Monday, January 22, 2018

ગીત-સંગીત


"કોઈ હમનફસ નહીં હૈ, કોઈ રાઝદાં નહીં હૈ
ફકત એક દિલ થા અબ તક સો વો મેહરબાં નહીં હૈ

ઇનહીં પથ્થરો પે ચલ કર અગર આ સકો તો આઓ,
મેરે ઘર કે રાસ્તેમેં કોઈ કહકશાં નહીં હૈ."


એક સાવ સાચી ઘટના છે. એક યુવાન બીમાર પડ્યો. સ્વાભાવિક જ છે કે તે એક હોસ્પિટલમાં દાખલ કરાયો. બીમારી જોકે એવી ગંભીર નહોતી પણ સારવારની કોઈ સારી અસર એના શરીર પર જણાતી નહોતી! ડોક્ટરને સમજાતું નહોતું કે સારામાં સારી દવાની અસર પ્રોપર નિદાન થયા બાદ પણ કેમ નથી થતી? એવામાં ડૉક્ટરે એક વાત નોટિસ કરી કે જ્યારે જ્યારે એ દર્દીની ચેકઅપ માટે વિઝીટ લેતાં ત્યારે એ દર્દીના કાનમાં હેડફોન ભરાવેલાં જ હોય!! એ કંઈ ને કંઈ ગીતો સાંભળતો જ હોય. એટલું જાણ્યા પછી કુતુહલવશ ડોક્ટરે પૂછ્યું, "તું શું સાંભળે છે આમાં?"

જવાબ મળ્યો, "સોંગ્સ !"

ડોકટરે પૂછ્યું, "લાવ, મને ય તારાં આ સોંગ્સનું પ્લેલિસ્ટ જોવા દે! મને પણ સંગીતનો શોખ છે, મારા કામમાં પણ આવે ક્યારેક!" તેમણે જોયું તો પ્લેલિસ્ટમાં તમામ સોંગ્સ સેડ મૂડના જ હતાં!! તેથી ડોક્ટરે તરત કીધું, "અહીં બીમાર છે ત્યારે આવા મૂડના સોંગ્સ તારે ન સાંભળવા જોઈએ. તને ખબર નથી પણ એની પરોક્ષ અસર તારી સારવાર પર થઈ રહી છે! મૂડ સારો રહે એવાજ ગીતો તું સંભાળ. એમ કહી તેનું પ્લેલિસ્ટ ત્યાં ઉભા ઉભા જ ચેન્જ કરાવડાવ્યું!!"

થયું શુ? યુવાને ફક્ત ગીતોની પસંદ બદલી. ને બીજા જ દિવસે એજ સારવારની સારી અસર એના શરીર પર જણાવા લાગી!! હા, માનવામાં ન આવે એવી સાવ સાચી આ વાત છે!

ગીત-સંગીત માણસના જીવન સાથે અતૂટ સંબંધ ધરાવે છે. જન્મતાની સાથે જ હાલરડાંથી બાળકની સંગીત સફર ચાલુ થઈ જાય છે. એક સર્વે મુજબ પ્રત્યેક વ્યક્તિ દિવસમાં એકાદી વખત તો કોઈ એક ગીત ગણગણતો જ હોય છે!! તમે જે ગીત ગણગણો છો, એના વિશે ક્યારેય વિચાર્યું છે કે આ ગીત મને ક્યાંથી યાદ આવ્યું??!! ઘણીવાર એવું પણ થાય કે કોઈ ગીત આપણે સવારે કોઈ એક ગ્રુપમાં (જેમ કે, અમે એક ગુજરાતી ગીત-સંગીત ગ્રુપ ચલાવીએ છીએ તો એમાં રજુ થયું હોય) કે રેડિયામાં કે અન્ય કોઈ પણ માધ્યમથી સાંભળ્યું હોય અને દિવસભર આપણે એને ગણગણ્યા કરીયે છીએ!! કેમ ખરુંને? એનું કારણ એ કે એક તો આપણે એ ગીત ગણગણવું તો હોય જ છે અને બીજું કે એ ગીત આપણી હાથવગું નહીં હવે તો હોઠવગુ થઈ ચૂક્યું હોય છે!!

આપણી લાઈફમાં અમુક ગીતો કોઈક સિચ્યુએશન કે ઘટના જોડે જોડાઈ ચુક્યા હોય છે. જેવા એ ગીત વાગે કે તરત આપણે એ ઘટનાઓ, પ્રસંગો, મિત્રો કે પ્રિયજન આપણી સામે તાદૃશ થતાં જોઈ શકીએ છીએ. ગીતોને મૂડ સાથે સ્પષ્ટ સંબંધ છે. આપનો મૂડ સારો ન હોય ત્યારે સેડ સોંગ્સ ન સાંભળવા જોઈએ. તેનાથી આપણી ઉદાસી બેવડાઈ જાય છે!

ઓસ્ટ્રેલિયાની વેસ્ટર્ન સિડની યુનિવર્સીટી સાથે જોડાયેલી સેન્ડરા ગેરીડોએ આ ઉપર એક રસપ્રદ સંશોધન કર્યું છે! મેન્ટલી ડિસ્ટર્બ કે ડિપ્રેસડ લોકો અમુક પ્રકારના ગીતો સાંભળીને વધુ ડિસ્ટર્બ થયેલા માલુમ પડ્યા હતા! ક્યારે કેવા ગીતો સાંભળવા તેના ઉપર આપણું નિયંત્રણ હોવું જોઈએ. મૂડ સારો હોય તો પણ એ વખતે સારા મૂડના કે રોમેન્ટિક ગીતો જ સાંભળવા જોઇયે, એવું સેન્ડરા કહે છે!

ગીતો સાંભળવાની ને ગાવાની વાત નીકળી છે તો લાવો થોડી વાત  હવે બાથરૂમ સિગિંગની પણ કરી લઈએ. બાથરૂમ સિંગર્સ ઝીંદાદિલ હોય છે, પોતાનામાં મસ્ત હોય છે!! આજની આ સ્ટ્રેસફુલ લાઈફમાં જો એ નાહવા પૂરતો ય મસ્તીમાં રહે તો એ ઉમદા જ છે!! આજના સંગીતના શોખીનો નાહવા જાય ત્યારેય મોબાઈલ જોડે લઈને જ જતા હોય છે અને જો કોઈ સારું ગીત મળી જાય તો શાવર નીચે ડાન્સ પણ કરી લેતા હોય છે!! ગીત અને સંગીત મસ્ત થવા માટે જ હોય છે. અને એમ જ કોઈ ડાન્સ કરવા માંડે કે મન ઝૂમવા માંડે એવું નથી થતું, કૈક તો સંગીતની અસર હોય જ છે!!

જુના ગીતો ગમતા હોય કે નવા, ગઝલ ગમતી હોય કે કવ્વાલી, ગુજરાતી ગીતો પસંદ હોય કે અન્ય ભાષાના, માણસે પોતાના ગમતા ગીત-સંગીત ને સાંભળવા માટે સમય કાઢવો જ જોઈએ!! એ કઈ કારમાં જ સાંભળવાની વસ્તુ નથી! ફક્ત મૂડ અનુરૂપ ગીતોનું સિલેક્શન કરવામાં થોડી તકેદારી રાખવી જોઈએ. 

અને છેલ્લે:

ઉદાસ હોઈએ ત્યારે ભલે ઉદાસ ગીતો કે જગજીતસિંહ ની ઉદાસ ગઝલો ગમતી હોય તોય સાંભળવાનું ટાળવું જોઇયે! ભલે ને પછી પેલા ગીતની પંક્તિમાં કહ્યું હોય, "હે સબસે મધુર વો ગીત જિન્હેં હમ ઉદાસીકે સુર મેં ગાતે હૈ" કે પછી જગજીત ની પેલી ગઝલ જ ન હોય, "તન્હા તન્હા હમ રો લેંગે, મહેફિલ મહેફિલ ગાયેંગે!!" ઉદાસ હોઈએ ત્યારે ઉદાસીમાંથી બહાર નીકળવા માટે, એને ખંખેરવા માટે અને મસ્તીમાં હોવ ત્યારે મસ્ત રહેવા માટે પ્રયત્ન આપણે જ કરવો પડતો હોય છે!

સંકલન: ડો. કાર્તિક શાહ (મૂળ વિચાર: શ્રી કૃષ્ણકાંત ઉનડકટ)

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...