Wednesday, September 4, 2019

સ્પર્ધામુક્ત શિક્ષણ


સ્પર્ધા જેટલી વધુ રાખશો એટલી વધુ અતૃપ્તિ થશે... સંતોષ જેટલો વધુ રાખશો એટલી વધુ તૃપ્તિ થશે!


પરમપૂજ્ય મોરારીબાપુએ કહ્યું છે કે, "હું અવારનવાર કહું છું કે દેવતાઓએ અને દાનવોએ સમુદ્રમંથન કર્યું પરંતુ દ્વેષ અને ઇર્ષ્યાથી કર્યું એટલે ચૌદ રત્નો નીકળ્યાં. જો સ્પર્ધામુક્ત અને દ્વેષમુક્ત સમુદ્રમંથન થયું હોત તો સમુદ્રમાંથી અનંત રત્નો નીકળ્યા હોત. બધાં શાસ્ત્રોને આદર આપીને ‘માનસ’નું મંથન કરીએ છીએ તો એમાંથી અગણિત રત્નો નીકળે છે. મારે સિદ્ધાંત રજૂ નથી કરવો. મારે વિચાર જરૂર રજૂ કરવો છે."

આવો, સરળ દૃષ્ટાંતથી સમજીએ:

દિગ્વિજયી થવા સૈન્ય સાથે સંચરતા એક સમ્રાટને નગરદ્વાર પાસે જ મહાન સંત મળી ગયા. સમ્રાટે એમને નમન કરી સફળતાના- વિજયી થવાના આશીર્વાદ યાચ્યા. દયાર્દ્ર અને વિચક્ષણ સંતે વિચાર્યું કે આ તો મોતની મહેફિલ અને લોહીની નદીઓ વહાવવાના આશીર્વાદ આપવાની વાત. એ ક્યાંથી અપાય ? એમણે સમ્રાટને નવી જ વાત કરી કે, ''જો તને વિના યુદ્ધે દિગ્વિજયી થવાનો કિમીયો મળી જાય તો ચાલે ?'' 

ખુશ ખુશ થઈ જતાં સમ્રાટે કહ્યું : ''તો તો બહુ સારું. યુદ્ધમાં તો માથાં સાટે માથા દેવા ય પડે. તમે એ કિમીયો મને આપો.''

સંતે દિગ્વિજયયાત્રા થંભાવી સમ્રાટને પોતાની સાથે રાજમહેલમાં પરત આવવા કહ્યું. ત્યાં સંતે એમની ઝોળીમાંથી એક પાત્ર કાઢી સમ્રાટને આપતા કહ્યું : ''બસ, આ પાત્ર તું મારી નજર સમક્ષ સુવર્ણમુદ્રાથી છલકાવી દે એટલે દિગ્વિજયના તારા તમામ મનોરથો પૂરા થઈ જશે.'' સમ્રાટને આ કાર્ય તો એકદમ આસાન લાગ્યું. 

એમણે રાજકોશમાંથી થાળ ભરીને સુવર્ણમુદ્રાઓ મંગાવી પાત્ર ભરાવવા માંડયું. પણ આશ્ચર્ય ! એકાદ મુઠ્ઠીમાં ભરાઈ જાય એવું એ પાત્ર થાળ ખાલી કરી દેવા છતાં ભરાયું નહિ. મરણિયા થયેલા સમ્રાટે ગુણી ભરીને સોનામહોરો લાવી પાત્રમાં ખાલીકરવા માંડી. કિંતુ પાત્ર ભરાયું જ નહિ!!

હવે થાકી ગયેલા સમ્રાટે સંત તરફ પ્રશ્નસૂચક નજર કરી.

 સંતે મધુર મુસકાન સાથે સ્પષ્ટતા કરી : ''ભલા સમ્રાટ ! નાનું શું આ પાત્ર ગુણી જેટલી સુવર્ણમુદ્રાઓ ભર્યા પછી ય છલકાતું નથી તેનું કારણ એ છે કે, આ પાત્ર માનવીની ખોપરીમાંથી બન્યું છે. માનવીનું દિમાગ એવું છેે કે એને ચાહે તેટલું ઉપલબ્ધ થશે તો ય એ કાયમી તૃપ્તિ નહિ પામી શકે. તારી જ વાત વિચાર, તો આટલી સમૃદ્ધિ- સત્તા પછી ય તારું દિલ-દિમાગ તૃપ્ત નથી. માટે જ તું દિગ્વિજય યાત્રાએ સંચરતો હોઈશ, ખરું ને ?''

સમ્રાટને હવે સમજાયું કે ચમત્કારિક કિમીયાનાં નામે સંત કયો નિર્દેશ કરવા ઇચ્છે છે. એણે પોતાની વૃત્તિ ગલત હોવાનું સ્વીકારીને દિગ્વિજયયાત્રા વિસર્જિત કરી દીધી...

ઇન્દ્રિયવિષયો- પદાર્થોના સંદર્ભમાં સામાન્ય માનવીનાં મનને ત્રણ ઉપમા આપી શકાય:

#પ્રથમ ઉપમા એ કે તે સાગર જેવું છે. સાગરમાં અનેક નદીઓનું લાખો ગેલન જલ આવ્યા કરે તો ય સાગર કદી તૃપ્ત થતો નથી. ભલે એ જલથી એની સપાટી કામચલાઉ ઊંચે જાય પરંતુ એ તૃપ્ત થઈને એવી પ્રતિક્રિયા નથી આપતો કે બસ,  મારે હવે તમારા જલની કદી જરૂર નથી...

#બીજી ઉપમા એ છે કે તે સ્મશાન સમું છે. નગરોના- શહેરોનાં સ્મશાનોમાં આજ સુધી લાખો મૃતદેહો આવી ગયા અને સ્મશાનની આગે એ સર્વને 'સ્વાહા' કરી દીધા. તો ય સ્મશાને તૃપ્ત થઈને શબનો ઇન્કાર નથી કર્યો. ભલે એક સાથે દશ- બાર મૃતદેહો આવી પડે ત્યારે એ ભરાયેલ લાગે, પરંતુ કાયમી કોઈ તૃપ્તિ સ્મશાને નથી હોતી...

#ત્રીજી ઉપમા છે પેટની. એને ભલે ભરપૂર ભોજ્ય પદાર્થો અપાય અને એ તત્કાલ ભલે તૃપ્ત પણ લાગે. કિંતુ એ તૃપ્તિ કામચલાઉ જ છે. છ- સાતકલાક થાય એટલે પેટ નવું નવું માંગે જ. પેટની એ ગર્તા કદી કાયમી ભરાય નહિ- તૃપ્ત ન થાય. ઇન્દ્રિય વિષયો- પદાર્થોના સંદર્ભમાં માનવીય મન પણ એવું જ હોવાથી જ્ઞાાનીજનો એનાથી તૃપ્તિ પ્રાપ્ત કરવાનો અભિલાષ પણ  રાખતા નથી. તેઓ તો આત્મગુણોમાં રમણતા દ્વારા શાશ્વતી- અવિનશ્વર- કાયમી તૃપ્તિ ઉપલબ્ધ કરવાનો સમ્યક્ પુરુષાર્થ કરતા હોવાનું જ્ઞાાનસાર ગ્રન્થકાર કહે છે.

તૃપ્તિ ભલે અલગ અલગ સ્તરની હોય. પરંતુ સામાન્યપણે ખાન-પાનની ભોજનની તૃપ્તિ તરત જ નજરે તરી આવે છે. ભલે ને એ તૃપ્તિ કામચલાઉ હોય, તો ય બને છે આવું જ કે ભરપૂર ભોજન કરો એટલે તૃપ્તિનો ઓડકાર આવે જ.

ભાવાર્થ કે  અનુકૂળ વિષયો મળવાથી લાલસાઓ ક્ષીણ થતી નથી, બલ્કે એનાથી એ લાલસાઓ વધુ બલવત્તર બને છે : જેમ કે કાષ્ઠ હોમતા રહેવાથી અગ્નિ વધુ ભડકે એમ. કરવી છે આની પ્રતીતિ ? તો વાંચો આ જર્મનીની ઘટના :

ત્યાં યુવા વયે સત્તાનશીન થયેલ વ્હીટેલીયસ નામે રાજાને સ્વાદની લાલસા એવી ખતરનાક તીવ્ર હતી કે એણે રસોઈયાઓ પાસે વિશ્વની તમામ વેરાયટીઓ બનાવવાની યોજના કરી. નિત્ય એકથી એક ચડિયાતી વાનગીઓ બને, સ્વાદનો ગુલામ એ રાજા તે વાનગીઓ પેટ ભરીને આરોગે. પરંતુ એની ખતરનાક સ્વાદલાલસા એવો વિચાર કરાવે કે, 'પેટ ખૂબ નાનું હોવાથી જલ્દી ભરાઈ જાય છે. 

જ્યારે ખાદ્ય પદાર્થો તો હજુ ઘણાં પ્રમાણમાં આરોગવાના રહી જાય છે.'' આ લાલસાવશ એણે વૈદ્યો પાસે પેટ ભરાય જ નહિ અને ઇચ્છા મુજબનાં પ્રમાણમાં એ વેરાયટી આરોગી શકાય એવા ઔષધો માંગ્યા. એ શક્ય ન બન્યું ત્યારે એણે વમનનાં ઔષધ શરૂ કર્યા. પહેલા પેટ ભરીને સ્વાદિષ્ટ વાનગી આરોગે, પછી વમન કરી પેટ ખાલી કરે, વળી વાનગીઓ આરોગે વળી વમન કરે. સ્વાદ લાલસા એનામાં આ પાગલપનની હદે વકરી ગઈ.

આ પાગલપનનું પરિણામ એ આવ્યું કે ભરયુવાનીમાં અનેક રોગોનો શિકાર બની વ્હીટેલીયસ મૃત્યુ શૈયા પર પોઢયો ત્યારે પણ એના શબ્દો એ હતા કે ''કાશ ! આયુષ્ય દીર્ઘ મળ્યું હોત તો ? હજુ તો મારે ઘણી વાનગીઓ આરોગવાની બાકી છે.''

એક નવી વાત. તૃપ્તિનું આ સ્તર કદાચ અત્યારે પ્રાપ્ત કરવાની ગુંજાયેશ ગૃહસ્થ વ્યક્તિની ભલે ન હોય.કિંતુ આખર એ અવસ્થા સર થાય એની ભૂમિકારૂપે વર્તમાન જીવનમાં નીચેના ત્રણ સ્તર જરૂર સર કરી શકાય.
(૧) #સ્પર્ધામુક્ત રહીએ: અતૃપ્તિ અને અશાંતિ સર્જનાર ઘણાં પરિબળોમાં એક મહત્ત્વનું પરિબળ છે સ્પર્ધા. 'દેશમાંથી બન્ને ખાલી હાથે અને સાથે આવ્યા હતા. છતાં એ દશ કરોડ રૂા.નો આસામી બની ગયો અને હું માત્ર પચાસ લાખ રૂા. જ કમાઈ શક્યો.' બસ, આ જ કે આવી આવી સરખામણી આગળ વધી જવાની સ્પર્ધા કરાવે. 

એમાંથી માનસિક તાણ લક્ષ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી તીવ્ર અતૃપ્તિ- હતાશા વગેરેનો જન્મ થાય. અરે ? ઘણીવાર તો આગળ વધવાની દોટ મૂકવાની જરાય જરૂરિયાત ન હોવા છતાં સ્પર્ધા નિરર્થક દોટ મુકાવે. ખબર છે પેલી કાલ્પનિક રમૂજ કથા ?

દોડવીર મિલ્ખાસિંઘના ઘરે ચોરી કરીને ચોર દોડતો ભાગ્યે. મિલ્ખાસિંઘે પણ એની પાછળ બરાબર દોટ મૂકી. ચોરીની ઘટના સાંભળીને મિલ્ખાસિંઘને ત્યાં એકત્ર થયેલ ભીડને ખાતરી હતી કે થોડીવારમાં જ મિલ્ખાસિંઘ ચોરને ઝડપીને લઈ આવશે. પરંતુ કલાક પછી અને એકલા આવેલા મિલ્ખાસિંઘને જોઈને કો'કે પૂછયું : ''કેમ ? ચોર વધારે તેજ ગતિએ ભાગી ગયો કે શું ?'' સરદારજીએ ઉત્તર આપ્યો : ''ના રે ના, એને દોડમાં પછાડી દેવા તો હું બહુ ઝડપથી એને 'ઓવરટેક' કરી આગળ નીકળી ગયો. પાંચ કિ.મી. આગળ દોડી ગયા પછી મને યાદ આવ્યુંકે મારે તો ચોરને પકડવાનો હતો !! ખરેખર મારી દોડ નિરર્થક હતી !!'

સ્પર્ધામાં રાચીએ ત્યારે આપણી દોડ પણ ઘણી વાર આવી નિરર્થક  થતી હોય છે.

(૨) #સીમાયુક્ત રહીએ: સીમા એટલે મર્યાદા. ત્યાગી નહિ, સંસારી જીવન છે એટલે સામગ્રી- સંપત્તિની જરૂર રહેવાની. પરંતુ એ જરૂરિયાત અમર્યાદ બને નહીં એની કાળજી રાખવી. ભોજનમાં- કાર્ય કરવામાં- નિદ્રામાં આપણે જેમ મર્યાદા રાખીએ છીએ, તેમ સામગ્રી- સંપત્તિ માટે ય મર્યાદા- સીમા રાખીએ.

(૩) #સંતોષયુક્ત રહીએ: મને પુણ્ય-પુરુષાર્થ પાત્રતાનુસાર જે મળ્યું છે એમાં હું સુખી છું. અન્યોની સામગ્રી આદિ નિહાળીને કાલ્પનિક અભાવથી મારે દુ:ખી નથી થાવું.' આવી વિચારણા છે સંતોષ...

છેલ્લે એક વાત: સ્પર્ધા જેટલી વધુ રાખશો એટલી વધુ  અતૃપ્તિ સર્જાશે...સંતોષ જેટલો વધુ રાખશો એટલી વધુ તૃપ્તિ સર્જાશે.