Saturday, December 23, 2017

બાળકો સાથે શી રીતે વાત કરશું ?

આપણને ખબર પડે કે ઘરકામની નોટબુક દીકરો ફરી એકવાર સ્કૂલમાં ભૂલી આવ્યો છે ત્યારે સમજુ ગણાતા હોવા છતાં આપણે ઊકળી ઊઠશું, અને બોલી ઊઠશું, ‘આવો જડ ક્યાંથી પાક્યો ?’ વેકૅશનમાં તમારે ત્યાં ભેળાં થયેલાં ભૂલકાં આપસમાં ઝઘડતાં હશે ત્યારે તમે અતિ ધીરજવાન હશો છતાં ગળું ફાડીને બોલી ઊઠશો, ‘ક્યાંથી આ બધાં મારે નસીબે આવી ભરાયાં ?’
બાળ ઉછેર સૌની ધીરજને કસે એવું કાર્ય છે. બાળકનું સ્વમાન ઘવાય તેવા શબ્દો બોલતાં પહેલાં પૂરતો વિચાર કરીને બોલવું અતિ આવશ્યક છે. બાળકને સદવર્તન શીખવવું હશે તો સૌ પ્રથમ માતાપિતાએ જાત પર નિયંત્રણ રાખવું પડશે. પ્રાપ્ત પરિસ્થિતિને સંભાળી લેવાની માનસિક તેમજ ભાવનાત્મક સહજતા બધી પરિપક્વ વ્યક્તિઓમાં સ્વાભાવિક હોય છે. બાળકોથી અકળાયેલાં માતાપિતા વખતોવખત બોલી ઊઠે છે એવાં અતિશય કડવાં લાગતાં કેટલાંક વિધાનો અહીં આપ્યાં છે.
[1] તું કેમ ફલાણાની માફક કામ નથી કરતો ?
બિરાજની નાની બહેન મીરા સ્કૂલનું ઘરકામ નિયમિતપણે કરે છે. સવારે ઊઠતાં વેંત જ મોં સાફ કરી લેવાની તે કાળજી રાખે છે. બિરાજને બધું વારંવાર યાદ કરાવી આપવું પડે છે. શા માટે મીરા જેમ તે પણ બધું કામ નિયમિત અને કાળજીપૂર્વક નથી કરતો ? – સરખામણી કરવાથી વ્યક્તિમાં સંઘર્ષ પેદા થાય છે એ જાણીતી હકીકત છે. બાળકની સરખામણી બીજા બાળક સાથે કરી તેને ઉતારી પાડશું તો બાળકને પોતાનાં ભાઈ-બહેન પ્રત્યે અણગમો પેદા થશે. બાળકની તુલના અન્ય બાળક સાથે કરવાને બદલે તેની પાસેથી તમે શી અપેક્ષા રાખો છો તે સ્પષ્ટપણે કહો. તેની અભ્યાસની જગ્યા વધુ વ્યવસ્થિત રાખવી છે ? ભોજન વખતે યોગ્ય રીતભાત જાળવે એમ ઈચ્છો છો ? તમે જે ફેરફાર કરાવવા ઈચ્છતા હો તેના પર જ ભાર મૂકો. બાળકને કહો, ‘જમતી વખતે બધાં ભોજન પૂરું ન કરે ત્યાં સુધી તારે બેસી રહેવાનું.’ સારી ટેવો ફાયદો કરે છે તે વાત બાળકને સમજાવો. ઉદાહરણાર્થ સમયસર ગૃહકાર્ય કર્યું હશે તો તેને વધુ ગુણ મળશે. એક વખત બાળકને સમજાય કે તેની અમુક ટેવમાં ફેરફાર થાય એમ તમે ઈચ્છો છો, પછી ભલે ને બાળક નાનું હોય યા મોટું, તેની ટેવો સુધારવામાં તમને સફળતા સાંપડશે.
[2] આવડી ઢાંઢી થઈ હવે તો સમજ !
સાત વર્ષની તમારી દીકરી ચાર વર્ષના બાળક જેવું વર્તન એક ભભકાદાર રેસ્ટોરાંમાં કરે છે. તમે મૂંઝાઈ જાઓ છો. તરત જ તેને કહેશો, ‘તું હવે નાની નથી. સરખી રીતે ખા !’ દીકરીને અપમાન જેવું લાગશે. ઈડલીના સંભારમાં લગરીક મીઠું નાખતી હતી તે હવે પુષ્કળ નાખશે. દીકરીને છંછેડવાને બદલે તે તમારી ઈચ્છા મુજબ વર્તે તેવું કશુંક કહો તો ? આટલું જ કહો, ‘આજે રાત્રે ટીવી પર અમુક સીરિયલ તારે જોવી હશે તે તું જોઈ ન શકે એમ મારે નથી કરવું પણ અત્યારે જો સરખું વર્તન નહીં કરે તો તને સીરિયલ જોવા નહીં મળે.’
[3] તારે આમ ગોબરા જ દેખાવું છે ?
બાળકનાં કપડાં કે તેની વાળ ઓળવાની રીતની ટીકા કરી તમે તેને સ્વાધિકાર જમાવવાની ઈચ્છા તરફ ધકેલી રહ્યા છો. માતાપિતાએ વિચારતાં થવું જોઈએ કે, ‘બાળક શા માટે મારી ઈચ્છા પ્રમાણે વર્તે ?’ બાળક દોસ્તો સાથે જ્યારે ફરવા જાય ત્યારે તેની મરજી પ્રમાણે કપડાં પહેરવા દો. હા, લગ્નપ્રસંગે બાળક તમારી સાથે આવે ત્યારે તેની મરજી ન ચાલે. પ્રસંગ-પ્રસંગનો પહેરવેશ અલગ હોય છે તે સત્ય બાળકે જાણવું જોઈએ. માબાપને મર્યાદારેખા નક્કી કરવાનો અધિકાર છે જ.
[4] તું રમૂજ કરાવે છે ! તું તાકાત ધરાવે છે ! તું ખૂબ જ સુંદર લાગે છે !
આવું અવાસ્તવિક વર્ણન બાળકમાં ટૂંકી દષ્ટિ પેદા કરે છે. પોતાની જાતને સાચી રીતે ઓળખવામાં બાધા ઊભી કરે છે. દાખલા તરીકે ‘હોશિયાર’નું લેબલ લગાડીએ ત્યારે પોતાને ક્યારેય નિષ્ફળ જવાનું નથી એવા વૈચારિક દબાણ હેઠળ બાળક જીવશે. ગણિતશાસ્ત્રીનું લેબલ લગાડશો અને પછી જુઓ કે તેને લલિતકળામાં રુચિ હશે તે દબાઈ જશે. સંતાનની આવડત વિષે તમે જાણતા હો ત્યારે તે અનન્ય છે એવી છાપ મારવાને બદલે તેની આવડતને પ્રેરણા મળે તેમ કરો. ઉદાહરણાર્થ ‘તું તો હોશિયાર છો આમ કરવું તને બહુ સહેલું લાગશે.’ એમ કહેવાને બદલે ‘તું ચાલાક છો. મને ખાતરી છે કે આ તું કરીશ.’ એમ કહેશો તો બાળકને થોડું ઓછું કરડું લાગશે.
નકારાત્મક કથન બાળક માટે ભાવિ આદેશની ગરજ સારે છે. બાળક આળસુ છે એમ તેને કહેશો તો કદાચ તે વધુ આળસુ બનશે કારણ કે વ્યક્તિગત આક્ષેપ દ્વારા તમે તેને જાણ કરશો કે આ અવગુણ તેના જીવનનું અંગ છે. બાળકની ખામી બતાવવાનું મન થાય ત્યારે આવા આક્ષેપો કરી માતા-પિતા બાળક પાસેથી શી અપેક્ષા રાખે છે તે વિષે ચોક્કસપણે વિચારી લેવું જોઈએ. બાળક બધી રીતે આળસુ છે ? બને કે બાળક યાદી આપ્યા પછી જ બધું કામ કરતું હોય. તેવી પળોમાં માતાપિતાએ પારિતોષિક કે સામાન્ય સજા દ્વારા બાળક પાસેથી કામ કઢાવવું જોઈએ. ‘તારું વાચન-ટેબલ સાફ કરવાનું ભૂલી જઈશ તો તારા જન્મદિવસની ભેટમાંથી પાંચ રૂપિયા કપાઈ જશે !’
[5] તું આવી મંદ કેમ છે ?
આપણો મુખ્ય ઉદ્દેશ બાળકને આત્મવિશ્વાસ ધરાવતું બનાવવાનો છે. જો એમ કહીશું કે, ‘આવું બુદ્ધુ જેવું તેં કેમ કર્યું ?’ તો બાળકને માઠું લાગશે. એમ કરવાને બદલે બાળકને સ્પષ્ટપણે મદદ કરો. તેમ કરશું તેથી બાળકના વર્તનમાં સુધારો થશે. કામ કઈ રીતે પાર પાડવું તે બાળકને દર્શાવવું હોય તો ઉતાવળ ન કરો. રસ્તે ચાલતાં બાળક વાહનોની કાળજી રાખ્યા વિના દોડીને રસ્તો ઓળંગતું હોય તો કહો, ‘રસ્તો ઓળંગતી વખતે મારો હાથ પકડી રાખજે.’ બાળક હાથ પકડીને ચાલે એટલે કહો : ‘મારો હાથ પકડ્યો તે ઘણું સારું કર્યું. આપણે સલામતીથી રસ્તો ઓળંગી જશું.’
[6] ક્યારેક તો થાય છે કે ‘છોકરાં જ ન હોત તો !’
જ્યારે માબાપ આવા ઉદ્દગારો કાઢે છે ત્યારે બાળકને અલગ ધ્વનિ સંભળાય છે, ‘તું નમાલો છે. મને તું નથી જોઈતો.’ બાળકનું મન આ ઉદ્દગાર સંગ્રહી રાખે છે. ઉંમરલાયક થાય ત્યારે પણ તેનું મન આ લાગણી ભૂલતું નથી. ‘તું મારે પેટે જન્મ્યો ન હોત તો સારું હતું.’ એમ કહેવાની જરૂર ઊભી થાય ત્યારે એટલું જ કહો, ‘ક્યારેક તું મને બહુ કવડાવે છે.’ સારું તો એમ છે કે એટલી હદે તમે અકળાઓ તે પહેલાં જ બાળકે શું, શી રીતે કરવું તે તેને સ્પષ્ટપણે સંભળાવી દો. પોતાના વર્તન વિષે માતાપિતા સ્પષ્ટ વાત કરશે એની બાળકને ખાતરી હશે તો તે યોગ્ય વર્તન કરશે જ.
[7] અહીંથી ચાલતી થા, મને એકલી પડી રહેવા દે !
સૌને થોડા એકાંતની જરૂર હોય છે. પણ જો બાળકને ચીડાઈને ચાલ્યા જવાનું કહેશું તો તેને લાગશે કે તે અળખામણું છે. જે કંઈ કામ તમે કરો તેમાં બાળકને સામેલ કરવાની કોશિશ કરો. ત્રણ વર્ષનું બાળક પણ માતાને રસોઈમાં મદદ કરવા આતુર હોય છે. ક્યારેક એકલા રહેવું તમને અત્યાવશ્યક થઈ પડ્યું હોય ત્યારે ‘તું મને બહુ જ વહાલો છે. પણ અત્યારે હું ખૂબ કામમાં છું.’ એમ કહેવું વાજબી લાગશે. બાળકને સ્પષ્ટ શબ્દોમાં કહો કે અમુક વખત પછી તે તમારી પાસે છો આવે. તેમ છતાં, બાળક તમારી પાસે જ રહેવાની હઠ કરે તો પ્રેમથી શિસ્તની વાત સમજાવીને દૂર મોકલી શકાય.
[8] ચૂપ રહે !
આ શબ્દો સાંભળી બાળકને થાય છે કે તેના અભિપ્રાયનું તમારે મન કશું મૂલ્ય નથી. ધીરે ધીરે તેને લાગવા માંડશે કે કશું ઉપયોગી કહી શકવાની તેનામાં આવડત નથી. આવું કહેવાને બદલે કહી શકાય, ‘શાંત થા. હળવે મને વિચાર, શાંતિ રાખ.’ આમ કહેવાથી બાળક ન સમજે તો શાંતિપૂર્વક પણ મક્કમપણે તેને શિસ્ત જાળવતાં શીખો. ટીવી બંધ કરી દો. તેને રૂમમાંથી ચાલ્યા જવા કહો. બાળક અનુકરણથી શીખે છે એ યાદ રાખો. બાળક વિનયી બને એમ ઈચ્છતા હો તો તમારે તેના પ્રત્યે વિનયી બનવું જોઈએ. કોઈ અધિકારીને તમે ‘ચૂપ રહો’ એમ ક્યારેય નહીં કહો. એ પ્રમાણે બાળકને પણ ચૂપ રહેવા ન કહેવું જોઈએ.
[9] કરી નાખ, નહીંતર…..
આવી મિથ્યા ધમકી તમારા પ્રભાવને કમ કરે છે. કંઈક આમ કહો કે ‘ફરીથી આમ કરીશ તો તને બહાર રમવા નહીં જવા દઉં.’ આ આદેશનો અમલ કરશો એટલે બાળકને લાગશે કે તમે જેમ બોલ્યા છો તેમ કરશો. બાળકને શિસ્તબદ્ધ બનાવવાનો દઢ નિશ્ચય કરી મા-બાપ એક વખતે તે પ્રમાણે વર્તન કરશે એટલે માતાપિતાના આદેશનું પાલન કરવું પડશે એમ બાળક સમજી જશે.
[10] મારી સાથે તું નહીં આવે તો તને મૂકીને ચાલી જઈશ.
એકલો છોડી જવાનો ડર બાળકને ક્યારેય દર્શાવો નહીં. સમગ્ર સમાજરૂપી સાગર પાર કરવા બાળકને મન માતાપિતા અતિશય સલામત આશ્રય સમાન છે. એ આશ્રય વિના તેનું આચરણ પરાવલંબી અને પરાધીન બનશે. શેરીની રમતમાં મશગૂલ બાળકને માબાપે કહેવું જોઈએ, ‘તું જો અત્યારે મારી જોડે નહીં આવે તો મારે તને ઊંચકીને લઈ જવો પડશે.’ જરૂર પડે તો ઊંચકીને લઈ જાઓ પરંતુ તેને નિરાધાર ન મૂકો. બાળકને આનાકાની કરવાની આદત હોય તો તમે તેની પાસેથી શી અપેક્ષા રાખો છો તે અગાઉથી જણાવી દો. દાખલા તરીકે, ‘રમવા માટે તને હવે પાંચ મિનિટ વધુ આપું છું. પાંચ મિનિટ પૂરી થયે તારે મારી સાથે આવવાનું છે.’ આમ કહેશો તો તમારી ઈચ્છા મુજબ પરિણામ આવશે. બાળકને ડારો દેવાની જરૂર નહીં રહે.
બાળકને માઠું લાગે તેવું ક્યારેક કહેવાઈ ગયું હોય તો તેને સારું લગાડવાના અનેક રસ્તા છે. સદભાગ્યે બાળકનું મન મોટું હોય છે. બાળકને ગોદમાં લઈને કહો, ‘મેં ખોટું કહ્યું, નહીં ? ગુસ્સામાં ક્યારેક મારાથી ન બોલવાનું બોલાઈ જાય છે. ભૂલી જા.’ બાળકને આથી નિરાંત થશે. ક્યારેક ગુસ્સામાં કશુંક આડુંઅવળું બોલાઈ ગયું હોય ત્યારે શું કરવું તે પણ તે શીખશે. એક અગત્યનો સિદ્ધાંત મનમાં અગ્રસ્થાને રાખો, ‘બાળકને હમેશાં વહાલ ગમે છે.
(એક અંગ્રેજી લેખ પર આધારિત.)

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...