Monday, March 16, 2020

કર્તવ્યનિષ્ઠા અને પુરુષાર્થ




આ સમય જે ભાગી રહ્યો છે, આપણે તેને પકડી રાખવાનો છે. એટલે કે એનો સદુપયોગ કરવાનો છે. ધન ગયું તો કશું નહિ, પણ સમય ગયો તો જિંદગીનો એક અંશ ગયા બરાબર છે. ફક્ત રાત્રિમાંસૂવા અને દિવસમાં નિત્ય કર્મ તેમજ જરૂરી આરામના પળ સિવાય સમય વ્યર્થ કરવો ભગવાનનું આપેલું જીવન નષ્ટ કરવાની સમાન છે. નિત્ય-પ્રતિના કાર્યોને કરવા સમયની બરબાદી નથી. ફક્ત આળસ તેમજ પ્રમાદવશ બસ એમ જ પડે-પડે સમયને પસાર કરતો જોવો હકીકતમાં એટલા સમયની આત્મહત્યાની સમકક્ષ છે. કેટલાક વ્યક્તિ સમયને એમ સમજી કાપી રહ્યા હોય છે જેમ કે એમને હજારો વર્ષો જીવવાનું છે. પળ-પળ, મિનિટ, કલાકો તો વીતતા નજરે આવે છે, પણ એમની સાથે સાથે જીવન પણ ચાલી જઈ રહ્યું છે, એ ખબર નથી પડી શકતી!! પણ જયારે એ સમયની અણમોલતાનો આભાસ થાય છે, ત્યારે પક્ષી ઉડી ચૂક્યું હોય છે અને પશ્ચાતાપ તેમજ આત્મગ્લાનિ સિવાય કશું નથી બચતું.

હકીકતમાં સમયનો સર્જનાત્મક કાર્યોમાં ખર્ચ થવો એ જ એનો સાચો ઉપયોગ છે. સમયનો તકાજો એ છે કે ધનને છોડીને સમયને પકડો, ધન તો આપમેળે આવી જશે. જેણે  પણ સમયના મહત્વને જાણી લીધું, સમજો કે એણે  સૌથી મોટી દોલત મેળવી લીધી. સમયની નિયતિ એ છે કે તે બતાવ્યા વગર દિવસ-રાત સતત વીતતો રહે છે. જે કોઈએ પણ સમયનો યોગ્ય ઉપયોગ કર્યો તે જ વ્યક્તિ જીવનમાં સફળ થયો છે. આજ સુધી કોઈ પણ એવો વ્યક્તિ મહાપુરુષ નથી બન્યો જે જીવનભર હાથ પર હાથ ધરીને બેઠો હોય.

એથી જ આદર્શ અને અનુકરણીય જીવન જીવવાની ગાંઠ બાંધી લો. તમારું પ્રત્યેક કાર્ય જનહિતમાં હોય, આ જ જીવનનો ચરમોત્કર્ષ છે કેમ કે માનવતા બીજાઓ માટે જીવવાનું શીખવે છે. કહેવા માટે તો ઘણી નાની વાત લાગે છે કે સમયનો આદર કરો, ઠીકથી ઉપયોગ કરો, પણ હકીકતમાં એના પર પ્રામાણિકતાથી અમલ કરવામાં આવે તો એક જ વર્ષમાં આપણો દેશ ક્યાંથી ક્યાં પહોંચી જાય? 

અહીં બે પ્રસંગો મને યાદ આવે છે. જે આવા જ એક મહાનુભાવના જીવનમાંથી ટાંકી રહ્યો છું. નામ અત્યારે નથી આપતો પણ તમે વાંચતા જશો એમ તમને ખ્યાલ આવતો જશે જ....

આ મહાનુભાવનો જન્મ 6 સપ્ટેમ્બર, 1962ના રોજ હરિયાણાના હિસ્સારના એક નાનકડા પ્રદેશ નાલવામાં થયો હતો. સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધું હતું અને આઠમું ધોરણ સારા અંકોથી પાસ કર્યું. એ સમયે હરિયાણા સરકારે તેજસ્વી વિદ્યાર્થીઓ માટે "હરિયાણા ગ્રામીણ છાત્રવૃત્તિ પરીક્ષા"નું આયોજન કર્યું હતું! આ વિદ્યાર્થી ગામના તેજસ્વી છાત્રોમાંથી એક હતો એટલે એનું નામ પણ એની શાળા તરફથી ભલામણ તરીકે મોકલાયુ! 

હવે આ પરીક્ષાનું કેન્દ્ર ભિવાનીમાં હતું તથા પરીક્ષા સવારે 9.00 વાગે શરૂ થવાની હતી. પોતાના ગામ નાલવા થી ભિવાની જવા માટે એક જ બસ સવારે હતી જે ત્યાં સવારે વહેલામાં વહેલા 10 વાગે પહોંચાડી શકે એમ હતી. બીજા કોઈ જ માધ્યમ ત્યારે એમને પરવડે એમ ન હતા. બધું વિચારીને એના પિતાએ નિર્ણય લીધો કે આપણે આગલી રાત્રે જ ત્યાં પહોંચી જઈએ. પિતાજીના નાનપણના એક મિત્ર મામનચંદ જિંદાલ જે ભીવાનીમાં રહેતા હતા એમના ઘરે રાત રોકાવાનો નિર્ણય લીધો! 

પરંતુ ત્યાં પહોંચ્યા પછી મામનચંદે કહ્યું કે "મારા ઘરમાં એટલી જગ્યા નથી કે હું તમને રોકી શકું!" ત્યારે આ મહાનુભાવે એમ કહ્યું કે "અમને તમારા ઘરમાં જગ્યા ના હોય તો કાંઈ વાંધો નહિ અમે તમને તકલીફમાં નહિ મૂકીએ પણ તમારા ઘરની છતમાં જગ્યા આપી દો, અમે રાત ગમે તે રીતે ત્યાં પસાર કરી દઈશું!" મામનચંદ એના માટે રાજી થઇ ગયા. 

તેઓ ત્યાં એક દરી અને ચાદર લઈને ગયા અને જોયું તો ઘરનો ફાલતુ તૂટેલો-ફૂટેલો સમાન આખી છત પર વિખરાયેલો પડ્યો હતો. તેથી એક ટીન શેડની નીચે થોડી સફાઈ કરીને એક નાઈટ લેમ્પ લગાવીને અડધી રાત સુધી પરીક્ષાનો અભ્યાસ કરીને રાત પસાર કરી. સવારે તેઓ 6.00 વાગે ઉઠ્યા અને છત પર વિખરાયેલો તમામ સમાન ઢંગથી ગોઠવવાના કામે લાગી ગયા અને છતને પાણીથી ધોઈને વ્યવસ્થિત સાફ કરી દીધી! જ્યાં આગલી રાત્રે 2 માણસ પણ મુશ્કેલીથી સુઈ શકે એમ હતા ત્યાં એમણે હવે 20-25 માણસો શાંતિથી સુઈ શકે એવી વ્યવસ્થા કરી દીધી!

લગભગ 7.30 વાગ્યે તેઓ મામનચંદ પાસે આભાર માનવા આવ્યા, પણ ખબર નહિ કેમ સવારે આવાજ થતો સાંભળી મામનચંદ અને એમના પત્ની ત્યારે જ છત પર ગયા, તો એમની આંખો તો ફાટીને પહોળી જ રહી ગઈ. અને પોતાની ઉપર ખુબ જ અકળાયા. જેઓએ આગલી રાત્રે સરખી વાત પણ નહોતી કરી એ હવે આ મહાનુભાવ અને એના પિતાને બપોરે પરીક્ષા પતે એટલે જમીને જ જવાનો આગ્રહ કરવા  લાગ્યા. પરંતુ આ મહાનુભાવ ફક્ત એમનો આભાર માની પરીક્ષામાં બેસી ગયા અને ધોરણ 9 તથા 10 એમ બંને માટે 350 રૂપિયા પ્રતિ ત્રિમાસિકની છાત્રવૃત્તિ પ્રાપ્ત કરીને જ પરત ફર્યા!!

ત્યારબાદ તેઓએ આગળની તાલીમ મદ્રાસ એટલે કે અત્યારના ચેન્નાઇમાં લીધી હતી.  

તેઓની દેશદાઝ અને રાષ્ટ્ર માટે કૈક કરી છૂટવાની ભાવનાએ જ એમને ઈંડિયન એર ફોર્સમાં એરમેન તરીકે જોડાવાની પ્રેરણા આપી. 
પોતાના અનુશાસિત દિનચર્યા અને પ્રતિભાથી તેઓ અધિકારીઓમાં પોતાની અલગ ઓળખ ઉભી કરવામાં સમર્થ થયા. 

હવે, બીજી ઘટના એ સમયની છે કે જયારે તેમની બદલી ઇન્ડિયન એરફોર્સમાં એરમેન તરીકે શ્રીનગર-કાશ્મીરમાં થઇ. પોતાના પ્રશિક્ષણના સમયથી પોતાની અલગ ઓળખ બનાવી તેઓ એક સર્વશ્રેષ્ઠ કેડેટ તરીકે સ્થાપિત થઇ ચુક્યા હતા. અને એમની કેરિયર એ-પ્લસના રેટિંગથી આગળ વધી રહી હતી. આ વાત કાશ્મીરમાં રહેલા એરફોર્સના કેટલાક સિનિયર અધિકારીઓને ખટકી હતી. હું અહીં એ અધિકારીઓનો ઇરાદાપૂર્વક નામોલ્લેખ ટાળું છું જેથી આ લેખના મૂળ ઉદ્દેશથી ચલિત ના થઇ જવાય! આ અધિકારીઓએ ભેગા મળીને આ મહાનુભાવને પાઠ ભણાવવાનું નક્કી કર્યું! ડ્યુટીના આરંભમાં લગભગ 10-12 દિવસ સુધી કોઈ ખાસ કામ કરવા માટે આ મહાનુભાવને કહેવામાં ના આવ્યું !! તેઓએ સામેથી જઈને કહ્યું કે મને કૈક કામ આપો, તો તેમને એક જ જવાબ મળતો કે આવી રીતે બેસી રહેવું એ પણ એક કામ જ છે!! હવે એરફોર્સમાં એરમેન તરીકે ઉચ્ચ કેડેટ્માં આવીને આ રીતે બેસી રહેવું એ તો પોતાની કર્તવ્યનિષ્ઠાનું અપમાન છે એવું એમને લાગવામાં માંડ્યું! 

તેઓનું સ્પષ્ટ માનવું હતું કે ફોર્સમાં નિયુક્ત માત્ર  થઇ જવું એ જ એક વેતનપ્રાપ્તિનો આધાર નથી. પરંતુ જ્યાં સુધી માતૃભૂમિની સેવાર્થે કંઈક કાર્ય ના કરવામાં આવે ત્યાં સુધી વેતન લેવું એ નાઇન્સાફી છે. રાષ્ટ્રની સાથે વિશ્વાસઘાત છે અને પોતાના કામ, કર્તવ્યથી વિમુખ રહેવું એ વાત જ એમને બેચેન કરતી હતી. લગભગ 12 દિવસ આમ ચાલ્યું પછી એમનાથી ના રહેવાયું અને પોતાના સેક્શન કમાન્ડર શ્રી એસ. કે. નિગમને વિસ્તાર સહીત એક પત્ર લખીને પુરી ઘટનાનું વર્ણન કર્યું અને સાથે પત્રમાં પ્રાર્થના કરી કે "મને છેલ્લા 12 દિવસનું વેતન ન આપવામાં આવે." સાથે જ એ પણ લખ્યું કે, "જો ભવિષ્યમાં પણ મને આ પ્રકારે ખાલી બેસવાનું હોય તો મારે આવું વેતન નથી જોઈતું!!"

પત્ર પહોંચતા જ પુરા વિભાગમાં હડકંપ મચી ગયો કે ઉપસ્થિત કર્મચારીનું વેતન કાપવાનું કર્મચારી પોતે જ કહી રહ્યો છે કે જેણે પોતાના પુરા સમય પર ડ્યુટી કરી જ છે! જે અધિકારીઓએ આ મુજબ વર્તન કર્યું હતું એમને બોલાવવામાં આવ્યા અને સ્વાભાવિક રીતે જ તેઓ નિરુત્તર હતા! એને એમના પર પાછળથી વિભાગીય કાર્યવાહી પણ કરવામાં આવી. પાછળથી આ મહાનુભાવને  સર્વશ્રેષ્ઠ એરમેનથી નવાજવામાં પણ  આવ્યા. એમના આ કૃત્યથી પૂરા વિભાગમાં એક અનુકરણીય સંદેશ પણ બધાને મળ્યો.

પોતાની કર્તવ્યનિષ્ઠા, મહેનત અને કામ પ્રત્યેની લગનથી તેઓ સદૈવ સહકર્મચારીઓથી આગળ રહ્યા પરંતુ અંતે તેઓએ 1986માં એરફોર્સને વિદાય આપી. બધાય અધિકારીઓએ એમને ખુબ રોક્યા, સમજાવ્યા પરંતુ એમની મજબૂરી હતી. રિટાયરમેન્ટ પર તેમને બધું થઈને કુલ એક લાખ રૂપિયા મળ્યા, તેમાંથી ઘરનો સામાન અને અન્ય ચીજવસ્તુઓમાં 57000 જેવા ખર્ચાઈ ગયા. બાકી બચેલા 43000 રૂપિયા એમણે  "વૉર વીડો  રાહતકોષ"માં દાન કરવાની ઘોષણા કરી!! તેમના નાના-મોટા સૌ અધિકારીઓએ સલાહ આપી કે ભાઈ આ શું કરો છો? પોતાની મહેનતની કમાણીને કોઈ આ રીતે ના આપે! તમે એનો સદુપયોગ કરો, વેપાર-ધંધો કે ઇન્વેસ્ટમેન્ટ કરો! ત્યારે આ મહાનુભાવે કહ્યું, "હું વાણીયાનો દીકરો છું, અને કોઈ પણ કાર્ય નુકસાન માટે નથી કરતો! મારો વિશ્વાસ છે કે , "જે પ્રભુ પર વિશ્વાસ રાખીને સદ્કાર્ય કરે છે પ્રભુ એના કાર્યમાં પાર્ટનર બની જાય છે." અને ખરેખર એમણે બાકી બચેલું બધું ફંડ વેલ્ફેર માટે વિંગ કમાન્ડર નિગમ સાહેબને અર્પણ કરી દીધું!

ટૂંકમા, સર્વે નવયુવાનોને સંદેશ છે કે જે કોઈ પણ કાર્ય માટે વેતન વગેરેનો લાભ લઇ રહ્યા હો, એ કાર્યને પુરી નિષ્ઠાથી પોતાનું કાર્ય સમજીને કરો. એનાથી તમારું સ્વાભિમાન પણ જાગૃત થશે અને સમાજમાં પ્રતિષ્ઠા પણ જળવાઈ રહેશે. પોતાના કાર્યને પુરી કર્તવ્યનિષ્ઠાથી યોગ્ય સમય પર કરવું એ કાર્યના પ્રત્યે સાચી પ્રમાણિકતા છે. આ આપણે કોઈને ખુશ કરવા માટે નથી કરવાનું બલ્કે આ આપણી જવાબદારી છે. જે વ્યક્તિ કામચોર અથવા આળસુ હોય છે, એને વેતન તો પૂરું મળી જાય છે, પણ સન્માન જરા પણ નહિ. એવા વ્યક્તિ કંપનીને જ નહિ, પરંતુ ખુદને પણ દગો આપે છે. જયારે પણ કંપનીમાંથી કર્મચારીઓની છટણી  કરવામાં આવે છે તો એવા વ્યક્તિઓનો નંબર સૌથી પહેલો હોય છે!



અંતમાં આ મહાનુભાવની ઓળખ આપું કે જેને તમે ઓળખી જ ગયા છો! રાહતકોષમાં દાન કર્યા બાદ તેઓ 1987માં હૈદરાબાદ આવ્યા, જ્યાં એમને એક મોટા અધિકારી સ્કવૈડ્રન લીડર સુભાષ ગુપ્તાએ યાદ કર્યા! તેમનો કેટલોક ખુબ જ જરૂરી સામન એરફોર્સ સ્ટેશન ડૂન્ડીગલથી બાલાસોર મોકલવાનો હતો. તેઓ આ ભાઈથી ખુબ જ પ્રભાવિત હતા અને એમને ખ્યાલ હતો કે એ એક નીતિવાન અને મહેનતુ માણસ છે અને  એરફોર્સ છોડયા બાદ એ એક ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલ છે. અને આ ખુબ જ અગત્યનું કામ તેઓ જ હેમખેમ પૂરું પાડશે ! કાર્ય સુખરૂપ સંપન્ન થયા બાદ ખુશ થઈને પોતાના એક મિત્રથી મળવાનું ગુપ્તાજીએ આ મહાનુભાવને કહ્યું! અને એ મિત્રે એમને એક હાઉસહૉલ્ડ શિફ્ટિંગનો વ્યવસાય ચાલુ કરવાનું કહ્યું અને મદદની ઓફર પણ કરી. ત્યાર બાદ તેમેણે એમના નાના ભાઈ સાથે અગ્રવાલ હાઉસહૉલ્ડ કેરિયર નામની કંપની બનાવીને વેપાર શરૂ કર્યો જે આજે 1000 કરોડથી પણ ઉપર પહોંચી ગયો છે અને આજે આખો દેશ એમના આ નામને ઓળખે છે "અગ્રવાલ પેકર્સ એન્ડ મુવર્સ" ના સ્થાપક શ્રી રમેશ અગ્રવાલ!

― ડો. કાર્તિક દિલીપકુમાર શાહ (પંખ e-મેગેઝીન, અંક ૩૯, એપ્રિલ, 2020)