ હવે વીજળીનો ઉપયોગ બહોળો થવાનો છે એ અંદાજ કિર્લોસ્કરને આવી ગયો હતો અને એથી જ એ વપરાશને અનુરૂપ ટ્રાન્સફોર્મર, ઇલેક્ટ્રિક મોટર, જનરેટર વગેરેનું ઉત્પાદન જોરશોરથી શરૂ કર્યું. જોડે જોડે રેલવે વર્કશોપ, કાપડની મિલો, નહેરકામ વગેરેમાં ઉપયોગી થાય તેવી ચીજોનું ઉત્પાદન શરૂ કર્યું. અહીં તેઓએ બ્રિટનની  "બુશ ઇલેક્ટ્રિક કંપની"નો ટેક્નિકલ સહયોગ લીધો હતો. પછી તો તેઓએ આજદિન સુધી પાછું વળીને જોયું નથી! એક ક્ષુદ્ર પાયાથી શરૂ થયેલી આ ઉદ્યોગ યાત્રા એક મસમોટું સામ્રાજ્ય અને ટીમ બનાવી ચુકી છે. 

એક વિચાર:

કોઈ માણસ સફળ થશે કે નહીં એ કઈ રીતે ખબર પડે? એટલે કે એની આગાહી કઈ રીતે થઈ શકે? એ માટે, એક ચિંતકે સરસ વાત કહી છે, "એ વ્યક્તિ પોતાનો ફુરસદનો સમય કઇ રીતે પસાર કરે છે એનું નિરીક્ષણ કરો! એ ઉપરથી તાગ મળી જ જશે!"

લક્ષ્મણરાવ વી.જે.ટી.આઈ.માં નોકરી કરતા હતા ત્યારે નોકરી સિવાયનો સમય સંસ્થાની વર્કશોપમાં ગાળતા. યંત્રોમાં પહેલેથી જ દિલચસ્પી એટલે પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ થતી રહે એ માટે પરદેશના સામયિકોના લવાજમ ભરી દીધેલા. ટૂંકી આવક હોવા છતાં એ ટેક્નિકલ મેગેઝીનો અને પુસ્તકો ખરીદતા અને પોતાનો શોખ અને ફાજલ સમય, જ્ઞાનવૃધ્ધિ થાય એવા વાંચનમાં પસાર કરતા. 

તેઓ ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા, વિદ્યાર્થીકાળમાં ભલે શહેરમાં રહ્યા હતા પણ તેમના મૂળભૂત સંસ્કાર ટકી રહેલા. એથીજ એમને શહેર વિસ્તાર માટે કંઈક બનાવાનું સુઝે એ પહેલાં ગ્રામ્ય વિસ્તાર તરફ આકર્ષણ થયું. જ્યાં કોઈ જ બજારની સંભાવના નહોતી એ ખેડૂત સમાજને ઉપયોગી સાધનો બનાવવા માંડ્યા! પોતાના ઉત્પાદનની ક્વોલિટીમાં ક્યારેય બાંધછોડ ન કરી. તેઓ પ્રતિકૂળ સંજોગો અને આપત્તિઓથી ક્યારેય ડર્યા નહીં.

આમ, લક્ષ્મણરાવ કિર્લોસ્કરના જીવન ઘડતર પ્રસંગોમાંથી એટલું સ્પષ્ટ થાય છે કે તેમની સફળતાનાં ત્રણ મુખ્ય રહસ્યો રહ્યા: ૧. ગ્રામ્ય-પશ્ચાદ્દભૂમિકા ૨. ટેક્નિકલ વિષયમાં ઉત્કટ રસ  ૩. અને સ્વતંત્રપણે કંઈક કરવાની વૃત્તિ.

ઝડપભેર માલેતુજાર થવાની એમની ક્યારેય ખેવના નહોતી. ગ્રાહકને ઉપયોગી નીવડી, વ્યાજબી નફા પ્રત્યે વલણ રાખી, ગ્રાહકને જ કેન્દ્રમાં રાખી તેમણે ઉત્તરોત્તર વિકાસ કર્યો. લક્ષ્મણરાવે ૧૯૪૫ સુધી કંપનીઓનું નેતૃત્વ કર્યું. ત્યાર બાદ તેઓ નિવૃત થયા. જેણે જીવનભર પુરુષાર્થ કર્યો હોય એ એમ કંઈ નિવૃત તો ન જ થાય!! પૂનામાં કિર્લોસ્કર એન્જીનની આસપાસ ખુલ્લી જમીન હતી ત્યાં રહી પોતાની ખેતીવાડી શરૂ કરી અને અગિયાર વર્ષ બાદ ૨૬ સપ્ટેમ્બર, ૧૯૫૬ના રોજ તેમનું નિધન થયું!

તો આ હતી એક ઉત્કૃષ્ટ વ્યક્તિત્વની જીવનગાથા! આ જીવનમાંથી ભારત દેશ અને નાગરિકોને અનેક નવા સંશોધનો, યંત્રો, ટેકનોલોજી, સાહિત્ય પ્રદાન ("કિસ્ત્રીમ"), "આફ્ટર સેલ્સ સર્વિસ" જેવી સ્કીમ, ખેતી-સિંચાઈ-વીજળી ક્ષેત્રે નવી પદ્ધતિઓ વિગેરે ક્રાંતિકારી વિકાસ પ્રાપ્ત થયો છે. 

આવા મુઠ્ઠી ઉંચેરા રત્નોને પ્રણામ!!

સંશોધન, સંપાદન, રજૂઆત: ડો. કાર્તિક શાહ

(સંપૂર્ણ પરિચય માટે અને રોચક હકીકતો માટે આ સમાપન લેખ વાંચતા પહેલાં આ જ કિર્લોસ્કર લેખનમાળાનો ભાગ ૧, ૨ અને ૩ અવસરના ફેસબુક પેજ ઉપર અથવા શબ્દસંપુટમાં ચોક્કસ વાંચવો)

➖➖કિર્લોસ્કર લેખનમાળા સંપૂર્ણ➖➖