Thursday, January 24, 2019

જાતમહેનતથી આગળ આવેલા મહામાનવો: કિર્લોસ્કર (ભાગ ૩)

ગતાંકથી ચાલુ...

લક્ષ્મણરાવ કિર્લોસ્કરે "કિર્લોસ્કર બ્રધર્સ લિમિટેડ" નામે પબ્લિક લિમિટેડ કંપની સ્થાપી અને દ્રઢ નિર્ધાર સાથે ખાતરી આપતા કહ્યું, "જ્યાં સુધી કંપની ૯ ટકા ડિવિડન્ડ નહીં આપે ત્યાં સુધી પોતે એક પણ રૂપિયો મહેનતાણું કંપનીમાંથી નહીં લે...!"



હવે આગળ...

આ વાત હતી ઇ.સ. ૧૯૧૯-૨૦ની. આજથી બરાબર ૧૦૦ વર્ષ પહેલાંની આ વાત છે. આ જ વર્ષે તેઓએ કંપનીના બીજા બે નવા ઉત્પાદનો બજારમાં મુક્યા. એક શેરડી પીલવાનું મશીન અને બીજું ડ્રિલિંગ મશીન!! આ ઉપરાંત, તેઓ ખેતીવાડીમાં ઉપયોગી એવા નાનામોટા સાધનો બજારમાં મુકતા જ રહયા. જો કે, હળનો ધંધો હજુ પણ મુખ્ય હતો. તેની માંગ અને સૂચનો મુજબ જરૂરી સુધારા વધારા કરી ક્રમશઃ નવી આવૃત્તિઓ બજારમાં મૂકી. કિર્લોસ્કરવાડી ત્રણ ત્રણ શિફ્ટમાં ધબકવા લાગી. પરિણામ સ્વરૂપ, કંપની સ્થપાયાના પહેલા જ વર્ષે ઇ.સ. ૧૯૨૧માં તમામ શેરહોલ્ડર માટે કંપનીએ ૬ ટકા ડિવિડન્ડ જાહેર કર્યું! ડિવિડન્ડનો આ સિલસલો આજ સુધી ઇ.સ. ૨૦૧૯ સુધી અવિરત પણે ચાલુ જ છે. ઇ.સ. ૧૯૨૪માં અત્યાર સુધી વર્ષના સર્વાધિક ૪૦,૦૦૦ નંગ હળનું વેચાણ થયું!! આ ઉપરાંત કૂવામાંથી પાણી ખેંચવા માટેના ડીઝલ એન્જીનો - પમ્પ પણ હવે તેમણે વિકસાવવા માંડ્યા!!

૧૯૨૬માં પુણેમાં એક પ્રદર્શન ભરાયું હતું. તેમાં કિર્લોસ્કરના તમામ ઉત્પાદનોની શ્રેણી રજુ કરવામાં આવી હતી. એ સમયે એક અમેરિકન ત્યાં પ્રદર્શનની મુલાકાત લેવા આવ્યો હતો. આવા સાધનો ભારતમાં જ આટલી ઊંચી ગુણવત્તા વાળા બને છે એ જોઈને આભો જ બની ગયેલો. તેમાંય કિર્લોસ્કરે બનાવેલા સેન્ટરીફયુગલ પમ્પ જોઈ ચકિત થઈ ગયો!!


લક્ષ્મણરાવના સૌથી મોટા દીકરા શાંતનુનો જન્મ ઇ.સ. ૧૯૦૩માં થયો હતો. અને રસપ્રદ વાત એ છે કે માત્ર ૯-૧૦ વર્ષની ઉંમરે ઇ.સ.૧૯૧૨માં એણે એક ઓઇલ એન્જીનની આકૃતિ તૈયાર કરી હતી. આમ, પિતાજીની જેમ જ યંત્રકામમાં પહેલેથી જ એની પણ દિલચશ્પી રહી હતી. ઇ.સ. ૧૯૨૨માં વધુ અભ્યાસ અર્થે અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં બેચલર ઓફ સાયન્સની ડીગ્રી લેવા પોતાના સહાધ્યાયી, બાળમિત્ર અને પિતરાઈ ભાઈ માધવ કિર્લોસ્કર સાથે શાંતનુ કિર્લોસ્કર રવાના થયા. કમનસીબે, માધવને ત્યાં પહોંચ્યા પછી છેલ્લા સ્ટેજનું ટીબી રોગનું નિદાન થયું. અને અમેરિકાની ધરતી પર પરદેશીને હોસ્પિટલમાં સઘન સારવાર મળે એવી કોઈ જોગવાઈ એ સમયે નહોતી. નાનકડા શાંતનુએ પરદેશમાં પોતાના પિતરાઈ ભાઈને હમેંશ માટે ખોયો અને પોતે એકલાએ એની અંત્યેષ્ટિ અમેરિકામાં જ સંપન્ન કરીને અસ્થિ ભારત મોકલ્યા. આ ઘટનાની ઘેરી અસર શાંતનુના જીવન અને હૃદય પર થઈ.

ઇ.સ. ૧૯૨૬માં શાંતનુ ભણતર પૂર્ણ કરી અનુભવ, જ્ઞાન અને લેટેસ્ટ તકનીકી વિદ્યા લઈ સ્વદેશ પરત ફર્યા. કિર્લોસ્કરવાડીમાં ભવ્ય ઉત્સવ થયો અને પિતાજીને મદદ કરવા લાગી ગયા. એ સમયે કિર્લોસ્કરવાડીમાં ડીઝલ એન્જીન બનાવવાનું ચાલુ થઈ ગયું હતું. પણ શાંતનુના દિમાગમાં એથીય ચડિયાતું ઓઇલ એન્જીન બનાવાની અભિલાષા હતી. જે સ્કેચ નાનપણમાં બનાવ્યો હતો એ સપનું પૂરું કર્યું અને એમના ડિઝાઈન કરેલા એન્જીનની ભારે પ્રશંશા થઈ. આ પછી કિર્લોસ્કરનો મુખ્ય ધંધો/પ્રોડક્ટ ઘરેલુ, ખેતીવાડી અને ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉપયોગી એવા પમ્પ અને ડીઝલ એન્જીન બનાવાનો થઈ ગયો હતો. અને આ ક્ષેત્રમાં એટલો હરણફાળ વિકાસ સાધ્યો કે "પમ્પ એટલે કિર્લોસ્કર" એવો પર્યાય બની ગયો!! અને લગભગ એકચક્રી શાસન તેઓએ કર્યું.

ખાસ વાત:

હવે આ ઉદ્યોગોની વાતમાં સાહિત્ય ક્યાં આવ્યું ? ચાલો, રસપ્રદ વળાંક લઈએ. આ પાછળ પણ એક રસપ્રદ કહાણી છે.

લક્ષ્મણરાવે શરૂઆતમાં હળના વેચાણ માટે મરાઠી વર્તમાનપત્રમાં જાહેરાતો આપેલી અને તેનું મહત્વ તેઓ પારખી ગયેલા. પોતાના ઉત્પાદન અને વેચાણને વેગ મળે એ સારું, કિર્લોસ્કરવાડીમાં જ એમણે જાહેરાત માટેનું એક તંત્ર શરૂ કર્યું. તેની જવાબદારી ભત્રીજા શંકરને સોંપી. શંકરને સાહિત્યમાં વિશેષ રુચિ હતી. તેમણે ભેગા થઈ ઇ.સ.૧૯૨૭માં પોતાના માલના પ્રચાર માટે એક માસિક મેગેઝીન બહાર પાડ્યું, "કિર્લોસ્કર"!



તેનો મૂળ આશય પ્રચારનો જ હતો. પણ ધીમેં ધીમે, સામાન્ય વાચકોને પણ રસ પડે એવા લેખો એમાં સમાવિષ્ટ થવા લાગ્યા. અને ટૂંક સમયમાં તો એ પ્રચાર સામયિકની જગ્યાએ લોકભોગ્ય સામયિક બની ગયું!! તેના ગ્રાહકો, વાચકો પણ સારા એવા થયા અને ખાસ કરીને એ સામયિકમાં કિર્લોસ્કર "ખબર" કરીને એક કોલમ આવતી જેમાં સ્ત્રીઓના જીવન અને એમની સમસ્યાઓનું નિરૂપણ થતું. ૨૦મી સદીના શરૂઆતના આ સમયમાં સ્ત્રીઓની સ્થિતિ અત્યંત નાજુક હતી અને એમના વિશે જનજાગૃતિ માટે અનેક પ્રવૃતિઓ પણ થતી રહેતી. ઇ.સ.૧૯૨૭થી "કિર્લોસ્કર" સામયિકમાં "ખબર" નામની આ કોલમ ગંગુબાઈ જાંભેકર નામની લેખિકા લખતી.

ઇ.સ. ૧૯૩૦માં શાંતનુ કિર્લોસ્કરને, અમેરિકામાં ભણતા સમયનો એક મિત્ર અચાનક મળી ગયો. નામ હતું મિ. એડવર્ડ બોક, કે જે હવે "લેડીઝ હોમ જર્નલ" નામના અમેરિકન મેગેઝીનનો તંત્રી હતો. તેણે કહ્યું કે "સ્ત્રીઓની એક અલગ જ સ્વતંત્ર દુનિયા હોય છે! જો એમના જીવનની ઝાંખી કરાવતું એક મેગેઝીન મરાઠીમાં શરૂ કરવામાં આવે તો સમાજમાં નારીના પુનરુત્થાન માટે ઘણું કામ થઈ શકે! સ્ત્રીઓ પોતે પોતાના વિચાર અને તકલીફો સરળતાથી લખીને રજુ કરી શકે!" બસ, આ વિચાર શાંતનુને ગમી ગયો અને એના પર કામ શરૂ કરી દીધું. એ જ વર્ષે ૧૯૩૦માં, "કિર્લોસ્કર" પછી બીજું મરાઠી મેગેઝીન "સ્ત્રી" શરૂ કર્યું. આવી ઘણી રોચક હકીકતો શાંતનુ કિર્લોસ્કરે પોતાના આત્મકથનાત્મક પુસ્તક "શાનવાક્ય"માં વર્ણવી છે! 

"સ્ત્રી" મેગેઝીન એ સમયમાં સ્ત્રીઓ માટેનું બીજું જ મેગેઝીન હતું!! આ પહેલા સ્ત્રીઓ માટે "ગૃહલક્ષ્મી" કરીને સામયિક ઇ.સ. ૧૯૨૭થી આવતું હતું. એ સમયે "સ્ત્રી" મેગેઝીન એટલું લોકપ્રિય થયું હતું કે મહારાષ્ટ્રમાં લગભગ પ્રત્યેક ઘરમાં એ વંચાતું. એ સમયમાં એની 5 લાખ કોપીઓ છપાતી!! એના 200માં અંક જ્યારે ફેબ્રુઆરી ૧૯૪૭માં છપાયો ત્યારે બોમ્બેમાં ગૃહમંત્રી તરીકે મોરારજીભાઈ દેસાઈએ એના મ્હોફાટ વખાણ કરેલા! આ મેગેઝીને મહારાષ્ટ્ર અને ભારતભરમાં સ્ત્રીશક્તિ અને નારીઉત્થાન જેવા વિષયોમાં જાગૃતિ લાવવામાં ક્રાંતિ આણી. એનો જ પ્રતાપ છે કે ધીમે ધીમે સ્ત્રીઓ આ મેગેઝીન અને પછી અન્ય મેગેઝીનોમાં પોતાના સ્વતંત્ર વિચારો, મંતવ્યો, વાર્તા, લેખો, કવિતાઓ વિગેરે મુક્તપણે રજૂ કરતી થઈ!!

આ સામયિકની અપાર સફળતા જોઈ કિર્લોસ્કરે એક ત્રીજું સામયિક "મનોહર" શરૂ કર્યું. એ પણ ખૂબ પ્રસિદ્ધિ પામ્યું. કિર્લોસ્કર ગ્રુપના આ ત્રણેય સામયિક "કિર્લોસ્કર", "સ્ત્રી" અને "મનોહર" સંગાથે "કિસ્ત્રીમ" તરીકે જાણીતા થઈ ગયા. અને કિર્લોસ્કરની પ્રવૃતિઓ ઘેર ઘેર જાણીતી થઈ ગઈ અને ખૂબ લોકચાહના મળી! સાથે સાથે કિર્લોસ્કરવાડીમાં એક નવો છાપકામ અને પ્રેસનો ઉદ્યોગ શરૂ થયો, "કિર્લોસ્કર પ્રેસ"!! અને ધંધાની સાથે સાથે સાહિત્યની સફરને પણ કિર્લોસ્કર પરિવાર આગળ ધપાવવામાં લાગી ગયું!!

આમ તો, આજે હું આ કિર્લોસ્કર લેખનમાળાનો અંતિમ લેખ રજૂ કરવાનો હતો, પણ લખતા લખતા એવું લાગે છે કે,

ભારતમાં સૌ પ્રથમ બ્રાન્ડેડ એન્જીનીયરિંગ પ્રોડક્ટ,
▪ ભારતમાં સૌ પ્રથમ ડીઝલ એન્જીન, 
▪ ભારતમાં સૌ પ્રથમ ઈલેક્ટ્રિક મોટર, 
▪ ભારતમાં સૌ પ્રથમ સેન્ટરીફયુગલ પમ્પ, 
▪ ભારતમાં સૌ પ્રથમ લેથ મશીન, 
▪ ભારતમાં સૌ પ્રથમ મેટલ ચરખો, 
▪ ભારતમાં સૌ પ્રથમ વાર સ્ટીલનું ફર્નિચર, 
▪ ભારતનું સૌ પ્રથમ રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર, 
▪ ભારતનો સૌ પ્રથમ canned મોટર પમ્પ, 
▪ભારતનો સૌ પ્રથમ કોન્ક્રીટ વોલ્યુટ પમ્પ વિગેરે બનાવનાર અને 
▪ ભારતની ત્રીજી ઔદ્યોગિક ટાઉનશીપ, 
▪ ભારતનું બીજું મહિલા મેગેઝીન લાવનાર તથા 
▪ પોતાના ઘરને જ આશ્રમ કહેનાર


આ કિર્લોસ્કર પરિવાર વિશે હજું વધુ રોચક હકીકતો અને કિર્લોસ્કરની ભારતમાં ઐદ્યોગિક ક્રાંતિમાં યશગાથાનો વધુ એક અંક લઈને આવતા શુક્રવારે ફરી મળવું પડશે, ત્યાં સુધી વિરામ આપશો...

― ડો. કાર્તિક શાહ

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...