Thursday, February 7, 2019

જાતમહેનતથી આગળ આવેલા મહામાનવો


ગતાંકથી શરૂ...

લક્ષ્મણરાવ કિર્લોસ્કર, શાંતનુ કિર્લોસ્કર અને તેમનું સાહિત્ય ક્ષેત્રે અને ટેકનોલોજી ક્ષેત્રે કેવું અજોડ પ્રદાન રહ્યું એ આપણે ગયા અંકમાં જોયું. ભારતમાં વિજ્ઞાન ક્ષેત્રે એવી કેટલીય ચીજ છે જે પહેલવહેલી કિર્લોસ્કર લઈને આવ્યું! હવે આગળ.......

આ રીતે ઈ.સ. 1930 સુધી કિર્લોસ્કર ઉદ્યોગો વિકસતા રહ્યા. પછીથી વિશ્વવ્યાપી મંદીના એંધાણ વર્તાઈ રહ્યા હતા. પ્રત્યેક ઉદ્યોગો માટે નાણાભીડ અને નવા કામની અછત શરુ થવા લાગી. કિર્લોસ્કરને કદાચ થોડી વધારે કારણકે, એનો મુખ્ય ગ્રાહક ગ્રામ્ય હતો. અને બીજા ઉદ્યોગોના ધંધાઓ શહેરને અનુલક્ષીને વિસ્તર્યા હતા. એટલે પૈસાની અછત સૌ પ્રથમ ગ્રામ્ય વિસ્તારના ધંધાની ડિમાન્ડને ભરખી ગઈ. 

સૌ પ્રથમ હળ બનાવવાનું બંધ કરવું પડ્યું, શેરડી પીલવાના યંત્રો પણ બંધ કર્યા. ઓર્ડર વિના કારખાના પણ બંધ રહ્યા, આ સિચ્યુએશનનો રસ્તો કાઢવો પડે એમ જ હતો. નવા ઉકેલોની શોધ કર્યા વિના છૂટકો નહોતો. એટલે કિર્લોસ્કરએ નવા ઉત્પાદનોનું સંશોધન કર્યું અને બજારમાં મુકવાના ચાલુ કર્યા!

હવે તેમણે ડ્રિલિંગ મશીનો બનાવવા માંડ્યા! સાથે સાથે લેથ મશીન અને ગેસ પ્લાન્ટનું પણ ઉત્પાદન શરુ કર્યું. ભારતમાં બનેલું સૌ પ્રથમ લેથ મશીન બજારમાં મૂક્યું! આ બધું હવે તેઓએ શહેરી ધંધાને લક્ષમાં રાખી કર્યું. બીજી બાજુ લોખંડમાંથી ટેબલ, ખુરશી, ખાટલા વગેરે ફર્નિચર બજારમાં મુક્યા. આ પ્રકારના સ્ટીલના ફર્નિચર ભારતમાં સૌ પહેલી વાર તેઓએ બનાવીને બજારમાં મુક્યા હતા!!

અલબત્ત, આ અગાઉ પોતાના હળ અને શેરડી પીલવાના મશીન વેચવા માટે પોતાનાથી થઇ શકે એટલા મરણિયા પ્રયત્નો કર્યા હતા. મંદીની સામે સરળતાથી એમણે હાર સ્વીકારી નહોતી! પોતાનો માલ વેચવા શાંતનુ કિર્લોસ્કર (લક્ષ્મણરાવનો દીકરો) અને મેનેજર છેવાડાના ગામ સુધી જાતે ખેડૂતોની વચ્ચે જતા. ત્યાં પોતાના માલ અંગેની રજૂઆત કરે, ત્યાં જ એમની જોડે રહે, ખાય-પીએ અને એમની જોડે એકરસ થઇ જાય. કોઈ પણ પ્રકારનો છોછ ન અનુભવે. વળી એ જમાનામાં આવી ગામડાગામની મુસાફરી કરવી એ અત્યારના સમય જેવી સુલભ નહોતી, ખુબ જ ત્રાસદાયક હતી. પાછું, મંદીને લીધે એકએક  પૈસો જોખી-જોખીને વાપરવો પડે એમ હતો. 

એ વરસો દરમ્યાન કિરલોસ્કરે ગ્રાહકોમાં વધુ વિશ્વાસ પેદા કરવા ભાતભાતની રીતરસમનો પ્રયોગ કરેલો! એમાંથી એક તો ભારતમાં સફળ રીતે કેટલીય કંપનીઓ દ્વારા સ્વીકારાઈ અને હાલ પણ ચાલુ છે!! જેના પ્રણેતા તરીકે એમને જ મૂકી શકાય! શું હતું એ ? ચાલો જાણીએ...

એ હતી "વેચાણ પછી સેવા"ની નવી જ રીત એટલે કે - "AFTER SALES SERVICE !" કિર્લોસ્કરએ જ માલ વેચવા સારું "વેચાણ પછી પણ સેવા"ની સ્કીમ બજારમાં મુકેલી!! શાંતનુનું માનવું હતું કે, માલ વેચ્યા બાદ વેચનાર-ખરીદનારનો નાતો તૂટી જતો નથી પણ કાયમ બની રહે છે. માલ વેચાય પછી ગ્રાહકને પોતાના ઉત્પાદન માટે ફરિયાદ કરવાનું કારણ ન રહે એ માટે અમુક સમય સુધી જવાબદારી કિર્લોસ્કરે ઉપાડી લીધી! એક ખાસ પ્રસંગમાં રાજ્યસરકાર તરફથી તેમને 2000 ક્રશરનો ઓર્ડર મળે એમ હતો, પણ તે સાથે તેના અધિકારીએ એક બહુ જ કડક અને વિચિત્ર શરત મૂકી: "કે, જો કોઈ પણ ક્રશર બગડે તો તેની મફત મરામત કરી આપવાની! અને તે પણ માત્ર છ મહિના નહિ, પણ પુરા છ વર્ષ સુધી!"  એ જમાનામાં તો શું આવી શરત આ જમાનામાં પણ કોઈ સ્વીકારતું નથી. કોઈ જવાબદાર ઉત્પાદક આ શરત સ્વીકારે નહિ. પણ શાંતનુએ આ શરત સ્વીકારી કેમ કે તેને પોતાના માલ પર પૂરો ભરોસો હતો. અને આ ઓર્ડર હેમખેમ પાર પણ પાડ્યો!!

વૈશ્વિક મંદી બેસી એ પહેલાં બેંગ્લોરમાં એક ઔદ્યોગિક પ્રદર્શનમાં કિર્લોસ્કરને પોતાની પ્રોડક્ટની રજૂઆત માટે ઇનામો મળ્યા હતા. આ તકનો લાભ લઇ એ સમયે કિર્લોસ્કરે કંપનીના વિઝન, ઇતિહાસ, ભવિષ્યની યોજનાઓ અને ઉત્પાદનોને લગતી એક શોર્ટ ફિલ્મ સૌને બતાવી હતી. આ પ્રદર્શનમાં મૈસોરના દીવાન પણ હાજર હતા. ફિલ્મથી પ્રભાવિત થઈ તેઓએ કિર્લોસ્કરને મૈસોર આવી ઉદ્યોગ સ્થાપવાનું આમંત્રણ આપ્યું. 

આ સગવડનો લાભ લેવા એક નવી કંપની સ્થપાઈ, "કિર્લોસ્કર મૈસોર લિમિટેડ"! કંપની ભલે બની ગઈ, પણ મંદી વિશ્વને ઘેરી વળી હતી, મૂડીનો પણ અભાવ હતો, એટલે નવી કંપની માટે સાનુકૂળ સંજોગો નહોતા! અને આ મંદીનો કાળ પણ દીર્ઘ હતો. 1939માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. આ લડાઈના સંજોગોને લીધે લગભગ તમામ ચીજવસ્તુઓની માંગ વધવા માંડી. હોસ્પિટલ ફર્નિચર તેમ જ પમ્પના ઓર્ડર પર ઓર્ડર નીકળવા લાગ્યા. કિર્લોસ્કરવાડી પણ નાની પડવા લાગી. અને હવે નવા કોઈ એકમને અમલમાં મુકવાનો સમય આવી ગયો હતો. એટલે, 1941માં કિર્લોસ્કર મૈસોર લિમિટેડ સક્રિય બની. મૈસોર રાજ્યના હરિહર ગામે કારખાનું નાખવામાં આવ્યું જ્યાં મશીન ટૂલ્સનું ઉત્પાદન શરૂ થયું. એ સિવાય પણ અન્ય ત્રણ ચાર લાઈનો ઉમેરવામાં આવી. 

1945માં વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાં સુધીમાં કિર્લોસ્કર કંપનીઓ આર્થિક રીતે સદ્ધર થઈ ચૂકી હતી. હવે, આગળ ધંધાના વિકાસ માટે જ વિચાર અને સંશોધન કરવાના હતા. આ માટે જે દિશામાં વધુ માંગ નીકળવાની સંભાવના હોય એ દિશામાં આગળ વધવું હિતાવહ હતું. આ વિચારથી નવા બે સાહસો તેઓએ શરૂ કર્યા: "૧. કિર્લોસ્કર ઇલેક્ટ્રિક કંપની અને ૨. કિર્લોસ્કર ઓઇલ એન્જીન્સ."

અત્યાર સુધી જે મશીનો વપરાતા એમાં મુખ્યત્વે કોલસો વપરાતો. પણ હવે વીજળીનો ઉપયોગ બહોળો થવાનો છે એ અંદાજ કિર્લોસ્કરને આવી ગયો હતો અને એથી જ એ વપરાશને અનુરૂપ ટ્રાન્સફોર્મર, ઇલેક્ટ્રિક મોટર, જનરેટર વગેરેનું ઉત્પાદન જોરશોરથી શરૂ કર્યું. જોડે જોડે રેલવે વર્કશોપ, કાપડની મિલો, નહેરકામ વગેરેમાં ઉપયોગી થાય તેવી ચીજોનું ઉત્પાદન શરૂ કર્યું. અહીં તેઓએ બ્રિટનની  "બુશ ઇલેક્ટ્રિક કંપની"નો ટેક્નિકલ સહયોગ લીધો હતો. પછી તો તેઓએ આજદિન સુધી પાછું વળીને જોયું નથી! એક ક્ષુદ્ર પાયાથી શરૂ થયેલી આ ઉદ્યોગ યાત્રા એક મસમોટું સામ્રાજ્ય અને ટીમ બનાવી ચુકી છે. 

એક વિચાર:

કોઈ માણસ સફળ થશે કે નહીં એ કઈ રીતે ખબર પડે? એટલે કે એની આગાહી કઈ રીતે થઈ શકે? એ માટે, એક ચિંતકે સરસ વાત કહી છે, "એ વ્યક્તિ પોતાનો ફુરસદનો સમય કઇ રીતે પસાર કરે છે એનું નિરીક્ષણ કરો! એ ઉપરથી તાગ મળી જ જશે!"

લક્ષ્મણરાવ વી.જે.ટી.આઈ.માં નોકરી કરતા હતા ત્યારે નોકરી સિવાયનો સમય સંસ્થાની વર્કશોપમાં ગાળતા. યંત્રોમાં પહેલેથી જ દિલચસ્પી એટલે પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ થતી રહે એ માટે પરદેશના સામયિકોના લવાજમ ભરી દીધેલા. ટૂંકી આવક હોવા છતાં એ ટેક્નિકલ મેગેઝીનો અને પુસ્તકો ખરીદતા અને પોતાનો શોખ અને ફાજલ સમય, જ્ઞાનવૃધ્ધિ થાય એવા વાંચનમાં પસાર કરતા. 

તેઓ ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા, વિદ્યાર્થીકાળમાં ભલે શહેરમાં રહ્યા હતા પણ તેમના મૂળભૂત સંસ્કાર ટકી રહેલા. એથીજ એમને શહેર વિસ્તાર માટે કંઈક બનાવાનું સુઝે એ પહેલાં ગ્રામ્ય વિસ્તાર તરફ આકર્ષણ થયું. જ્યાં કોઈ જ બજારની સંભાવના નહોતી એ ખેડૂત સમાજને ઉપયોગી સાધનો બનાવવા માંડ્યા! પોતાના ઉત્પાદનની ક્વોલિટીમાં ક્યારેય બાંધછોડ ન કરી. તેઓ પ્રતિકૂળ સંજોગો અને આપત્તિઓથી ક્યારેય ડર્યા નહીં.

આમ, લક્ષ્મણરાવ કિર્લોસ્કરના જીવન ઘડતર પ્રસંગોમાંથી એટલું સ્પષ્ટ થાય છે કે તેમની સફળતાનાં ત્રણ મુખ્ય રહસ્યો રહ્યા: ૧. ગ્રામ્ય-પશ્ચાદ્દભૂમિકા ૨. ટેક્નિકલ વિષયમાં ઉત્કટ રસ  ૩. અને સ્વતંત્રપણે કંઈક કરવાની વૃત્તિ.

ઝડપભેર માલેતુજાર થવાની એમની ક્યારેય ખેવના નહોતી. ગ્રાહકને ઉપયોગી નીવડી, વ્યાજબી નફા પ્રત્યે વલણ રાખી, ગ્રાહકને જ કેન્દ્રમાં રાખી તેમણે ઉત્તરોત્તર વિકાસ કર્યો. લક્ષ્મણરાવે ૧૯૪૫ સુધી કંપનીઓનું નેતૃત્વ કર્યું. ત્યાર બાદ તેઓ નિવૃત થયા. જેણે જીવનભર પુરુષાર્થ કર્યો હોય એ એમ કંઈ નિવૃત તો ન જ થાય!! પૂનામાં કિર્લોસ્કર એન્જીનની આસપાસ ખુલ્લી જમીન હતી ત્યાં રહી પોતાની ખેતીવાડી શરૂ કરી અને અગિયાર વર્ષ બાદ ૨૬ સપ્ટેમ્બર, ૧૯૫૬ના રોજ તેમનું નિધન થયું!

તો આ હતી એક ઉત્કૃષ્ટ વ્યક્તિત્વની જીવનગાથા! આ જીવનમાંથી ભારત દેશ અને નાગરિકોને અનેક નવા સંશોધનો, યંત્રો, ટેકનોલોજી, સાહિત્ય પ્રદાન ("કિસ્ત્રીમ"), "આફ્ટર સેલ્સ સર્વિસ" જેવી સ્કીમ, ખેતી-સિંચાઈ-વીજળી ક્ષેત્રે નવી પદ્ધતિઓ વિગેરે ક્રાંતિકારી વિકાસ પ્રાપ્ત થયો છે. 

આવા મુઠ્ઠી ઉંચેરા રત્નોને પ્રણામ!!

સંશોધન, સંપાદન, રજૂઆત: ડો. કાર્તિક શાહ

(સંપૂર્ણ પરિચય માટે અને રોચક હકીકતો માટે આ સમાપન લેખ વાંચતા પહેલાં આ જ કિર્લોસ્કર લેખનમાળાનો ભાગ ૧, ૨ અને ૩ અવસરના ફેસબુક પેજ ઉપર અથવા શબ્દસંપુટમાં ચોક્કસ વાંચવો)

➖➖કિર્લોસ્કર લેખનમાળા સંપૂર્ણ➖➖

2 comments:

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...